ક્ષિતિજ – રવીન્દ્ર પારેખ
વાત તો આટલી જ હતી
કે આપણે મળીએ
પણ ન મળ્યાં
વચ્ચે કેટલાં બધાં ફૂલો ખીલ્યાં
કેટલાં બધાંએ
એ
એકબીજાને આપ્યાં
કેટલું બધું પાણી હેતની જેમ વહ્યું
ને
કેટલાં બધાંએ એકબીજાને પાયું
કેટલાં બધાંએ એકબીજાનાં સપનાં જોયાં
ને એકબીજાને બતાવ્યાં
કેટલાં બધાંએ આશ્લેષમાં લઈ એકબીજાનું આકાશ ભર્યું
સૂર્ય એક જ હતો
પણ દરેકના સૂર્યોએ એકબીજાને હૂંફ આપી
ચંદ્ર પણ એકબીજાને
ચાંદની આપતો રહ્યો
કેટલી બધી ઋતુઓ એકબીજા વચ્ચે બદલાઈ
આટલું બધું થયું
વચ્ચે
પણ આપણે ન મળ્યાં
એક પણ વાર…
– રવીન્દ્ર પારેખ
કવિતાના શીર્ષક ‘ક્ષિતિજ’ પરથી ખ્યાલ આવે કે આકાશ અને ધરતીની જેમ ક્ષિતિજે ભેગા થયેલ ભાસતા પણ સદાકાળ એકબીજાથી અળગા જ રહેવાનું જેમના ભાગ્યમાં નિર્માયું હશે એવા બે પ્રિયજનની આ વાત છે. રચના તો સાવ સરળ છે, પણ જે મજા છે એ વાતની પ્રસ્તુતિ અને માવજતમાં છે. પ્રકૃતિના અહર્નિશ ફર્યે રાખતા ઋતુચક્રમાંથી જ કવિએ કેટલાક ઘટકત્ત્વોની પસંદગી કરી છે પણ નદીનું પાણી હેતની જેમ વહી જાય કે એકમેકને આશ્લેષમાં લઈ એકબીજાનું આકાશ ભરવાની વાત જેવી ભાષાની અનૂઠી સારવારના કારણે રચનામાં કાવ્યત્વ ઘટ્ટ બન્યું છે. સરવાળે, વાંચવા બેસીએ તો અડધી મિનિટથીય ઓછા સમયમાં વંચાઈ જાય પણ વાંચી લીધા બાદ અડધો દિવસ ચિત્તતંત્રમાં રણઝણ થયે રાખે એવી છે આ કવિતા…
gaurang thaker said,
January 23, 2025 @ 12:26 PM
વાહ વાહ વાહ… ખૂબ જ સરસ કાવ્ય ને આસ્વાદ
Ramesh Maru said,
January 23, 2025 @ 3:00 PM
વાહ… અદ્દભૂત…
આસ્વાદ પણ એટલો સુંદર.
Pragna vashi said,
January 23, 2025 @ 3:29 PM
ખૂબ સરસ રચના અને સરસ આસ્વાદ
ખૂબ અભિનંદન
સુનીલ શાહ said,
January 23, 2025 @ 3:42 PM
વાહ.. ખૂબ સરસ
Dhruti Modi said,
January 24, 2025 @ 4:49 AM
ધરતી અને આકાશના મિલનની વાત! એક ના થઈ શક્યા ! એ દુ:ખની વાત !
ધરતી કો આકાશ પુકારે
આજા આજા પ્રેમ કુંવારે
આના હી હોગા……
શૈલેશ ગઢવી said,
January 24, 2025 @ 5:37 PM
વાહ વાહ
Varij Luhar said,
February 3, 2025 @ 12:19 AM
વાહ.. ખૂબ સરસ