મોભાનો રંગ – બાબુ નાયક
માંડ ચડી મોભારે મેં તો ગળે ગાળિયો નાખ્યો રે;
જીવતરના જંતરનો તંતુ, હાય! અસૂરો ભાખ્યો રે.
પડ્યા પટારે પાનેતરના
સળ હજુ ના ભાંગ્યા રે;
કેસરિયાળાં કાંડાં અમને
અડવાં અડવાં લાગ્યાં રે.
બોરડિયાં આંસુડાં કેવાં, દલડે દરિયો દાખ્યો રે;
માંડ ચડી મોભારે મેં તો ગળે ગાળિયો નાખ્યો રે.
મેંદલડીની ભાત્યુંમાં હું
અધરાઈ અટવાઈ રે;
મોડબંધણાં છૂટ્યાં આજે
વેલડ શું વીંટળાઈ રે?
હડફ કરીને ઊતરી હેઠી, મોભાનો રંગ રાખ્યો રે;
માંડ ચડી મોભારે મેં તો ગળે ગાળિયો નાખ્યો રે.
– બાબુ નાયક
લયસ્તરો પર કવિના સંગ્રહ ‘ઝાકળભીનો સૂરજ’નું હૃદયપૂર્વક સ્વાગત…
દકિયાનૂસી વિષયોમાં કેદ ગીતકવિતાને ક્યારેક આવા અલગ વિષયોનું આકાશ સાંપડતું જોવામાં આવે તો કેવી રાહત થાય! ઘર આખાની છત જેના આધારે ટકી હોય એ મોભારા પર જ દોરડું બાંધીને નવપરિણીતા આત્મહત્યા કરવા માટે તૈયાર થઈ છે એ વિરોધાભાસ ગીતના પ્રારંભને વધુ ધારદાર બનાવે છે. જીવનયંત્રનો તાર અસૂરો વાગી રહ્યો છે. કેમ એ તો નાયિકા કહેતી નથી. કવિતા આમેય જવાબ આપવા બંધાયેલી નથી હોતી. પણ કડવી વાસ્તવિક્તા એ છે કે પટારામાં જે પાનેતર મૂકાયું છે એના સળ હજી પૂરા ભંગાયા નથી, મતલબ દામ્પત્યજીવનનું આકાશ હજી મધ્યાહ્નનો પ્રકાશ જોવાથી વંચિત છે. કાંડેથી મહેંદીનો રંગ પણ હજી ઊડ્યો નથી, તોય એ અડવાં લાગવા માંડ્યાં છે. દરિયા જેવું દુઃખ બોર જેવાં આંસુઓમાં ટપકી રહ્યું છે.
આત્મહત્યાનું વિજ્ઞાન એમ કહે છે કે આવેશમાં આવીને જીવ લેવા તૈયાર થયેલ વ્યક્તિ આવેશની એક પળ કોઈક રીતે જીરવી જાય તો એ કદાચ આત્મહત્યા કરવાનું માંડી વાળે. અણી ચૂક્યો વરસો જીવે. અહીં પણ કંઈક એવી જ પરિસ્થિતિ છે. મેંદીની ભાત અને માથેથી તાજેતરમાં જ છોડેલ મોડ વેલની જેમ વીંટળાઈ વળતાં આપઘાતનો વિચાર ત્યાગીને નવોઢા મોભાનો રંગ રાખતી હડફ કરતીકને નીચે ઉતરી આવે છે.
કરુણતા અને લાચારીની આસપાસ ગૂંથાયેલ આ રચના એના હેપ્પી એન્ડિંગના કારણે કદાચ વધુ હૃદયંગમ થઈ છે.
Rakesh Thaker said,
January 25, 2025 @ 12:33 PM
જોરદાર અભિવ્યક્તિ..નવોઢાના ભાંગેલા નવ કલ્પનો આશા સ્વોનોને મોભારે ચડાવી…ને ઘડીકમાં હેઠા લાવવાની લય બદ્ધ પંક્તિઓ દિલને અજવાળે એવી
Ramesh Maru said,
January 25, 2025 @ 12:46 PM
વાહ…અદ્દભુત.
આસ્વાદ પણ એટલો જ મજાનો.
આવાં ગીત આપણી ભાષાનાં આભૂષણો સમાન છે.
વ્રજેશ મિસ્ત્રી said,
January 25, 2025 @ 12:48 PM
વાહહ.. બાબુભાઈ.. વિરલ વિષય પર સરસ રચના
Shailesh gadhavi said,
January 25, 2025 @ 2:49 PM
Waah
Mita mewada said,
January 25, 2025 @ 3:36 PM
હ્રદય સોંસરવી ઉતરી જાય એવી રચના
Dhruti Modi said,
January 26, 2025 @ 4:45 AM
ગીતની શરુઆત નવોધાના મનમાં ભમતા આપઘાતના વિચારો ભાવકને પણ વ્યથિત કરે છે . પણ કવિએ અંત સારો કર્યો છે! નવવધૂ કંઈક લાંબું વિચારી નીચે ઉતરી જાય છે અંત સારો તો બધું સારું !


વિજયસિંહ ચાવડા said,
January 27, 2025 @ 11:48 AM
સુંદર ગીત. ગીત ના તળપદી શબ્દો ગીતને વધારે હ્દયસ્પશીઁ બનાવે છે
ગીતનો ઉઠાવ,લય, વિષય અને ગુંથણી સુંદર છે. અભિનંદન
ડંકેશ ઓઝા said,
January 29, 2025 @ 7:08 PM
કવિએ કે કવિતાએ ભલે અદાલતમાં જવાબો નથી આપવાના પણ કોઈક દૂર દૂરનો સંકેત આપઘાત ન કરવા પાછળનો કવિતામાંથી પ્રચ્છન્નપણે પ્રગટવો તો જોઈએ એમ મારું માનવું થાય છે.