તમારા સ્મરણથી એ શેં રૂઝવાના !
તમારા વગર આ જખમ દૂઝવાના.
અશ્વિન ચંદારાણા

(જાગું પણ સૂતેલાં જેવી) – પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

ભ્રમણાની દુનિયામાં વીતી ગ્યાં વર્ષો, હું રહી ગઈ છું એવી ને એવી
જાગું પણ સૂતેલા જેવી

કૂંપળથી પાન પીળું થાવાની ઘટના લગ કંઈ પણ ના પામ્યો આ જીવ,
માટીના પિંજરની અંદર ડોકાઈને શોધ્યો ના કોઈ ‘દિ મેં શિવ;
હાય મૂઓ પસ્તાવો ભીંસે છે રૂદિયાને આંખોને મીંચુ હું જેવી,
જાગું પણ સૂતેલાં જેવી.

તૂટી ગયેલાં સૌ શમણાંના ટુકડાને સંભાળી રાખું શું કામ?
તારું કે મારું કે દુનિયા કે ઈશ્વરનું, કોનું દઉં કારણમાં નામ?
લે, મારાં માથે મેં સઘળું લઈ લીધું છે, ફરિયાદો કોને ને કેવી?
જાગું પણ સૂતેલાં જેવી.

– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

ઘડપણ ક્યારેક જાગવાની ખટઘડી થઈને આવતું હોય છે. જીવનનો અંત ઢૂંકડો જણાય ત્યારે કવચિત્ જીવની ભીતર રહેલા શિવને શોધવાની કોશિશ ન કર્યાનો વસવસો થઈ આવે છે. દુનિયાની ભ્રમજાળમાં ફસાઈને એવાને એવા રહી ગયાનો પસ્તાવો આતમને ભીંસે છે. આપણામાંથી મોટાભાગનાને તો આ જ્ઞાન મરણપર્યંત લાધતું નથી પણ જેને જાગતાં હોવા છતાં સૂતાં રહી ગયાની વાત સમજાઈ જાય છે એ આ પરિસ્થિતિની જવાબદારીનો ટોપલો દુનિયા કે ઈશ્વરના માથે નાંખી છટકવાની કોશિશ કરવાના બદલે પોતાની નિષ્ક્રિયતા અને નિષ્ફળતાની સંપૂર્ણ જવાબદારી પોતાને જ માથે લઈને ફરિયાદો કરવાથી મુક્ત રહે છે… શિવ સાંપડે કે ન સાંપડે, પણ આટલુંય આત્મજ્ઞાન થાય તોય ભયો ભયો…

કાવ્યબાની અને છંદોલય પર વધુ સંજિદગીથી કામ કરાય તો આ પ્રતિભાશાળી કવયિત્રીની આવતીકાલ વધુ ઉજળી નજરે ચડે છે…

4 Comments »

  1. પૂર્વી said,

    October 29, 2020 @ 3:37 AM

    ખૂબ ખૂબ આનંદ સાથે આભાર વિવેક ભાઈ.

  2. Dr Sejal Desai said,

    October 29, 2020 @ 6:28 AM

    ખૂબ જ સરસ ગીત… જાગું પણ સૂતેલા જેવી….વાહ…

  3. Kajal kanjiya said,

    October 29, 2020 @ 6:43 AM

    અભિનંદન પૂર્વી💐

  4. pragnajuvyas said,

    October 29, 2020 @ 2:20 PM

    સુ શ્રી પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટની’ જાગું પણ સૂતેલા જેવી ગીત’ રચનાનો સારો પ્રયત્ન
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment