અંગત અંગત : ૦૪ : કવિતાનું ઋણ
કવિતા સાથે મને ક્યારે પ્રેમ થયેલો એનો મને ખ્યાલ નથી. બસ નાનપણથી જ વાંચવાનું ગમતું. ગમતી ગુજરાતી કવિતાઓ અને શાયરી એક નોટબુકમાં ક્યારે ઉતારવા માંડેલી, એનોય ખાસ ખ્યાલ નથી. શાળાનાં દિવસોથી જ ઉમાશંકર જોશીનું ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ ગીત, તો કલાપીનાં ‘આપની યાદી’ અને ‘રે પંખીની’ જેવા ઘણા ગીતો આત્મસાત થઈ ગયેલા. એ સમયકાળ દરમ્યાન એક વેકેશનમાં મારા એક માસાજીએ એમનાં એક મિત્રનું ઓડિયો-કેસેટ આલ્બમ લાવી આપેલું… ‘ધબકાર’ ! રિષભઅંકલની એ કેસેટ સાંભળી સાંભળીને અમેરિકા આવતા સુધીમાં તો મેં સાવ ઘસી નાંખેલી. ત્યારે અણજાણ્યે જ ગુજરાતી ગઝલ અને સુગમ સંગીત પ્રત્યે પ્રેમ થઈ ગયેલો. એ આલ્બમની બધી રચનાઓ સાવ કંઠસ્થ થઈ ગયેલી અને ઘણી રચનાઓ તો અર્થ સમજ્યા વિના જ હૃદયસ્થ થઈ ગયેલી, જેમ કે શરૂઆતનું જ આ મુક્તક-
તું નથી આ શબ્દનાં આકારમાં,
તું નથી આ સૂરનાં શણગારમાં,
ક્યાં નજાકત તારી ને ક્યાં આ જગત ?
સાચવું તેથી તને ધબકારમાં…
અને બીજી ઘણી રચનાઓ પણ, જેવી કે- આશાનું ઈંતઝારનું સપનાનું શું થશે?… ફેંક્યો પત્થર, માણસ પત્થર… રમતા રમતા લડી પડે ભૈ માણસ છે… ચાલને દુલ્હા-દુલ્હન રમીએ… શિલ્પી ઘડી રહ્યા છે શું પત્થર નવાં નવાં… જે આંખો મને દેખી જ્યારે નમી’તી, એ આંખો મને ત્યારે સૌથી ગમી’તી… હું મજામાં છું એ મારો વ્હેમ છે…વિ. પરંતુ મોટા ભાગની એ રચનાઓ ગઝલો જ હતી એનું જ્ઞાન મને હજી ત્યારે ન્હોતું. અને પછી તો 1990થી ઘણા વર્ષો સુધી દેશ, દોસ્તો અને સ્વથી સાવ જ દૂર થઈ ગયેલી. વ્હાલું વતન અને વ્હાલા મિત્રોને છોડ્યા બાદ વતનપ્રેમનું કોઈ પણ ગીત આંખોને અચૂક ભીની કરી જતું. મિત્રોનાં પત્રોની તો કાગડોળે રાહ જોવાતી અને જ્યારે કોઈ પત્ર આવતો ત્યારે ‘ચિઠ્ઠી આઈ હૈ આઈ હૈ’ ગીતનો બેશુમાર નશો ચડતો અને એ પત્ર કંઈ કેટલીયે વાર વંચાતો. કોકવાર જ્યારે કોઈ મિત્રનો પત્ર ઘણા વખત સુધી ન આવવાની નિરાશા સાંપડતી અને હું પત્ર લખવા બેસતી ત્યારે ‘ધબકાર’ની આ ગઝલ મને ખાસમખાસ અચૂક યાદ આવતી…
સ્વર-સંગીત: રિષભ મહેતા
[audio:http://tahuko.com/gaagar/hu-majama-chhu.mp3]હું મજામાં છું- એ મારો વ્હેમ છે,
ખાસ લખવાનું કે તમને કેમ છે?
કોઈ ચિઠ્ઠી કે ચબરખી પણ નથી,
શું મને ભૂલી જવાની નેમ છે?
કૈંક ઉમંગોની છબી ફૂટી ગઈ,
ખાલી ખાલી જિંદગીની ફ્રેમ છે.
એ જ બીજી કાંઈ નવાજૂની નથી,
આપણા ઉપર પ્રભુની રહેમ છે.
– નયન દેસાઈ
સાત વર્ષ પછી દેશની પ્રથમ મુલાકાત વખતે એક સહેલીએ પાછા વળતી વખતે રેલ્વે સ્ટેશન ઉપર મને મનહર ઉધાસનાં ‘આગમન’ આલ્બમની કેસેટ આપેલી. ત્યાર પછી લગભગ રોજ કારમાં એકવાર તો એ કેસેટ વાગતી જ. લગભગ ઘસાવા માંડી હતી એટલી હદે. પરંતુ ત્યારે જ એક દિવસ મારી એ કાર ચોરાઈ ગયેલી, ત્યારે કાર ગયા કરતાં એ કેસેટ ગયાનું દુ:ખ મને વધારે થયેલું; કારણ કે કારનો તો ઈંસ્યોરંસ હતો પરંતુ એ કેસેટનો ન્હોતો. ‘એ મેરે પ્યારે વતન’ ગીત વતન છોડ્યા બાદ અસ્તિત્વનો એક અભિન્ન હિસ્સો બની ગયેલું. જીવનનાં સોળ વરસ સુધી અસ્તિત્વનાં સંઘર્ષનો પર્યાય બની ગયેલા એ વર્ષો પછી એ ગીતનું સ્થાન છેલ્લા ચાર-પાંચ વર્ષોમાં આદિલજીની ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’ અને ‘વતનની ધૂળનાં એકેક કણને સાચવજો’ જેવી ગઝલોએ ક્યારે લઈ લીધું હતું એનો મને પોતાને પણ ખ્યાલ સુદ્ધાં ન રહ્યો. દેશ અને દોસ્તોથી દૂર થવાની પીડા તો હતી જ, પરંતુ એક હકીકત એ પણ હતી કે સમયનાં વહેણમાં દૂર થઈ ગયેલા દેશ અને દોસ્તો હૃદયની જરા વધુ નજીક આવી ગયેલા. દેશમાં અને સ્વદેશ બની ગયેલા આ પરદેશમાં ગુજરાતી કવિતાએ મને ખૂબ જ હૂંફ આપી છે, પંપાળી છે, મનાવી છે, સાચવી છે. અને એની પ્રતીતિ મને છેલ્લા પાંચેક વર્ષો દરમ્યાન જ થઈ છે. કવિતાનું ઋણ અને કવિતા લખવાનું પ્રેરકબળ બની રહેલા મિત્રોનું ઋણ આ જીવનમાં તો હવે ઉતરી રહ્યું…
Jayshree said,
December 8, 2010 @ 1:45 AM
“કવિતાનું ઋણ અને કવિતા લખવાનું પ્રેરકબળ બની રહેલા મિત્રોનું ઋણ આ જીવનમાં તો હવે ઉતરી રહ્યું…”
ક્યા કહેને…!!!
nilam doshi said,
December 8, 2010 @ 5:32 AM
nice urmi….
urmi…
ઉલ્લાસ ઓઝા said,
December 8, 2010 @ 6:02 AM
ઊર્મિ-સભર અભિવ્યક્તિ.
કવિતારૂપી ઊર્મિનો સાગર હંમેશા છલકાતો રહે !!
અભિનંદન.
urvashi parekh said,
December 8, 2010 @ 8:41 AM
સરસ અભીવ્યક્તી.
લખવા બેસીએ ત્યારે કેટકેટલુ યાદ આવી જાય,
અને મન અને હ્રદય ને ભીંજવી જાય,
સ્મ્રુતીસ્પર્શ થી બધુજ ભર્યુ ભર્યુ થૈ જાય ખરુ ને?
pragnaju said,
December 8, 2010 @ 8:51 AM
અમારી કવિતા ગુરુ, આ પોરીએ તો અમે બેવતનીની લાગણી હૂબહૂ રજુ કરી અને
‘ત્યારે કાર ગયા કરતાં એ કેસેટ ગયાનું દુ:ખ મને વધારે થયેલું’ એ વાત કવિતા સાથેનો ઉત્કટ લગાવ બતાવે છે.’.સાચવું તેથી તને ધબકારમાં…’ સાથે એ ધબકાર વહેંચતા રહ્યા છે.
ખાસમખાસ અચૂક યાદ આવતી ગઝલમા અમારી દિકરીના ગઝલ ગુરુ નયનની ગઝલ માણી, નયને પોતાના અવાજમા રજુ કરેલી ગઝલો યાદ આવી.
‘સ્વદેશ બની ગયેલા આ પરદેશમાં ગુજરાતી કવિતાએ મને ખૂબ જ હૂંફ આપી છે, પંપાળી છે, મનાવી છે, સાચવી છે’ અનુભવેલી અભિવ્યક્તી
.આદરણિય ચીનુભાઈ સમક્ષ રજુ કરેલી ગઝલની વીડિયો માણતા થાય કે કવિતાના લગાવ ,તેના પઠને તમને કેટલી ઊચાઈએ લાવ્યા છે!
‘… ઋણ આ જીવનમાં તો હવે ઉતરી રહ્યું…’
ખરેજ ઉઋણી કેવી રીતે થવાય ?
Bharat Trivedi said,
December 8, 2010 @ 10:03 AM
કવિતા અને પ્રેમનો નાતો અકળ લાગે છે! પ્રેમ થાય એટલે જીવનમાં કવિતાનો પણ પ્રવેશ થાય છે. પછી કવિતા પ્રેમનો પર્યાય જેવી બની રહે છે. ક્યારેક થાય છે કે કવિતા જીવનમાં ના આવી હોત તો જીવન આજે જેટલું સમ્રુધ્ધ લાગે છે તેટલું લાગ્યું હોત ખરું ? વિદેશવાસનાં પહેલાં પંદરેક વર્ષ કવિતા સાવ જ છૂટી ગઈ. પછી દેશથી કવિ-મિત્રોની આવ-જાવ શરું થઈ. જીવનમાં કવિતા પાછી આવી, અને એવી તો આવી કે જાણે ડૂબતાને કોઈના હાથનો સહારો મળી જાય! વિવેક, ધવલ, તીર્થેશ અને આજે ઊર્મિની કેફિયત વાંચતાં એ વાતની થાય છે કે ઈશ્વર બધા સમાન-ઘર્મીઓને કોઈને કોઈ રીતે ભેગાં કરી જ દેતો હોય છે!
-ભરત ત્રિવેદી
Navnit said,
December 8, 2010 @ 11:30 AM
Urmi,
વાંસળીની જેમ વાગી ના શકે તો જાણજે,
છે હજી પણ કૈંક અંદર… સાવ તું ખાલી નથી !
જો ભરોસો હોય ના મુજ પ્રેમ પર તો આવતો હરગીઝ નહીં,
પણ કદી શ્રદ્ધા ઝરે તો બેધડક તું મારી પાસે આવજે.
Navnit said,
December 8, 2010 @ 11:36 AM
Simple and Nice.
It seems your love and relationship with poems, enabled you to create effective lines like posted above. Keep it up. Some day, your poems will inspire others to write their own.
Girish Parikh said,
December 8, 2010 @ 1:09 PM
ઉર્મિબહેનઃ કાવ્યોર્મિ છલકાઈ રહી છે તમારા એકે એક શબ્દમાં.
Kalpana said,
December 8, 2010 @ 3:32 PM
ઊર્મિ સભર વાણી વાઁચી મને મારા પર દયા આવી ગઈ. હુઁ સાહિત્યની દૂરીથી ઝૂરી, પરદેશ આવીને. એજ મારા મનના ઉદ્ગાર અહીઁ વાચા પામ્યા છે. આભાર ઊર્મિ.
નયનભાઈની રચના સુઁદર છે.
મઝામા છીએ એ વહેમ હોવો એ પણ પ્રભુની રહેમ જ છે.
કલ્પના
Taha Mansuri said,
December 8, 2010 @ 10:24 PM
સુંદર રચના છે અને આપની કેફિયત પણ એટલી જ સુંદર.
કાલે પાછા ચાલ્યા જાશું નક્કી કાલે પાછાં,
કાલે કાલે કરતાં કરતાં જર્સીમાં વર્ષો કાઢ્યાં.
Lina said,
December 10, 2010 @ 6:24 PM
સ્વદેશ બની ગયેલા આ પરદેશની કલ્પના …મઝા આવી ગઈ… love you Monki….
thakorbhai.kabilpor.navsari said,
February 10, 2012 @ 10:24 AM
કવિતા વિનાનુ જીવન એટલે પ્રેમ વિનાનુ જીવન