બાબુ નાયક શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
May 16, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગીત, બાબુ નાયક
આટલો સંદેશ કોઈ સૂરજને કહેજો કે
આજ પછી આકરો ન થાજે,
આખ્ખુંય આયખું જ્યાં ધગધગતું હોય
ત્યારે દાઝ્યા પર ડામ કેમ છાજે ?
આટલો સંદેશ…
ધસમસતાં હોય જ્યાં નદીઓનાં નીર
લાગે નકશામાં ચીતરેલા લીટા,
પહાડો પણ હિમ જેમ ઓગળતા જાય
જાણે ધરતીમાં ધરબાયા ખીંટા
આભલાએ આભવટો લીધો કે કેમ નથી એનો અણસાર કાંઈ આજે.
આટલો સંદેશ..
લબકારા લેતી આ લૂખીલચ જીભડીઓ
જડબામાં સાવ થઈ જૂઠી,
તરફડતાં તરસ્યાનાં ટોળાઓ એકદમ
શ્વાસોથી હાય રહ્યાં છૂટી.
તારી આ બળબળતી કાયાને ઠાર,
જઈ દરિયામાં ડૂબકીઓ ખાજે,
આટલો સંદેશ…..
– બાબુ નાયક
ઉનાળો આવે ને સૂરજ આકરો થવા માંડે… આભમાંથી લૂ વરસાવતા સૂરજ અને ઉનાળાની અનેક રચનાઓથી આપણી ભાષા સમૃદ્ધ થઈ છે. પ્રસ્તુત રચના આ રચનાઓની અડોઅડ બેસી શકે એવી બળૂકી થઈ છે. ધગધગતા આયખાના તાપ ઉપર સૂરજનો તાપ કવિને દાઝ્યા પર ડામ જેવો અસહ્ય લાગે છે. આમ તો કવિ ઇચ્છે એની સાથે સીધો સંવાદ સાધી શકે, પણ અહીં એ કોઈક સાથે સંદેશો પાઠવે છે. કારણ? આયખાની દાઝતી-દઝાડતી પળોજણોમાંથી ઘડીભરનોય અવકાશ સાંપડતો ન હોય તો સીધો સંવાદ કઈ રીતે કરી શકાય? એટલે જ સૂરજને કહેવા માટેની વાત સીધી સૂરજને કહેવાના બદલે જેની પાસે સમય અને પહોંચ બંને હોય એવી કોઈ વ્યક્તિ સૂરજ સુધી પોતાનો સંદેશો પહોંચાડી દે એવી અબળખા કવિ વ્યક્ત કરે છે. ગીતનો બીજો બંધ સામાન્ય થયો છે, પણ પહેલો બંધ તો એકદમ અદભુત થયો છે. સૂકાઈ ગયેલી નદીઓ નક્શાના લીટાઓ જેવી થઈ જાય અને બરફ પીગળતા ઊંચાઈ ગુમાવી બેસતા હિમશિખરો ધરતીમાં ધરબાતા જતા ખીંટાઓ જેવા લાગે એ કલ્પન કવિએ બહુ સ-રસ રીતે રજૂ કર્યું છે. આભે આભવટો લીધો હોવાની શંકા પણ એવી જ બળકટ છે.
Permalink
January 25, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગીત, બાબુ નાયક

માંડ ચડી મોભારે મેં તો ગળે ગાળિયો નાખ્યો રે;
જીવતરના જંતરનો તંતુ, હાય! અસૂરો ભાખ્યો રે.
પડ્યા પટારે પાનેતરના
સળ હજુ ના ભાંગ્યા રે;
કેસરિયાળાં કાંડાં અમને
અડવાં અડવાં લાગ્યાં રે.
બોરડિયાં આંસુડાં કેવાં, દલડે દરિયો દાખ્યો રે;
માંડ ચડી મોભારે મેં તો ગળે ગાળિયો નાખ્યો રે.
મેંદલડીની ભાત્યુંમાં હું
અધરાઈ અટવાઈ રે;
મોડબંધણાં છૂટ્યાં આજે
વેલડ શું વીંટળાઈ રે?
હડફ કરીને ઊતરી હેઠી, મોભાનો રંગ રાખ્યો રે;
માંડ ચડી મોભારે મેં તો ગળે ગાળિયો નાખ્યો રે.
– બાબુ નાયક
લયસ્તરો પર કવિના સંગ્રહ ‘ઝાકળભીનો સૂરજ’નું હૃદયપૂર્વક સ્વાગત…
દકિયાનૂસી વિષયોમાં કેદ ગીતકવિતાને ક્યારેક આવા અલગ વિષયોનું આકાશ સાંપડતું જોવામાં આવે તો કેવી રાહત થાય! ઘર આખાની છત જેના આધારે ટકી હોય એ મોભારા પર જ દોરડું બાંધીને નવપરિણીતા આત્મહત્યા કરવા માટે તૈયાર થઈ છે એ વિરોધાભાસ ગીતના પ્રારંભને વધુ ધારદાર બનાવે છે. જીવનયંત્રનો તાર અસૂરો વાગી રહ્યો છે. કેમ એ તો નાયિકા કહેતી નથી. કવિતા આમેય જવાબ આપવા બંધાયેલી નથી હોતી. પણ કડવી વાસ્તવિક્તા એ છે કે પટારામાં જે પાનેતર મૂકાયું છે એના સળ હજી પૂરા ભંગાયા નથી, મતલબ દામ્પત્યજીવનનું આકાશ હજી મધ્યાહ્નનો પ્રકાશ જોવાથી વંચિત છે. કાંડેથી મહેંદીનો રંગ પણ હજી ઊડ્યો નથી, તોય એ અડવાં લાગવા માંડ્યાં છે. દરિયા જેવું દુઃખ બોર જેવાં આંસુઓમાં ટપકી રહ્યું છે.
આત્મહત્યાનું વિજ્ઞાન એમ કહે છે કે આવેશમાં આવીને જીવ લેવા તૈયાર થયેલ વ્યક્તિ આવેશની એક પળ કોઈક રીતે જીરવી જાય તો એ કદાચ આત્મહત્યા કરવાનું માંડી વાળે. અણી ચૂક્યો વરસો જીવે. અહીં પણ કંઈક એવી જ પરિસ્થિતિ છે. મેંદીની ભાત અને માથેથી તાજેતરમાં જ છોડેલ મોડ વેલની જેમ વીંટળાઈ વળતાં આપઘાતનો વિચાર ત્યાગીને નવોઢા મોભાનો રંગ રાખતી હડફ કરતીકને નીચે ઉતરી આવે છે.
કરુણતા અને લાચારીની આસપાસ ગૂંથાયેલ આ રચના એના હેપ્પી એન્ડિંગના કારણે કદાચ વધુ હૃદયંગમ થઈ છે.
Permalink