નાથાલાલ દવે શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
December 10, 2010 at 12:30 AM by વિવેક · Filed under અંગત અંગત, ગીત, નાથાલાલ દવે
નેટ-જગતમાં શ્રીમતિ પ્રજ્ઞા વ્યાસને આપણે સહુ પ્રજ્ઞાજુ તરીકે ઓળખીએ છીએ. શ્રેષ્ઠ ગુજરાતી બ્લૉગ-વાચકનો પુરસ્કાર કોઈને આપવો હોય તો એમનું નામ અમિતાભ બચ્ચનની જેમ એક થી દસેદસ ક્રમ અંકે કરી શકે!! આજે જોઈએ કે કઈ કવિતા એમને ક્યાં અને કેવી રીતે સ્પર્શી ગઈ છે!
*
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
કે ધણી ધડે ઝૂઝવા રે ઘાટ
વાગે રે અણદીઠા એના હાથની
અવળી સવળી થપાટ…
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
વ્હાલા શીદને ચઢાવ્યા અમને ચાકળે
કર્મે લખીયા કાં કેર ?
નીભાડે અનગઢ અગ્નિ ધગધગે
જાંળુ સળગે ચોમેર..
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
વેળા એવી વીતી રે વેદનતણી
ઉકલ્યા અગનના અસનાન
મારીને ટકોરા ત્રિકમ ત્રેવડે
પાકા પંડ રે પરમાણ
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
હરિએ હળવેથી લીધા અમને હાથમાં
રીઝ્યા નીરખીને ઘાટ
જીવને ટાઢક વળી તળિયા લગી
કીધા તે અમથા ઉચાટ
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
– નાથાલાલ દવે
જીવનમા ચઢાવ ઊતાર તો આવે અને તે અંગે બાળપણથી કેળવણી આપી હોય પણ સાંઠ પછી ચિંતાઓ અને પરેશાનીગ્રસ્ત તનાવયુકત મનથી અસંતુલિત માનસિકતા અને શારીરિક શકિતનો ક્ષય થતો લાગ્યો ત્યારે સલાહ મળી કે સાહિત્ય,સંગીત કે કોઈ પણ કળામા મન પરોવો ત્યાં જ આ કાવ્ય વાંચ્યું, ચિંતન-મનન કર્યું . કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા…રાગ ખમાજ-કવિ નાથાલાલ દવે. તેમા ‘વેળા એવી વીતી રે વેદનતણી’ -ભીની આંખે ગાઈ. જ્યાં સુધી આત્માનું અસ્પષ્ટ વેદન છે ત્યાં સુધી દુઃખને વેદે, એટલે કે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાના પ્રયત્નમાં હોય; જ્યારે ‘જ્ઞાની પુરુષ’ કે જેમને આત્માનું સ્પષ્ટ વેદન…આત્માનો અસ્પષ્ટ અનુભવ થઈ જાય છે અને ‘આ’ વેદન શરૂ થયું ત્યારથી સંસારનું વેદન બંધ થાય. એક જગ્યાએ વેદન હોય, બે જગ્યાએ વેદન ના હોય. આત્માનું જ્યારથી વેદન શરૂ થાય, તે આત્માનું ‘સ્વ-સંવેદન’ અને જીવનને નવી દૃષ્ટિ મળી…
-પ્રજ્ઞા વ્યાસ
Permalink
December 24, 2009 at 1:49 AM by વિવેક · Filed under ગીત, નાથાલાલ દવે
એવા આવે છે ધરતીના સાદ રે… હાલો ભેરુ ! ગામડે.
ભીની માટીની ગંધ આવે યાદ રે… હાલો ભેરુ ! ગામડે.
બોલાવે આજ એનાં ખુલ્લાં આકાશ,
મીઠા પરોઢના અલબેલા ઉજાસ,
ઘેરા ઘમ્મર વલોણાના નાદ રે… હાલો ભેરુ !
ચારીશું ગાવલડી ડુંગરના ઢાળે,
બાંધીશું હીંચકો વડલાની ડાળે,
મોર ગહેકે જ્યાં સરવરની પાળ રે… હાલો ભેરુ !
ગાઓ રે બંધવા ! ગામડાંનાં ગીત,
યાદ કરો ભોળુડાં માનવીની પ્રીત,
જાણે જિંદગીનાં મીઠાં નવનીત રે… હાલો ભેરુ !
ખૂંદવાને સીમ ભાઈ ! ખેડવાને ખેતરો,
ભારતના ભાવિનાં કરવા વાવેતરો,
હે જી કરવા માભોમને આબાદ રે… હાલો ભેરુ !
– નાથાલાલ દવે
સાચું ભારત તો એના ગામડાંઓમાં વસે છે પણ એ તો જેણે ગામડાંને જાણ્યું-માણ્યું હોય એ જ સમજી શકે. આજે આધુનીકરણના બિલ્લીપગલે થતા સંક્રમણના પગલે ગામડાંઓ ઝડપથી ભુંસાવા માંડ્યા છે પણ કવિએ અહીં ગામડાંનું જે શબ્દચિત્ર દોર્યું છે અને પોતાનો અદમ્ય ગ્રામ્યજીવન પ્રેમ તાદૃશ કર્યો છે એ અજરામર છે…
Permalink
October 2, 2009 at 12:30 AM by વિવેક · Filed under નાથાલાલ દવે, સોનેટ
તાત તુજ જ્યોત નિર્મલ જગે ઝળહળે,
મનુજના દિલદિલે દીપ તારો જલે,
જીવનની વેલ નવપલ્લવે પાંગરે,
સર્વ માંગલ્ય તુજ સાધનાના બળે.
તેં પીધાં ગરલ, આપ્યાં જગતને અમી,
સત્ય વિજયી થયું, પાપ-આંધી શમી,
વિસ્તરી આત્મની શાંત નિર્મલ પ્રભા.
માનવી-હૃદયની તપ્ત જે મરુભૂમિ
ભીંજવી તેં કીધી આર્દ્ર કરુણાજલે.
તાત તારે પદે નમ્ર હો વંદના,
સ્વપ્ન તારાં, બને એ જ અમ સાધના,
સકલ પુરુષાર્થ અમ તે નિરંતર બનો
તુજ આદેશની મૂક આરાધના.
-નાથાલાલ દવે
આજે ગાંધીજયંતીના વિશેષ અવસરે ત્રણ કાવ્યોનું એક નાનકડું બીલીપત્ર…
શંકરની પેઠે જાતે ઝેર પીને પણ જગતને પ્રેમ,અહિંસા અને સત્યનું અમૃતપાન કરાવનાર આવો વીરલો જવલ્લે જ પાકે છે. છેલ્લા સો-સવાસો વર્ષનો ભારતનો ઇતિહાસ એના પ્રતાપે દસ મહાભારત લખવા પડે એવો ભવ્ય થયો છે… ઝુલણા છંદના ‘ગાલગા’ના આવર્તનોના કારણે આ સૉનેટ સ-રસ રીતે લયબદ્ધ પણ થયું છે.
Permalink
September 20, 2006 at 10:36 AM by સુરેશ · Filed under ગીત, નાથાલાલ દવે
કામ કરે ઇ જીતે રે માલમ !
કામ કરે ઇ જીતે.
આવડો મોટો મલક આપણો
બદલે બીજી કઇ રીતે રે. – કામ કરે ઇ જીતે
ખેતર ખેડીને કરો સીમ સોહામણી !
બાંધો રે નદીયુંના નીર ;
માગે છે દેશ આજ મહેનત મજિયારી,
હૈયાના માગે ખમીર. – કામ કરે ઇ જીતે
હાલો રે ખેતરે ને હાલો રે વાડીએ,
વેળા અમોલી આ વીતે;
આજે બુલંદ સૂરે માનવીની મહેનતના
ગાઓ જય જયકાર પ્રીતે. – કામ કરે ઇ જીતે
– નાથાલાલ દવે
Permalink