તું નાનો, હું મોટો – પ્રેમશંકર ન. ભટ્ટ
તું નાનો, હું મોટો –
એવો ખ્યાલ જગતનો ખોટો ;
આ નાનો, આ મોટો –
એવો મૂરખ કરતા ગોટો.
ખારા જળનો દરિયો ભરિયો,
મીઠા જળનો લોટો ;
તરસ્યાને તો દરિયાથીયે
લોટો લાગે મોટો.
નાના છોડે મહેકી ઊઠે
કેવો ગુલાબગોટો !
ઊંચા ઊંચા ઝાડે તમને
જડશે એનો જોટો ?
મન નાનું તે નાનો,
જેનું મન મોટું તે મોટો.
– પ્રેમશંકર નરભેરામ ભટ્ટ ‘પ્રેમ’
(જન્મ: ૧૫–૦૩–૧૯૧૦, ભાવનગર; અવસાન: ૧૧-૧૦–૨૦૧૬, ગાંધીનગર)
ગયા અઠવાડિયે આપણે પ્રેમશંકર હ. ભટ્ટની રચના વાંચી. આજે વાંચીએ પ્રેમશંકર ન. ભટ્ટની એક રચના. કવિએ કેવળ અઢી વરસની વયે માતાને ગુમાવ્યાં. દાદા અને પિતાએ ઉછેર્યા. દાદા હતા પોલીસમાં પણ કવિતા એમણે જ કવિને વારસામાં આપી. પ્રહલાદ પારેખ, કૃષ્ણલાલ શ્રીધરાણી અને પ્રેમશંકરની ત્રિપુટી દક્ષિણામૂર્તિ, ગૂજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતનમાં સાથે જ ભણ્યા હતા. સાથે સ્નાતક થયા અને સાથે જેલમાં પણ ગયા અને સાથે માર પણ ખાધો. રાજાએ ખાસ સ્કોલરશીપ આપીને જર્મની બાળકેળવણી વિશે ભણવા મોકલ્યા. મોટાભાઈ માનભાઈના ‘શિશુવિહાર’ સાથે જીવનના છેલ્લા શ્વાસ સુધી સંકળાયેલા રહ્યા. ૧૦૬ વર્ષનું વિરલ દીર્ઘાયુષ્ય એમણે ભોગવ્યું. કવિનું વિશેષ પદાર્પણ બાળકાવ્યોની દુનિયામાં. સાવ સરળ અને નાના-મોટા સૌના મનમાં ઘર કરી જાય એવો પ્રવાહી લય, નાના બાળકોનેય તરત સમજ પડી જાય એવું શબ્દચયન અને જીવનભર કામ લાગે એવો બોધ એમના કાવ્યવિશેષ ગણી શકાય.