ડાળીએથી એક ફૂલ ખરવાની ઘટના પણ, રમેશ
મૃત્યુના અહેસાસને પ્રસરાવી દે છે શ્વાસમાં
– રમેશ પારેખ

તું નાનો, હું મોટો – પ્રેમશંકર ન. ભટ્ટ

તું નાનો, હું મોટો –
એવો ખ્યાલ જગતનો ખોટો ;
આ નાનો, આ મોટો –
એવો મૂરખ કરતા ગોટો.

ખારા જળનો દરિયો ભરિયો,
મીઠા જળનો લોટો ;
તરસ્યાને તો દરિયાથીયે
લોટો લાગે મોટો.

નાના છોડે મહેકી ઊઠે
કેવો ગુલાબગોટો !
ઊંચા ઊંચા ઝાડે તમને
જડશે એનો જોટો ?

મન નાનું તે નાનો,
જેનું મન મોટું તે મોટો.

– પ્રેમશંકર નરભેરામ ભટ્ટ ‘પ્રેમ’
(જન્મ: ૧૫–૦૩–૧૯૧૦, ભાવનગર; અવસાન: ૧૧-૧૦–૨૦૧૬, ગાંધીનગર)

ગયા અઠવાડિયે આપણે પ્રેમશંકર હ. ભટ્ટની રચના વાંચી. આજે વાંચીએ પ્રેમશંકર ન. ભટ્ટની એક રચના. કવિએ કેવળ અઢી વરસની વયે માતાને ગુમાવ્યાં. દાદા અને પિતાએ ઉછેર્યા. દાદા હતા પોલીસમાં પણ કવિતા એમણે જ કવિને વારસામાં આપી. પ્રહલાદ પારેખ, કૃષ્ણલાલ શ્રીધરાણી અને પ્રેમશંકરની ત્રિપુટી દક્ષિણામૂર્તિ, ગૂજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતનમાં સાથે જ ભણ્યા હતા. સાથે સ્નાતક થયા અને સાથે જેલમાં પણ ગયા અને સાથે માર પણ ખાધો. રાજાએ ખાસ સ્કોલરશીપ આપીને જર્મની બાળકેળવણી વિશે ભણવા મોકલ્યા. મોટાભાઈ માનભાઈના ‘શિશુવિહાર’ સાથે જીવનના છેલ્લા શ્વાસ સુધી સંકળાયેલા રહ્યા. ૧૦૬ વર્ષનું વિરલ દીર્ઘાયુષ્ય એમણે ભોગવ્યું. કવિનું વિશેષ પદાર્પણ બાળકાવ્યોની દુનિયામાં. સાવ સરળ અને નાના-મોટા સૌના મનમાં ઘર કરી જાય એવો પ્રવાહી લય, નાના બાળકોનેય તરત સમજ પડી જાય એવું શબ્દચયન અને જીવનભર કામ લાગે એવો બોધ એમના કાવ્યવિશેષ ગણી શકાય.

11 Comments »

  1. સુનીલ શાહ said,

    August 17, 2023 @ 11:52 AM

    સરળ, સહજ, ઉમદા અભિવ્યક્તિ

  2. Chetna Bhatt said,

    August 17, 2023 @ 1:02 PM

    Ketlu..saras. !!
    Mne to baaLpan yaad aavi gayu
    Aaje pan ej lay ma gata gata vanchi lidhu.!!

  3. Ramesh Maru said,

    August 17, 2023 @ 1:11 PM

    સહજ ને સરળ બાની…
    પ્રાથમિકમાં ભણ્યા એ હજી યાદ છે…
    આજેય એવું ને એવું જ નવતર લાગે…
    કોટિ કોટિ પ્રણામ કવિને…વિવેકસર આપનો આસ્વાદ પણ ખૂબ સુંદર…

  4. વર્ષા પટેલ said,

    August 17, 2023 @ 2:03 PM

    વંદન.

  5. Vinod Manek, Chatak said,

    August 17, 2023 @ 2:30 PM

    બાળક ને પણ સહજ અને સરળ સમજાય તેવું ઉમદા ગીત

  6. Jigisha Desai said,

    August 17, 2023 @ 2:52 PM

    ખુબ સુન્દર

  7. pragnajuvyas said,

    August 17, 2023 @ 6:46 PM

    સુંદર બાળરચના

  8. વિભા ભટ્ટ said,

    August 17, 2023 @ 10:33 PM

    શ્રી પ્રેમશંકરભાઈ ભટ્ટ મારા કાકાજી થાય.અમારા પારિવારિક પ્રસંગોમા જ્યારે બધાં ભેગાં થાય ત્યારે પરિવારના બધા બાળકો દાદાજી પાસે હું નાનો તુ મોટો એ ગીત ગવરાવતા અને તેઓ આ ગીત પ્રેમથી છોકરાઓને સંભળાવતા.જેવા નામ તેવા ગુણ.તેમનો પ્રેમાળ અને હસતો ચહેરો ક્યારેય ભુલાશે નહીં. પરમ પૂજ્ય પ્રેમ ભાઇને કોટી કોટી વંદન.
    🙏🌹🙏

  9. Premal Shah said,

    August 18, 2023 @ 9:48 AM

    ઝટ હોઠે ચડી જાય તેવું સુંદર બાળ કાવ્ય જે વયસ્કોને પણ પ્રેરણા આપે

  10. pragnajuvyas said,

    August 18, 2023 @ 9:39 PM

    સહજ સરળ સુંદર બાળ કાવ્ય

  11. લતા હિરાણી said,

    September 2, 2023 @ 1:41 PM

    નાના હતા ત્યારે ખૂબ ગાયેલું…. હૈયે વસેલું

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment