રંગ કાળો, પીળો થયો જ નહીં,
એના દિલમાં દીવો થયો જ નહીં !
ભરત વિંઝુડા

પાનખર બેઠી – હેમંત પૂણેકર

જોઈ લીધી ખુશી, વ્યથા વેઠી,
તોય ક્યાં જિંદગીની ગડ બેઠી.

ભોંયભેગો ભલે થયો છું હું,
હજી હિમ્મત નથી પડી હેઠી.

સૌના જીવનના પ્રશ્નપત્ર અલગ,
એમાં ચાલે નહીં નકલ બેઠી.

મન છલોછલ છે એની યાદોથી,
એમાં ગમગીની કઈ રીતે પેઠી?

હું જ્યાં બે પાંદડે થયો ન થયો,
ઋતુ બદલાઈ, પાનખર બેઠી.

– હેમંત પૂણેકર

લયસ્તરોના આંગણે કવિમિત્ર હેમંત પૂણેકરના પ્રથમ સંગ્રહ ‘કાગળની નાવ’નું સહૃદય સ્વાગત.

ટૂંકી બહેરની ગઝલની સાંકડી ગલીમાં વેઠી-બેઠી-હેઠી જેવા પડકારભર્યા કાફિયા વાપરીને કવિતાનો પ્રકાશ કરવાનું કામ બાહોશ ગઝલકાર જ કરી શકે. ‘ગાલગા ગાલગાલ ગાગાગા’ મીટરમાં આખરી આવર્તન ‘ગાગાગા’ના સ્થાને ‘ગાલલગા’ પણ લઈ શકાય એ વાતથી તો મોટાભાગના ગઝલકાર વાકેફ હશે જ, પણ આ જ મીટરમાં પહેલા આવર્તનમાં ‘ગાલગા’ના સ્થાને ‘લલગા’ પણ લઈ શકાય એ વાત બહુ ઓછા ગઝલકાર જાણતા હશે. હે.પૂ. ગઝલશાસ્ત્રના ઊંડા અભ્યાસુ અને ખાસ તો ખૂબ જિજ્ઞાસુ કવિ છે, એટલે એમની ગઝલોમાં છંદોની આવી બારીકી જોવા ન મળે તો જ નવાઈ. ગઝલના બીજા તથા આખરી શેરના સાની મિસરાઓ- ‘હજી હિમ્મત નથી પડી હેઠી,’ ‘ઋતુ બદલાઈ, પાનખર બેઠી’–ના પ્રથમ આવર્તનોમાં મીટરનો આ વિકલ્પ કવિએ પ્રયોજ્યો છે. આટલી તકનિકી બાબત જોયા પછી ગઝલપાન સ્વયં જ કરીએ, કેમકે ગઝલ તો આખેઆખી ઉત્તમ જ છે.

11 Comments »

  1. pragnajuvyas said,

    February 16, 2023 @ 4:10 AM

    કવિશ્રી હેમંત પૂણેકરના પ્રથમ સંગ્રહ ‘કાગળની નાવ’નું સહૃદય સ્વાગત.
    ડૉ. વિવેકનો સ રસ આસ્વાદ
    તેઓના આસ્વાદ- ગઝલપાન સ્વયં જ કરીએ, કેમકે ગઝલ તો આખેઆખી ઉત્તમ જ છે.
    હું જ્યાં બે પાંદડે થયો ન થયો,
    ઋતુ બદલાઈ, પાનખર બેઠી.
    ના વિચારવમળે
    પાનખરનો અંત છે
    પરંતુ ભવિષ્યમાં વિશ્વાસ રાખો
    લીલા ટેન્જેરીન.
    હયાતીના હલેસે કાગળની નાવ
    આગના દરિયા હોકી જાવુ પાર
    સંતો કહે છે–કાગળની નાવ સમાન કામાદિ અને કુવાસના થી નિર્મિત આપણું આ ક્ષણભંગુર શરીર ભવસાગરમાં છે, જેના પર અનંત ગણા પાપ-કામનાઓનો ભાર આપણે લાદયો છે. અને આના કારણે ન જાણે ક્યારે એ ડૂબીને સમાપ્ત થઈ જાય ? એટલે એ ડૂબી જાય એ પહેલાં એના પર રહેલ ભાર આપણે ખાલી કરી દેવો પડશે. જેથી કરી ડૂબીને ભવના ફેરામાં પાછા ન આવવું પડે.
    અને આની માટે એક જ માર્ગ છે અને તે છે શબ્દની (નાદ:બ્રહ્મ) સાથે અનુસંધાન.., જે ભક્તિયોગ દ્વારા સંભવ છે.

  2. Yogesh Samani said,

    February 16, 2023 @ 11:06 AM

    વાહહહહ. લાજવાબ ગઝલ. આનંદ…

  3. રાજેશ હિંગુ said,

    February 16, 2023 @ 11:09 AM

    વાહ.. સરસ ગઝલ..
    હેમંતભાઈને કાગળની નાવ માટે ખૂબ અભિનંદન

  4. DILIPKUMAR CHAVDA said,

    February 16, 2023 @ 12:22 PM

    વાહ હેમંતભાઈ મોજ સરળ સહજ મજાની ગઝલ

    સૌના જીવનના પ્રશ્નપત્ર અલગ,
    એમાં ચાલે નહીં નકલ બેઠી.

    શું વાત છે કવિ આ શેર ભઈ વાહ

  5. સુનીલ શાહ said,

    February 16, 2023 @ 2:48 PM

    સાચે જ સુંદર ગઝલ

  6. જય કાંટવાલા said,

    February 16, 2023 @ 3:52 PM

    વાહ વાહ

  7. જય કાંટવાલા said,

    February 16, 2023 @ 3:52 PM

    વાહ વાહ સુંદર ગઝલ છે

  8. Shah Raxa said,

    February 16, 2023 @ 4:58 PM

    વાહ..વાહ..અભિનંદન💐

  9. Harihar Shukla said,

    February 16, 2023 @ 6:15 PM

    બે પાંદડે થતાં થતાંમાં તો પાંદડાનું ખરી પડવું!
    નરી મોજ સાહેબ👌💐

  10. Poonam said,

    February 17, 2023 @ 10:17 AM

    સૌના જીવનના પ્રશ્નપત્ર અલગ,
    એમાં ચાલે નહીં નકલ બેઠી… Sanatan Satya…
    – હેમંત પૂણેકર –

    Aaswad mast sir ji.

  11. હેમંત પુણેકર said,

    February 21, 2023 @ 3:38 PM

    વિવેકભાઈ અને તમામ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment