પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
June 27, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
જે પણ સ્વરૂપે આવી, મેં જિંદગીને માણી,
સૂરજ ડૂબી ગયો, તો મેં સાંજને વખાણી.
વળગી શકે નહીં પણ કાયમ ખભો એ આપે,
ઘરની દીવાલો પી લે આંખોનું ખારું પાણી.
વર્ષોથી એ રહે છે, જાકારો ક્યાંથી આપું?
દુઃખ-દર્દ સાથે મારી યારી છે બહુ પુરાણી.
પ્રેમાળ સ્મિત પહેરી બેઠા છે હાથ પકડી,
ચહેરો અસલ બતાવે જો દુઃખતી રગ લે જાણી.
મિસરારૂપે કલમથી રેલાઈ મૂંગી ચીસો,
સમજ્યું ના કોઈ પીડા, સૌએ ગઝલ વખાણી.
– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
લયસ્તરો પર સર્જકના પ્રથમ ગઝલસંગ્રહ ‘પહેલી સવાર છે’ નું સહૃદય સ્વાગત…
મત્લાની હકારાત્મકતા સ્પર્શી જાય એવી છે. જિંદગીનું તો હરહંમેશ હરએક સ્વરૂપે સ્વાગત જ કરવાનું હોય. માણસને પોતાના આંસુ લૂંછવા માટે વર્ષોની સાથી દીવાલોનો ટેકો લેવો પડે એ વાત એકલતાની પીડાને કેવી ધાર કઢી આપે છે! બાકીના ત્રણેય શેર પણ આસ્વાદ્ય થયા છે.
Permalink
November 11, 2021 at 12:47 AM by વિવેક · Filed under ગઝલ, પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
આ એક જ જ્ઞાનના આધાર પર ઉન્નત થવાનું છે,
કોઈને કંઈ કહ્યા વિના બધું છોડી જવાનું છે.
ચમક આંખોમાં લઈને દ્વાર પર શું કામ ઉભા છો?
શું અજવાળું લઈને સાંજે કોઈ આવવાનું છે?
ભલે ગુમાવી દઉં હું જાત પણ ચોપાટ નહીં છોડું,
એ ખુશ ના થાય ત્યાં સુધી રમતમાં હારવાનું છે.
સમય-સંજોગની ઠોકરથી જેના થ્યા છે સો ટુકડા,
ખુમારીનો લઈ ધાગો એ સપનું સાંધવાનું છે.
મેં પાછું લઈ લીધું છે ટાંકણું એને જે સોંપ્યું’તું,
નવેસરથી હવે અસ્તિત્વને કંડારવાનું છે.
– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
સરસ મજાની ગઝલ… બધા જ શેર મજાના છે પણ મત્લા અને છેલ્લો શેર સ-વિશેષ ધ્યાન માંગી લે એવા.. ત્રીજા અને પાંચમા શેરમાં સ્ત્રીસર્જકની ઉપસ્થિતિ પણ બહુ સરસ રીતે વર્તાય છે…
Permalink
October 29, 2020 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
ભ્રમણાની દુનિયામાં વીતી ગ્યાં વર્ષો, હું રહી ગઈ છું એવી ને એવી
જાગું પણ સૂતેલા જેવી
કૂંપળથી પાન પીળું થાવાની ઘટના લગ કંઈ પણ ના પામ્યો આ જીવ,
માટીના પિંજરની અંદર ડોકાઈને શોધ્યો ના કોઈ ‘દિ મેં શિવ;
હાય મૂઓ પસ્તાવો ભીંસે છે રૂદિયાને આંખોને મીંચુ હું જેવી,
જાગું પણ સૂતેલાં જેવી.
તૂટી ગયેલાં સૌ શમણાંના ટુકડાને સંભાળી રાખું શું કામ?
તારું કે મારું કે દુનિયા કે ઈશ્વરનું, કોનું દઉં કારણમાં નામ?
લે, મારાં માથે મેં સઘળું લઈ લીધું છે, ફરિયાદો કોને ને કેવી?
જાગું પણ સૂતેલાં જેવી.
– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
ઘડપણ ક્યારેક જાગવાની ખટઘડી થઈને આવતું હોય છે. જીવનનો અંત ઢૂંકડો જણાય ત્યારે કવચિત્ જીવની ભીતર રહેલા શિવને શોધવાની કોશિશ ન કર્યાનો વસવસો થઈ આવે છે. દુનિયાની ભ્રમજાળમાં ફસાઈને એવાને એવા રહી ગયાનો પસ્તાવો આતમને ભીંસે છે. આપણામાંથી મોટાભાગનાને તો આ જ્ઞાન મરણપર્યંત લાધતું નથી પણ જેને જાગતાં હોવા છતાં સૂતાં રહી ગયાની વાત સમજાઈ જાય છે એ આ પરિસ્થિતિની જવાબદારીનો ટોપલો દુનિયા કે ઈશ્વરના માથે નાંખી છટકવાની કોશિશ કરવાના બદલે પોતાની નિષ્ક્રિયતા અને નિષ્ફળતાની સંપૂર્ણ જવાબદારી પોતાને જ માથે લઈને ફરિયાદો કરવાથી મુક્ત રહે છે… શિવ સાંપડે કે ન સાંપડે, પણ આટલુંય આત્મજ્ઞાન થાય તોય ભયો ભયો…
કાવ્યબાની અને છંદોલય પર વધુ સંજિદગીથી કામ કરાય તો આ પ્રતિભાશાળી કવયિત્રીની આવતીકાલ વધુ ઉજળી નજરે ચડે છે…
Permalink
August 31, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
કરી વિદ્રોહ સૌ સામે જરા હિંમત બતાવી છે,
મેં ખોવાયેલી મારી જાતને ખુદથી મળાવી છે.
હવે એવી હું પારંગત બની છું આ વિષયમાં પણ,
રીસાયા બાદ મારી જાતને મેં ખુદ મનાવી છે.
શરત સંગાથની પાળી ને આઝાદી મૂકી ગીરવે,
મેં હસતાં મોઢે મારી મરજીથી પાંખો કપાવી છે.
હવે પાછી વળી મારી તરફ ક્યારેય નહી આવે,
તમારી સાથે મારી સૌ ખુશીઓને વળાવી છે.
થયુ નિદાન કે આંખોમાં ગાંઠો આંસુની થઈ છે,
કોઈ કારણ પૂછે તો મેં ફક્ત પાંપણ નમાવી છે.
– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
આમ તો બધા જ શેર સ-રસ થયા છે, પણ આખરી શેરમાં આંખમાં આંસુની ગાંઠોની બિમારી અને એનું કારણ ન કહેવાની કવયિત્રીની રીત તો ભાઈ, વાહ!
Permalink
April 25, 2019 at 1:38 AM by વિવેક · Filed under પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ, બાળકાવ્ય
. હજુ તો નાનાં બાળ અમે સૌ,
. નાખે કેવો ભાર અરે! સૌ.
આ જુઓ, બોલાવે માટી, સાથે એની રમવા દો ને,
છીપલાં, મોતી, શંખ જણસ છે, ગજવે થોડાં ભરવા દો ને,
કાલે મોટાં થઈ જાશું તો આજે થોડું જીવવા દો ને,
. સમજો થોડી વાત તમે સૌ
. હજુ તો નાના બાળ અમે સૌ.
શૈશવની શેરીમાં મારે મનમોજી થઈ ફરવું છે,
આવડતું ના હોય ભલે ને, છબ્બાક દઈને તરવું છે,
જે કરવાની ના પાડો એ સૌથી પહેલાં કરવું છે,
. છો ને કાઢો આંખ તમે સૌ
. હજુ તો નાનાં બાળ અમે સૌ
ખુલ્લા આકાશે ઊડવાનું લાગે વહાલું વહાલું અમને,
મોજ પડે જો કોઈ કહે કે, જા બહારે જઈને રમ ને,
અમ સૌનું મન કળવા ઈશ્વર,થોડી સમજણ આપે તમને,
. સંભાળો આ બાગ તમે સૌ
. હજુ તો નાનાં બાળ અમે સૌ.
– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
લયસ્તરો પર બાળગીતો મૂકવાનું ઓછું જ થાય છે પણ આ ગીત તો વાંચતાવેંત મન પર કબજો કરી બેઠું. એકદમ બાળસહજ ભાષા અને અનવરત પ્રવાહી લયવાળું આ ગીત આપના ઘરમાં બાળકો હોય તો જરૂર ગાઈને સંભળાવજો…
Permalink
March 2, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
જગમાં ચહલ પહલ બધીયે બરકરાર છે,
મારા મર્યા પછીની આ પહેલી સવાર છે.
શ્વાસોની આવ-જાવને જીવવું ગણે છે જે,
ઈલાજ એમનો કરો, નક્કી બિમાર છે.
કોઇના આંસુ અવગણું, મારાથી નહિ બને,
ભીતર છે કોઈ જે મને ઝંઝોડનાર છે.
મારી ટકોરા જઉં કશે, આદત નથી મને,
ખેંચાણ એમાં હોય છે, ખુલ્લાં જે દ્વાર છે.
આઝાદી છે તને ભલે બીજાને પ્રેમ કર,
મારાથી પણ વધુ જો કોઈ ચાહનાર છે !
આરોપ સૌ સ્વીકારી લીધા એ જ કારણે,
તરફેણમાં ક્યાં મારી કોઈ બોલનાર છે.
કયાં છે ખબર ફરીથી અહીં આવશું કે નહીં,
બસ, આપણી તો આ ધરા પર એક લટાર છે.
– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
મજાની ગઝલ. દુનિયાની વરવી વાસ્તવિક્તાને એકદમ સહજતાથી સ્પર્શ કરી જતા મત્લાનું સૌંદર્ય તો અદભુત! ટકોરા અને આઝાદીવાળો ચોથો-પાંચમો શેર સામાન્ય છે અને ભાષામાં પ્રવાહિતા ક્યાંક-ક્યાંક ઓછી પડે છે એ બાદ કરીએ તો આસ્વાદ્ય ગઝલ.
Permalink