(હેમખેમ નથી) – હેમંત પુણેકર
ઓર પાસે અવાય એમ નથી,
તોય અળગા થવાની નેમ નથી.
એની આંખો બીજું જ બોલે છે,
હોઠ બોલે છે પ્રેમબેમ નથી.
કેમ તમને છૂપાવું મારામાં?
હું જ મારામાં હેમખેમ નથી.
મધ્યમાં કઈ રીતે ઊભા રહીએ?
જિંદગી પોતે આમતેમ નથી?
આ જે કંઈ છે એ કેમ છે હેમંત?
અને જે છે જ નહિ એ કેમ નથી?
– હેમંત પુણેકર
ગુજરાતી ગઝલોનો આજકાલ એવો તો લીલો દુકાળ પડ્યો છે કે સારી ગઝલ શોધવી એ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું દુષ્કર કાર્ય બની ગયું છે. પણ રણમાં મીઠી વીરડી જેવી આ ગઝલ જુઓ. પાંચ જ શેર. ચુસ્ત કાફિયા અને સરળ ભાષામાં કેવી વેધક રજૂઆત! ગાઢમાં ગાઢ આલિંગન પણ કદી શાશ્વત નથી હોતું. ગમે એટલો પ્રેમ હોય, બે જણે આશ્લેષમાંથી અળગાં તો થવું જ પડે એ વાસ્તવિક્તાની સામે કાવ્યનાયકની કેફિયત જુઓ તો જરા. બે જણ એકમેકની એટલી તો નિકટ આવી ગયાં છે કે હવે વધુ નૈકટ્ય સાધવું સંભવ જ નથી, ને એ છતાં એકાકારતાની આ ચરમસીમાએથી પાછા વળવાની બેમાંથી એકેયની તૈયારી પણ નથી. કેવી અદભુત વાત! સરવાળે આખી ગઝલ જ સંતર્પક થઈ છે…
Sandip Pujara said,
June 16, 2024 @ 1:20 PM
શેરિયત બાબત હેમંતભાઇની ગઝલમાં કોઈ ટિપ્પણી કરી ન શકે.. એ સત્ય વાત છે…
આ ગઝલ પણ સરસ છે…
બસ આ ગઝલમાં …
એની આંખો… અને તમને છુપાવું
બે શેરમાં અલગ અલગ સંબોધન ખૂંચે છે… એ દોષ ન ગણાતો હોય તો પણ રસભંગ અવશ્ય થાય… એ ટાળવું જોઈએ હું એવું માનું છું….
હેમંત પુણેકર said,
June 16, 2024 @ 1:21 PM
વિવેકભાઈ, આપે મત્લા બહુ જ સરસ રીતે ખોલી આપ્યો છે! આટલી સરસ રીતે તો શેર રચતી વખતે મેંય વિચાર નહોતો કર્યો!😊 લયસ્તરો પર ગઝલો અને સાથે આપ જે મૂકો છો એ ટિપ્પણી બંને વાંચવાની મજા આવે છે. એમનુંય એક પુસ્તક કરી શકાય. એક પુસ્તક તો નહિ થઈ શકે. અનેક ખંડ કરવા પડશે 😀ખૂબ ખૂબ આભાર!
Sandip Pujara said,
June 16, 2024 @ 1:27 PM
પોતાની વાતમાં પણ
છુપાવું ..અને આગળના શેરમાં ઊભા રહીએ ..
કવિ પોતાનાં માટે માનવાચક શબ્દ વાપરે જ છે.. એમાં કશું ખોટું નથી..પણ આખી ગઝલમાં એમાં પણ એકસૂત્રતા જળવાય તો વધુ મજા આવે….
સુનીલ શાહ said,
June 16, 2024 @ 1:29 PM
બહુ સરસ ગઝલ અને આસ્વાદ
Yogesh Samani said,
June 16, 2024 @ 3:22 PM
સરસ ગઝલ…
અને ગાલ?
Ismail 'ajeeb' said,
June 16, 2024 @ 10:08 PM
ગઝલ સામાન્ય છે..
પણ આનાથી ય સરસ ગઝલો રચાય છે .સાવ એવું પણ નથી કે સારી ગઝલ ન મળે હાલના સમયમાં …
Ismail 'ajeeb' said,
June 16, 2024 @ 10:45 PM
એ ખરી વાત છે કે ટગલો ગઝલો રચાય એમાં અમુક પેરામીટર પર ખરી ઉતરે છે.
લલિત ત્રિવેદી said,
June 17, 2024 @ 12:42 PM
અસ્સલ આબેહૂબ ગઝલ… રાજીપો
Dhruti Modi said,
June 20, 2024 @ 1:13 AM
આ જે કંઈ છે એ કેમ છે હેમંત ?
અને જે છે જ નહિ તે કેમ નથી ?
વાહ, સરસ પ્રશ્ર્ન !
અસ્મિતા શાહ said,
June 20, 2024 @ 11:50 AM
એની આંખો બીજું જ બોલે છે,
હોઠ બોલે છે પ્રેમબેમ નથી….
પ્રેમમાં આંખ અને હોઠની લિપિ વચ્ચે તાલમેલ ભાગ્યેજ બેસે છે તમારે જે કાંઈ સમજવાનું કે સમજાવાનું હોય ઇશારે જ જણાવાનું હોય છે એ બખૂબી સમજાવ્યું છે સરસ ગઝલ સાથે સરસ આસ્વાદ.
હેમંત પુણેકર said,
June 24, 2024 @ 12:29 PM
સરસ ટિપ્પણીઓ આવી છે એટલે મેં વિચાર્યું કે એ વિશે મારી સમજણ અહીં મૂકું.
૧) સંદીપભાઈની ટિપ્પણી આખી રચનામાં તું/આપ, હું/અમે ની એક્સૂત્રતા અંગે છે, જે બંધનકારક ન હોય તોય ઈચ્છનીય તો છે જ. કોઈપણ ગઝલકારની જેમ હું એક સમયે એક જ શેર પર કામ કરું છું ત્યારે એ શેરમાં યોગ્ય લાગે એ પ્રમાણે સર્વનામ વપરાય છે. પણ ફરી એક વાર એકસૂત્રતા લાવવા વિશે વિચારી શકાય. વિચારીશ.
૨) યોગેશભાઈની ટિપ્પણી અને ગાલ? જી ના. અને –> લલ. આ છંદમાં ગાલગાની જગાએ લલગા લેવાની છૂટ છે.
૩) ઇસ્માઈલભાઈની ટિપ્પણી સામે મારો (લૂલો) બચાવ. કોઈપણ ગઝલકારની બધી જ ગઝલો ઉત્તમની શ્રેણીમાં આવતી નથી હોતી. જલન માતરીનો આ શેર આવા સમયે બહુ કામ લાગે છે.
ગમે ના સૌ કવન તો માફ કરજો એક બાબત પર,
ખુદા જેવા ખુદાનાં ક્યાં બધાં સર્જન મજાનાં છે?
૪) સુનીલભાઈ અને લલિતભાઈને આખી ગઝલ ગમી, ધૃતિબેનને છેલ્લા શેરનો પ્રશ્ન ગમી ગયો જે મારી દૃષ્ટિએ આખી ફિલસુફીના પ્રાણ સમો છે અને અસ્મિતાબેને શૃંગારવાળો શેર સરસ રીતે ખોલી આપ્યો એનો આનંદ!
એક ટચુકડી ગઝલ કેટલા હૃદયોના તાર ઝણઝણાવે છે અને વિવેકભાઈ લયસ્તરો દ્વારા એ માટે માધ્યમ બને છે એ બદલ એમને પુનશ્ચ ધન્યવાદ!
Shakeel quadree said,
June 24, 2024 @ 6:22 PM
ગાલગાગા – લગાલગા – લલગા એમાં મક્તાની બીજી પંક્તિમાં પ્રારંભે ‘લલગાગા’ કરાયું છે એ બરાબર છે પણ બીજાં ચરણમાં ‘લગાલગા’ના સ્થાને સિલેબસનું સ્થાન યોગ્ય નથી. ‘જ:, ‘ન’ ‘હિ’ ‘એ’ એ ચારેય સસ્વર હોવાથી ઉચ્ચારણની મુશ્કેલી ઊભી થઈ છે. વાસ્તવમાં બીજાં ચરણમાં એક લઘુ સસ્વર હોવો જોઈએ અને ગુરુમાં છેલ્લી માત્રા હલન્ત હોવી જોઈએ બીજાં ચરણનો બીજો ત્રણ માત્રાનો ‘લગા’ પણ બીજાં ચરણની પ્રથમ ત્રણ માત્રા જેવો જ હોય તો મુશ્કેલી ન આવે…. આ મારું મંતવ્ય છે. વિવાદ કે ચર્ચાને અહીં અવકાશ આપવા ઈચ્છતો નથી.