ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે,
જુલિયસ સિઝરની પીઠનું ખંજર તપાસ કર.
હેમેન શાહ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કરસનદાસ માણેક

કરસનદાસ માણેક શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




હરિ, હું તો એવું જ માગું મોત! – કરસનદાસ માણેક

એવું જ માગું મોત,
.                  હરિ, હું તો એવું જ માગું મોત!

આ થયું હોત ને તે થયું હોત, ને જો પેલું થયું હોત,
અંત સમે એવા ઓરતડાની હોય ન ગોતાગોત!
.                           હરિ, હું તો એવું જ માગું મોત!

અંતિમ શ્વાસ લગી આતમની અવિરત ચલવું ગોતઃ
ઓતપ્રોત હોઉં આપ મહીં જ્યારે ઊડે પ્રાણ-કપોત!
.                           હરિ, હું તો એવું જ માગું મોત!

કાયાની કણીકણીથી પ્રગટે એક જ શાન્ત સરોદઃ
જોજે રખે પડે પાતળું કદીયે આતમ કેરું પોત!
.                           હરિ, હું તો એવું જ માગું મોત!

ઘનવન વીંધતાં ગિરિગણ ચડતાં, તરતાં સરિતા સ્ત્રોતઃ
સન્મુખ સાથી જનમજનમનોઃ અંતર ઝળહળ જ્યોત!
.                           હરિ, હું તો એવું જ માગું મોત!

– કરસનદાસ માણેક

જીવનના બે અફર અંતિમો – જન્મ અને મરણ. બેમાંથી એકેય પર આપણી મનમરજી ચાલતી નથી એટલે આ બે અંતિમ વચ્ચેની જિંદગી આપણે કેવી જીવીએ છીએ એ જ અગત્યનું છે. જિંદગી સારી રીતે અને સંતોષપૂર્વક જીવ્યાં હોઈએ તો અંત ટાણે આ કે પેલું થયું હોત કે કર્યું હોતવાળા ઓરતાઓની ભૂતાવળ પજવે નહીં. છેલ્લા શ્વાસ સુધી પરમ-આતમની અવિરત શોધ ચાલુ રહે અને પ્રાણપંખેરું ઊડે એ સમયે પણ પોતે હરિસ્મરણમાં જ ઓતપ્રોત હોય એવું મૃત્યુ કવિ ઈશ્વર પાસે માંગે છે. અસ્તિત્ત્વ આખું શાતાનું સંગીત બની રહે એ જ એમની આરત છે. ઝાડીજંગલ-નદી-પર્વત એમ સંસારમાં કવિ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એમણે પરમેશ્વરને પોતાના જન્મોજનમના સાથી તરીકે સદૈવ સન્મુખ જ અનુભવ્યા છે. મૃત્યુ ક્યારે અને કઈ રીતે આવશે એ તો કોઈ કહી કે કળી શકતું નથી, પણ માણસ કેવા મૃત્યુની આશા રાખે છે એના પરથી એ કેવું જીવન જીવતો કે જીવ્યો હશે એની પ્રતીતિ અવશ્ય થઈ શકે છે. કવિએ મુખડાની પંક્તિઓમાં જે પ્રાસ વાપર્યો છે એ જ પ્રાસપ્રયોજન ગીતના ચારેય અંતરામાં કર્યું હોવાથી ગીતનું નાદસૌંદર્ય પણ ઓર દીપી ઊઠ્યું છે.

Comments (6)

માતૃમહિમા : ૦૧ : જ્યોતિધામ – કરસનદાસ માણેક

(મંદાક્રાન્તા)

મેં ગ્રન્થોમાં જીવનપથનાં સૂચનો ખોળી જોયાં;
ને તીર્થોનાં મલિન જળમાં હાડકાં બોળી જોયાં;
અંધારામાં દ્યુતિ કિરણ એકાર્ધ યે પામવાને
મંદિરોનાં પથર પૂતળાં ખૂબ ઢંઢોળી જોયાં;
સન્તો કેરા કરગરી કરી પાદ પ્રક્ષાલી જોયા;
એકાન્તોના મશહૂર ધનાગાર ઉઘાડી જોયા;
ઊંડે ઊંડે નિજ મહીં સર્યો તેજકણ કામવાને,
વિશ્વે વન્દ્યા, પણ, સકલ ભન્ડાર મેં ખોલી જોયા!

ને આ સર્વે ગડમથલ નીહાળતાં નેણ તારાં
વર્ષાવંતા મુજ ઉપર વાત્સલ્ય પીયૂષધારા.
તેમાં ન્હોતો રજ પણ મને ખેંચવાનો પ્રયાસ,
ન્હોતો તેમાં અવગણનના દુ:ખનો લેશ ભાસ!
જ્યોતિ લાધે ફકત શિશુને એટલી ઉરકામ:
મોડી મોડી ખબર પડી, બા, તું જ છો જ્યોતિધામ!

– કરસનદાસ માણેક

લયસ્તરોની સત્તરમી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે માતૃમહિમાની શરૂઆત કરસનદાસ માણેકના આ સૉનેટથી કરીએ.

જીવનના ગૂઢતમ રહસ્યો ઉકેલવા માટે, જ્ઞાનનો પ્રકાશ પામવાને માટે મનુષ્ય જીવનભર મથતો રહે છે. ગ્રંથો ઉથલાવ્યે રાખે છે, તીર્થોના મેલા પાણીમાં સ્નાનાદિ કરે છે, મંદિરોના આંટાફેરા કરે છે, સંતોનું શરણું સેવે છે, એકાંતવાસમાં જાતને જોવા-પામવાની કોશિશ કરે છે, દુનિયામાં વખણાયેલ ભીતરના સઘળા ભંડાર પણ ખોલી જુએ છે, પણ ક્યાંય ઇચ્છિત તેજકણ કે જ્ઞાનપ્રાપ્તિ થતી નથી.

દીકરાનો આ વૃથા વ્યાયામ, આ ગડમથલ માની આંખોથી છાનો રહેતો નથી. એ કેવળ પ્રેમામૃત વર્ષાવ્યા કરે છે અને એમાં નથી હોતો સંતાનને પોતાના તરફ ખેંચવાની સ્વાર્થવૃત્તિ કે નથી હોતી પોતાની થઈ રહેલી અવગણનાના કારણે અનુભવાતા દુઃખનો સહેજે ભાસ. એની તો દિલી ઇચ્છા એ જ રહે છે કે પોતાના બાળકને જ્યોતિ લાધે… પણ સંતાનને મોડે મોડે રહીરહીને ખબર પડે છે જે એની મા જ ખરું જ્યોતિધામ છે…

માતૃમહિમા કરતી કેટલીક રચનાઓ લયસ્તરો પર પહેલેથી જ છે, એટલે એનું પુનરાવર્તન ન કરવાનું નિર્ધાર્યું છે. ગુજરાતી સાહિત્યની એ અમર રચનાઓ આપ અહીં ફરીથી માણી શકો છો:

જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ. – દામોદર ખુ. બોટાદકર
વળાવી બા આવી – ઉશનસ્
આંધળી માનો કાગળ – ઇન્દુલાલ ગાંધી

આ સિવાય પણ કેટલીક ઉમદા રચનાઓ અહીં માણી શકાશે…

મા-અશોક ચાવડા ‘બેદિલ’
બાળકોના વોર્ડમાં એક માતા – વાડીલાલ ડગલી
બા – મૂકેશ જોશી
ઠાકોરજી – મા – હસમુખ પાઠક
પ્રેમને કારણો સાથે – વિપિન પરીખ
મા – સંદીપ ભાટિયા
ગઝલ – કિશોર બારોટ
મમ્મીને – ઉષા એસ. (અનુ. વિવેક મનહર ટેલર)

Comments (5)

છે ? – કરસનદાસ માણેક

છે પ્રજા
.         સત્તાય છે
.         પણ ક્યાં
.         પ્રજાસત્તાક છે ?

– કરસનદાસ માણેક

સોંસરવો ઉતરી જાય પણ પરાણે સહન કરવો જ પડે એવો પાયાનો પ્રશ્ન. દેશને પ્રજાસત્તાક જાહેર થયાને ૬૮ વર્ષ થયાં… બીજા ૬૮ વીતશે એ પછી પણ આ પ્રશ્ન બદલાય એવું હાલ તો જણાતું નથી…

Comments (3)

હું, માશૂક, બદલતો રહું છું ! – કરસનદાસ માણેક

હું, માશૂક, બદલતો રહું છું !
એક જ રૂપ સદૈવ નિહાળી
રખે જાય હુંથી કંટાળી
એ બીકે તરફડતો રહું છું !
હું, માશૂક, બદલતો રહું છું !

.       કદી વૈરાગી, કદી વિલાસી,
.       કદી વૈભવરત, કદી ઉપવાસી,
.       કદી પરિતૃપ્ત, કદી ચિરપ્યાસી,
.       કદી અત્યાગ્રહી, કદી ઉદાસી,
.       કદી અધૂરો, કદી છલતો રહું છું !
.      હું, માશૂક, બદલતો રહું છું !

.                કદી મિલનમાં પણ રહું ઠાલો,
.                કદી વિરહમાં પણ મતવાલો,
.                કદી ગંભીર, કદી અતિ કાલો,
.                કદી સુક્કો, કદી લહેરી લાલો,
.                કદી ટાઢો, કદી જલતો રહું છું !
.                હું, માશૂક, બદલતો રહું છું !

.                          હું ચાંદો, સખિ, તું મુજ ધરતી,
.                          વધુઘટું રંગ તારો વરતી :
.                          આરતી બનીને તારા ફરતી
.                          પ્રદક્ષિણા પ્રીતિ મુજ કરતી !
.                          તૃપ્ત તોય ટળવળતો રહું છું !
.                          હું, માશૂક, બદલતો રહું છું !

– કરસનદાસ માણેક

Variety is the essence of life… અહીં માશૂક એટલે ઇશ્વર એ તો તરત જ સમજાઈ જાય છે પણ આપણી ભાષામાં અલ્પવિરામનું મહત્વ કેટલું છે એ પણ જોવા જેવું છે… અહીં વાત રોજ-રોજ માશૂકને બદલવાની નથી પણ પોતાનું એકનું એક રૂપ જોઈને માશૂક કંટાળી-ધરાઈ ન જાય એ માટે જાતને બદલવાની છે. પણ અલ્પવિરામ ચૂકી જવાય તો અર્થનો અનર્થ થઈ શકે… જો કે ઘણાંને રોજ-રોજ માશૂક બદલવાનો ઓપ્શન વધુ પસંદ આવ્યો હશે !!

Comments (3)

અંગત અંગત : ૧૪ : વાચકોની કલમે – ૧૦

પાણી વહે તો પથ્થરો કોરાય નહીં તોય ભીના તો જરૂર થાય. કવિતા પણ ક્યારેક કોરે પણ ભીંજવે કાયમ. ગૌરાંગ ઠાકરની ગઝલો આંખ મીંચીને કોઈ બીજાના અવાજમાં સાંભળવાની થાય તોય ખ્યાલ આવી જાય કે આ ગૌરાંગ ઠાકરની કલમ છે. એમની રચનાઓમાં ખાસ એમની જ શૈલીમાં ઈશ્વર અને પ્રકૃતિ કેમ ડોકાતા રહે છે એનું રહસ્ય આજે આપણને ખબર પડશે…

જીવન અંજલિ થાજો
મારું જીવન અંજલિ થાજો,

ભૂખ્યા કાજે ભોજન બનજો
તરસ્યાનું જળ થાજો
દીનદુઃખિયાના આંસુ લ્હોતા
અંતર કદી ન ધરાજો……મારું જીવન

સતની કાંટાળી કેડી પર
પુષ્પ બની પથરાજો;
ઝેર જગતના જીરવી જીરવી
અમૃત ઉરના પાજો…….મારું જીવન

વણથાક્યા ચરણો મારા
નિત તારી સમીપે ધાજો
હૈયાના પ્રત્યેક સ્પન્દને
તારું નામ રટાજો……….મારું જીવન

વમળોની વચ્ચે નૈયા મુજ
હાલક ડોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો
ના કદીયે ઓલવાજો……મારું જીવન.

– કરસનદાસ માણેક

ગુજરાતી કવિતાની પ્રતિષ્ઠિત વેબ સાઈટ લયસ્તરો ડોટ કોમ એની સ્થાપનાના છ વર્ષની ઉજવણી કરી રહી છે ત્યારે તેના તમામ સંચાલક મિત્રોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને તેના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા વ્યક્ત કરું છું.

મારી વાત કરું તો મારા માટે આ પ્રશ્ન ખરેખર મુંઝવણ ઉભો કરતો પ્રશ્ન રહ્યો કારણ કે ગુજરાતી ભાષાની કંઈ કેટલીય કવિતાઓ મને સ્પર્શી છે અને મારા જીવનને વળાંક પણ આપ્યો છે, તેમાં માત્ર એક કવિતાની વાત હું કઈ આંગળીને કાપું ને લોહી ના નીકળે એવી વાત છે.તેમ છતાં જીવનના પ્રારંભિક કાળમાં શાળામાં ગવાતી આ કવિતા જીવન અંજલિ થાજો… મને ખૂબ ગમી હતી. આ પ્રાર્થના ગીતના બંધારણને મળતી છે એ તો પછીથી જાણ થઈ અને મારા આનંદનો પાર ન રહ્યો. અને જાણ્યું કે જે કવિતા પ્રાર્થના થઇ જાય તે સાચી કવિતા. પછી તો ભણવામાં કલાપીની આપની યાદી ગઝલ ભણ્યો,ને કવિતા તરફની મારી આ માન્યતા વધુ મજબુત થઇ અને આજે પણ હું જીવનના કપરા સંજોગોમાં આ કવિતાઓ ઉપરાંત ‘અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઇ જા’ કે ‘નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના’ વાંચું કે સાંભળું તો જીવવાનું બળ મળી રહે છે. આમ કવિતાએ મારા માટે ઈશ્વર આરાધનાનું સ્થાન લીધું છે અને ત્યાર પછીની મારી કવિતાઓમાં પણ મેં મારી ઈશ્વર પ્રીતિ અને પ્રકૃતિ પ્રેમ વણવાનો પ્રયાસ કર્યો છે.

– ગૌરાંગ ઠાકર

Comments (7)

એક દિન હતો… – કરસનદાસ માણેક

એક દિન હતો, એક પળ હતી, એક આંખડી ચંચળ હતી,
ને પ્રાણના ઉપવન વિશે ઊર્મિ-નદી ખળખળ હતી,
ને જે પરાયાં થઈ પડ્યાં’તાં દૂરની ભૂમિ પરે,
રે, તેમને સૌને નજીકમાં આણવાની કળ હતી !
એક દિન હતો, એક પળ હતી !

તે દિન ગયો, તે પળ ગઈ, તે આંખડી ચંચળ ગઈ,
તે ઊર્મિઓ ગળગળ ગઈ, તે જિંદગી વિહ્વળ ગઈ;
યૌવન ગયું, ઉપવન ગયું, જીવન ગયું, નન્દન ગયું,
નર્તન ગયું, કીર્તન ગયું : બાકી હવે ક્રન્દન રહ્યું !
એક દિન હતો, એક પળ હતી !

– કરસનદાસ માણેક

શબ્દો ચંચળ ગોઠવણી, મોહક લય અને વિરોધાભાસને કારણે આકર્ષક આ ગીત, શંકર મહાદેવન-જાવેદ અખ્તરના ગીત બ્રેથલેસની યાદ અપાવે છે.

Comments (10)

જીવો ને જીવવા દ્યો ! – કરસનદાસ માણેક

નાની શી હોડલીની લલિત ગતિ રૂંધે લંગરો જંગી જેમ;
ખેંચાયે જેમ ભારી દીપકવજનથી પૃથ્વી પ્રત્યે પતંગો;
ઓચિંતા ને અકાળે અચિર જીવી ખરી જેમ કાળે શમાય
ચિંતાની ઝેરી ફૂંકે સ્વપ્નરુચિર આદર્શ કેરા તરંગો;
વૃત્તિ ગંભીર અંતર્મુખ,હરિણસમા ઉરના તરવરાટો
દાબી,પીડી,રીબાવી,રણભૂમિ કરી દે આત્મ લીલાંગનાનો;
નાની શી બંસરીમાં હઠ કરી કવિ કોઈ મહાકાવ્ય ઠાંસી
બંસીની,કાવ્યની ને નિજ જીવનનીયે વ્યર્થ વ્હોરે ખુવારી !

તેવી ભાસે મને કદીક જીવન સાર્થક્યની સર્વ વાતો:
ડાહી ડાહી સલાહો મથી મથી ગ્રહવા વિશ્વના સૌ પદાર્થો !
ધર્મોની ધાંધલો ને અરથ અવરથા,કીચ્ચડો કામના યે,
પોલી લાગે મને તો-મર સહુ સ્તવતા-મોક્ષની નામના યે !

શાના ઉદ્દેશ,શાની ફરજ ? સરજી સૌ આપદા અર્થહીણી;
જીવો અને જીવવા દ્યો મરણ લગણ આ જિંદગી ચાર દિ’ની !

– કરસનદાસ માણેક

ઘણીવાર સ્પષ્ટ દેખાતું હોય છે કે આદર્શોની વાતો વાસ્તવિકતાથી કેટલી અળગી હોય છે ! અસ્તિત્વવાદ ઘણીવાર મન ઉપર આધિપત્ય જમાવી દેવામાં સફળ થતો લાગે છે ! મોક્ષ જેવું ખરેખર કંઈ છે ખરું કે પછી તે પણ એક વધુ મૃગજળ જ છે ?

Comments (6)

યાદગાર ગીતો :૦૩: જીવન અંજલિ થાજો – કરસનદાસ માણેક

જીવન અંજલિ થાજો,
મારું જીવન અંજલિ થાજો !

ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો,
દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો;
મારું જીવન અંજલિ થાજો !

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો;
મારું જીવન અંજલિ થાજો !

વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો,
હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો;
મારું જીવન અંજલિ થાજો !

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો,
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો;
મારું જીવન અંજલિ થાજો !

– કરસનદાસ માણેક

(જન્મ: ૨૮-૧૧-૧૯૦૧, મૃત્યુ: ૧૮-૧-૧૯૭૮)

[audio:http://urmisaagar.com/saagar/audio/jivan-anjali-thajo.mp3]

આખું નામ કરસનદાસ નરસિંહ માણેક અને ઉપનામ ‘વૈશંપાયન’.  મુખ્યત્વે કવિ પણ વાર્તા, નિબંધ, ચરિત્ર વગેરે સાહિત્ય સવરૂપોમાં પણ એમણે ઘણું સર્જન કર્યું છે. સોનેટ, અંજનીગીત, ગેયકાવ્ય, મરાઠી સાજી, ખંડકાવ્ય જેવા કાવ્યપ્રકારોને વાહન બનાવીને તેમણે તદઅનુસારી ભાવ, વાણી અને છંદના પ્રયોજનમાં સફળતા મેળવી હતી.  કરાંચીમાં જન્મેલા પરંતુ મૂળ જામનગર જિલ્લાના હડિયાણાના વતની અને મુંબઈમાં વસવાટ. અસહકારની ચળવળ વેળાએ જેલવાસ પણ ભોગવેલો.  ૧૯૩૯થી ‘જન્મભૂમિ’ના તંત્રીવિભાગમાં. ૧૯૪૮થી જન્મભૂમિ ટ્રસ્ટના ‘નૂતન ગુજરાત’ સામયિકના તંત્રી પણ રહેલા, જે બંધ થઈ જતાં એમણે ‘સારથિ’ સાપ્તાહિક અને પછી ‘નચિકેતા’ માસિક પણ શરૂ કરેલું.  ‘વૈશંપાયનની વાણી’ના કાવ્યો ધારદાર વ્યંગપૂર્ણ અભિવ્યક્તિને કારણે ‘જન્મભૂમિ’માં પ્રગટ થતાં હતાં ત્યારથી જ લોકપ્રિય બની ગયાં હતાં. (વધુ વિગતે કવિ પરિચય અહીં વાંચો)

ખૂબ જ જૂજ ગીતો એવા હોય છે કે જે પ્રાર્થનાની કક્ષાએ પહોંચી શકે છે.  પ્રાર્થનાની કક્ષાએ પહોંચેલું કવિનું આ ગીત શાળાથી માંડીને છેક મરણપ્રસંગોમાં આજે પણ અચૂક ગવાય છે.  પોતાના આખા જીવનને એક અંજલિ તરીકે પ્રભુને સમર્પિત કરી દેવાનો દિવ્ય ભાવ જ આ ગીતને પ્રાર્થનાસમી ઊંચાઈ બક્ષે છે. જીવનમાં માત્ર સારા કાર્યો કરવાની ક્ષમતા જ નહીં, પરંતુ (કુંતામાતાની જેમ) પોતાના પથમાં થોડી અડચણો માંગે છે. અને જો અડચણો આવશે તો એને લીધે ક્યાંક શ્રદ્ધા ખોઈ બેસવાની ભીતિ પણ કવિને છે જ, અને એટલે જ સૌથી મહત્વની વસ્તુ જે કવિ છેલ્લે માંગે છે, એ છે અખૂટ શ્રદ્ધા.  ખબર નહીં કેમ, પરંતુ આ ગીત કાયમ મને આપણા ‘ગાંધીબાપુ’ અને એમના જીવનની યાદ અપાવે છે.  કવિ અહીં જીવનમાં જેટલું અને જે જે માંગે છે એટલું અને એ બધું જો આપણને ખરેખર મળી જાય (એટલે કે એટલું જો આપણે જીવનમાં ઉતારી શકીએ) તો આપણે પણ જરૂર ‘ગાંધીજી’ બની શકીએ… પરંતુ એટલું સામર્થ્ય હોવું, શું એ જ ગાંધીપણું નથી?!

Comments (7)

ખુદાની રહેમત – કરસનદાસ માણેક

હજુ વરસાદભીની ધરતીની ખુશબૂ ગમે છે,
રહેમત છે ખુદાની: જીવતો છું, તું ગમે છે !
ગમે બુઢઢા સમુદ્રોને જિગર ભરતી અજંપો
શરદની ચાંદની ને દિલતણું ઝૂરવું ગમે છે !

– કરસનદાસ માણેક

આપણા જેવા માણસો ખુદાની કૃપામાં કંઈ કેટલીય ચીજોની આશા રાખે છે. જ્યારે કવિને મન તો પોતાનું હ્રદય લાગણીથી સભર છે એ હકીકત જ ખુદાની સૌથી મોટી રહેમત છે. માત્ર ચાર પંક્તિઓમાં કવિએ બહુ મોટા ગજાની વાત અહીં ખૂબ નાજુક રીતે મૂકી છે.

Comments (4)

સમજાતું નથી -કરસનદાસ માણેક

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !

ટળવળે તરસ્યાં, ત્યહાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે !

ઘરહીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર :
ને ગગનચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે !

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના :
લાખ ખાંડી લૂંટનારા મહેફીલે મંડાય છે !

કામધેનુને મળે ના એક સૂકું તણખલું,
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !

છે ગરીબોના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું,
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે !

– કરસનદાસ માણેક

Comments (4)