ઘસાતાં ઘસાતાં મળ્યો ઓપ અંતે,
સ્વીકાર્યો પછી તો ઘસારાનો જાદુ.
પારુલ ખખ્ખર

(ઓછું પડ્યું) – જગદીપ નાણાવટી

આંસુમાં ખારાપણું ઓછું પડ્યું,
ખુદ મને મારાપણું ઓછું પડ્યું.

કંઈક તો ખૂટતું હતું તસ્વીરમાં,
શી ખબર તારાપણું ઓછું પડ્યું.

ઓટ શ્રધ્ધામાં હતી મારી જ, કે
તસ્બીનું પારાપણું ઓછું પડ્યું?

એમ ખંજર પીઠ પસવારે નહીં…
ક્યાંક તો સારાપણું ઓછું પડ્યું!

એક ચોથો જણ જનાજે ના જડ્યો,
આખરે યારાપણું ઓછું પડ્યું…

– જગદીપ નાણાવટી

ગુજરાતી કાવ્યાકાશમાં તબીબ કવિઓનો તોટો નથી. જેતપુરના ડૉ. જગદીપ નાણાવટી પણ એમ.ડી. મેડિસીનની પદવી ધરાવે છે અને મારા પ્રિય કવિઓમાંના એક છે. એ મને પ્રિય છે પણ એ કારણે નહીં કે અમે બંને સમાન તબીબી લાયકાત ધરાવીએ છીએ, એ કારણે કે એમની પાસે જે મૌલિકતાનો ચમકારો છે એ બહુ ઓછા કવિઓ પાસે જોવા મળે છે. કલ્પન-નાવીન્ય અને અરુઢ વાતોથી શેરની માંડણી કરવાની એમની પાસે કદાચ જન્મજાત આવડત છે. વર્ષોથી એ રોજ મને ગઝલો મોકલે છે અને હું દિલથી વાંચું છું. એમની મોટાભાગની ગઝલોના મોટાભાગના શેર પહેલ પાડ્યા વિનાના સાચા હીરા જેવા હોય છે. થોડું વિશેષ કવિકર્મ, થોડી કવાયત, થોડો વ્યાયામ અને થોડી ધીરજ ધરવામાં આવે તો કવિ અગ્રિમ હરોળમાં સ્થાન અંકે કરી શકે એમ મને કાયમ અનુભવાયું છે. પણ કવિએ કદાચ બાળાશંકરને વધુ પડતા ગંભીરતાથી લઈ લીધા છે- ‘નિજાનંદે રહેજે બાલ, મસ્તીમાં મજા લેજે!’

8 Comments »

  1. Bharat Vinzuda said,

    January 16, 2025 @ 11:48 AM

    વાહ ગઝલ અને આસ્વાદ પણ.

  2. Dr.B.N.Thacker said,

    January 16, 2025 @ 1:47 PM

    Being a batch mate of Dr. NANAVATI,I get privileged to read him,to listen him on daily basis.He is one of the rare multifaceted doctors we are lucky to have in our M,B;B,S batch.

  3. Ramesh Maru said,

    January 16, 2025 @ 1:53 PM

    વાહ…સુંદર ગઝલ.

  4. ફક્ત તરૂણ. આહા. આહા said,

    January 16, 2025 @ 2:16 PM

    સોળ પડે ત્યાં સુંધી પીઠ થાબડે રાખું
    ગદ્-ગદ્ થઇ જવાય એટલા શબ્દાભિનંદન
    લા-સવાલ

    તરૂણ

  5. નિરેન said,

    January 16, 2025 @ 2:16 PM

    વાહ બહુજ સરસ ગમ્યું
    પણ માણવા માં ઓછું પડ્યું

  6. ફક્ત તરૂણ. આહા. આહા said,

    January 16, 2025 @ 2:16 PM

    સોળ પડે ત્યાં સુંધી પીઠ થાબડે રાખું
    ગદ્-ગદ્ થઇ જવાય એટલા શબ્દાભિનંદન
    લા-સવાલ

    તરૂણ

  7. ડૉ.જગદીપ નાણાવટી said,

    January 16, 2025 @ 2:48 PM

    આભાર વિવેકભાઈ….અને સર્વે ભાવક મિત્રો…

  8. વ્રજેશ મિસ્ત્રી said,

    January 16, 2025 @ 3:53 PM

    સારાપણું… કા જવાબ નહિ..!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment