હું ઉદાસીના કૂવે ડૂબ્યો છું મિત્ર,
નાખ તારી હાજરીનું દોરડું.
ભાવિન ગોપાણી

(સાવ છાનું છે) – હેમંત પૂણેકર

આખા જગથી એ સાવ છાનું છે,
તારી યાદોનું મનમાં ખાનું છે.

એનું કંઈ પેચકસ કે પાનું છે?
મનનું ભંડકિયું ખોલવાનું છે.

નભનો ખૂણેખૂણો ફરી લો પછી,
એય પિંજર શુ લાગવાનું છે.

સૌને જોઈ લીધા મનાવી, હવે
આપણે મન મનાવવાનું છે.

સત્ય પીરસો છો ત્યારે ધ્યાન રહે,
સામાએ તે પચાવવાનું છે.

કોને છોડે છે દુઃખ કદી ‘હેમંત’?
દુઃખને તારે જ છોડવાનું છે.

– હેમંત પૂણેકર

સાવ અલગ જ તરેહની ગઝલ… લગભગ બધા જ કલ્પન અનૂઠા અને અદભુત! પ્રિયજનની યાદો માટે મનમાં દુનિયાની નજર ન પડે એવું અલાયદું ખાનું હોવાની વાત જ કેવી મજાની અને સાચી છે! વળી આ મનનું ભંડકિયું કઈ રીતે ખૂલતું હશે વો સવાલ કરીને કવિ પેચકસ-પાનાંની વાત કરે છે. સાવ જ અરુઢ પણ કેવું મજાનું રૂપક. કેદની વ્યાખ્યા દરેકની અલગ-અલગ હોવાની. ઘણાં પંખીને પિંજરું કેદ લાગે છે પણ શક્યતાઓની એક-એક સરહદ ચકાસી લેનાર અને नेति नेतिનો જીવનમંત્ર જીવનારને તો આકાશ આખું પણ એક પિંજરું જ લાગશે ને! સત્ય પીરસવાની વાત કરતા શેરના સાની મિસરામાં શરૂમાં નાનકડો છંદદોષ રહી ગયો છે (કવિના મતે matter over meter), એને અવગણીએ તો આખીય રચના નિરવદ્ય સંઘેડાઉતાર થઈ છે…

12 Comments »

  1. Jay kantwala said,

    October 28, 2021 @ 1:57 AM

    Waaah

  2. Harihar Shukla said,

    October 28, 2021 @ 1:58 AM

    વાહ વાહ, ખરું પેચકસ અને પાનું 👌💐

  3. Mansi shah said,

    October 28, 2021 @ 2:01 AM

    Small n sweet msg hidden inside the poem

  4. કિશોર બારોટ said,

    October 28, 2021 @ 2:05 AM

    વિવેક ભાઈ,
    આપ સુંદર કાવ્યો શોધી લાવો છો.
    અપને અને કવિશ્રી બંનેને અભિનંદન 🌹

  5. નેહા said,

    October 28, 2021 @ 2:21 AM

    નભનો ખૂણેખૂણો.. શેર વધુ ગમ્યો. કવિને અભિનંદન.

  6. મયંક ત્રિવેદી said,

    October 28, 2021 @ 2:22 AM

    ખરેખર એક નવી જ તરાહ ની રચના
    વિવેકભાઈ હંમેશા કંઈક નવું કંઈક અનોખુ લાવે છે અને મજા કરાવે છે
    ખૂબ ખૂબ અભિનંદન 🙏 કવિશ્રી અને વિવેકભાઇ ને

  7. Shah Raxa said,

    October 28, 2021 @ 2:55 AM

    ખૂબ ખૂબ સરસ ગઝલ…વાહ…

  8. Rajesh hingu said,

    October 28, 2021 @ 4:52 AM

    વાહ… મજાની ગઝલ.. નભ પીંજર…ક્યા બાત…હેમંતભાઈને અભીનંદન

  9. સુનીલ શાહ said,

    October 28, 2021 @ 4:52 AM

    તાજગીસભર અભિવ્યક્તિ. કવિને અભિનંદન..

  10. Parbatkumar said,

    October 28, 2021 @ 4:58 AM

    વાહ
    મજાની ગઝલ

  11. pragnajuvyas said,

    October 28, 2021 @ 10:20 AM

    સ રસ ગઝલ

    કોને છોડે છે દુઃખ કદી ‘હેમંત’?
    દુઃખને તારે જ છોડવાનું છે.
    વાહ્

  12. હેમંત પુણેકર said,

    October 28, 2021 @ 1:04 PM

    વિવેકભાઈ અને લયસ્તરો ટીમનો આભાર. કમેંટ આપનારા બધા મિત્રોનો ધન્યવાદ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment