ખુશબૂ અડચણ વિના વહે છે બધે,
વહાલની વાત છે, પ્રચાર નથી.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હેમંત પૂણેકર

હેમંત પૂણેકર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(હેમખેમ નથી) – હેમંત પુણેકર

ઓર પાસે અવાય એમ નથી,
તોય અળગા થવાની નેમ નથી.

એની આંખો બીજું જ બોલે છે,
હોઠ બોલે છે પ્રેમબેમ નથી.

કેમ તમને છૂપાવું મારામાં?
હું જ મારામાં હેમખેમ નથી.

મધ્યમાં કઈ રીતે ઊભા રહીએ?
જિંદગી પોતે આમતેમ નથી?

આ જે કંઈ છે એ કેમ છે હેમંત?
અને જે છે જ નહિ એ કેમ નથી?

– હેમંત પુણેકર

ગુજરાતી ગઝલોનો આજકાલ એવો તો લીલો દુકાળ પડ્યો છે કે સારી ગઝલ શોધવી એ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું દુષ્કર કાર્ય બની ગયું છે. પણ રણમાં મીઠી વીરડી જેવી આ ગઝલ જુઓ. પાંચ જ શેર. ચુસ્ત કાફિયા અને સરળ ભાષામાં કેવી વેધક રજૂઆત! ગાઢમાં ગાઢ આલિંગન પણ કદી શાશ્વત નથી હોતું. ગમે એટલો પ્રેમ હોય, બે જણે આશ્લેષમાંથી અળગાં તો થવું જ પડે એ વાસ્તવિક્તાની સામે કાવ્યનાયકની કેફિયત જુઓ તો જરા. બે જણ એકમેકની એટલી તો નિકટ આવી ગયાં છે કે હવે વધુ નૈકટ્ય સાધવું સંભવ જ નથી, ને એ છતાં એકાકારતાની આ ચરમસીમાએથી પાછા વળવાની બેમાંથી એકેયની તૈયારી પણ નથી. કેવી અદભુત વાત! સરવાળે આખી ગઝલ જ સંતર્પક થઈ છે…

Comments (12)

પાનખર બેઠી – હેમંત પૂણેકર

જોઈ લીધી ખુશી, વ્યથા વેઠી,
તોય ક્યાં જિંદગીની ગડ બેઠી.

ભોંયભેગો ભલે થયો છું હું,
હજી હિમ્મત નથી પડી હેઠી.

સૌના જીવનના પ્રશ્નપત્ર અલગ,
એમાં ચાલે નહીં નકલ બેઠી.

મન છલોછલ છે એની યાદોથી,
એમાં ગમગીની કઈ રીતે પેઠી?

હું જ્યાં બે પાંદડે થયો ન થયો,
ઋતુ બદલાઈ, પાનખર બેઠી.

– હેમંત પૂણેકર

લયસ્તરોના આંગણે કવિમિત્ર હેમંત પૂણેકરના પ્રથમ સંગ્રહ ‘કાગળની નાવ’નું સહૃદય સ્વાગત.

ટૂંકી બહેરની ગઝલની સાંકડી ગલીમાં વેઠી-બેઠી-હેઠી જેવા પડકારભર્યા કાફિયા વાપરીને કવિતાનો પ્રકાશ કરવાનું કામ બાહોશ ગઝલકાર જ કરી શકે. ‘ગાલગા ગાલગાલ ગાગાગા’ મીટરમાં આખરી આવર્તન ‘ગાગાગા’ના સ્થાને ‘ગાલલગા’ પણ લઈ શકાય એ વાતથી તો મોટાભાગના ગઝલકાર વાકેફ હશે જ, પણ આ જ મીટરમાં પહેલા આવર્તનમાં ‘ગાલગા’ના સ્થાને ‘લલગા’ પણ લઈ શકાય એ વાત બહુ ઓછા ગઝલકાર જાણતા હશે. હે.પૂ. ગઝલશાસ્ત્રના ઊંડા અભ્યાસુ અને ખાસ તો ખૂબ જિજ્ઞાસુ કવિ છે, એટલે એમની ગઝલોમાં છંદોની આવી બારીકી જોવા ન મળે તો જ નવાઈ. ગઝલના બીજા તથા આખરી શેરના સાની મિસરાઓ- ‘હજી હિમ્મત નથી પડી હેઠી,’ ‘ઋતુ બદલાઈ, પાનખર બેઠી’–ના પ્રથમ આવર્તનોમાં મીટરનો આ વિકલ્પ કવિએ પ્રયોજ્યો છે. આટલી તકનિકી બાબત જોયા પછી ગઝલપાન સ્વયં જ કરીએ, કેમકે ગઝલ તો આખેઆખી ઉત્તમ જ છે.

Comments (11)

(સાવ છાનું છે) – હેમંત પૂણેકર

આખા જગથી એ સાવ છાનું છે,
તારી યાદોનું મનમાં ખાનું છે.

એનું કંઈ પેચકસ કે પાનું છે?
મનનું ભંડકિયું ખોલવાનું છે.

નભનો ખૂણેખૂણો ફરી લો પછી,
એય પિંજર શુ લાગવાનું છે.

સૌને જોઈ લીધા મનાવી, હવે
આપણે મન મનાવવાનું છે.

સત્ય પીરસો છો ત્યારે ધ્યાન રહે,
સામાએ તે પચાવવાનું છે.

કોને છોડે છે દુઃખ કદી ‘હેમંત’?
દુઃખને તારે જ છોડવાનું છે.

– હેમંત પૂણેકર

સાવ અલગ જ તરેહની ગઝલ… લગભગ બધા જ કલ્પન અનૂઠા અને અદભુત! પ્રિયજનની યાદો માટે મનમાં દુનિયાની નજર ન પડે એવું અલાયદું ખાનું હોવાની વાત જ કેવી મજાની અને સાચી છે! વળી આ મનનું ભંડકિયું કઈ રીતે ખૂલતું હશે વો સવાલ કરીને કવિ પેચકસ-પાનાંની વાત કરે છે. સાવ જ અરુઢ પણ કેવું મજાનું રૂપક. કેદની વ્યાખ્યા દરેકની અલગ-અલગ હોવાની. ઘણાં પંખીને પિંજરું કેદ લાગે છે પણ શક્યતાઓની એક-એક સરહદ ચકાસી લેનાર અને नेति नेतिનો જીવનમંત્ર જીવનારને તો આકાશ આખું પણ એક પિંજરું જ લાગશે ને! સત્ય પીરસવાની વાત કરતા શેરના સાની મિસરામાં શરૂમાં નાનકડો છંદદોષ રહી ગયો છે (કવિના મતે matter over meter), એને અવગણીએ તો આખીય રચના નિરવદ્ય સંઘેડાઉતાર થઈ છે…

Comments (12)

ગઝલ – હેમંત પુણેકર

દુઃખીને, ન્યાલને સમજી શકું છું,
સમયની ચાલને સમજી શકું છું.

અમારા પ્રશ્નના ઉત્તરમાં આંસુ ?
તમારી ઢાલને સમજી શકું છું.

અધર અડવા જતા સામા મળેલા,
ગુલાબી ગાલને સમજી શકું છું.

ફૂટી નીકળ્યો છે પાંપણમાં અનાયાસ,
નકામા ફાલને સમજી શકું છું.

બધે હોવા છતાં ક્યાંયે ન હોવું,
હવાના હાલને સમજી શકું છું.

-હેમંત પુણેકર

વાહ કવિ!!! વાહ, વાહ ને વાહ જ….

Comments (6)

ગઝલ – હેમંત પુણેકર

જેને તું ગણાવે છે ઇબાદતથી વધારે
શક છે મને એ કંઈ નથી એક લતથી વધારે

સહસા જે કરે રાઈને પર્વતથી વધારે
ચુપ કેમ છે આજે એ જરૂરતથી વધારે?

જે પ્રશ્ન સરળતાથી ઉકેલાઈ ગયો હોત
ગુંચવાયો છે એ તારી કરામતથી વધારે

કિસ્મત કને આથી વધુ શું માગવું બોલો?
છું આપની નજદીક હું નિસ્બતથી વધારે

સંબંધનો આધાર છે વિશ્વાસ પરસ્પર
પાયો ચણો મજબૂત ઇમારતથી વધારે

– હેમંત પુણેકર

સુંદર ગઝલ…

Comments (7)

ગઝલ – હેમંત પુણેકર

કંઈ નથી, જ્યાં સુધી કોઈ જોતું નથી
એક દર્શક વગર દૃશ્ય બનતું નથી

એટલે આંખની આંખમાં રહી ગઈ
ખારા જળની નદી, કોઈ લોતું નથી

એકબીજાના સહારે ટક્યા આપણે
હું સમુ કંઈ નથી, જો કોઈ તું નથી

રાખ શમણાની સાથે વહી જાય છે
અશ્રુ કારણ વગર ખારું હોતું નથી

એક ડૂસકું દબાવ્યું મેં એ કારણે
અહીંયા કારણ વગર કોઈ રોતું નથી

ખૂબ શોધો છતાં શક્ય છે ના જડે
જે બધે હોય છે, ક્યાંય હોતું નથી

– હેમંત પુણેકર

ધીમે રહીને ખુલતી ગઝલ…  એક એક શેર જરા હળવા હાથે ઉઘાડીએ, દોસ્તો…

Comments (14)

અંગત અંગત : ૧૨ : વાચકોની કલમે – ૦૮

મરાઠી માનુસ હોવા છતાં ગુજરાતી ગઝલમાં પોતાનો ‘માર્ક’ છોડી શકનાર કેટલાક કવિઓમાં હેમંત પુણેકર પણ મોખરાનું સ્થાન ધરાવે છે. એમના સો ટચના સોના જેવા ‘હેમકાવ્યો‘થી આપણે સહુ પરિચિત છીએ. આજે એમની જ એક ગઝલ હારોહાર એમના કવિજીવનના વળાંકોથી પરિચિત થઈએ…

*

ગયાં સૌ સપન એ વિસારે ગયાં
નિશાના નિશાનો સવારે ગયાં

મળી છાંય દિલનેય ટાઢક મળી
બપોરે સજનના ઇશારે ગયા

સમી સાંજ ને યાદ ખંજર સમી
અમે તો તમારા વિચારે ગયા

પડી રાત રાહો નિરાંતે પડી
પ્રવાસી બધાયે ઉતારે ગયા

ભર્યા શ્વાસને લો તમે સાંભર્યા
દિવસ રાત એના સહારે ગયા

– હેમંત પુણેકર

કૉલેજકાળ (૧૯૯૬-૨૦૦૦) માં ક્યારેક અછાંદસ કવિતા લખતો. પછી ઉચ્ચશિક્ષણ અને વ્યવસાયને કારણે કવિતા સાથે સંપર્ક તૂટી ગયો. ૨૦૦૬માં વિવેકભાઈની સાઈટ “શબ્દો છે શ્વાસ મારા” જોયા પછી બ્લૉગજગતનો પરિચય થયો અને મારી જૂની રચનાઓ પોસ્ટ કરવાના ઇરાદાથી મેં મારો બ્લૉગ હેમકાવ્યો બનાવ્યો.

ગુજરાતી બ્લૉગજગતને કારણે ઘણા વર્ષો પછી હું ગુજરાતી કવિતાના સંપર્કમાં આવ્યો. લયસ્તરો અને ટહુકો જેવી સાઈટ્સ પર અનેક નામી અનામી કવિઓની કવિતાઓ વાંચવા મળી. સારી કાવ્યકૃતિઓ સાથે સંપર્ક વધ્યો અને મારી સુષુપ્ત સર્જનશીલતા ફરીથી સળવળી. ફરી કવિતા લખવાનું ચાલુ કર્યું ત્યારે ગઝલસદૃશ રચનાઓ લખતો – ફક્ત રદિફ-કાફિયા સંભાળતો – પણ છંદ વિશે બહુ જાણકારી નહોતી. મોહમ્મ્દ અલી ભૈડુ “વફા” સાહેબના બ્લૉગ પરથી છંદો વિશે જાણકારી વાંચીને ફક્ત ગમ્મત ખાતર આ રચના લખી. ત્યારબાદ છંદબદ્ધ ગઝલો લખવાનો સિલસિલો ચાલુ થયો જે આજેય ચાલે છે અને એવું લાગે છે કે હવે આજીવન ચાલુ જ રહેશે.

Comments (12)

ઝાકળબુંદ : _૧૪ : વ્યાપાર ચલાવો છો તમે – હેમંત પૂણેકર

મન ભલેને રહે બીમાર, ચલાવો છો તમે
ને સતત દેહના શણગાર ચલાવો છો તમે

અમને આપીને કસમ ધાર્યું કરાવી લો છો
પ્રેમની આડમાં વ્યાપાર ચલાવો છો તમે

સામી છાતીએ કદી એની ચમક દેખાડો
પીઠ પાછળથી શું તલવાર ચલાવો છો તમે

એ નિરાકાર છે એ વાત વિસારે પાડી
એના નામે ઘણા આકાર ચલાવો છો તમે

એ શું આધાર હવે કોઈને આપી શકશે
ટેકા લઈ-લઈને જે સરકાર ચલાવો છો તમે

હેમંત પૂણેકર

હેમંત પૂણેકરે આ ગઝલ જ્યારે એમના બ્લૉગ પર મૂકી હતી, ત્યારે પ્રતિભાવમાં મેં લખ્યું હતું, “…અને ગુજરાતીમાં પ્રમાણમાં ઓછા ખેડાયેલા આ થોડા અઘરા અને ખાસ્સું કૌશલ્ય માંગી લેતા છંદમાં આટલા ઊંડા અર્થવાળી રચના એ કવિની સજ્જતાનું પ્રમાણ છે.” રઈશભાઈએ પણ એમાં સૂર પૂરાવ્યો હતો એ કવિ અને કવિતાનું ખરું પ્રમાણપત્ર!

હેમંતભાઈની આ રચના સાથે ‘સદ્યશબ્દેલ’ કવિઓની સંગતના બે સપ્તાહ આજે પૂરા થાય છે. પુષ્પની પાંદડી પર ઝાકળબુંદનું અવતરણ કદી અંત પામતું નથી એ જ રીતે આ વિરામને પૂર્ણ ન ગણતાં, અલ્પ જ ગણવો… આ બે અઠવાડિયામાં લયસ્તરો પર વાચકમિત્રો તરફથી મળેલા અભૂતપૂર્વ પ્રતિભાવથી એ વાતની પ્રતીતિ થઈ કે તાજગી એ કવિતામાં ભાવકને સ્પર્શી જતી પહેલી બાબત છે. અહીં એક જ મંચ પર કેટલાક નીવડેલા તો વળી કેટલાક સાવ જ નવા કવિ-કવયિત્રીઓને સાંકળવાની કોશિશ કરવા પાછળનો અમારો મૂળ ઉદ્દેશ એકમેકને પરસ્પર પ્રોત્સાહન મળે એજ હતો એટલે કોઈ મોટા ગજાના કવિને પોતાનું નામ અહીં જોઈ દુઃખ થયું હોય તો ફરી એકવાર અમે ક્ષમા પ્રાર્થીએ છીએ.

અને ઝાકળબુંદોના આ મહોત્સવદને ફૂલની ફોરમની જેમ વધાવી લેવા બદલ સૌ કવિમિત્રો અને વાચકમિત્રોનો ફરીથી અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ…

-લયસ્તરો ટીમ

Comments (9)