હરિ, હું તો એવું જ માગું મોત! – કરસનદાસ માણેક
એવું જ માગું મોત,
. હરિ, હું તો એવું જ માગું મોત!
આ થયું હોત ને તે થયું હોત, ને જો પેલું થયું હોત,
અંત સમે એવા ઓરતડાની હોય ન ગોતાગોત!
. હરિ, હું તો એવું જ માગું મોત!
અંતિમ શ્વાસ લગી આતમની અવિરત ચલવું ગોતઃ
ઓતપ્રોત હોઉં આપ મહીં જ્યારે ઊડે પ્રાણ-કપોત!
. હરિ, હું તો એવું જ માગું મોત!
કાયાની કણીકણીથી પ્રગટે એક જ શાન્ત સરોદઃ
જોજે રખે પડે પાતળું કદીયે આતમ કેરું પોત!
. હરિ, હું તો એવું જ માગું મોત!
ઘનવન વીંધતાં ગિરિગણ ચડતાં, તરતાં સરિતા સ્ત્રોતઃ
સન્મુખ સાથી જનમજનમનોઃ અંતર ઝળહળ જ્યોત!
. હરિ, હું તો એવું જ માગું મોત!
– કરસનદાસ માણેક
જીવનના બે અફર અંતિમો – જન્મ અને મરણ. બેમાંથી એકેય પર આપણી મનમરજી ચાલતી નથી એટલે આ બે અંતિમ વચ્ચેની જિંદગી આપણે કેવી જીવીએ છીએ એ જ અગત્યનું છે. જિંદગી સારી રીતે અને સંતોષપૂર્વક જીવ્યાં હોઈએ તો અંત ટાણે આ કે પેલું થયું હોત કે કર્યું હોતવાળા ઓરતાઓની ભૂતાવળ પજવે નહીં. છેલ્લા શ્વાસ સુધી પરમ-આતમની અવિરત શોધ ચાલુ રહે અને પ્રાણપંખેરું ઊડે એ સમયે પણ પોતે હરિસ્મરણમાં જ ઓતપ્રોત હોય એવું મૃત્યુ કવિ ઈશ્વર પાસે માંગે છે. અસ્તિત્ત્વ આખું શાતાનું સંગીત બની રહે એ જ એમની આરત છે. ઝાડીજંગલ-નદી-પર્વત એમ સંસારમાં કવિ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એમણે પરમેશ્વરને પોતાના જન્મોજનમના સાથી તરીકે સદૈવ સન્મુખ જ અનુભવ્યા છે. મૃત્યુ ક્યારે અને કઈ રીતે આવશે એ તો કોઈ કહી કે કળી શકતું નથી, પણ માણસ કેવા મૃત્યુની આશા રાખે છે એના પરથી એ કેવું જીવન જીવતો કે જીવ્યો હશે એની પ્રતીતિ અવશ્ય થઈ શકે છે. કવિએ મુખડાની પંક્તિઓમાં જે પ્રાસ વાપર્યો છે એ જ પ્રાસપ્રયોજન ગીતના ચારેય અંતરામાં કર્યું હોવાથી ગીતનું નાદસૌંદર્ય પણ ઓર દીપી ઊઠ્યું છે.
Pragnaju said,
August 31, 2023 @ 6:05 AM
કવિશ્રી કરસનદાસ માણેકનુ ખૂબ સુંદર ગીત ‘એવું જ માગું મોત’
ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
હર ક્ષણે મૃત્યુ અને હર ક્ષણે નવો જન્મ – સતત વર્તમાનમાં જીવાતું જીવન. ભુતકાળની કોઈ ભુતાવળો નહીં કે, નહીં અજાણ્યા ભવિષ્યનાં રહસ્યો, એમનો ડર–મૃગજળ જેવી, વાંઝણી આકાંક્ષાઓ. જ્યારે આમ જીવન જીવાય છે, ત્યારે એ જનમ જનમનો સાથી અને આપણી વચ્ચે કોઈ ભેદ રહેતો નથી.અદ્વૈત અનુભવાય છે.
અહીં મરવાની રીતની વાત છે – અને તે જીવન જીવવાની રીત સાથે સુસંગત છે. ‘જીવન જીવવાની કળા’ શીખવી જાય છે – વાત ભલે મરણની હોય.મનુષ્યને જેમ સાચી -સારી રીતે જીવતાં આવડવું જોઈએ એમ એવી રીતે જ મરતાં આવડવું જોઈએ, મનમાં કશા દગદગા વગર …!!
ઘનવન વીંધતા, ગિરિગણ ચડતાં, તરતાં સરિતાસ્ત્રોત,
સન્મુખ સાથી જનમજનમનો : અંતર ઝળહળ જ્યોત !
છેલ્લી ઘડીએ આ શક્ય નથી જ !
બધું જ માગ્યું મળતું હોત તો કેવું સારું …
કહેવાય છે ને કે માગ્યું મોત પણ નથી મળતું !
મારા મનની વાત મારી માંદગી બાદ જો હું વધારે પરાધીન થઇ જાત તો હું કોઈ જૈન સંપ્રદાય ના સાધુની જેમ સંથારો કરવાની હતો પણ સર્જરી કર્યા પછી ગોકળ ગાયની ગતિએ પણ સુધારો થવા લાગ્યો પછી મને એમ થયું કે આ શરીરની પરમેશ્વરની અદ્ભુત કૃતિને વેડફી નથી નાખવી .મારો સતત જાપ હતો
ૐ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ
ઉર્વારુકમિવબંધનાન મૃત્યોર્મુક્ષીય મામૃતાત
Varij Luhar said,
August 31, 2023 @ 12:12 PM
વાહ.. ખૂબ સરસ કાવ્ય અને આસ્વાદ
Nehal said,
August 31, 2023 @ 1:41 PM
ખૂબ સુંદર ગીત
Dr Bhuma Vashi said,
September 1, 2023 @ 11:06 AM
ખૂબ સુંદર.
લતા હિરાણી said,
September 2, 2023 @ 12:00 PM
ઘનવન વીંધતાં ગિરિગણ ચડતાં, તરતાં સરિતા સ્ત્રોતઃ
શું પ્રવાહી લય છે !
Poonam said,
September 26, 2023 @ 11:12 AM
હરિ, હું તો એવું જ માગું મોત!
– કરસનદાસ માણેક – 👌🏻
Aaswad khoob saras sir ji 😊