'તું’પણાનાં ખેતરોમાં એ જ લહલહનાર છે,
જે સમયસર ‘હું’પણાની વાડ ઓળંગી ગયો.
વિવેક ટેલર

આટલો સંદેશ – બાબુ નાયક

આટલો સંદેશ કોઈ સૂરજને કહેજો કે
આજ પછી આકરો ન થાજે,
આખ્ખુંય આયખું જ્યાં ધગધગતું હોય
ત્યારે દાઝ્યા પર ડામ કેમ છાજે ?
આટલો સંદેશ…

ધસમસતાં હોય જ્યાં નદીઓનાં નીર
લાગે નકશામાં ચીતરેલા લીટા,
પહાડો પણ હિમ જેમ ઓગળતા જાય
જાણે ધરતીમાં ધરબાયા ખીંટા
આભલાએ આભવટો લીધો કે કેમ નથી એનો અણસાર કાંઈ આજે.
આટલો સંદેશ..

લબકારા લેતી આ લૂખીલચ જીભડીઓ
જડબામાં સાવ થઈ જૂઠી,
તરફડતાં તરસ્યાનાં ટોળાઓ એકદમ
શ્વાસોથી હાય રહ્યાં છૂટી.
તારી આ બળબળતી કાયાને ઠાર,
જઈ દરિયામાં ડૂબકીઓ ખાજે,
આટલો સંદેશ…..

– બાબુ નાયક

ઉનાળો આવે ને સૂરજ આકરો થવા માંડે… આભમાંથી લૂ વરસાવતા સૂરજ અને ઉનાળાની અનેક રચનાઓથી આપણી ભાષા સમૃદ્ધ થઈ છે. પ્રસ્તુત રચના આ રચનાઓની અડોઅડ બેસી શકે એવી બળૂકી થઈ છે. ધગધગતા આયખાના તાપ ઉપર સૂરજનો તાપ કવિને દાઝ્યા પર ડામ જેવો અસહ્ય લાગે છે. આમ તો કવિ ઇચ્છે એની સાથે સીધો સંવાદ સાધી શકે, પણ અહીં એ કોઈક સાથે સંદેશો પાઠવે છે. કારણ? આયખાની દાઝતી-દઝાડતી પળોજણોમાંથી ઘડીભરનોય અવકાશ સાંપડતો ન હોય તો સીધો સંવાદ કઈ રીતે કરી શકાય? એટલે જ સૂરજને કહેવા માટેની વાત સીધી સૂરજને કહેવાના બદલે જેની પાસે સમય અને પહોંચ બંને હોય એવી કોઈ વ્યક્તિ સૂરજ સુધી પોતાનો સંદેશો પહોંચાડી દે એવી અબળખા કવિ વ્યક્ત કરે છે. ગીતનો બીજો બંધ સામાન્ય થયો છે, પણ પહેલો બંધ તો એકદમ અદભુત થયો છે. સૂકાઈ ગયેલી નદીઓ નક્શાના લીટાઓ જેવી થઈ જાય અને બરફ પીગળતા ઊંચાઈ ગુમાવી બેસતા હિમશિખરો ધરતીમાં ધરબાતા જતા ખીંટાઓ જેવા લાગે એ કલ્પન કવિએ બહુ સ-રસ રીતે રજૂ કર્યું છે. આભે આભવટો લીધો હોવાની શંકા પણ એવી જ બળકટ છે.

13 Comments »

  1. Harihar Shukla said,

    May 16, 2025 @ 9:54 AM

    વાહ, સરસ ગીત, સરસ આસ્વાદ👌

  2. Mukur Petrolwala said,

    May 16, 2025 @ 11:28 AM

    સુંદર

  3. Raman Vaghela said,

    May 16, 2025 @ 11:42 AM

    ઉષ્ણતાસભર ગીત રચના.
    પ્રત્યેક અંતરાની આગવી છટા.
    કવિને અભિનંદન .

  4. Ramesh Maru said,

    May 16, 2025 @ 11:46 AM

    વાહ…ખૂબ સરસ ગીત…

  5. Vrajesh said,

    May 16, 2025 @ 12:16 PM

    Wah… બાબુભાઇ

  6. Sharmistha said,

    May 16, 2025 @ 12:16 PM

    સરસ ગીત.. સરસ કલ્પન.

  7. જયેશ ભટ્ટ said,

    May 16, 2025 @ 2:07 PM

    પ્રત્યેક અંતરા મસ્ત, સરસ ગીત,

  8. જયેશ ભટ્ટ said,

    May 16, 2025 @ 2:07 PM

    સરસ ગીત,

  9. જયેશ ભટ્ટ said,

    May 16, 2025 @ 2:08 PM

    સુંદર ગીતનો સુંદર આસ્વાદ, અભિનંદન

  10. Kishor Ahya said,

    May 16, 2025 @ 3:39 PM

    તારી આ બળબળતી કાયાને ઠાર,
    જઈ દરિયામાં ડૂબકીઓ ખાજે,
    આટલો સંદેશ…
    કાવ્યની બધી પંક્તિઓ મૌલિકતાથી ભરપૂર અને ખુબજ સરસ શબ્દરચના વણેલી છે. શ્રી બાબુભાઈ ને આવું સુંદર કાવ્ય આપવા બદલ ખૂબ અભિનંદન. “ઝાકળભીનો સૂરજ ‘ શ્રી બાબુભાઈ નાયકના કાવ્ય સંગ્રહ .માંથી લીધેલ એક કાવ્ય ‘મોભાનો રંગ ‘ પણ માણવા જેવું કાવ્ય છે (Jan.25 બ્લોગ)

    ‘આટલો સંદેશ ‘કાવ્યનો આસ્વાદ વિવેકભાઈ એ ખૂબ જ સરસ કરાવ્યો છે.

    🌹🌹

  11. Asmita shah said,

    May 16, 2025 @ 5:52 PM

    કેવુ પડે.. ..સરસ કલ્પનો

  12. રાહુલ તુરી said,

    May 17, 2025 @ 4:31 PM

    વાહ..સરસ ગીત

  13. રિયાઝ લાંગડા (મહુવા) said,

    July 20, 2025 @ 3:24 PM

    વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment