તું આપી ગ્યો’તો એ ‘કદાચ’ની ઝીણી પછેડીને
હું ઓઢીને ઊભી છું યાદની ભીંતે અઢેલીને.
- વિવેક મનહર ટેલર

અંગત અંગત : ૧૪ : વાચકોની કલમે – ૧૦

પાણી વહે તો પથ્થરો કોરાય નહીં તોય ભીના તો જરૂર થાય. કવિતા પણ ક્યારેક કોરે પણ ભીંજવે કાયમ. ગૌરાંગ ઠાકરની ગઝલો આંખ મીંચીને કોઈ બીજાના અવાજમાં સાંભળવાની થાય તોય ખ્યાલ આવી જાય કે આ ગૌરાંગ ઠાકરની કલમ છે. એમની રચનાઓમાં ખાસ એમની જ શૈલીમાં ઈશ્વર અને પ્રકૃતિ કેમ ડોકાતા રહે છે એનું રહસ્ય આજે આપણને ખબર પડશે…

જીવન અંજલિ થાજો
મારું જીવન અંજલિ થાજો,

ભૂખ્યા કાજે ભોજન બનજો
તરસ્યાનું જળ થાજો
દીનદુઃખિયાના આંસુ લ્હોતા
અંતર કદી ન ધરાજો……મારું જીવન

સતની કાંટાળી કેડી પર
પુષ્પ બની પથરાજો;
ઝેર જગતના જીરવી જીરવી
અમૃત ઉરના પાજો…….મારું જીવન

વણથાક્યા ચરણો મારા
નિત તારી સમીપે ધાજો
હૈયાના પ્રત્યેક સ્પન્દને
તારું નામ રટાજો……….મારું જીવન

વમળોની વચ્ચે નૈયા મુજ
હાલક ડોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો
ના કદીયે ઓલવાજો……મારું જીવન.

– કરસનદાસ માણેક

ગુજરાતી કવિતાની પ્રતિષ્ઠિત વેબ સાઈટ લયસ્તરો ડોટ કોમ એની સ્થાપનાના છ વર્ષની ઉજવણી કરી રહી છે ત્યારે તેના તમામ સંચાલક મિત્રોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને તેના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા વ્યક્ત કરું છું.

મારી વાત કરું તો મારા માટે આ પ્રશ્ન ખરેખર મુંઝવણ ઉભો કરતો પ્રશ્ન રહ્યો કારણ કે ગુજરાતી ભાષાની કંઈ કેટલીય કવિતાઓ મને સ્પર્શી છે અને મારા જીવનને વળાંક પણ આપ્યો છે, તેમાં માત્ર એક કવિતાની વાત હું કઈ આંગળીને કાપું ને લોહી ના નીકળે એવી વાત છે.તેમ છતાં જીવનના પ્રારંભિક કાળમાં શાળામાં ગવાતી આ કવિતા જીવન અંજલિ થાજો… મને ખૂબ ગમી હતી. આ પ્રાર્થના ગીતના બંધારણને મળતી છે એ તો પછીથી જાણ થઈ અને મારા આનંદનો પાર ન રહ્યો. અને જાણ્યું કે જે કવિતા પ્રાર્થના થઇ જાય તે સાચી કવિતા. પછી તો ભણવામાં કલાપીની આપની યાદી ગઝલ ભણ્યો,ને કવિતા તરફની મારી આ માન્યતા વધુ મજબુત થઇ અને આજે પણ હું જીવનના કપરા સંજોગોમાં આ કવિતાઓ ઉપરાંત ‘અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઇ જા’ કે ‘નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના’ વાંચું કે સાંભળું તો જીવવાનું બળ મળી રહે છે. આમ કવિતાએ મારા માટે ઈશ્વર આરાધનાનું સ્થાન લીધું છે અને ત્યાર પછીની મારી કવિતાઓમાં પણ મેં મારી ઈશ્વર પ્રીતિ અને પ્રકૃતિ પ્રેમ વણવાનો પ્રયાસ કર્યો છે.

– ગૌરાંગ ઠાકર

7 Comments »

  1. Pushpakant Talati said,

    December 18, 2010 @ 6:53 AM

    દુનિયાનો દરેક વ્યક્તિ આ કવિતામાં છે તે અભિલાષા પોતાના હ્રદયમાં સદા અને સર્વદા રાખે તેવી હું મારા હ્રદય પૂર્વકની પ્રાર્થના તથા મારી મહેચ્છા આજે અત્રે આ બ્લોગ ઊપરથી રજુ કરું છું .

  2. devika dhruva said,

    December 18, 2010 @ 8:47 AM

    વિશ્વના હર ઈન્સાનમાં આ ભાવના હોય તો ? જગત કઈંક જુદું જ હોત! ઘણી ઉંચી અને ઉમદા વાત છે આ રચનામાં…

  3. milind gadhavi said,

    December 18, 2010 @ 9:15 AM

    જે કવિતા પ્રાર્થના થઇ જાય તે સાચી કવિતા…
    સુંદર કહ્યું ગૌરાંગભાઇ..

  4. ધવલ said,

    December 18, 2010 @ 9:33 AM

    ખરી વાત છે…. દિલને ટેકો કરી જાય એ કવિતાનું ખરું બળ છે.

  5. pragnaju said,

    December 18, 2010 @ 9:52 AM

    વમળોની વચ્ચે નૈયા મુજ
    હાલક ડોલક થાજો;
    શ્રદ્ધા કેરો દીપક મારો
    ના કદીયે ઓલવાજો……મારું જીવન.
    વૈશંપાયનના ખાખનાં પોયણાં,આલબેલ, મહોબતને માંડવે, વૈશંપાયનની વાણી, પ્રેમધનુષ્ય, અહો રાયજી સૂણિયે, કલ્યાણયાત્રી, મધ્યાહ્ન, રામ તારો દીવડો વિમાં-આવી દરેક રચના પ્રેરણાદાયી હોય છે. કોઈ સાંપ્રદાયિક પ્રાર્થનાઓ કરતા જયપ્રકાશ નારાયણે ક્રાંતિકારક સંદેશ પ્રકૃતિ કાવ્યો જેવા કે ‘આકાશગાંગા સુર્ય ચંદ્ર તારા સંશ્યા ઊષા કોઇના નથી…’થી વધુ અસરકારક રીતે પહોંચાડ્યો હતો.યુવા કવિ શ્રી ગૌરાંગના ઈશ્વર પ્રીતિ અને પ્રકૃતિ પ્રેમ વણવાનો પ્રયાસ સાંપ્રત સમયમા,સામાન્ય જન સમુદાય માટે વધુ સહજ પ્રેરણાદાયી પથદર્શક રહેશે.

  6. dHRUTI MODI said,

    December 18, 2010 @ 3:05 PM

    જો કવિતા પ્રાર્થના થઈ જાય તો ઍ સાચી કવિતા છે. આટલાં શબ્દો પછી કવિ કે ઍમની કવિતા વિશે કશું જ કહેવાનું રહેતું જ નથી.
    કરસનદાસ માણેકની કવિતામાં પ્રાર્થનાની જે તાકાત છે, તે આત્માને અને મનને બળ આપે છે.

  7. Sandhya Bhatt said,

    December 24, 2010 @ 11:38 PM

    અરે વાહ્!ગૌરાંગભાઈ, આ મારી પણ પ્રિય પ્રાર્થના છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment