દફ્તરને ગુસ્સો આવ્યો….
*
વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ શ્રી ડૉ. દક્ષેશ ઠાકર સંપાદિત “કેળવણીની કવિતા” પુસ્તકમાં સમાવિષ્ટ મારું કાવ્ય આપ સહુ માટે… (આ સંગ્રહમાં એક બીજું કાવ્ય ભૂલથી મારા નામ સાથે છપાઈ ગયું છે, જો કે એ કવિતા મારી નથી)
*
દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું,
વીસ વરસ પહેલાંનું દફ્તર સપનામાં કેમ આવ્યું ?
વીસ વરસ પહેલાંનું દફ્તર – સળેખડું ને સોટી,
રંગ-રંગના વાદળિયાંની ભીતર ભરી લખોટી;
સપનાં ખિલખિલ કરતાં ખેંચે એક-મેકની ચોટી,
ભૂલ થઈ ક્યાં, ક્યારે? આજે પડી ગણતરી ખોટી,
વીસ વરસમાં દફ્તર ક્યાંથી ક્યાં જઈ પટકાયું?
સંતાકૂકડી, ખોખો, લંગડી પાડે છે પોકાર,
શેરી-ગલીઓ-મેદાનો પર કેવો અત્યાચાર ?
પગલાંઓને બદલે શાને રુંધે છે સુનકાર ?
ભાર વિનાનું ભણતર કે ભણતર વિનાનો ભાર ?
ટીવી ને કમ્પ્યૂટર નીચે પગપણું કચડાયું…
દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું.
દફ્તરમાં તૂટી ગ્યાં સઘળાં સપનાંઓ ધડુમ…
ટાઇમ-ટેબલ તો રહી ગયું પણ ટાઇમ થયો છે ગુમ;
દફ્તરમાં ઠાંસી છે ચોપડીઓની લૂમેલૂમ,
થોડી જગ્યા માંડ બચી ત્યાં ટ્યુશન પાડે બૂમ.
સ્કૂલ અને ટ્યુશનની વચ્ચે દફ્તર કેમ પિસાયું?
દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું
– વિવેક મનહર ટેલર
(૩૧-૧૨-૨૦૧૧/ ૧૭-૦૨-૨૦૧૩)
Harshad said,
June 20, 2015 @ 8:49 AM
Beautiful creations. Bhai bahutkhub!!!!
લલિત ત્રિવેદી said,
June 20, 2015 @ 2:09 PM
સરસ કાવ્ય ….અભિનન્દન
yogesh shukla said,
June 20, 2015 @ 3:07 PM
આજના દફતર યુગ ને સારા ચાબખા માર્યા છે ,
શિક્ષણ -ટ્યુશન બે દફતરો કોઠી માં સંતાયા છે ,
” યોગેશ શુક્લ “
aasifkhan said,
June 21, 2015 @ 1:10 PM
વાહ સરસ વિવેકભાઇ
અદભુત્
Jigna Trivedi said,
June 22, 2015 @ 11:55 PM
વિવેકભાઈ , ખૂબ સુંદર ગીત , માણવાની મજા આવી.
વિવેક said,
June 23, 2015 @ 2:17 AM
સહુ મિત્રોનો ખૂબ ખૂબ આભાર….