અર્ઘ્ય- સ્નેહરશ્મિ
(શિખરિણી)
કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો,
રૂપાળાં, ઓજસ્વી, સુરભિ ઝરતાં, હાસ્ય કરતાં,
સજેલાં વા રંગે પુલકિત ઉષા સાન્ધ્ય નભના,
વિખેરી તે માર્ગે તુજ હૃદય આહ્ લાદ ભરતે.
કદી મારી પાસે ઝગમગ થતા હોત હીરલા,
પ્રભાવન્તા, દૈવી, ત્રણ ભુવનના દીપ સરખા,
કરીને ઉમંગે તુજ પથ મહીં રોશની સદા,
ધરી દેતે સર્વે હરખ થકી તારે ચરણ હું.
પરંતુ ભિખારી મુજ ગરીબ પાસે નહીં કશું
– મીઠાં સ્વપ્નાં હૈયે- મુજ ધન- અને થોડી કવિતા !
હું તો વેરું એ સૌ તુજ પથ મહીં વ્હાલ ધરીને,
જરા ધીમે ધીમે પગ તું ધરજે – છે મૃદુલ એ !
– સ્નેહરશ્મિ
વિવેક said,
August 5, 2006 @ 3:06 AM
સૉનેટના ભાવમાં જ ઊઘડીને અને સૉનેટ જેવી જ ચોટ લઈને અંત પામતું સુંદર કાવ્ય… કવિની પોતે ભિખારી હોવાની કબૂલાતની સરળતા કદાચ કવિતાના અંતે સાચો વૈભવ શું છે એનું જ્ઞાનદર્શન કરાવે છે…. અને અમીરાઈ પણ કેવી! આમ કશું છે જ નહીં અન અને જે છે એ પણ તારા માર્ગમાં વેરી દીધું છે… આખરી કડીમાં જે મૃદુલ શબ્દ મૂક્યો છે એમાંથી ખરી કવિતા સર્જાતી હોય એવું લાગે છે!