ભજન શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
August 4, 2023 at 11:01 AM by વિવેક · Filed under પુનમતી ચારણ, ભક્તિપદ, ભજન
ભણતી સાં મેં કાનડ કાળા રે, મીઠી મીઠી મોરલીવાળા રે!
પાંચસે તો મુંહે પોઠીડા દેજે, પાંચસે ગોણાળા,
લાંબી બાંયાળો ચારણ દેજે, ત્રિકમ છોગાળા.
ભણતી સાં મેં…
પાંચ તો મુંહે પૂતર દેજે, પાંચેય પાઘાળા,
તે ઉપર એક ધેડી દેજે, આણાત ઘોડાળા.
ભણતી સાં મેં…
કાળિયું ને ઘણી કુંઢીયું દેજે, ગાયુંનાં ટોળાં,
વાંકે નેણ વાઉવારુ દેજે, ઘૂમાવે ગોળા.
ભણતી સાં મેં…
ઊંચી ઓસરીએ ઓરડા દેજે, તલક ગોખાળા,
સરખી સાહેલીનો સાથ દેજે, વાતુંના હિલોળા.
ભણતી સાં મેં…
ગોમતી કાંઠે ગામડું દેજે, જ્યાં અમારો નેહ,
પુનમતી ચારણ વિનવે કાના, માગ્યા વરસે મેહ.
ભણતી સાં મેં…
– પુનમતી ચારણ
પુનમતી ચારણ વિશે કોઈ વિશેષ માહિતી મળી શકી નથી, પણ પદાંતે પુનમતી ચારણ નામ લખ્યું છે એ કવિનું નામ હોવાનું ધારી શકાય. લોકગીતના ઢાળમાં રમતી મજાની રચનામાં શ્રી કૃષ્ણ પાસે કવિ જાતભાતની માંગણીઓ કરે છે. કહે છે, હે મીઠી મીઠી મોરલીવાળા કાળા કાનુડા, મને પાંચસો બળદ આપજે અને પાંચસો ગુણી અનાજ આપજે. સાથે છેલછબીલો ચારણ પતિ તરીકે આપજે. પતિ વળી એને લાંબી બાંયોવાળો જોઈએ છે, મતલબ એના હાથ વધારે લાંબા હોય, જેથી એ મહેનત કરવામાં પાછો ન પડે. પાંચ જુવાનજોધ દીકરા અને એક દીકરી જેનાં સાસરિયાં ઘોડાવાળાં મતલબ સમૃદ્ધ હોય. કાળી ભેંસો અને ટોળાબંધ ગાયો પણ આપજે. સાથે જ કવિ નેણમટક્કા કરી શકે એવી રૂપાળી વહુવારુ પણ માંગે છે, જે આ ગાય-ભેંસોને દોહી શકે, મતલબ ઘરકામમાં પ્રવીણ હોય. મોટું ઘણા ઓરડાવાળું ઘર પણ સર્જક માંગે છે. સાથે જ માંગે છે જેની સાથે વાતોના હિલોળા લઈ શકાય એવી પોતાના ‘સ્ટેટ્સ’ને બરાબર સહેલીઓ. પવિત્ર ગોદાવરી નદીના કાંઠેના ગામડામાં પોતાનો નેસ હોય એવી માંગણી કવિ કરે છે, જેથી કરીને પૂજા-અર્ચનમાં પણ સરળતા રહે. આટલું ઓછું હોય એમ સર્જક માંગ્યા મેહ વરસે એવું વરદાન પણ ઇચ્છે છે, જેથી કરીને આ સુખસમૃદ્ધિને કદી દુષ્કાળ કે પ્રતિકૂળતાનો સામનો કરવાનો ન રહે.
પહેલી નજરે માનવસહજ લોભીવૃત્તિ નજરે ચડે પણ સહેજ વિચારતાં જ સમજાય કે ભક્ત ભગવાન પાસે માંગવા બેસે ત્યારે કૃપણતા શીદ કરવી? ઈશ્વર સાથે દિલનો નાતો હોય ત્યારે જ આટઆટલી માંગ શ્વાસ જેવી સહજતાથી થઈ જાય… ઈશ્વર બધી જ માંગ પૂરી કરશે એ ભરોસો પણ આ પદનો પ્રાણ છે.
Permalink
June 2, 2023 at 12:30 AM by વિવેક · Filed under ભક્તિપદ, ભજન, સરવણ કાપડી
પે’લે પિયાલે ભાંગી દિલની ભ્રાંત મારા વીરા રે!
એવા અજ૨ પિયાલા પૂરા સંત મારા વીરા રે!
અલખ સંતો ભાઈ,
આ રે કાયામાં એક આંબલિયો રે જી
કોયલ કરે છે કલોલ મારા વીરા રે!
સુવાતી કોયલનો સૂર રળિયામણો રે જી… અલખ સંતો ભાઈ.
આ રે કાયામાં એક ધોબી વસે રે જી
સતગુરુ ધૂવે રુદિયાનો મેલ મારા વીરા રે!
વણ રે સાબુ ને વણ પાણીએ રે જી… અલખ સંતો ભાઈ.
આ રે કાયામાં એક હાટડી રે જી
વસ્તુ ભરેલ અણમોલ મારા વીરા રે!
સુગરા હોશે તે વસ્તુ વો’૨શે રે જી… અલખ સંતો ભાઈ.
શીશને સાટે મારો સાયબો રે જી
ને સાયબો મોંઘે મોંઘે મૂલ મારા વીરા રે!
‘સરવણ કાપડી’ એમ બોલિયા રે જી… અલખ સંતો ભાઈ.
– સરવણ કાપડી
આપણી સમૃદ્ધ ભજનિક કવિઓની પરંપરામાં એક ઓછું જાણીતું પણ નોંધપાત્ર નામ સરવણ કાપડીનું પણ છે. સંતગુરુનો મહિમા કરતું આ ભજન સરળ શબ્દોમાં સીધું નિશાન તાકે છે. સત્ગુરુના હાથે જ્ઞાનનો પહેલો પ્યાલો મળતા માત્રમાં તમામ ભ્રમણાઓ પડી ભાંગે છે. ભીતરના આંબામાં વસતી કોયલનો રળિયામણો સૂર ગુરુની મદદ વિના કોણ સાંભળી શકે? સતગુરુ જ સાબુ-પાણી વિના રુદિયાનો મેલ ધોઈ આપશે. ભીતરની હાટડીમાં અણમોલ વસ્તુઓ ભરી પડી છે, પણ એના મોલ માથે ગુરુના આશિષ હોય એવા સુગરા વિના બીજું કોઈ કરી શકનાર નથી. સાહિબને પામવા માટે શિશ ધરી દેવાની તૈયારી હોવી ઘટે, એથી ઓછી કિંમતે સાયબો મળનાર નથી.
Permalink
April 30, 2022 at 12:02 PM by વિવેક · Filed under દાસી જીવણ, ભક્તિપદ, ભજન
સતગુરુએ મુંને ચોરી શિખવાડી
ને જ્ઞાન ગણેશિયો ઘડાયો રે.
પવન રૂપી ઘોડો પલાણ્યો, ઊલટી ચાલ ચલાયો રે,
ગંગા-જમનાના ઘાટ ઉલંઘી, જઈને અલખ ઘરે ધાયો રે…
ધમણ ધમુંકે તિયાં વીજું ચમુંકે, અનહદ નોબત વાગે રે,
ઠારોઠાર ત્યાં જ્યોતું જલત હૈ, ચેતન ચોકીમાંઈ જાગે રે…
સાંકડી શેરી ન્યાં વાટું વસમી, માલમીએં મુંને મૂક્યો રે,
નામની તો નિસ૨ણી કીધી, જઈને ધણીને મો’લે ઢૂક્યો રે…
શીલ સંતોષનાં ખાતર દીધાં, પ્રેમેં પેસારો કીધો રે,
પેસતાંને પા૨સમણિ લાધી, માલ મુગતિ લીધો રે….
આ રે વેળાએઁ હું ઘણું જ ખાટ્યો, માલ પૂરણ પાયો રે,
દાસી જીવણ સત ભીમને ચ૨ણે, મારો ફેરો ફાવ્યો રે…
સતગુરુએ મુંને ચોરી શિખવાડી.
– જીવણ સાહેબ
દુનિયામાં કયા સદગુરુ શિષ્યને ચોરી કરતાં શીખવાડે? ગુરુ તો જ્ઞાન આપે, ઉદ્ધાર અને મોક્ષનો માર્ગ પ્રશસ્ત કરતાં શીખવાડે પણ આ રચના જુઓ… આ એવા ગુરુને છે જે પોતાના શિષ્યને ઘરફોડ ચોરી કઈ રીતે કરવી એનું જ્ઞાન આપે છે… આંચકો લાગે એવી વાત છે ને? દાસી જીવણ કઈ ચોરીની વાત કરે છે એ વિશે વિસ્તારથી જાણવું હોય તો અહીં ક્લિક કરવા વિનંતી છે…
Permalink
December 2, 2021 at 12:33 AM by વિવેક · Filed under કેશવલાલ હરિરામ ભટ્ટ, ગીત, ભક્તિપદ, ભજન
તૂટ્યો મારો તંબૂરાનો તાર–
ભજન અધૂરું રહ્યું ભગવાનનું હો જી. ટેક0
એક તૂટતાં બીજા રે તાર અસાર છે,
જીવાળીમાં નહિ રે હવે જીવ જી;
પારા પડ્યા પોચા રે, નખલિયું નામનું. તૂટ્યો0
તરડ પડી છે મોટી રે, બાતલ તુંબડે,
લાગે નહીં ફૂટી જતાં વાર.
ખૂંટીનું ખેંચાવું રે, કાંઈ કામનું. તૂટ્યો0
કેશવ હરિની કરણી રે કોઈ ન જાણી શકે,
વાણી મન પાછાં વળી જાય,
બલ ચાલે નહિ એમાં રે મહાબલવાનનું. તૂટ્યો0
– કેશવલાલ હરિરામ ભટ્ટ (જન્મ : ૧૮૫૧ – અવસાન : ૧૮૯૬)
કવિને મૃત્યુનો રંજ નથી, પણ શ્વાસ અચાનક પૂરા થઈ જતાં ભગવાનનું ભજન અધૂરું રહી ગયાનો અહેસાસ છે. અહેસાસ છે પણ કોઈ ફરિયાદ નથી. એક જન્મારો પૂરો થતાં બીજો આવશે, એમ લખચોરાસી ફેરાનો આ અવતાર છે, પણ હવે આ તંબુરો વાગી શકે એમ નથી… કવિએ તંબુરાના નાનાવિધ ભાગોને જોડી દઈને ખોટકાઈ ગયેલ જીવનસંગીતને કેવું અદભુત રીતે ચાક્ષુષ કર્યું છે એ જોવા જેવું છે.
જીવાળી –તારનો સ્વર બરાબર નીકળવા તંબૂરામાં ખોસવામાં આવતો રેશમી દોરો, ઝારો
પારો – તંબૂરો સુરેલ બનાવવા રખાતો તારને ભરવેલો મણકો.
નખલિયું – વાદ્ય વગાડતાં આંગળીમાં પહેરવાનું સાધન; નખલી.
બાતલ – નકામું; નિરર્થક; નિરુપયોગી
Permalink
September 12, 2014 at 2:35 AM by વિવેક · Filed under ભજન, માધવપ્રિયસ્વામી
તૂટેલી કલમું ને ભાંગેલા ત્રાજવાં,
. કેમ થાય લેખાં ને જોખાં !
ડૂબી ગઈ પેઢિયું ને લૂંટાયા માલ રામ,
. ખટકે છે ખાલી આ ખોખાં !
સિંહોની બોડ્ય જિયાં રુએ શિયાળ તિયાં,
. કરવા શું કાયરું ના ધોખા !
હંસોનાં રાજ ગયા બગલાનાં કાજ થયા,
. અંદર મેલા ને બા’ર ચોખા !
માનવીના માલખામાં માયાની છાંટ નહીં ,
. માણસ કે જારનાં મલોખાં !
હૈયાની વાત રામ હોઠે લવાય ના,
. માટીના રંગ નિત નોખા !
– માધવપ્રિયસ્વામી
સર્વકાલીન સમાજને ચપોચપ બંધબેસતી વાત…
Permalink
September 13, 2012 at 12:30 AM by વિવેક · Filed under બ્રહ્માનંદ, ભક્તિપદ, ભજન
રે શિર સાટે નટવરને વરીએ, રે પાછાં તે પગલાં નવ ભરીએ
. (ટેક)
રે અંતર દૃષ્ટિ કરી ખોળ્યું, રે ડહાપણ ઝાઝું નવ ડોળ્યું;
. રે હરિ સારુ માથું ઘોળ્યું.
. રે શિરo
રે સમજ્યા વિના નવ નિસરીએ, રે રણ મધ્યે જઈને નવ ડરીએ;
. ત્યાં મુખ પાણી રાખી મરીએ.
. રે શિરo
રે પ્રથમ ચડે શૂરો થઈને, રે ભાગે પાછો રણમાં જઈને;
. તે શું જીવે ભૂંડું મુખ લઈને.
. રે શિરo
રે પહેલું જ મનમાં ત્રેવડીએ, રે હોડે હોડે જુદ્ધે નવ ચડીએ;
. જો ચડીએ તો કટકા થઈ પડીએ.
. રે શિરo
રે રંગ સહિત હરિને રટીએ, રે હાક વાગે પાછા નવ હટીએ;
. બ્રહ્માનંદ કહે ત્યાં મરી મટીએ.
. રે શિરo
– બ્રહ્માનંદ
આશરે ઈ.સ. ૧૮૨૮ થી ૧૮૮૮માં થઈ ગયેલ મધ્યકાલિન ભક્ત-કવિ બ્રહ્માનંદ સ્વામીનું આ જાણીતું પદ છે. એકે લીટીની વાર્તા એટલી જ છે કે પ્રેમ કરવો હોય તો સંપૂર્ણ સમર્પણ જોઈએ, સંપૂર્ણથી ઓછું કશુંય ચાલે નહીં. સમજ્યા વિના હરિ ભજવા નહીં અને એકવાર હરિને વરીએ તો ભલે માથું જાય, પણ પાછી પાની કરવી નહીં એ મતલબ એક પછી એક અંતરામાં કવિ ખરલમાં મેંદી ઘૂંટતા હોય એમ ઘૂંટતા જાય છે…
Permalink
February 24, 2012 at 12:35 AM by વિવેક · Filed under આંડાલ, ભક્તિપદ, ભજન, વિશ્વ-કવિતા, સુરેશ દલાલ
આ માગશરનો મહિનો ને આ પૂર્ણચંદ્રની રાત,
ચલો સખી નાહવાને જઈએ, થઈ જઈએ રળિયાત.
ગોકુળની સુંદર કન્યાઓ ગોકુળનો છે મહિમા,
સજીધજીને ચલો સખી ! પછી જળમાં સરશું ધીમાં.
યશોદાની આંખોનો ઓચ્છવ; વનરાજ, નંદનો છોરો
ઘનશ્યામ દેહ ને કમલનયન એ : નહીં આઘો નહીં ઓરો.
ચહેરો જેનો ચંદ્ર સમો ને બધાંયનું સુખધામ
એ આપણને વરદાન આપશે : સ્તુતિમય સઘળાં કામ.
– આંડાલ
(અનુ. સુરેશ દલાલ)
ભારતીય સંસ્કૃતિના ભક્તકવિઓએ કદી કવિતા કરવા માટે કલમ નથી ઉપાડી પણ ભક્તિ એમના લોહીમાં એવી રીતે ભળી ગઈ હતી કે એમની કલમથી કે જીભેથી નકરી લયબદ્ધ કવિતા ટપકતી. તામિલ કવયિત્રી આંડાલની આ કૃષ્ણભક્તિપ્રેમની કવિતા જેટલી સરળ અને સહજ લાગે છે એટલી જ ઊંડી પણ છે. પ્રભુમિલનની આશા હોય તો કશું પણ અપૂર્ણ ખપે નહીં. માટે જ પૂર્ણચંદ્રની રાત. અને નાહવા જઈએ ત્યારે સામાન્યરીતે આપણે મેલાં કપડાં પહેરીને જતાં હોઈએ છીએ જ્યારે નહાયા પછી ચોખ્ખાં અને નવાં કપડાં ! ખરું ? અહીં જ આંડાલનું ભક્તિપદ કાવ્યત્વ પામે છે. અહીં નહાવા જવાનું છે પણ સજીધજીને. પ્રભુપ્રેમમાં તરબોળ થવા જવું હોય તો જેમ કશું અપૂર્ણ ન ચાલે, એમ જ કશું મેલું કે જૂનું પણ ન ચાલે. બધો મેલ મેલીને જવું પડે અને એમાં ઉતાવળ પણ ન ચાલે… ત્યાં તો ધીમે ધીમે સરવાનું હોય…
Permalink
March 19, 2011 at 1:15 AM by વિવેક · Filed under ભક્તિપદ, ભજન, મીરાંબાઈ
[audio:http://tahuko.com/gaagar/layastaro/Kinu Sang Khelun.mp3]
केनू संग खेलू होली
पिया त्यज गये है अकेली..!
माणिक मोती सब हम छोडे
गले में पहनी सेली
भोजन भवन भलो नही लागे
पिया कारन भयी रे अकेली
मुझे दुरी क्युँ मेली ?
अब तुम प्रीत अवर सु जोडी
हम से करी क्युं पहेली ?
बहु दिन बीते, अजहुन आये,
लग रही ताला वेली
केनु दिल मा ये हेली ?
श्याम बिना जीयडो मुरझावे,
जैसे जल बिन बेली,
मीरा को प्रभू दरसन दिजो
मै तो जनम जनम की चेली
दरस बिना खडी दुहेली…
– મીરાંબાઈ
આજે હોળીના શુભ અવસર પર મીરાંબાઈનું એક અદભુત ભજન લતા મંગેશકરના સ્વરમાં…
(ઑડિયો ટ્રેક સૌજન્ય: મનીષ ચેવલી, સુરત)
Permalink
May 2, 2010 at 12:30 AM by તીર્થેશ · Filed under ગની દહીંવાળા, ભક્તિપદ, ભજન
રે, આ નયનો કામ ન આવ્યાં !
બે દીવડાઓ નિત્ય પ્રકાશી અંધારા સર્જાવ્યાં !
રે, આ નયનો કામ ન આવ્યાં !
રંગ જગતના માણ્યા કિન્તુ રંગ ન પૂરી જાણ્યો,
ઝાકઝમાળે અંજાઈને સાથ મને પણ તાણ્યો;
આગળ રહીને ઊંધા પાટા જીવતરને બંધાવ્યાં !
રે, આ નયનો કામ ન આવ્યાં !
ચેતન સાથે વાત કરી પણ જડને ન આપી વાચા,
જોઈ પરિચિત વાટ પરંતુ,પંથ ન ચીંધ્યા સાચા,
ઊંડે જઈને તેજ-તિમિરના ભેદ નહીં સમજાવ્યા,
રે, આ નયનો કામ ન આવ્યાં !
જોયાં દૂરનાં અજવાળાં પણ, અંતર-જ્યોત ન જોઈ,
ઉંબર-ઉંબર ભટકીને પણ ધામ ન દીઠું કોઈ;
ભિક્ષુક થઈને દ્રષ્ટિરૂપે હાથ બધે લંબાવ્યા !
રે,આ નયનો કામ ન આવ્યાં !
– ગની દહીંવાળા
ઉત્તમ ભજન-કાવ્ય…..
Permalink
December 6, 2009 at 12:30 AM by ઊર્મિ · Filed under ઓડિયો, કરસનદાસ માણેક, ગીત, પ્રાર્થના, ભજન, યાદગાર ગીત
જીવન અંજલિ થાજો,
મારું જીવન અંજલિ થાજો !
ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો,
દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો;
મારું જીવન અંજલિ થાજો !
સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો;
મારું જીવન અંજલિ થાજો !
વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો,
હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો;
મારું જીવન અંજલિ થાજો !
વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો,
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો;
મારું જીવન અંજલિ થાજો !
– કરસનદાસ માણેક
(જન્મ: ૨૮-૧૧-૧૯૦૧, મૃત્યુ: ૧૮-૧-૧૯૭૮)
[audio:http://urmisaagar.com/saagar/audio/jivan-anjali-thajo.mp3]
આખું નામ કરસનદાસ નરસિંહ માણેક અને ઉપનામ ‘વૈશંપાયન’. મુખ્યત્વે કવિ પણ વાર્તા, નિબંધ, ચરિત્ર વગેરે સાહિત્ય સવરૂપોમાં પણ એમણે ઘણું સર્જન કર્યું છે. સોનેટ, અંજનીગીત, ગેયકાવ્ય, મરાઠી સાજી, ખંડકાવ્ય જેવા કાવ્યપ્રકારોને વાહન બનાવીને તેમણે તદઅનુસારી ભાવ, વાણી અને છંદના પ્રયોજનમાં સફળતા મેળવી હતી. કરાંચીમાં જન્મેલા પરંતુ મૂળ જામનગર જિલ્લાના હડિયાણાના વતની અને મુંબઈમાં વસવાટ. અસહકારની ચળવળ વેળાએ જેલવાસ પણ ભોગવેલો. ૧૯૩૯થી ‘જન્મભૂમિ’ના તંત્રીવિભાગમાં. ૧૯૪૮થી જન્મભૂમિ ટ્રસ્ટના ‘નૂતન ગુજરાત’ સામયિકના તંત્રી પણ રહેલા, જે બંધ થઈ જતાં એમણે ‘સારથિ’ સાપ્તાહિક અને પછી ‘નચિકેતા’ માસિક પણ શરૂ કરેલું. ‘વૈશંપાયનની વાણી’ના કાવ્યો ધારદાર વ્યંગપૂર્ણ અભિવ્યક્તિને કારણે ‘જન્મભૂમિ’માં પ્રગટ થતાં હતાં ત્યારથી જ લોકપ્રિય બની ગયાં હતાં. (વધુ વિગતે કવિ પરિચય અહીં વાંચો)
ખૂબ જ જૂજ ગીતો એવા હોય છે કે જે પ્રાર્થનાની કક્ષાએ પહોંચી શકે છે. પ્રાર્થનાની કક્ષાએ પહોંચેલું કવિનું આ ગીત શાળાથી માંડીને છેક મરણપ્રસંગોમાં આજે પણ અચૂક ગવાય છે. પોતાના આખા જીવનને એક અંજલિ તરીકે પ્રભુને સમર્પિત કરી દેવાનો દિવ્ય ભાવ જ આ ગીતને પ્રાર્થનાસમી ઊંચાઈ બક્ષે છે. જીવનમાં માત્ર સારા કાર્યો કરવાની ક્ષમતા જ નહીં, પરંતુ (કુંતામાતાની જેમ) પોતાના પથમાં થોડી અડચણો માંગે છે. અને જો અડચણો આવશે તો એને લીધે ક્યાંક શ્રદ્ધા ખોઈ બેસવાની ભીતિ પણ કવિને છે જ, અને એટલે જ સૌથી મહત્વની વસ્તુ જે કવિ છેલ્લે માંગે છે, એ છે અખૂટ શ્રદ્ધા. ખબર નહીં કેમ, પરંતુ આ ગીત કાયમ મને આપણા ‘ગાંધીબાપુ’ અને એમના જીવનની યાદ અપાવે છે. કવિ અહીં જીવનમાં જેટલું અને જે જે માંગે છે એટલું અને એ બધું જો આપણને ખરેખર મળી જાય (એટલે કે એટલું જો આપણે જીવનમાં ઉતારી શકીએ) તો આપણે પણ જરૂર ‘ગાંધીજી’ બની શકીએ… પરંતુ એટલું સામર્થ્ય હોવું, શું એ જ ગાંધીપણું નથી?!
Permalink
July 3, 2008 at 12:30 AM by વિવેક · Filed under ભજન, ભોજો
ભક્તિ શૂરવીરની સાચી રે, લીધા પછી નહીં મેલે પાછી. (ટેક)
મન તણો જેણે મોરચો કરીને; વઢિયા વિશ્વાસી રે;
કામ-ક્રોધ-મદ-લોભ તણે જેણે ગળે દીધી ફાંસી રે.
. ભક્તિ0
શબ્દના ગોળા જ્યારે છૂટવા લાગ્યા, મામલો ગઢ માચી રે;
કાયર હતા તે કંપવા લાગ્યા, એ તો નિશ્ચે ગયા નાસી રે.
. ભક્તિ0
સાચા હતા તે સન્મુખ ચડ્યા ને, હરિસંગે રહ્યા રાચી;
પાંચ પચીસથી પરા થયા, એક બ્રહ્મ રહ્યા ભાસી રે.
. ભક્તિ0
કર્મના પાસલા કાપી નાખ્યા, ભાઈ ઓળખ્યા અવિનાશી,
અષ્ટ સિદ્ધિને ઈચ્છી નહીં, ભાઈ, મુક્તિ તેની દાસી રે.
. ભક્તિ0
તન-મન-ધન જેણે તુચ્છ કરી જાણ્યાં, અહોનિશ રહ્યા ઉદાસી;
ભોજો ભગત કહે ભડ થયા, એ તો વૈકુંઠના વાસી રે.
. ભક્તિ0
-ભોજો
જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ એમ હિંદુ ધર્મની બે અલગ વિચારધારાઓમાં ભક્તિમાર્ગને વરેલા ભોજા ભગત એને શૂરવીરોનો માર્ગ લેખાવી એ માર્ગે ચડ્યા પછી પાછી પાની ન કરવાની આહલેક આપે છે. ભક્તિ તો એક યુદ્ધ છે જેમાં કામક્રોધાદિ શત્રુઓનો સંહાર કરવાનો છે. ભક્તિયુદ્ધનું વીરરસપૂર્ણ શબ્દચિત્ર આલેખી કવિ કહે છે કે જે સાચા હતા તે જ સામા રહી હરિસંગે રાચી રહ્યા, બાકી કાયરો તો ગઢ ત્યજી ભાગી જ છૂટે છે. પંચ મહાભૂતોના બનેલા આ માટીના શરીરથી પર થઈ જે બ્રહ્મને પામે છે, કર્મના બંધન તોડી નાંખી અવિનાશને ઓળખે છે, કોઈ પ્રકારની સિદ્ધિઓની કામના કરતા નથી એમના માટે મુક્તિ પણ દાસી સમાન સહજ સાધ્ય બની રહે છે. જે સાંસારિક બંધનોને તુચ્છ ગણી અનાસક્ત બની રહે છે તેજ ભડવીર વૈકુંઠ પામે છે.
‘શબ્દના ગોળા’, ‘પાંચ પચીસથી પરા થયા’, ‘કર્મના પાસલા કાપી નાખ્યા’ – જેવા શબ્દપ્રયોગમાં ભોજા ભગતની કાવ્યશક્તિ ઊડીને આંખે વળગે છે.
Permalink
December 10, 2006 at 12:30 AM by ધવલ · Filed under ભજન, શબ્દોત્સવ, હરીશ મીનાશ્રુ
સાધો, તંબૂર પણ તરફડશે
ભજનના એક જ ઘૂંટડા સારુ હરિ ઘૂંટણિયે પડશે.
મદિરા ભેગું મુરશિદ તેં
એવું શું દીધું પાઈ,
સાકી ને સાખીમાં અમને
ભેદ દીસે ના કાંઈ;
ભગતિનો પરસેવો સૂંઘી લીલાપુરુષ લડખડશે.
ખર્યા પાંદ પર દિકપાલે
બેસાડ્યા ચોકીપ્હેરા,
કરે ઠેકડી એક જ હળવી
મલયપવનની લ્હેરા;
ફરી વળગશે દીંટે જો હડફેટે સંતન ચડશે.
– હરીશ મીનાશ્રુ
ગુજરાતી ભક્તિપદોમાં આ અલગ ભાત પાડે એવું આ ભજન છે. એમાં એક તરફ કબીરના પદોની છાયા છે. તો બીજી બાજુ ઉર્દુ ગઝલમાં વપરાતા (મૂરશિદ અને સાકી) અને પ્રાકૃત(મલયપવન) રૂપકોની પણ હાજરી છે.અહીં બહુ passionate ભક્તિની વાત છે. પોતાની જાત માટે તંબૂર શબ્દ વાપર્યો છે. જ્યારે જાતમાં તરફડાટ જાગશે ત્યારે એ એક ભજનને ખાતર હરિના ચરણમાં જઈ પડશે. ગુરુ(મુરશિદ)એ ભક્તિની મદિરા સાથે એવુ શુ પીવડાવી દીધું છે કે હવે સાકી અને સાખી(ઈશ્વરની સાક્ષી)નો ભેદ ભૂંસાતો જાય છે. ભક્તિમાં એટલી જબરજસ્ત મહેનત હશે કે એના પરસેવાની સુંગધથી જ ઈશ્વર પીગળી જશે ! જીવનનું ખરેલું પાંદડું જે પવનમાં ધ્યેયહીન રખડી રહ્યું છે એ જો સંતની હડફેટમાં ચડશે તો ફરી પાછું ડાળ પર પહોંચશે. અહીં શબ્દોની પસંદગી જુઓ – સંતના સમાગમમાં આવવાની વાત ને માટે ‘હડફેટે ચડશે’ એવો મઝાનો અને તળપદો પ્રયોગ કર્યો છે. ફરી ફરી વાંચતા, આ લીસ્સા પથ્થર જેવું ગીત, મનને એક અલગ જ જાતની શાતા આપતું જાય છે.
Permalink