(અજવાળાં અમને પહેરાવો) – ગૌરાંગ ઠાકર
આપ અજવાળાં અમને પહેરાવો,
દૂર રહીને સૂરજ ન બતલાવો.
કોઈ બોલે નહીં તો બોલાવો,
એમને એમનામાં લઈ આવો.
કોઈ વેળા તો કોઈને એમ જ,
કોઈ કારણ વગર મળી આવો.
એકલા ટોચ પર શું કરશો, યાર?
એક બે જણને પણ ઉપર લાવો.
આપણા જેવું કોઈ છે જ નહીં,
એમ લાગે તો કૈંક બદલાવો.
એક કેવળ હૂંફાળું સ્મિત દઈ,
દુશ્મનાવટને થોડી શરમાવો.
આપ નિષ્પક્ષ છો તો એમ કરો,
કોઈ એકાદ યુદ્ધ અટકાવો.
– ગૌરાંગ ઠાકર
મેઘધનુષ જેવા સપ્તરંગી સાત શેર! દૂરનું ડહાપણ કવિને મંજૂર નથી. ડહાપણ આપવું જ છે? તો આવો, અને પ્રત્યક્ષજ્ઞાન કરાવો, અન્યથા દૂર રહીને સૂરજ બતાવી આંગળી ચીંધ્યાનું પુણ્ય કમાવાનું માંડી વાળો. પોતાના જીવનમાં કોઈ અર્થહીન ચંચુપાત ન કરે એ બાબતે તો કવિ સાબદા છે જ, પણ સાથોસાથ એ સામી વ્યક્તિ તરફ સમ-વેદના પણ એવી જ ધરાવે છે. કોઈ બોલતું ન હોય તો એમને સામે જઈને બોલાવવા કવિ આહ્વાન આપે છે. આખરે તો સમ-વાદ જ સ્વયંનો સાક્ષાત્કાર કરવાની ખરી કૂચી છે ને! ત્રીજો શેર વાંચતાવેંત નિરંજન ભગતનું ‘લાવો તમારો હાથ, મેળવીએ’ કાવ્ય યાદ આવ્યા વિના રહેતું નથી. એકલપંડે ઉન્નતિનું શિખર આંબવાના બદલે અન્યોને પણ પ્રગતિ સાધવામાં મદદ કરવાની અપીલ પણ સ્પર્શી જાય એવી છે. આપણે દુનિયામાં એકમાત્ર અને અનન્ય હોવાનો સુપિરિયારિટી કોમ્પ્લેક્ષ મનમાં ઘર કરી જાય ત્યારે કોઈ પણ ભોગે પગ ધરતી ઉપર જ રાખવાની શીખ તો સૌ કોઈએ ગાંઠે બાંધી રાખવા જેવી છે.
gaurang thaker said,
January 17, 2025 @ 12:38 PM
ખૂબ આભાર વિવેકભાઈ..
Mayur Koladiya said,
January 17, 2025 @ 12:39 PM
યે બાત કવિ…. એકાદ યુદ્ધ અટકાવો
Dipak peshvani said,
January 17, 2025 @ 12:41 PM
વાહ વાહ.. યુદ્ધ કા જવાબ નહીં.. બહોત ઉમદા ગઝલ..
Yogesh Samani said,
January 17, 2025 @ 12:47 PM
અફલાતૂન ગઝલ 👌 બધા શેર મસ્ત. આનંદ 🎉
Parbatkumar nayi said,
January 17, 2025 @ 12:47 PM
વાહ વાહ વાહ
ખૂબ શુભેચ્છાઓ ગૌરાંગભાઈ
R.B RATHOD said,
January 17, 2025 @ 12:48 PM
વાહ વાહ
સુષમ પોળ said,
January 17, 2025 @ 12:54 PM
ખૂબ સુંદર ગઝલ
“એકલા ટોચ પર શું કરશો, યાર?”
કેવી સુંદર નિખાલસતા? વાહ!!
સાવ સરળ શબ્દોની કેટલી વ્યાપકતા??….💐💐
સુનીલ શાહ said,
January 17, 2025 @ 1:22 PM
સાધ્યંત સુંદર ગઝલ
Shailesh Pandya Nishesh said,
January 17, 2025 @ 2:08 PM
વાહ.. ગમતાં કવિની ગમતીલી રચના…
Pragna vashi said,
January 17, 2025 @ 3:49 PM
ખૂબ જ સરસ ગઝલ
દરેક શેર સરસ બન્યાં છે.
અભિનંદન ગૌરાંગભાઈ.
શૈલેશ ગઢવી said,
January 17, 2025 @ 6:06 PM
વાહ વાહ
Mamta Pandya said,
January 17, 2025 @ 10:15 PM
વાહ!કારણ વગર મળવું,.selflessly 👏
Varij Luhar said,
January 17, 2025 @ 10:55 PM
Waah
Vrajesh said,
January 17, 2025 @ 11:02 PM
સરળ અને ચોટદાર