બધાયે સ્વાર્થમાં એક જ હિસાબ લાગે છે,
ન આપે સુખ તો ખુદા પણ ખરાબ લાગે છે !
બેફામ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કેશવલાલ હરિરામ ભટ્ટ

કેશવલાલ હરિરામ ભટ્ટ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




તારનું તૂટવું – કેશવલાલ હરિરામ ભટ્ટ

તૂટ્યો મારો તંબૂરાનો તાર–
ભજન અધૂરું રહ્યું ભગવાનનું હો જી. ટેક0

એક તૂટતાં બીજા રે તાર અસાર છે,
જીવાળીમાં નહિ રે હવે જીવ જી;
પારા પડ્યા પોચા રે, નખલિયું નામનું. તૂટ્યો0

તરડ પડી છે મોટી રે, બાતલ તુંબડે,
લાગે નહીં ફૂટી જતાં વાર.
ખૂંટીનું ખેંચાવું રે, કાંઈ કામનું. તૂટ્યો0

કેશવ હરિની કરણી રે કોઈ ન જાણી શકે,
વાણી મન પાછાં વળી જાય,
બલ ચાલે નહિ એમાં રે મહાબલવાનનું. તૂટ્યો0

– કેશવલાલ હરિરામ ભટ્ટ (જન્મ : ૧૮૫૧ – અવસાન : ૧૮૯૬)

કવિને મૃત્યુનો રંજ નથી, પણ શ્વાસ અચાનક પૂરા થઈ જતાં ભગવાનનું ભજન અધૂરું રહી ગયાનો અહેસાસ છે. અહેસાસ છે પણ કોઈ ફરિયાદ નથી. એક જન્મારો પૂરો થતાં બીજો આવશે, એમ લખચોરાસી ફેરાનો આ અવતાર છે, પણ હવે આ તંબુરો વાગી શકે એમ નથી… કવિએ તંબુરાના નાનાવિધ ભાગોને જોડી દઈને ખોટકાઈ ગયેલ જીવનસંગીતને કેવું અદભુત રીતે ચાક્ષુષ કર્યું છે એ જોવા જેવું છે.

જીવાળી –તારનો સ્વર બરાબર નીકળવા તંબૂરામાં ખોસવામાં આવતો રેશમી દોરો, ઝારો
પારો – તંબૂરો સુરેલ બનાવવા રખાતો તારને ભરવેલો મણકો.
નખલિયું – વાદ્ય વગાડતાં આંગળીમાં પહેરવાનું સાધન; નખલી.
બાતલ – નકામું; નિરર્થક; નિરુપયોગી

Comments (2)