એ જ આશા રાખવામાં સાર છે,
બંધ છે એ શક્યતાનું દ્વાર છે.

આપણી બારી ઉઘાડી રાખીએ,
તો બધે અજવાસ પારાવાર છે.
હર્ષા દવે

અંગત અંગત : ૧૦ : વાચકોની કલમે – ૦૬

અમારી માંગણીને માન આપીને રઈશભાઈ લયસ્તરોની આ યાત્રામાં જોડાયા એ અમારે મન મોટો પુરસ્કાર છે…

*

દરેક વાતે વિચારવાનું ત્યજી દઈને નિહાળતો જા
સ્વીકારવાનું, નકારવાનું ત્યજી દઈને નિહાળતો જા

સમસ્ત દુનિયા છે એક રચના, જો થાય મનમાં વહી જા લયમાં
ન તોલ એને, મઠારવાનું ત્યજી દઈને નિહાળતો જા

પસાર થાતી ઘડી ઘડીમાં જુદી જુદી જે છબી ચમકતી
તમામ ઊંડે ઉતારવાનું ત્યજી દઈને નિહાળતો જા

આ આંસુ કરતાં છે પૃથ્વી મોટી, હૃદય છે એક જ, હજાર દુઃખ છે
દુઃખે દુઃખે આંસુ સારવાનું ત્યજી દઈને નિહાળતો જા

ઉઘડતું આથમતું રૂપ શાશ્વત ને એક પલકારો તારું જીવન
તું એની લટને નિખારવાનું ત્યજી દઈને નિહાળતો જા

તું આજીવન માત્ર જોતો રહેશે છતાંય તું અંશમાત્ર જોશે
સમગ્ર અંગે તું ધારવાનું ત્યજી દઈને નિહાળતો જા

– રઈશ મનીઆર

હું શરૂઆતમાં, અગિયારેક વરસની ઉંમરે, કવિતા પ્રત્યે માત્ર ચમત્કૃતિ સાધવાની એની શક્તિથી આકર્ષાયેલો. ત્યારે કોઇ ઊંડાણભરી નિસ્બત નહોતી એવું અત્યારે લાગે છે. પાઠ્યપુસ્તકની કૃતિઓ તો બોલાતી ભાષાથી જોજનો દૂર લાગતી એટલે રસ નામપૂરતો જ. કવિતાનો પહેલો પ્રભાવ, કવ્વાલીઓના કાર્યક્રમમાં જે રીતે ગઝલના કાફિયા પર શ્રોતાઓ ઉછળી પડતા એ જોઇને પડ્યો. રદીફ, કાફિયા અને છંદનું ઘેલું ત્યારથી લાગ્યું. મારી કવિતાનું બાહ્ય કલેવર તો ત્યારથી ઘડાવા માંડ્યું હતું પરંતુ મારી કે બીજા કોઇ કવિની કોઇ કવિતા મારા જીવનમાં પરિવર્તન લાવે એ હદે સ્પર્શી નહોતી. ખરેખર તો કવિતા આંતરિક પરિવર્તન લાવી શકે એવો મને ખ્યાલ જ નહોતો. આંતરિક પરિવર્તનની જરૂર છે એવો ખ્યાલ પણ જીવાતા જીવન અને લખાતી કવિતાની જુગલબંદીથી મોડેમોડે આવ્યો. 27 થી 37 વરસની ઉંમર વચ્ચે જે મથામણ અનુભવી, એને કવિતામાં વ્યક્ત કરી. પરંતુ કવિતાનો પોતાનો “હીલિંગ પાવર” મને મારી ‘નિહાળતો જા’ ગઝલમાં પ્રથમવાર અનુભવાયો. કદાચ કોઇને લાગે (ઘણીવાર મને પણ લાગે છે) કે આ કવિતામાં નવી કોઇ વાત નથી. સાક્ષીભાવની વાત તો પૂર્વકાળમાં અને અન્યત્ર બહુ થઇ છે. પરંતુ એથી મારે માટે આ કવિતાનું મહત્વ ઘટી જતું નથી. આ કવિતા માટે હું ખાતરી પૂર્વક કહી શકું કે એ મારી પડખે વારંવાર ઊભી રહી છે. સ્વત્વનું એકાંત જ્યારે મૂંઝવી નાખે, ગૂંગળાવી નાખે ત્યારે આ કવિતા તરત જ મને સમગ્રતાના ખોળામાં નિશ્ચિંતપણે વિહરતો કરી દેવાની તાકાત ધરાવે છે.

કવિ રઈશ મનીઆરની આ રચના માનવ રઈશ મનીઆરને કેટકેટલા લાભ કરાવે છે! એના જીવનમાં કુતૂહલ વિરમે છે, બાળસહજ પ્રશ્નો વિરમે છે, વિચારબાહુલ્ય અને વિકલ્પોની નિરર્થકતા સમજાય છે, ગમા અણગમાની તીવ્રતા ઓછી થાય છે, ‘હું કરું’ ‘હું કરું’ની કર્તૃત્વભાવના ઘટે છે, દરેક વસ્તુનો પ્રતિભાવ આપવા કે સેવવાની મજબૂરીમાંથી છૂટકારો મળે છે.

આજની તારીખે આ કવિતાના ભાવ પર મારું સંપૂર્ણ અવલંબન નથી. જીવન શાંતિપૂર્વક અને રસપૂર્વક જીવવા માટેના અન્ય આધારો કવિતામાંથી અને કવિતાઈતર જગતમાંથી શોધી કાઢ્યા છે. પણ નિ:શકપણે આ કવિતા મારે માટે માનસિક સમાધાન, સ્વીકાર અને સંતુલનની દિશાનું પ્રથમ મક્કમ પગલું બની રહી છે.

મારી કવિતાઓ સામાન્યરીતે મને લાંબો સમય સુધી ગમતી નથી. લખ્યાને સાત વર્ષ થયા, તો ય આજે પણ આ ‘લગાલગાગા’ના ચાર આવર્તનો પર ડોલવાનું મને હજુ ગમે છે.

15 Comments »

  1. હેમંત પુણેકર said,

    December 14, 2010 @ 2:15 AM

    ખૂબ સુંદર રચના અને કેફિયત!

  2. Pinki said,

    December 14, 2010 @ 3:03 AM

    દરેક વાતે વિચારવાનું ત્યજી દઈને નિહાળતો જા
    સ્વીકારવાનું, નકારવાનું ત્યજી દઈને નિહાળતો જા… બહુ જ સરસ !

    નિ:શકપણે આ કવિતા મારે માટે માનસિક સમાધાન, સ્વીકાર અને સંતુલનની દિશાનું પ્રથમ મક્કમ પગલું બની રહી છે. રસપ્રદ !

  3. Pushpakant Talati said,

    December 14, 2010 @ 5:29 AM

    વિચારવાનું ત્વજો – નકારવાનું ત્વજો – મઠારવાનું ત્વજો – (ન તોલો એને) એટલે કે મનથી પણ મુલ્ય કરવાનું કે કિંમત આંકવાનું VALUATION કરવાનું પણ ત્વજો – દરેક બાબતમાં વારે ઘડીયે ઉંડે ઉતરવાનું પણ ત્વજો – આંસુ સારવાનું પણ ત્વજીદો હવે. અને ફક્ત સ્વિકારવાનું શીખી જાવ એટલે બસ. અન્ય કોઈ પણ ચીજ તમારા હાથમાં નથી જ. આ રચનાની સર્વોત્તમ પંક્તિ ;-
    ” હૃદય છે એક જ, હજાર દુઃખ છે
    દુઃખે દુઃખે આંસુ સારવાનું ત્યજી દઈને નિહાળતો જા ”

    માનો તો વણ-માંગી; પણ જીવન પર્યત યાદ રાખવા જેવી ઘણી જ સરસ સલાહ આપી રચનાકારે જીવનને સુખી તેમજ ભર્યું તથા નિષ્ચિન્ત બનાવવા માટે સરસ અને સુંદર અંગુલીનિર્દેષ કરેલો છ આમાં – બાકી જો ન જ માનો તો તો પેલી ફોલ્મી ગીતની જેમ ;- “માનો તો ગંગા માં હું ; ના માનો તો બહેતા પાંની ”

    સ ર સ અને મ જા ની ગ મ તી ર ચ ના .

  4. સુનીલ શાહ said,

    December 14, 2010 @ 7:20 AM

    ખૂબ સુંદર રઈશભાઈ

  5. pragnaju said,

    December 14, 2010 @ 9:26 AM

    સમસ્ત દુનિયા છે એક રચના, જો થાય મનમાં વહી જા લયમાં
    ન તોલ એને, મઠારવાનું ત્યજી દઈને નિહાળતો જા.
    ‘ગમા અણગમાની તીવ્રતા ઓછી થાય છે, ‘હું કરું’ ‘હું કરું’ની કર્તૃત્વભાવના ઘટે છે.
    ‘ડાયોજિનિઅસ જેવા અનેક સંતોએ આ બાબત વારંવાર ધ્યાન દોર્યું છે.
    ‘નિહાળતો જા’ સાક્ષી ભાવ એ અષ્ટાવક્રી ગીતાનો એક શબ્દમાંનો સાર છે. એક શબ્દમાં અષ્ટાવક્રી ગીતાને સમાવવા માટે સાક્ષી ભાવ એ શબ્દ પુરતો છે. ફક્ત સાક્ષી બનવાથી માણસ જડ – ગંભીર બની જાય છે. તેથી ભાવ મગ્ન બની સાક્ષી બનવું જોઈએ.
    “ચરાગો કે બદલે મકા જલ રહે હૈ, નયા હૈ જમાના નયી રોશની હૈ.
    ન હારા હૈ ઈશ્ક ન દુનિયા થકી હૈ, શમા જલ રહી હૈ હવા ચલ રહી હૈ
    આવી સ્થિતીમા ‘દુઃખે દુઃખે આંસુ સારવાનું ત્યજી દઈને નિહાળતો જા’ સમજવાની , જીવનમા ઉતારવાની સર્વશક્તિમાન શક્તિ આપે તેવી અભ્યર્થના…

  6. ડૉ.મહેશ રાવલ said,

    December 14, 2010 @ 10:28 AM

    ખૂબ સરસ વાત,
    ગઝલ અને કેફિયતમાંથી,શીખવાની દાનતે કે કંઇક મેળવવાની શુધ્ધ દાનતે ઊંડા ઉતરવાનો નિખાલસ પ્રયત્ન કરી કોઇપણ વ્યક્તિ -પછી એ કવિ હોય કે ભાવક- ચોક્કસ પામી શકે…
    અને આ પણ, દિલ અને દિમાગ બન્નેમાં સોંસરૂં ઉતરી જાય એવું રહ્યું…..
    “ચરાગો કે બદલે મકા જલ રહે હૈ, નયા હૈ જમાના નયી રોશની હૈ.
    ન હારા હૈ ઈશ્ક ન દુનિયા થકી હૈ, શમા જલ રહી હૈ હવા ચલ રહી હૈ
    આવી સ્થિતીમા ‘દુઃખે દુઃખે આંસુ સારવાનું ત્યજી દઈને નિહાળતો જા’ સમજવાની , જીવનમા ઉતારવાની સર્વશક્તિમાન શક્તિ આપે તેવી અભ્યર્થના…
    આભાર અને અભિનંદન રઈશભાઈ…

  7. Ramesh Patel said,

    December 14, 2010 @ 2:28 PM

    સ્વયં સ્ફૂરણાથી ઝગારામારતીઆ ગઝલ, આંતરિક તરંગો લહેરાવવા સક્ષમ છે.
    અભિનંદન.
    રમેશ પટેલ(આકાશદીપ)

  8. dHRUTI MODI said,

    December 14, 2010 @ 3:55 PM

    સુંદર ગઝલ.
    ગમેલો શે’ર……

    આ આંસુ કરતાં છે પૃથ્વી મોટી, હ્દય છે ઍક જ, હજાર દુ;ખ છે
    દુ;ખે દુઃખે આંસુ સારવાનું ત્યજી દઈને નિહાળતો જા .

  9. sudhir patel said,

    December 14, 2010 @ 10:02 PM

    ખૂબ સુંદર ગઝલ! કવિશ્રીની કેફિયત સાથે સંમત થાઉં છું કે ‘કવિતા’ માં આંતરિક પરિવર્તન લાવવાની તાકાત છે અને એ ‘કવિતા’ જો કોઈ ગઝલ હોય તો પછી પૂછવું જ શું?
    સુધીર પટેલ.

  10. Ramesh Patel said,

    December 14, 2010 @ 11:25 PM

    શેરી મિત્રો સો મળે
    તાળી મિત્રો અનેક
    વિપદ પળે કામ આવે
    તે લાખોમાં એક…..
    શ્રી ગોવિંદભાઈ …દો તાલી
    રમેશભાઈ ના જય યોગેશ્વર.

  11. Ramesh Patel said,

    December 14, 2010 @ 11:38 PM

    ‘સબરસ’ નામ પ્રમાણે રસની છોળો ઉછાળી અને સૌના હૃદયમાં વસી ગયો. અંતરથી ખૂબ ખૂબ
    શુભેચ્છાઓ. આપનો આ ઉત્સાહ ‘સબરસ’ ને શુકનવંતો બનાવશે.
    અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

  12. Girish Parikh said,

    December 15, 2010 @ 12:16 AM

    ‘દરેક વાતે વિચારવાનું ત્યજી દઈને નિહાળતો જા’ એ શ્રી રઈશભાઈની પંક્તિ શ્રી રમેશ પટેલના ઉપરના બે પોસ્ટ વિશે પણ લાગુ પડતી લાગે છે!

    શ્રી રઈશભાઈના પદ્ય અને ગદ્ય બન્નેએ મને એમનો ચાહક બનાવી દીધો છે.
    –ગિરીશ પરીખ

  13. Gunvant Thakkar said,

    December 15, 2010 @ 12:24 AM

    ગઝલમાં રહેલી સચ્ચાઇ અને કવિની નિખાલસતા એ બન્ને સ્પર્શી ગયા.

  14. કુણાલ said,

    December 16, 2010 @ 5:24 AM

    આ આંસુ કરતાં છે પૃથ્વી મોટી, હૃદય છે એક જ, હજાર દુઃખ છે
    દુઃખે દુઃખે આંસુ સારવાનું ત્યજી દઈને નિહાળતો જા

    મજાનો શેર્.

  15. milind gadhavi said,

    December 18, 2010 @ 9:29 AM

    વિવેકભાઇ, તમને અભિનંદન આપવા ઘટે કે ગમતાં કવિઓની આવી રસપ્રદ વાતો જાણવા મળી રહી છે… રઇશભાઇ મળવા અને મમળાવવા જેવા માણસ છે..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment