એવા અજર પિયાલા – સરવણ કાપડી
પે’લે પિયાલે ભાંગી દિલની ભ્રાંત મારા વીરા રે!
એવા અજ૨ પિયાલા પૂરા સંત મારા વીરા રે!
અલખ સંતો ભાઈ,
આ રે કાયામાં એક આંબલિયો રે જી
કોયલ કરે છે કલોલ મારા વીરા રે!
સુવાતી કોયલનો સૂર રળિયામણો રે જી… અલખ સંતો ભાઈ.
આ રે કાયામાં એક ધોબી વસે રે જી
સતગુરુ ધૂવે રુદિયાનો મેલ મારા વીરા રે!
વણ રે સાબુ ને વણ પાણીએ રે જી… અલખ સંતો ભાઈ.
આ રે કાયામાં એક હાટડી રે જી
વસ્તુ ભરેલ અણમોલ મારા વીરા રે!
સુગરા હોશે તે વસ્તુ વો’૨શે રે જી… અલખ સંતો ભાઈ.
શીશને સાટે મારો સાયબો રે જી
ને સાયબો મોંઘે મોંઘે મૂલ મારા વીરા રે!
‘સરવણ કાપડી’ એમ બોલિયા રે જી… અલખ સંતો ભાઈ.
– સરવણ કાપડી
આપણી સમૃદ્ધ ભજનિક કવિઓની પરંપરામાં એક ઓછું જાણીતું પણ નોંધપાત્ર નામ સરવણ કાપડીનું પણ છે. સંતગુરુનો મહિમા કરતું આ ભજન સરળ શબ્દોમાં સીધું નિશાન તાકે છે. સત્ગુરુના હાથે જ્ઞાનનો પહેલો પ્યાલો મળતા માત્રમાં તમામ ભ્રમણાઓ પડી ભાંગે છે. ભીતરના આંબામાં વસતી કોયલનો રળિયામણો સૂર ગુરુની મદદ વિના કોણ સાંભળી શકે? સતગુરુ જ સાબુ-પાણી વિના રુદિયાનો મેલ ધોઈ આપશે. ભીતરની હાટડીમાં અણમોલ વસ્તુઓ ભરી પડી છે, પણ એના મોલ માથે ગુરુના આશિષ હોય એવા સુગરા વિના બીજું કોઈ કરી શકનાર નથી. સાહિબને પામવા માટે શિશ ધરી દેવાની તૈયારી હોવી ઘટે, એથી ઓછી કિંમતે સાયબો મળનાર નથી.