યાદોનું કામ પાછું અદ્દલ શરાબ જેવું,
જે જેટલી જૂની લે, એ એટલું જ બહેકે.
- વિવેક મનહર ટેલર

ચોરી – દાસી જીવણ

સતગુરુએ મુંને ચોરી શિખવાડી
ને જ્ઞાન ગણેશિયો ઘડાયો રે.

પવન રૂપી ઘોડો પલાણ્યો, ઊલટી ચાલ ચલાયો રે,
ગંગા-જમનાના ઘાટ ઉલંઘી, જઈને અલખ ઘરે ધાયો રે…

ધમણ ધમુંકે તિયાં વીજું ચમુંકે, અનહદ નોબત વાગે રે,
ઠારોઠાર ત્યાં જ્યોતું જલત હૈ, ચેતન ચોકીમાંઈ જાગે રે…

સાંકડી શેરી ન્યાં વાટું વસમી, માલમીએં મુંને મૂક્યો રે,
નામની તો નિસ૨ણી કીધી, જઈને ધણીને મો’લે ઢૂક્યો રે…

શીલ સંતોષનાં ખાતર દીધાં, પ્રેમેં પેસારો કીધો રે,
પેસતાંને પા૨સમણિ લાધી, માલ મુગતિ લીધો રે….

આ રે વેળાએઁ હું ઘણું જ ખાટ્યો, માલ પૂરણ પાયો રે,
દાસી જીવણ સત ભીમને ચ૨ણે, મારો ફેરો ફાવ્યો રે…

સતગુરુએ મુંને ચોરી શિખવાડી.

– જીવણ સાહેબ

દુનિયામાં કયા સદગુરુ શિષ્યને ચોરી કરતાં શીખવાડે? ગુરુ તો જ્ઞાન આપે, ઉદ્ધાર અને મોક્ષનો માર્ગ પ્રશસ્ત કરતાં શીખવાડે પણ આ રચના જુઓ… આ એવા ગુરુને છે જે પોતાના શિષ્યને ઘરફોડ ચોરી કઈ રીતે કરવી એનું જ્ઞાન આપે છે… આંચકો લાગે એવી વાત છે ને? દાસી જીવણ કઈ ચોરીની વાત કરે છે એ વિશે વિસ્તારથી જાણવું હોય તો અહીં ક્લિક કરવા વિનંતી છે…

2 Comments »

  1. pragnajuvyas said,

    May 1, 2022 @ 6:52 AM

    મા દાસી જીવણનું ખૂબ સુંદર ભક્તિપદ, ભજન
    ડૉ વિવેકજીની ભાવભીનો વિસ્તારથી ખૂબ સ રસ આસ્વાદ ફરી ફરી માણતા ખૂબ જાણવાનુ મળ્યુ.
    ‘કાશ, આપણે પણ આવી ચોરી કરતાં શીખી શકીએ… બે-બે પંક્તિના કાંઠાઓ વચ્ચે સંતકવિએ કેવળ નદી નહીં, જ્ઞાનના આખાને આખા મહાસાગર સમાવી લીધા છે એ સમજાય તો આપોઆપ નતમસ્તક થઈ જવાય એવી આ રચના છે.’
    યાદ આવે છે
    ચોર, ચોર, ચોર

    જ્યાં જ્યાં જુઓ દુનિયામાં, છે ચોરી ચારે કોર
    કોઈ ધન ચોરે, કોઈ મન ચોરે, કોઈ કોઈના ચિત્તનો ચોર

    ચોર, ચોર, ચોર, છે ચોરી ચારે કોર
    ચોર, ચોર, ચોર, છે ચોરી ચારે કોર

    મહિડાં ચોર્યાં, માખણ ચોર્યાં, ચોર્યાં ચિત્ત ચકોર
    ગોપીજનનાં વસ્ત્રો ચોર્યાં, કૃષ્ણ કનૈયો ચોર

    ચોર, ચોર, ચોર, છે ચોરી ચારે કોર
    ચોર, ચોર, ચોર, છે ચોરી ચારે કોર

    કૃષ્ણ-સુદામા વિદ્યા ભણતા- થતાં ભૂખનું જોર
    ભૂખના દુઃખે ચણા ચોરતા, થયા સુદામા ચોર

    ચોર, ચોર, ચોર, છે ચોરી ચારે કોર
    ચોર, ચોર, ચોર, છે ચોરી ચારે કોર

    ઘુંઘટ પટમાં છુપાયેલાં બે ચક્ષુ થાય ચકોર
    પ્રિયદર્શન કરવાને કાજે બને ચતુરા ચોર

    જ્યાં જ્યાં જુઓ દુનિયામાં, છે ચોરી ચારે કોર
    કોઈ ધન ચોરે, કોઈ મન ચોરે, કોઈ કોઈના ચિત્તનો ચોર

    ચોર, ચોર, ચોર, છે ચોરી ચારે કોર
    ચોર, ચોર, ચોર, છે ચોરી ચારે કોર

    કોઈ ઉપરથી, કોઈ ભીતરથી, કોઈ છે દંભીના દોર
    કોઈ શક્તિના, કોઈ બુદ્ધિના, કોઈ યુક્તિના છે ચોર

    ચોર, ચોર, ચોર, છે ચોરી ચારે કોર
    ચોર, ચોર, ચોર, છે ચોરી ચારે કોર

    સુંદર વસ્તુ હરે પારકી, ઓપ ચઢાવે ઓર
    વિચાર ચોરીને વખણાતા, એ કવિ-ચિતારા ચોર

    ચોર, ચોર, ચોર, છે ચોરી ચારે કોર
    ચોર, ચોર, ચોર, છે ચોરી ચારે કોર

    કરમાં માળા લઈને બેસે, મનની માયા ઓર
    બગલા જેવા સંત-મહંત ને ભક્તો મોટા ચોર

    ચોર, ચોર, ચોર, છે ચોરી ચારે કોર
    ચોર, ચોર, ચોર, છે ચોરી ચારે કોર

    સ્વરઃ ચીમનલાલ મારવાડી અને સાથીદારો
    રચનાઃ નાટ્યમહર્ષિ પ્રભુલાલ દ્વિવેદી
    નાટકઃ સાંભરરાજ(૧૯૩૨)

    ક્લીક કરો અને સાંભળોઃ

    (આ અને આવાં અનેક જૂનાં નાટ્યગીતો ગીતો )

  2. PrashantKumar M Purohit said,

    May 2, 2022 @ 7:58 AM

    બસ,અદભુત … ગુરુ બિન ભવનિધી તરઇ ન કોઈ , જો બિરંચી સંકર સમ હોઇ…ગુરુના સાનિધ્યમાં પહોંચી ગયા…હવે નિઃશબ્દ.
    આપનું કાવ્ય રૂપી ગાન એ જ ગુરુ જ્ઞાન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment