આમ તો આવડત, ને આમ શ્રદ્ધાનો વિષય,
એક કાગળની બની હોડી તરે વરસાદમાં.
રમેશ પારેખ

જનની – દામોદર બોટાદકર

મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તે મોરી માત રે,
જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ,
જગથી જુદેરી એની જાત રે … જનનીનીo

અમીની ભરેલી એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એનાં વેણ રે … જનનીનીo

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીનીo

દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીનીo

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીનીo

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીનીo

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતાં ખૂટે ન એની લ્હાણ રે … જનનીનીo

ધરતીમાતાયે હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીનીo

ગંગાનાં નીર તો વધે-ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીનીo

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીનીo

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહીં આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ.

– દામોદર ખુ. બોટાદકર

જનનીની સ્તુતિ કઈ ભાષામાં કયા કવિએ નથી કરી? પણ તોય લોકપ્રિયતાની ચરમસીમાઓ અડી ચૂકેલું બોટાદકરનું આ ગીત એક અલગ જ ‘ફ્લેવર’ સર્જે છે…

મધથી મીઠું તે વળી શું હોય ? અને તરસી ધરતી માટે મેઘથી અદકેરું ગળ્યું શું હોય ? પણ જગતની સઘળી મીઠાશથીય મીઠી તો મા જ હોય ને ! ગંગાના નીરમાં વધ-ઘટ થઈ શકે, વાદળના વરસવાની મોસમ હોઈ શકે, ચંદ્રની ચાંદની કળાનુસાર ક્ષીણ થઈ શકે પણ માનો પ્રેમ તો અનર્ગળ અનવરત એકધારો વહેતો જ રહેવાનો… મા તો પ્રભુના પ્રેમની પ્રસાદી છે સાક્ષાત્ ! એની જોડ ક્યાંથી જડી શકે ?

21 Comments »

  1. અમ્રુત ચૌધરી said,

    February 20, 2010 @ 12:58 AM

    માતા-જનની માટૅનુ માત્ર ગુજરાતી ભાષાનુ જ નહી પણ સમગ્ર સાહિત્યમાં ઉત્તમ કાવ્ય.

  2. Bharat Patel said,

    February 20, 2010 @ 3:41 AM

    અતિ સુન્દર

    ખુબ ખુબ ધન્યવાદ્

  3. Dilipkumar K Bhatt said,

    February 20, 2010 @ 5:51 AM

    મને મારી ‘માવડી ‘ યાદ આવી ગૈ. આભાર !

  4. Pushpakant Talati said,

    February 20, 2010 @ 6:39 AM

    આ ગીત અમો જ્યારે પ્રાથમિક શાળા માઁ હતા ત્યારે અમારા પાઠ્યપુસ્તક માઁ આવતુઁ અને અમો ભણેલા. આજે ફરી તે યાદ તાજેી થઈ ગઈ.

    મને આ ગીત બહુજ ગમતુઁ અને શનિવારે બાળસભા માઁ પણ આ ગીત વારમ્વાર ગવાતુ પણ.

    જો કે પાઠ્યપુસ્તકમાઁ તો આ ગીતની અમુક જ કડી ઓ હતી.
    આજે આ આખે-આખુઁ ગીત મળ્યુઁ તેથી વિશેષ આનન્દ થયો.

    મને ગમતુઁ ગીત અને તે પણ આખે-આખુઁ આજે પ્રાપ્ત થયુ તેથી હુઁ લયસ્તરો નો ખુબ જ આભારી છુઁ.

  5. ખજિત said,

    February 20, 2010 @ 8:09 AM

    નિત્ય સુંદર ગીત.

  6. Jayshree said,

    February 20, 2010 @ 11:12 AM

    આ ગીત લયસ્તરો પર હજુ સુધી નો’તુ? I am surprised!

  7. ડૉ.મહેશ રાવલ said,

    February 20, 2010 @ 1:41 PM

    અત્યંત ભાવસભર અને ઊર્મિઓના ઘૂઘવતા મે’રામણસમી આ રચના મા ના માધ્યમે ઈશ્વરની જ સ્તુતિ કહીશ હું તો.
    ઈશ્વર બધે ન પહોંચી શકે એટલે એણે મા નું સર્જન કર્યું કહેવાય છે……
    કવિ ,કવન અને એથી અનેક ગણો પાડ ઈશ્વરનો જેણે આપણને મા આપી.

  8. Pancham Shukla said,

    February 20, 2010 @ 2:22 PM

    લોકપ્રિયતાની ચરમસીમાઓ અડી ચૂકેલું ગીત.

  9. M.Rafique Shaikh,MD said,

    February 20, 2010 @ 4:54 PM

    મારા વ્હાલા અમ્મા તેમજ દુનિયાની દરેક માતામાં સમાયેલી પ્રભુતાનો પરિચય કરાવતી આ સદાબહાર ગરબી ગણગણીને કેટકેટલાં સંસ્મરણો ઉભરાયાં!

    ને સાથેજ યાદ આવ્યું બાળપણમાં જોયેલી ‘દાદીમા’ ફીલ્મનુ આવાં જ ભાવો મઢેલું આ ગીત!

    ઉસકો નહીં દેખા હમને કભી, પર ઉસકી ઝરુરત ક્યા હોગી?
    અય માં! અય માં… તેરી સુરતસે અલગ ભગવાનકી સુરત ક્યા હોગી?!

  10. sudhir patel said,

    February 20, 2010 @ 10:14 PM

    વાહ, કવિ બોટાદકર, વાહ!
    ખરે જ આ ગીતની જોડ કવિ નહીં જડે રે લોલ!!
    સુધીર પટેલ.

  11. Chandresh Thakore said,

    February 20, 2010 @ 11:24 PM

    લગભગ ૨૦-૨૨ વર્ષ પર ન્યુ-જર્સીના એક સભાગ્રુહમાં શ્રી. અજીત (શેઠ) અને નિરુપમાબેનના યુગલકંઠે આ ગીત સાંભળ્યું હતું. અને અજીતભાઈના અચાનક આગ્રહથી દોરાઈને, વચ્ચેથી, પ્રેક્ષકો પણ ગાવામાં જોડાયા હતા. એક અદભુત વાતાવરણ સર્જાઈ ગયું હતું અને ત્યારે ઊભા થઈ ગયેલા રુંવાડા આ ગીત આજે વાંચીને યાદ આવી ગયા! … “જગથી જુદેરી એની જાત રે” … “જગનો આધાર એની આંગળી રે લોલ” … “માડીનો મેઘ બારે માસ રે” જેવી પંક્તિઓ તો સનાતન સત્યની પર્યાય બની બેઠી છે. વર્ષો પહેલાં લખાયેલું આ ગીત ભવિષ્યમાં વર્ષોના વર્ષો સુધી ગવાતું રહે એવી તાકાત આ ગીતના ભાવમાં છે!

  12. urvashi parekh said,

    February 21, 2010 @ 1:09 AM

    ચાલો આજે આખુ ગીત વાન્ચવા મળ્યુ.
    સારુ લાગ્યુ.
    મા એ એક શબ્દ માં જગતભર ની મિઠાશ, આ શબ્દ માં આવી જાય છે.
    આમ પણ જગત માં,રડ્વુ હોય તો ખભો તો કોઈ નો પણ મળે
    પણ ખોળો તો મલક માં મા નો જ મળે.
    બિજા બધા સાથે હોય તે સમ્બન્ધ પણ મા સાથે હોય તે રુણાનુબન્ધ..
    એવી મા,જનની નિ જોડ સખી નહી જડે રે લોલ્..

  13. kanchankumari parmar said,

    February 21, 2010 @ 2:21 AM

    ખરે ખર મા તે મા ;બિજા બધા વગડા ના વા……

  14. dhaval soni said,

    February 21, 2010 @ 5:00 AM

    મા……
    કેટલો મીઠાશ વાળો છે આ શબ્દ….!
    કહેવાય છે કે માણસને શાંતિ પોતાના ઘરે જ મળે છે….
    ધરતીનો છેડો ઘર….
    પણ કોઇ પણ મકાન ‘ઘર” ત્યારે જ બને છે..,જ્યારે તેમાં ‘મા’ હોય,,,,,,

  15. Pinki said,

    February 21, 2010 @ 8:06 AM

    ‘મા’ નામે છઠ્ઠો વેદ… ( પાંચમો તો આયુર્વેદ )
    કવિએ તેનો કેવો સુંદર અનુવાદ કર્યો છે !!

  16. Pushpakant Talati said,

    February 23, 2010 @ 8:34 AM

    Pinki said,
    February 21, 2010 @ 8:06 am
    ‘મા’ નામે છઠ્ઠો વેદ… ( પાંચમો તો આયુર્વેદ )
    કવિએ તેનો કેવો સુંદર અનુવાદ કર્યો છે !!

    અહિઁ મને જણાવવાનુઁ મન થાય છે કે ‘આયુર્વેદ’ એ પાઁચમો વેદ ન ગણાય કારણ કે તે ‘અથર્વવેદ’ ની જ પેટા-શાખા એટલે કે તેનો જ ઉપવેદ છે.
    આ તો અમસ્તુ જ જાણવા માટે જણાવુઁ છુઁ

  17. Pinki said,

    February 23, 2010 @ 9:00 AM

    આભાર પુષ્પકાંતભાઈ,

    નેટજગતની આ જ તો મજા છે કે આપણે આપણા વિચારો વહેંચી શકીએ … !
    લોકજીવનમાં આયુર્વેદની મહત્તા સમજાવવા તેને પાંચમો વેદ કહ્યો છે.
    એટલે મેં ‘મા’ નામે છઠ્ઠો વેદ ઉમેર્યો…! 🙂

    બાકી ‘મા’ નામનો ગ્રંથ ક્યારેય શબ્દોમાં વર્ણવી શકાય ?!!

  18. Girish Parikh said,

    February 27, 2010 @ 1:44 PM

    I deeply appreciate your posting of mostly great poems, their appreciations, and allowing the readers to freely comment. Please keep up the wonderful works.

    Indeed, mother is mother and there is no comparison of her love for her children.
    While reading the poem, I was reminded of the Divine Mother Who is Mother of all mothers and their children. If worldly mother is so loving for her children, then imagine the love of the Divine Mother for Her children. Indeed, infinite and eternal is Her love.

  19. Girish Parikh said,

    February 27, 2010 @ 10:02 PM

    વિવેકભાઈને એક વિનંતીઃ

    કેટલાંક વર્ષો પહેલાં એક ગરબો સાંભળેલો કે વાંચેલો અને ખૂબ જ ગમેલો. એનું મુખડું યાદ છેઃ

    ગીતોમાં ગરબો અમોલ મોરી સહિયરો
    ગીતોમાં ગરબો અમોલ …

    દામોદરદાસ ખુશાલદાસ બોટાદકરના આ અમર ગરબાનો આસ્વાદ-ગરબો (આસ્વાદ-ગીત) રચવાની વિનંતી કરું છે. આ રહ્યું મુખડું:

    ‘જનની’ નો ગરબો અમોલ મોરી સહિયરો
    ‘જનની’ નો ગરબો અમોલ …

    ગીતોમાં જેમ ગરબો અમોલ છે એમ ગરબાઓમાં આ જનની વિશેનો ગરબો અમોલ છે.

    – -ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા

  20. લયસ્તરો » માતૃમહિમા : ૦૧ : જ્યોતિધામ – કરસનદાસ માણેક said,

    December 5, 2021 @ 12:38 AM

    […] […]

  21. Trilokbhai Kandoliya khakhi said,

    March 20, 2022 @ 9:06 PM

    મને ખુબ ગમતું ગીત
    હૃદય સ્પર્શી…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment