મારો જીવનપંથ ઉજાળ – નરસિંહરાવ દિવેટીયા
પ્રેમલ જ્યોતિ તારો દાખવી,
મુજ જીવનપંથ ઉજાળ !… પ્રેમલo
દૂર પડ્યો નિજ ધામથી હું, ને
ઘેરે ઘન અંધાર;
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં,
નિજ શિશુને સંભાળ…પ્રેમલo
ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ,
દૂર નજર છો ન જાય;
દૂર માર્ગ જોવા લોભ લગીર ન,
એક ડગલું બસ, થાય,
મારે એક ડગલું બસ, થાય … પ્રેમલo
આજ લગી રહ્યો ગર્વમાં હું, ને
માગી મદદ ના લગાર;
આપબળે માર્ગ જોઇને ચાલવા
હામ ભીડી મૂઢ બાળ,
હવે માગું તુજ આધાર … પ્રેમલo
ભભકભર્યા તેજથી હું લોભાયો ને
ભય છતાં ધર્યો ગર્વ;
વીત્યાં વર્ષને લોપ સ્મરણથી
સ્ખલન થયાં જે સર્વ;
મારે આજ થકી નવું પર્વ … પ્રેમલo
તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ,
આજ લગી પ્રેમભેર;
નિશ્ચે મને તે સ્થિર પગલેથી
ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમલ જ્યોતિની સેર … પ્રેમલo
કર્દમભૂમિ કળણ ભરેલી ને
ગિરિવર કેરી કરાડ;
ધસમસતાં જળ કેરા પ્રવાહો,
સર્વ વટાવી કૃપાળ
મુને પહોંચાડશે નિજ દ્વાર … પ્રેમલo
રજની જશે ને પ્રભાત ઊજળશે
ને સ્મિત કરશે પ્રેમાળ;
દિવ્યગણોનાં વદન મનોહર
મારે હૃદય વસ્યાં ચિરકાળ,
જે મેં ખોયા હતાં ક્ષણવાર … પ્રેમલo
– નરસિંહરાવ દિવેટિયા
16 જુન, 1833ના રોજ જ્હોન હેનરી ન્યુમેને દરિયાઈ સફર દરમિયાન લખેલ ‘Lead kindly light‘ કવિતાનો ગાંધીજીના અનુગ્રહના કારણે નરસિંહરાવે આ અનુવાદ કર્યો હતો જે એમણે એમના કાવ્યસંગ્રહોમાં સમાવ્યો નહોતો પણ આશ્રમ ભજનાવલિમાં એ સચવાઈ રહ્યું !
dr.bharat said,
November 6, 2010 @ 1:17 AM
આ અનુવાદ શ્રી નરસિંહરાવે કર્યો હતો તે બિલકુલ નવીન વાત જાણી, અભાર. મૂળ અંગ્રેજી કૃતિ સંભાળવા ન મળ્યા નો અફસોસ રહ્યો!
‘This video is no longer available because the YouTube account associated with this video has been terminated. ‘
pragnaju said,
November 6, 2010 @ 6:32 AM
કોઈ પણ સંપ્રદાય કે ધર્મના વિરોધ વગરનું નાનપણથી પ્રાર્થનામા ગાતા આ અમર ભજન
નૂતનવર્ષાભિનંદન
rekha sindhal said,
November 6, 2010 @ 9:52 AM
હ્રદયમાઁ આપોઆપ જ શુધ્ધભાવો ઉઠે એવેી પ્રાર્થના અહેીઁ વાઁચતા જ હરવખતનેી જેમ હળવાશ અનુભવેી. ફરેી ફરેીને સાઁભળીએ તો ય હરપળ નાવીન્ય અનુભવાય. આભાર અને સાલમુબારક સહ શુભેછાઓ !
sudhir patel said,
November 6, 2010 @ 10:36 AM
સુંદર ભાવાનુવાદ!
સૌને નૂતન વર્ષના અભિનંદન!!
સુધીર પટેલ.
Bharat Trivedi said,
November 7, 2010 @ 11:12 AM
કેટલીક રચનાઓ અમરત્વનું વરદાન લઈને આવતી હોય છે! આ રચના વિષે પણ એવું જ કહી શકાય. અમારી સ્કૂલમાં આ ગીત પ્રાર્થનામાં વેળા ગવા’તું. આજેય આ ગીત વાંચતાં હ્રુદય ભરાઈ આવે છે.
-ભરત ત્રિવેદી
devika dhruva said,
November 7, 2010 @ 2:51 PM
અમર પ્રાર્થના..
Girish Parikh said,
November 8, 2010 @ 2:57 PM
http://www.girishparikh.wordpress.com વેબ સાઈટ પર ‘આપણું અમર પ્રાર્થનાગીતઃ ‘મુજ જીવનપંથ ઉજાળ’ લેખ પોસ્ટ કર્યો છે. મૂળ અંગ્રેજી ગીત પણ આપ્યું છે. વાંચવા અને પ્રતિભાવ આપવા વિનંતી.
– – ગિરીશ પરીખ
Girish Parikh said,
November 8, 2010 @ 3:02 PM
આંખો ભીની થઈ આ અમર પ્રાર્થનાગીત વાંચતાં.
– – ગિરીશ
chhaya said,
November 9, 2010 @ 9:35 AM
દરરોજ કરવાનિ પ્રાર્થના ભાવ વિભોર કરિ દેનારિ સુન્દર સ્તુતિ