એ તો વાયરાની પાંખે ઊડી જાય રે! – પ્રેમશંકર હ. ભટ્ટ
ફૂલડાંની ફોરમને કેમ રે ઝલાય,
એ તો વાયરાની પાંખે ઊડી જાય રે!
વીજળીનું તેજ થીર કેમ કરી થાય,
એ તો આભ કેરા હૈયે વેરાય રે!
– ફૂલડાંની ફોરમને.
નાનેરાં નવાણ દૈને ડૂબકી તગાય,
ઊંડા સમદર શેણેથી મપાય રે!
નીરના પિયાસી તરસ્યા કંઠ કેરી લાય,
ટોયે ઝાંઝવાનાં જળ શેં બુઝાય રે!
– ફૂલડાંની ફોરમને.
ઊંચી મ્હોલાતો, મંદિર, માળિયા, ઝરૂખડે,
ચાકળા ને ચંદરવા બંધાય રે;
આભ કેરા ટોડલે તોરણો ટીંગાડવાના,
મનસૂબા કેમ પૂરા થાય રે!
– ફૂલડાંની ફોરમને.
અણજાણી લિપિ, ભાષા, કિતાબો પઢાય,
ગૂઢા ભાગ્ય કેમ કરીને વંચાય રે!
દર ને દાગીના ઝીણું રેણ દૈ સંધાય,
તૂટ્યા આયખાને શી વિષે તુણાય રે!
– ફૂલડાંની ફોરમને.
– પ્રેમશંકર હ. ભટ્ટ
મુખડા વિનાના ચાર બંધમાં વિસ્તરેલું ગીત સંભવિત-અસંભવિતના સમાંતર પાટા પર ગતિ કરે છે. જેમ પવનની પાંખે ઊડી જતી ફૂલની ફોરમને ઝાલવી શક્ય નથી, એમ જ આભના હૈયે વેરાતી વીજળીના તેજને સ્થાયી ન કરી શકાય. નાનાં નવાણનો તાગ ડૂબકી દઈને કાઢી શકાય પણ સમુદ્ર તો અતાગ છે. ઝાંઝવાનું જળ ટીપેટીપે પીવડાવવાથી તરસ્યાના કંઠની લ્હાય શાંત થતી નથી. મહેલ-મંદિર બધું બાંધવું શક્ય છે પણ આભના ટોડલે તોરણો તાંગવાના મનસૂબા તો કેમ કરીને પૂરા થાય? લિપિ-ભાષા અજાણ્યા હોય તોય અભ્યાસ કરીને વાંચી શકાય પણ ભાગ્યને કોણ વાંચી શકે? દરદાગીનાને રેણ કરીને સાંધી શકાય પણ તૂટ્યા આયખાને કઈ રીતે સાંધી શકાય? સાવ સરળ દાવાદલીલોની ઇબારત પર ગીત રચાયું છે, પણ કવિને જે કહેવું છે એ કદાચ એ છે કે જિંદગીનો તાગ મેળવવો સંભવ નથી. પ્રકૃતિના નાનામોટા ચમત્કાર હોય કે આપનાં જીવન-મૃત્યુ -સઘળું આપણી પહોંચ કે સમજણથી બહુ દૂર છે. તો જે આપણા હાથમાં જ નથી એવા ઝાંઝવા પાછળ દોડવાના બદલે, આભ પર તોરણ બાંધવાની મંશા સેવ્યા વિના આયખું ખૂટી જાય એ પહેલાં જીવવાનું શીખી લઈએ તોય ઘણું…
કવિ વિશે- (સૌજન્ય: https://gujarativishwakosh.org)
(જન્મ: 30 ઑગસ્ટ 1914; નિધન: 30 જુલાઈ 1976, અમદાવાદ)
કવિ, નવલકથાકાર અને વિવેચક. ધ્રાંગધ્રા પાસેના રાજસીતાપુર ગામના વતની. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી એમ.એ. થઈને આરંભમાં બર્મા શેલ કંપનીના પ્રકાશન અધિકારી તરીકે અને પછી મુંબઈની ખાલસા, સોફિયા અને સિદ્ધાર્થ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે તેમણે કાર્ય કર્યું હતું; પાછળથી અમદાવાદની સ્વામિનારાયણ કૉલેજ, ધ્રાંગધ્રાની આર્ટ્સ કૉલેજ અને પછી દહેગામની કૉલેજમાં આચાર્ય હતા.
કાવ્યસંગ્રહો: ‘ધરિત્રી’ (1943), ‘તીર્થોદક’ (1957), ‘મહારથી કર્ણ’ (1969), ‘અગ્નિજ્યોત’ (1972) અને ‘દીપ બુઝાયો’ (મરણોત્તર : 1977)
pragnajuvyas said,
August 12, 2023 @ 2:07 AM
કવિશ્રી પ્રેમશંકર હ. ભટ્ટનુ ગેય ગીત એ તો વાયરાની પાંખે ઊડી જાય રે!મા હૃદયસંવેદના કુશળતાથી નિરૂપાયેલી છે. એમની ભાષામાં કોમળતા છે અને કલ્પના-તરંગો ઠીક ઠીક જોવા મળે છે.
ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
Deval said,
August 12, 2023 @ 11:42 AM
કલ્પનો સરસ અને obvious પણ નવા 3 શબ્દો શીખવા મળ્યા એનો આનંદ .
Bharati gada said,
August 12, 2023 @ 11:43 AM
ખૂબ સુંદર મજાના ગીતનો ખૂબ સરસ આસ્વાદ 👌👌
લતા હિરાણી said,
August 15, 2023 @ 4:07 PM
સરસ મજાનું ગીત