અગર શોધશો તો એ મળશે બધામાં,
નહિતર ગણી લેજો પથ્થર નકામા.
વિવેક મનહર ટેલર

(ભણતી સાં મેં કાનડ કાળા રે) – પુનમતી ચારણ

ભણતી સાં મેં કાનડ કાળા રે, મીઠી મીઠી મોરલીવાળા રે!

પાંચસે તો મુંહે પોઠીડા દેજે, પાંચસે ગોણાળા,
લાંબી બાંયાળો ચારણ દેજે, ત્રિકમ છોગાળા.
ભણતી સાં મેં…

પાંચ તો મુંહે પૂતર દેજે, પાંચેય પાઘાળા,
તે ઉપર એક ધેડી દેજે, આણાત ઘોડાળા.
ભણતી સાં મેં…

કાળિયું ને ઘણી કુંઢીયું દેજે, ગાયુંનાં ટોળાં,
વાંકે નેણ વાઉવારુ દેજે, ઘૂમાવે ગોળા.
ભણતી સાં મેં…

ઊંચી ઓસરીએ ઓરડા દેજે, તલક ગોખાળા,
સરખી સાહેલીનો સાથ દેજે, વાતુંના હિલોળા.
ભણતી સાં મેં…

ગોમતી કાંઠે ગામડું દેજે, જ્યાં અમારો નેહ,
પુનમતી ચારણ વિનવે કાના, માગ્યા વરસે મેહ.
ભણતી સાં મેં…

– પુનમતી ચારણ

પુનમતી ચારણ વિશે કોઈ વિશેષ માહિતી મળી શકી નથી, પણ પદાંતે પુનમતી ચારણ નામ લખ્યું છે એ કવિનું નામ હોવાનું ધારી શકાય. લોકગીતના ઢાળમાં રમતી મજાની રચનામાં શ્રી કૃષ્ણ પાસે કવિ જાતભાતની માંગણીઓ કરે છે. કહે છે, હે મીઠી મીઠી મોરલીવાળા કાળા કાનુડા, મને પાંચસો બળદ આપજે અને પાંચસો ગુણી અનાજ આપજે. સાથે છેલછબીલો ચારણ પતિ તરીકે આપજે. પતિ વળી એને લાંબી બાંયોવાળો જોઈએ છે, મતલબ એના હાથ વધારે લાંબા હોય, જેથી એ મહેનત કરવામાં પાછો ન પડે. પાંચ જુવાનજોધ દીકરા અને એક દીકરી જેનાં સાસરિયાં ઘોડાવાળાં મતલબ સમૃદ્ધ હોય. કાળી ભેંસો અને ટોળાબંધ ગાયો પણ આપજે. સાથે જ કવિ નેણમટક્કા કરી શકે એવી રૂપાળી વહુવારુ પણ માંગે છે, જે આ ગાય-ભેંસોને દોહી શકે, મતલબ ઘરકામમાં પ્રવીણ હોય. મોટું ઘણા ઓરડાવાળું ઘર પણ સર્જક માંગે છે. સાથે જ માંગે છે જેની સાથે વાતોના હિલોળા લઈ શકાય એવી પોતાના ‘સ્ટેટ્સ’ને બરાબર સહેલીઓ. પવિત્ર ગોદાવરી નદીના કાંઠેના ગામડામાં પોતાનો નેસ હોય એવી માંગણી કવિ કરે છે, જેથી કરીને પૂજા-અર્ચનમાં પણ સરળતા રહે. આટલું ઓછું હોય એમ સર્જક માંગ્યા મેહ વરસે એવું વરદાન પણ ઇચ્છે છે, જેથી કરીને આ સુખસમૃદ્ધિને કદી દુષ્કાળ કે પ્રતિકૂળતાનો સામનો કરવાનો ન રહે.

પહેલી નજરે માનવસહજ લોભીવૃત્તિ નજરે ચડે પણ સહેજ વિચારતાં જ સમજાય કે ભક્ત ભગવાન પાસે માંગવા બેસે ત્યારે કૃપણતા શીદ કરવી? ઈશ્વર સાથે દિલનો નાતો હોય ત્યારે જ આટઆટલી માંગ શ્વાસ જેવી સહજતાથી થઈ જાય… ઈશ્વર બધી જ માંગ પૂરી કરશે એ ભરોસો પણ આ પદનો પ્રાણ છે.

6 Comments »

  1. Harsha Dave said,

    August 4, 2023 @ 1:09 PM

    વાહ વાહ….મીઠી મીઠી મોરલીના સૂરો જેવી જ મીઠી બાનીમાં લખાયેલું ગી
    નકરી જમાવટ.. મજા પડી ગઈ.
    સર્જક ને અને લયસ્તરો એમ બેઉને ખાસ ધન્યવાદ

  2. Vinod Manek 'Chatak' said,

    August 4, 2023 @ 2:53 PM

    અદભુત તળપદા સાથે, કૃષ્ણ ભક્તિ અને શ્રદ્ધાનું સરસ લોકગીત..

  3. દક્ષા સંઘવી said,

    August 4, 2023 @ 3:48 PM

    ભાવસભર ભક્તિ સાથે પરિવાર્ના સુખ સમૃદ્ધિ માટે ઇશ્વર પાસે શ્રધ્ધા ભાવે કરેલ સ્સ્ત્રીહજ યાચનાની સુંદર્ મધુર્ કાવ્યબાની

  4. pragnajuvyas said,

    August 4, 2023 @ 9:27 PM

    પુનમતી ચારણનુ ભાવસભર ભક્તિપદ, ભજનનો ડૉ વિવેક દ્વારા મધુરો આસ્વાદમા આ વાત’ઈશ્વર સાથે દિલનો નાતો હોય ત્યારે જ આટઆટલી માંગ શ્વાસ જેવી સહજતાથી થઈ જાય… ઈશ્વર બધી જ માંગ પૂરી કરશે એ ભરોસો પણ આ પદનો પ્રાણ છે.’વધુ ગમી
    પુનમતી ચારણ વિનવે કાના, માગ્યા વરસે મેહ. ભણતી સાં મેં… લોકગીત અને લોકઢાળના ગીત વચ્ચે તાત્વિક ભેદ હોય છે. લોકગીતમાં કોઈનું નામાચરણ ન આવે કેમ કે એના રચયિતાનું નામ કોઈ જાણતું નથી હોતું. કોઈ અજ્ઞાત સર્જકે સૌનાં અંતરમનને સ્પર્શી જાય એવું કોઈ ગીત રચીને, નામનો મોહ રાખ્યા વિના સમાજને ખોળે ધરી દીધું હોય ને પછી એમાં સુધારા-વધારા થતા જાય ને એ રચના લોકહૈયે વસીને સદીઓ સુધી ગવાય એ લોકગીત. એનાથી થોડું અલગ, કોઈ સર્જક ઢાળ સહિતની બાબતે લોકગીતની સરખામણીએ ઊભું રહે એવું ગીત રચે જેમાં નામાચરણ એટલે કે પોતાનું નામ રાખે અથવા એ રચના એના નામે વહેતી રહે એ લોકઢાળનું ગીત. ‘ભણતી સાં મેં કાનડ કાળા રે
    આ ભજન અનેકોએ ગાયા છે .આ માણો

  5. Poonam said,

    August 8, 2023 @ 5:11 PM

    ગોમતી કાંઠે ગામડું દેજે, જ્યાં અમારો નેહ,
    પુનમતી ચારણ વિનવે કાના, માગ્યા વરસે મેહ.
    ભણતી સાં મેં…Aahaa !
    – પુનમતી ચારણ

    Aaswad swadishth sir ji !

  6. Tanu patel said,

    August 9, 2023 @ 8:57 PM

    પુનમતી ચારણ.. કૃષ્ણ ભક્તિનું મઝાનું ગીત….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment