આવો તો સંવાદ રચીશું સપનામાં
ઊંઘ અમે રાખી છે નહિતર અથવામાં..
– શબનમ ખોજા

જીવો ને જીવવા દ્યો ! – કરસનદાસ માણેક

નાની શી હોડલીની લલિત ગતિ રૂંધે લંગરો જંગી જેમ;
ખેંચાયે જેમ ભારી દીપકવજનથી પૃથ્વી પ્રત્યે પતંગો;
ઓચિંતા ને અકાળે અચિર જીવી ખરી જેમ કાળે શમાય
ચિંતાની ઝેરી ફૂંકે સ્વપ્નરુચિર આદર્શ કેરા તરંગો;
વૃત્તિ ગંભીર અંતર્મુખ,હરિણસમા ઉરના તરવરાટો
દાબી,પીડી,રીબાવી,રણભૂમિ કરી દે આત્મ લીલાંગનાનો;
નાની શી બંસરીમાં હઠ કરી કવિ કોઈ મહાકાવ્ય ઠાંસી
બંસીની,કાવ્યની ને નિજ જીવનનીયે વ્યર્થ વ્હોરે ખુવારી !

તેવી ભાસે મને કદીક જીવન સાર્થક્યની સર્વ વાતો:
ડાહી ડાહી સલાહો મથી મથી ગ્રહવા વિશ્વના સૌ પદાર્થો !
ધર્મોની ધાંધલો ને અરથ અવરથા,કીચ્ચડો કામના યે,
પોલી લાગે મને તો-મર સહુ સ્તવતા-મોક્ષની નામના યે !

શાના ઉદ્દેશ,શાની ફરજ ? સરજી સૌ આપદા અર્થહીણી;
જીવો અને જીવવા દ્યો મરણ લગણ આ જિંદગી ચાર દિ’ની !

– કરસનદાસ માણેક

ઘણીવાર સ્પષ્ટ દેખાતું હોય છે કે આદર્શોની વાતો વાસ્તવિકતાથી કેટલી અળગી હોય છે ! અસ્તિત્વવાદ ઘણીવાર મન ઉપર આધિપત્ય જમાવી દેવામાં સફળ થતો લાગે છે ! મોક્ષ જેવું ખરેખર કંઈ છે ખરું કે પછી તે પણ એક વધુ મૃગજળ જ છે ?

6 Comments »

  1. pragnaju said,

    April 4, 2010 @ 11:41 AM

    તેવી ભાસે મને કદીક જીવન સાર્થક્યની સર્વ વાતો:
    ડાહી ડાહી સલાહો મથી મથી ગ્રહવા વિશ્વના સૌ પદાર્થો !
    ધર્મોની ધાંધલો ને અરથ અવરથા,કીચ્ચડો કામના યે,
    પોલી લાગે મને તો-મર સહુ સ્તવતા-મોક્ષની નામના યે !
    ચીલાચાલુ સંપ્રદાયોના ચક્કરમા આવો અનુભવ ઘણાખરાનો હોય છે ત્યારે સ્વામી શ્રી સચ્ચિદાનંદ (દંતાલી )જેવા વિવેકી સંતોની વાણીથી ઉદેશ અને ફરજની વાતો સહેલાઈથી સમજાય નહીતો સરી પડાય છે- ચાર્વાક દર્શનમાં જીવાત્મા તથા પરમાત્માનો સ્પષ્ટ રીતે ઇન્કાર કરવામાં આવ્યો છે. આ દર્શન અનુસાર વિશ્વ એ જડ વસ્તુઓનો મેળ માત્ર છે. સ્થાયી ચેતન જેવું કશું છે જ નહીં, શરીરથી જુદો કોઈ આત્મા નથી, નિશ્ચિત મેળ વડે ચેતના ઉત્પન્ન થાય છે અને સમય સાથે તે ચેતના વિલીન થઈ જાય છે, જીવાત્મા જેવી કોઈ વસ્તુ છે જ નહીં એટલે પુનર્જન્મનો તો પ્રશ્ન જ નથી રહેતો. મર્યા પછી સદ્ગતિ કે અસદ્ગતિનો પ્રશ્ન જ નથી કેમ કે મડદા સિવાય કોઈ તત્ત્વ બાકી રહેતું જ નથી. એટલે આ લોકમાં જ આનંદપૂર્વક જીવન વ્યતીત કરવું જોઈએ એવું આ દર્શનનું મુખ્ય ઘ્યેય છે.
    સમ્યગ દર્શનની આ પંક્તીઓ સરળ સમજાય તેવી છે
    થોડી ભીની પાંપણમાં પણ જીવી જાણું,
    રણ ફેલાવો તો રણમાં પણ જીવી જાણું.
    તું મૌન રહે તો પણ સમજું તારા મનને,
    સાવ સરળ આ સમજણમાં પણ જીવી જાણું.

  2. Pinki said,

    April 5, 2010 @ 12:32 AM

    સરળ અને સહજપણે જિંદગી જીવવાની સોનેરી સલાહ થોડાંક અઘરા શબ્દોમાં !
    જોકે, સોનેટની અંતિમ બે પંક્તિઓમાં જ આખું કાવ્ય સમાઈ ગયું છે.

  3. વિહંગ વ્યાસ said,

    April 5, 2010 @ 3:15 AM

    થોડા શબ્દોમાં અસરકારક વાત

  4. અભિષેક said,

    April 5, 2010 @ 9:03 AM

    સાંપ્રત સમયમા સહુથી વધુ પ્રસ્તુત સંવેદના.

  5. વિવેક said,

    April 5, 2010 @ 11:56 PM

    આ રચના વાંચતા સાચે જ થાક લાગ્યો… કવિતા સરસ થઈ છે પણ કવિતા શું આટલી વજનદાર હોવી સાચે જ જરૂરી છે?

  6. impg said,

    April 7, 2010 @ 5:55 PM

    શાના ઉદ્દેશ,શાની ફરજ ? સરજી સૌ આપદા અર્થહીણી;
    જીવો અને જીવવા દ્યો મરણ લગણ આ જિંદગી ચાર દિ’ની !
    મોક્ષનો વેપાર કરતા સતોએ આ કવિતા સમજવા જેવી છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment