છે સપનું તમારું તમારાથી સુંદર,
અને મૌન પાછું ઇશારાથી સુંદર.
તમે કેમ મલકો છો તસવીર જોઈ?
હતું કોણ એમાં અમારાથી સુંદર?
– સુલતાન લોખંડવાલા
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for મનિષા જોષી
મનિષા જોષી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
June 13, 2024 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, મનિષા જોષી
આજે તો બગીચાની
લીલીછમ લોન પર ચાલવાનું
૫ણું નથી ગમતું.
ચમેલીની વેલ પાસેથી ૫સાર થતાં
એની સુગંધ નાકને અડી જાય છે
૫ણ ત્યાંયે વધુ વાર ઊભવું નથી ગમતું.
બેન્ચ પર બેસીને
સમયને મારતા બે નિવૃત્ત વૃદ્ધો
અને એક ખૂણો શોધી લઈ
ગુફતેગૂ કરતા બે પ્રેમીઓ વચ્ચે પણે
ધ્યાન આકર્ષિત કરે છે
તો એકમાત્ર હીંચકો!
પેલી છોકરીના ઊતરી ગયા પછી પણ
ચિચાટિયા અવાજે
ખાલી ખાલી હાલ્યા કરતો એ હીંચકો!
અને હું,
અચાનક જ દોડી જઈને
અત્યંત ઉશ્કેરાટથી
એને હાથથી અટકાવી દઉં છું.
– મનીષા જોશી
હીંચકો પ્રતીક છે અસ્થિર માનસિકતાનું… સતત ગતિમાં રહેવા છતાંય હીંચકો હોય ત્યાંથી આગળ પણ વધી શકતો નથી ને પાછળ પણ જઈ શકતો નથી. હીંચકાનું પ્રતીક લઈને કવયિત્રીએ આવી જ મનોદશા બહુ સ-રસ રીતે અહીં આલેખી છે. કોઈક કારણોસર કાવ્યનાયિકા આજે વ્યથિત છે. ‘આજે તો’થી કવિતાનો ઉપાડ થાય છે, એના પરથી ખ્યાલ આવે છે કે જે ક્રિયાઓની અહીં વાત છે એ રોજબરોજની ક્રિયાઓ છે, પણ આજે હૈયું વ્યગ્ર હોવાના કારણે નથી લોન પર ચાલવાનું મન થતું, કે નથી સુગંધ માણવા ઊભા રહેવાનું મન થતું. નિવૃત્ત વૃદ્ધો કે પ્રવૃત્ત પ્રેમીઓ પણ આજે નાયિકાનું ધ્યાન આકર્ષી શકતા નથી. કોઈક છોકરીના ઉતરી ગયા પછી પણ હીંચકો ચિચાટિયા અવાજે હજીયે ખાલી ખાલી હાલ્યા કરે છે એ નાયિકાને વધુ વિહ્વળ કરે છે. હીંચકો પોતાની જ અસ્થિર માનસિકતાને પ્રતિબિંબિત કરતો હોવાથી નાયિકા એને આજે ખમી શકતી નથી. અચાનક દોડી જઈને અત્યંત ઉશ્કેરાટથી એ એને હાથથી અટકાવી દે છે. ‘અચાનક’ ‘અત્યંત’ અને ‘ઉશ્કેરાટ’ – આ ત્રણ શબ્દોના કારણે કાવ્ય વધુ અસરદાર બન્યું છે.
Permalink
February 16, 2024 at 11:09 AM by વિવેક · Filed under અછાંદસ, મનિષા જોષી
હાં, હાં, એ માણસ જીવે છે હજી, એના ઘ૨માં, સુખેથી.
પણ મરી ગયો છે એ મારા માટે.
અને એટલે જ હું રોજ એના નવા નવા
મૃત્યુની કલ્પના કરું છું.
રસ્તા પર ચાલતા ટ્રકનાં પૈડાં એના પર ફરી વળે છે
અને હું બાજુમાં શાંત રાહદારીની જેમ પસાર થતી હોઉં છું.
તો ક્યારેક એની લાશ રેલવેના પાટા વચ્ચે મળી આવે છે
અને હું એના મૃતદેહ ૫૨થી પસાર થતી ટ્રેનમાં
મુસાફરી કરતી હોઉં છું.
ક્યારેક હું મારી સાડીના પાલવને ગાંઠ મારતી હોઉં છું
અને એના ગળામાં ફાંસો હોય છે.
હું મંદિરમાં દીવા પ્રગટાવતી હોઉં છું
અને એનું આખું શરીર સળગતું હોય છે.
ક્યારેક એ કોઈ ગોઝારી વાવના તળિયે પડ્યો હોય છે
અને હું એ વાવમાંથી પાણી ભરતી હોઉં છું.
રોજ રાત્રે યમરાજ આવે છે
પેલા કાળમુખા પાડા પર બેસીને.
કરગરે છે, એને લઈ જવા માટે,
પણ હું એને રજા નથી આપતી.
– મનીષા જોષી
એકદમ સરળ અને સહજસાધ્ય ભાષામાં કવયિત્રીએ નારીવેદનાની પરાકાષ્ઠા અભૂતપૂર્વ રીતે આલેખી છે. કવિતા સ્ત્રી સર્જકે લખી છે, એટલે નારીવેદના શબ્દ વાપર્યો નથી, પણ પુરુષોના શબ્દકોશમાં આ પ્રકારની લાગણી ભાગ્યે જ છપાયેલી જોવા મળતી હોવાથી એ સમાસ સહેતુક પ્રયોજ્યો છે. બે જણ અલગ થઈ ગયા છે અને બંને પોતપોતાના ઘરમાં જીવે છે. પુરુષ એના ઘરમાં સુખેથી જીવે છે એ વાતને સુખેથી શબ્દને મૂલ વાક્યથી અલગ તારવીને સર્જકે સાયાસ અધોરેખિત કર્યો છે. પણ હવે એ પુરુષ નાયિકા માટે મૃત્યુ પામ્યો છે અને નાયિકા રોજેરોજ આ પુરુષના અલગ-અલગ પ્રકારના મૃત્યુની અને એ મૃત્યુ પરત્વેની પોતાની લાગણીશૂન્યતાની કલ્પનાઓ કરતી રહે છે. પુરુષ છેડો ફાડી લે પછી એ ‘સુખેથી’ રહેવા માંડે છે, પણ સ્ત્રી છેડો ફાડીનેય છેડો ફાડી શકતી નથી. પુરુષના નિતનવીન મૃત્યુઓની રોજેરોજ કલ્પના કરવી પડે છે, કારણ એ પુરુષને અને એના અત્યાચારોને આ જનમમાં કદાચ એક પળ માટેય ભૂલી શકે એમ નથી. કવિતાના ઉત્તરાર્ધમાં સાવિત્રીનું પ્રતિક પ્રયોજીને સર્જકે ઉમદા કવિતા સિદ્ધ કરી બતાવી છે. સાવિત્રી યમરાજ પાસેથી સત્યવાનને પરત લઈ આવી હતી, એથી બિલકુલ વિપરીત આધુનિક યુગની આ સાવિત્રી યમરાજને પુરુષને લઈ જવાની રજા આપતી નથી. યમરાજ પણ પુરુષ જ છે અને એમના માટે ‘કરગરવું’ ક્રિયાપદ વાપરીને કવયિત્રીએ કવિતાને વધુ ધાર કાઢી છે. પુરુષનું મૃત્યુ હકીકતમાં થઈ જાય તો રોજેરોજ એના મૃત્યુની કલ્પના કરવાથી બદલો લીધો હોવાનો જે સંતોષ મળે છે એનુંય મૃત્યુ ન થઈ જાય?
Permalink
June 23, 2020 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, મનિષા જોષી
મને ઝરૂખામાં બેસાડો.
મને વીંઝણો નાંખો
મને અત્તરના હોજમાં નવડાવો.
મારા સૌંદર્યની, શૌર્યની પ્રશંસા કરો.
કોઈ ચિત્રકારને બોલાવો મને દોરવા.
કોઈ શિલ્પીને બોલાવો મને કંડારવા.
મારો સ્વયંવર રચાવો.
જાવ, કોઈ વિદૂષકને બોલાવો
મને હસાવો.
ક્યાં ગઈ આ બધી દાસીઓ?
કેમ, કોઈ સાંભળતું નથી?
મને લાગે છે કે હું મારું સામ્રાજ્ય હારી ચૂકી છું.
બધા જ ગુપ્તચરો પીછેહઠના સંદેશાઓ લાવી રહ્યા છે.
જોકે આમ પણ હું ક્યાં કશું જીતવા માગતી હતી ?
એક રાજવી તરીકેના મારા અભિમાનનું
મહામુશ્કેલીથી જતન કરી રહી હતી એટલું જ.
મારી પાંચેય આંગળીઓમાં સાચા હીરા ઝગમગી રહ્યા છે.
જે હવે થોડી જ વારમાં મારે ચૂસી લેવા પડશે.
પણ એ પહેલાં,
રેશમી પરદાઓથી સજાવેલા આ અગણિત ખંડો
જે મેં ક્યારેય પૂરા જોયા નથી,
એ જોઈ લેવા છે. અને
દીવાનખંડમાં મૂકેલા, મારા પૂર્વજોએ શિકાર કરેલા
ભયાનક સિંહ વાઘ, જે મસાલા ભરીને મૂકી રાખેલા છે
એ હવે ચીરીને ખાલી કરી નાખવા છે.
– મનીષા જોષી
જ્યારે પોતીકું તેજ હોતું નથી અને પારકે તેજે પ્રકાશવાનું હોય છે ત્યારે અંત આ જ હોય છે. વાત બાહ્ય જગતની હોય કે આંતરિક વિશ્વની, આત્મતેજ વિના સઘળું નોધારું રહ્યું….કરાલ કાળ મુખવટે છેતરાતો નથી.
Permalink
November 13, 2019 at 8:42 AM by તીર્થેશ · Filed under અછાંદસ, મનિષા જોષી
સોનાની વેણીથી મારા વાળ સજાવતા
સુંદર, શાશ્વત નરેશો ક્યારેય
વાળમાંથી ગૂંચ નથી ઉકેલી શકતા.
તું રક્તપીતિયો રોગી હોય તો પણ આવ.
એક કાંસકો લઈને મારા વાળ ઓળ.
હું તને ગંગામાં સ્નાન કરાવીશ.
ચંદનના લાકડા પર સૂવડાવીને
શુદ્ધ ઘીનો અગ્નિદાહ આપીશ.
તારા માટે વિલાપ કરીશ.
શ્વેત વસ્ત્રો પહેરીશ.
જમીન પર સૂઈશ.
પરપુરુષના ઓછાયાથી પણ દૂર રહીશ.
મારે હવે કોઈ પુરુષને પ્રેમ નથી કરવો.
કોઈ પુત્રને જન્મ નથી આપવો.
કોઈ પિતાને પ્રણામ નથી કરવાં.
જો તું મારા વાળની ગૂંચ ઉકેલી શકે તો
મારે મરી જવું છે.
ક્યારેય જન્મી જ ન હોઉં એવી રીતે.
ન ભાવતા અન્નને થૂંકી નાખવું છે.
આવ, આપણે બંને એકબીજાંને મુક્ત કરીએ.
– મનીષા જોષી
‘ उनको खुदा मिले है खुदा की जिन्हे तलाश, मुज़को तो बस इक ज़लक मेरे दिलदारकी मिले…… ‘
Permalink
December 10, 2018 at 9:21 AM by તીર્થેશ · Filed under અછાંદસ, અછાંદસોત્સવ, મનિષા જોષી
જેલની કાળકોટડીમાં રાખેલી બરફની એક પાટ છું હું !
પ્રખર તાપમાં રાખો તોય પીગળે નહીં એવી જડ, સખત.
રોજ એક નવા કેદીને હાથ-પગ બાંધીને
મારા પર સુવડાવવામાં આવે છે.
એ ખૂબ તરફડે છે પણ મોઢામાંથી એક હરફ બોલતો નથી,
થોડીવારમાં મરી જાય છે.
છેક બીજા દિવસે સિપાહીઓ એને ઊપાડી જાય છે.
હું ઠંડીગાર, સ્થિતપ્રજ્ઞ પડી રહું છું.
એણે એકરાર ન કરેલા ગુનાઓ મારામાં સમાઈ જાય છે.
હું એવી જ અકથ્ય, વધારે ને વધારે જિદ્દી બનતી જઉં છું.
મારામાંથી પણ એક ટીપું યે બરફ
પાણી બનીને વહેતો નથી.
જેલના લોખંડી સળિયાઓ પાછળ
કડક ચોકી-પહેરા વચ્ચે હું પડી છું.
જેલર એનો પગ મારા પર ટેકવીને, થાકેલો ઊભો છે.
એના બુટની અણીદાર ખીલીઓ મને ઉઝરડા પાડે છે.
એક નવો જ કેદી આવીને મારા પર સૂએ છે.
મરે છે, સૂએ છે, મરે છે, સૂએ છે…
– મનીષા જોષી
અછાંદસ રચનાઓમાં એક સાંપ્રત-બળકટ પ્રતિભા એ મનીષા જોશી.
તેઓની મોટાભાગની રચનાઓની જેમ આ રચનાને પણ એક થી વધુ રીતે મૂલવી શકાય…..કાળની થાપટો ખાઈખાઈને સંવેદનહીન બની ચૂકેલો માંહ્યલો હોઈ શકે બરફની પાટ…..એક સામાજિક ચેતનાનું મૂર્ત સ્વરૂપ હોઈ શકે બરફની પાટ…..એક ચિત્ત, કે જેના પાર અસંખ્ય સંસ્કારો અમીટ છાપ છોડી જતા હોય છે તેવું ચિત્ત હોઈ શકે બરફની પાટ……જેવી જેની પ્રજ્ઞા…..
Permalink
June 12, 2017 at 2:36 AM by તીર્થેશ · Filed under અછાંદસ, મનિષા જોષી
મૂળ ખુલ્લાં દેખાય તેવું વૃક્ષ
મને હંમેશ ડરામણું લાગે છે.
પર્વતની ધાર પર ઉભેલા
એ વૃક્ષના મૂળિયાને કોઈ આધાર નથી
ભેખડ તો ગમે ત્યારે તૂટી પડે
નીચેની ઊંડી ખાઈમાં ફંગોળાઈ રહેલા
એ વૃક્ષને જોઈને લાગે છે,
ધરતી જ છે સાવ છેતરામણી
ગમે ત્યારે છેહ દઈ દે.
વૃક્ષમાં બાંધેલા માળામાં સૂતેલાં
સેવાયા વગરના ઈંડા
ક્યાં પડ્યાં ?
ન વૃક્ષ , ન ઈંડા
કાંઈ અવાજ નહી, કાંઈ નહી
હમણાં અહીં હતાં, હવે નથી
ભરી ભરી સૃષ્ટિમાંથી કંઈ આમ ઓછું થઇ જાય
અને આસપાસ કોઈ ફરક સુદ્ધાં નહી?
નીચે ખાઈમાં કંઈ દેખાતું નથી, છતાં લાગે છે કે,
ઈંડા હજી શોધી રહ્યાં છે, ગરમી ,
ખાઈમાં પડેલી બંધિયાર હવામાંથી.
વૃક્ષ હજુ ઝાવાં નાખી રહ્યું છે,
પર્વતની અવાસ્તવિક માટી પકડી લેવા માટે
નિરાધાર વૃક્ષ
નોંધારાં ઈંડા.
ખાઈમાં ઘૂમરાતા , પવનમાં
નિ:શબ્દ વલોપાત છે.
પર્વતો સ્થિર , મૂંગામંતર
સાંભળી રહ્યા છે.
અકળાવી નાખે તેવી હોય છે ,
આ પર્વતોની શાંતિ.
મારે હવે જોવા છે,
આખા ને આખા પર્વતોને તૂટી પડતા
ખાઈનું રુદન
મોં ફાટ બહાર આવે તે મારે સાંભળવું છે.
– મનીષા જોશી
કવયિત્રીની લાક્ષણિક કવિતા છે આ !! ‘ પાકિઝા ‘ પિક્ચરમાં એક ડાયલોગ છે – ‘ યહ કોહરે કી ઝમીં ઉપર ધુંએ સે બની હુઈ દુનિયા હૈ જો કિસી કો પનાહ નહીં દે સકતી ‘ …..જે જમીનમાં વૃક્ષના મૂળિયાં છે તે જમીન-ભેખડ એટલે જગતની value system – પ્રત્યેક વ્યક્તિનું થઈ જતું/કરવામાં આવતું conditioning. પાયા જ નિર્બળ-નમાલા છે….ખાઈ એટલે રાગ-દ્વેષ ઇત્યાદિથી રચાતું અજ્ઞાનરૂપી કળણ… માનવી પ્રયત્ન કરે….તરફડે, પણ બહાર ન નીકળી શકે. જ્યાં સુધી ભૂમિ જ દગો આપતી રહેશે ત્યાં સુધી…………
Permalink
April 4, 2016 at 3:56 AM by તીર્થેશ · Filed under અછાંદસ, મનિષા જોષી
જ્યારે જ્યારે મંદિરમાં જઉં છું ત્યારે
કોઈ અજ્ઞાત ભય મને ઘેરી વળે છે,
મને લાગે છે કે બધા જ દેવોનાં
બધાં જ વાહનો મને મારવા આવી રહ્યાં છે,
વાઘ, નાગ, કાચબો, ગરૂડ, માછલું….
પૂજારી ત્રિકાળજ્ઞાનીની જેમ મને જોઈને હસે છે.
પ્રસાદમાં ચપટી સિંદૂર આપે છે.
હૂં મૂંગી, અવાક્ થઈ જાઉં છું,
મંદિરની દીવાલોના પ્રાચીન, શાંત પથ્થરો
જાણે કે કોઈ ઊંચા પર્વત પરથી ગબડતાં
ભારેખમ પથરાઓ હોય એમ મારી તરફ ધસી આવતા
લાગે છે.
હું જીવ બચાવતી દોડું છું.
મંદિરની દીવાલો ફરતી પ્રદક્ષિણા કરું છું.
મંદિરના લીસા આરસપ્હાણમાં મને ઠેસ વાગે છે,
હું પડી જઉં છું, માથું ઝૂકી જાય છે મૂર્તિ આગળ.
અને પેલા ગબડતા પથરાઓ નીચે છુંદાઈ જઉં છું
હું પણ એક પથ્થર બની જઉં છું, નવા જન્મમાં.
મને કોઈ પણ એક આકાર આપી દેવામાં આવે છે.
હવનની કૂંડીનો, શંકરના લિંગનો, કળશનો
ઘંટારવનો, સ્તોત્રનો, આરતીની થાળીનો, ધૂપનો,
પગલાંનો, પુરાણનો, દક્ષિણાનો,
હું મંદિરની બહાર જ નથી નીકળી શકતી.
– મનીષા જોષી
ઈશ્વરની સંકલ્પનામાંથી મુક્ત થઈશું ત્યારે તો આપણી સાચી ખોજ શરૂ થશે…..
Permalink
February 7, 2016 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, મનિષા જોષી
માંડવીની કંસારા બજારમાંથી પસાર થવાનું
મને ગમે છે.
‘ચિ. મનીષાના જન્મ પ્રસંગે’
આ શબ્દો મમ્મીએ
અહીંથી ખરીદેલા વાસણો પર કોતરાવ્યા હતા.
વર્ષો વીત્યાં.
મારા હાથ-પગની ચામડી બદલાતી રહી
અને એ વાસણો પણ, ઘરના સભ્યો જેવાં જ,
વપરાઈને ઘસાઈને
વધુ ને વધુ પોતાનાં બનતાં ગયાં
એ વાસણોની તિરાડને રેણ કરાવવા
હું અહીં કંસારા બજારમાં આવું છું ત્યારે
સાથે સાથે સંધાઈ જાય છે
મારાં છૂટાં છવાયાં વર્ષો પણ.
ગોબા પડેલા, ટીપાઈ રહેલાં વાસણોના અવાજ
કાનમાં ભરી લઈ, હું અહીંથી પાછી જઉં છું ત્યારે
ખૂબ સંતોષથી જઉં છું.
આ વાસણો જ્યાંથી લીધાં હતાં
એ દુકાન કઈ, એ દુકાનદાર કોણ
કાંઈ ખબર નથી, છતાં
આ બજારના ચિરકાલીન અવાજ વચ્ચેથી
હું ચૂપચાપ પસાર થતી હોઉં છું ત્યારે
સતત એમ લાગ્યા કરે છે કે
હું અને આ અવાજ ક્યારેય મરતા નથી.
નવાં નવાં દંપતી અહીં આવે છે.
મારા માટે નવું નામ પસંદ કરીને
વાસણો પર કોતરાવીને
મને તેમના ઘરે લઈ જાય છે.
હું જીવું છું વાસણોનું આયુષ્ય
અથવા તો, બેસી રહું છું.
માંડવીની કંસારા બજારમાં
જુદી જુદી વાસણોની દુકાનોનાં પગથિયાં પર.
ધરાઈ જઉં છું
બત્રીસ પકવાન ભરેલી થાળીથી,
મૂંઝાઈ જઉં છું
એક ખાલી વાટકીથી.
વાસણો ઠાલાં ને વાસણો ભરેલાં,
તાકે છે મારી સામે
તત્ત્વવિદની જેમ ત્યાં જ, અચાનક
કોઈ વાસણ ઘરમાં માંડણી પરથી પડે છે
ને તેનો અવાજ આખા ઘરમાં રણકી ઊઠે છે.
હું એવી અસ્વસ્થ થઈ જાઉં છું
જાણે કોઈ જીવ લેવા આવ્યું હોય.
વાસણો અને જીવન વચ્ચે
હાથવ્હેંત જેટલું છેટું,
ને વ્હેંત, કંસારા બજારની લાંબી સાંકડી ગલી જેવી
ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂરી થાય
એ સમજાય તે પહેલાં
વ્હેંતના વેઢા
વખતની વખારમાં
કંઈક ગણતા થઈ જાય,
કંસારા બજારનો અવાજ
ક્યારેય સમૂળગો શાંત નથી થતો.
બજાર બંધ હોય ત્યારે
તાળા મારેલી દુકાનોની અંદર
નવાંનકોર વાસણો ચળકતાં હોય છે.
ને એ ચળકાટમાં બોલતા હોય છે
નવાં નવાં જીવન
થાળી વાટકા અને ગ્લાસથી સભર થઈ ઊઠતાં
ને એંઠાં રહેતાં જીવન
હું જીવ્યા કરું છું
ગઈ કાલથી
પરમ દિવસથી
તે ‘દિ થી.
– મનીષા જોષી
વાસણ-જીવન-વહેતા સમય સાથે વહેતી જીવનધારા…….. અદભૂત રૂપક સાથે અનેરું ભાવવિશ્વ સર્જ્યું છે કવયિત્રીએ ! કોઇપણ સમજૂતી લખવાને બદલે માત્ર આખું કાવ્ય બે-ત્રણવાર ધીરેથી વાંચવાની વિનંતિ કરું છું-આપોઆપ દિલની અંદર એક મસ્ત સ્પંદન પેદા કરી દેશે આ કાવ્ય…..
Permalink
November 20, 2015 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, મનિષા જોષી
મારા રસોડામાં ગોઠવાયેલી
જાતજાતનાં અથાણાંની બરણીઓ જોતાં
હું કંઈક વિચારે ચડી જઉં છું.
કાચી કેરીની ખટાશ, મુરબ્બાની મીઠાશ,
ગુંદાના ચીકણા ઠળિયા, કેરાની કડવાશ,
ચણા-મેથી-લસણની તીવ્ર ગંધ,
ખાંડેલું લાલ મરચું ને દળેલી પીળી રાઈ,
તમાલપત્ર ને ગોળ ને ઉપર સરસવનું તેલ.
અથાણું બરાબર મચ્યું છે,
અત્યારે, અડધી રાત્રે, આ ઘરમાં ફેલાયેલા અંધકારની જેમ જ.
મને ઊંઘ નથી આવતી
અને હું, એક પછી એક, જુદાં જુદાં અથાણાં
ચમચીમાં લઈને ચાખી રહી છું.
અગાશીએ કેરી સૂકવવા મૂકતી વેળા પગની પાનીએ લાગેલો તડકો
દઝાડી જાય છે મને, હજી અત્યારે,
અને પછી સાંજ પડ્યે
બહાર સૂકવેલી કેરી ઘરમાં લેતી વખતે
આકાશમાં ફેલાયેલી ઢળતા સૂરજની લાલાશ પણ
હું જોઈ શકું છું, અત્યારે, આ મધરાતે, મારી નિદ્રાહીન, ચોળાયેલી આંખોમાં.
આ અથાણાંને આખા વરસ સુધી સાચવી રાખતું તેલ,
મારી પણ જીવાદોરી છે.
તેલમાં ગળાડૂબ અથાણાંમાં
અકબંધ સચવાઈ રહે છે, અંધારું,
અને આ તેલ-મસાલાથી ભરપૂર
ખાટો, મીઠો, તૂરો સ્વાદ
સાચવી લે છે, મને પણ, અનેક અડધી રાતોએ.
– મનીષા જોષી
પાક્કી ગુજરાતી કવિતા. જે લોકો અથાણાંના સાચા શોખીન છે એ લોકોની સ્વાદેન્દ્રિય તો આ કવિતા વાંચતાવેંત જ સળવળાટ કરવા માંડવાની. પણ અલગ અલગ અથાણાં, અથાણાં ભરવા-સૂકવવા અને સમેટવાની કાવ્યાત્મક રીતો પતે પછી “આ અથાણાંને આખા વરસ સુધી સાચવી રાખતું તેલ, મારી પણ જીવાદોરી છે” – એમ કવયિત્રી કહે છે ત્યાંથી ખરી કવિતાની શરૂઆત થાય છે. અલગ અલગ સ્વાદનાં અથાણાં, તેલ, અંધકાર અને જીવન, જિજિવિષા, જીવાદોરી : કવિતાનો ગળચટ્ટો સ્વાદ વાંચ્યા પછી પણ લાંબો સમય જીભ પર રહી જાય એવો છે…
Permalink
August 30, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, મનિષા જોષી
કોઈક સુસ્ત સાંજે
આકાશમાં અચાનક દેખાઈ જતા
મેઘધનુષને જોઈને
સહેજ ચીડ ચડે છે.
શું હવે આ મેઘધનુષ પર
લપસણીની જેમ સરકવાનું ?
કે આ રંગોને ઓળખવાનો ઢોંગ કરવાનો ?
રંગ સાપેક્ષ કે નિરપેક્ષ,
એ વિચાર પણ હવે વ્યર્થ લાગે છે.
અત્યારે તો હું માત્ર એટલું જ ઈચ્છું છું કે
મારી બારીની બહાર મને દેખાય
એક કોરું, સ્વચ્છ, ખાલી આકાશ.
એટલું ખાલી એટલું સફેદ
કે મારી આંખો એમાં શોધી શકે
વર્ષો પહેલાં
મારી સાવ પાસેથી થઈને
ઊડી ગયેલા
એ સફેદ પક્ષીને.
.
-મનીષા જોષી
ખૂબીપૂર્વક રૂપક વાપર્યા છે અહીં. મેઘધનુષ્ય એટલે સફેદ પ્રકાશનું સંતાન. સફેદ પ્રકાશ શાશ્વત છે,મેઘધનુષ્ય ક્ષણજીવી છે.
આ ચાવી વાપરીને કાવ્યને વિવિધ રીતે માણી શકાય…..મેઘધનુષ્ય એટલે ક્ષણજીવી સંબંધો, સફેદ પ્રકાશ એટલે એક દિલનો સંબંધ. વળી કવિયત્રીની આંખો શોધે છે સફેદ આકાશમાં ઊડી ગયેલું સફેદ પક્ષી – અહીં એક વધુ ચમત્કૃતિ છે. કોઈક કારણોસર ભૂતકાળનો એક અતિસંવેદનશીલ સંબંધ કે જેમાં ક્યાંક કોઈક કારણોસર વાચા દગો આપી ગઈ હતી, હૈયાની વાત હોઠે આવી શકી નહોતી, અને એ અમૂલ્ય ક્ષણ હંમેશ માટે લુપ્ત થઇ ગઈ હતી – તે પાત્રને,તે ક્ષણને આ તરસી આંખો શોધ્યા કરે છે…..સતત…..
Permalink
June 26, 2015 at 1:19 AM by વિવેક · Filed under અછાંદસ, મનિષા જોષી
હું જાણું છું,
અત્યારે મારી નજર સામેથી
આ ખિસકોલીની જેમ,
બેધડક સરકી રહ્યો છે એ સમય,
ફરી પાછો નહીં આવે.
પણ એક કવિ તરીકે
મારે હવે ખાસ કંઈ કહેવાનું બાકી નથી રહ્યું.
સાંજે હું ચાલવા નીકળું ત્યારે
ઘણીવાર જોઉં છું,
ધૂળમાં બનાવેલા પોતાના દરમાં
અંદર સરી જતા જીવ-જંતુઓને.
સાંજ ઢળવા લાગે, અંધારું ઘેરું બને
અને હું ઘર તરફ પાછી વળતી હોઉં ત્યારે,
વિચાર આવે,
શું કરતા હશે,
આ જીવ-જંતુઓ અત્યારે, અંદર, પોતાના દરમાં ?
અને કોઈવાર ઇચ્છા થઈ જાય કે
પગથી થોડી ધૂળ ખસેડીને
આ બધા, મારા રસ્તામાં આવતા દર પૂરી દઉં.
શું કરવા આ સરિસૃપો રોજ બહાર નીકળે છે ?
હું કવિ છું,
અને હવે મારે કંઈ લખવું નથી.
– મનીષા જોષી
દરેક સર્જકના જીવનમાં એકાધિકવાર એવા મુકામ જરૂર આવે છે જ્યારે એને એવું લાગે કે હવે એની પાસે નવું સર્જવા માટે કશું બચ્યું નથી. અને આ ખાલીપાની લાગણીમાંથી જ ફરી એકવાર સર્જક ફિનિક્સ પંખીની જેમ બેઠો થતો હોય છે. કવિ જાણે છે કે જે સમય પસાર થઈ રહ્યો છે એ પાછો નહીં આવે અને છતાં આ પસાર થતા સમયનો સદુપયોગ સિસૃક્ષાના અભાવે કરી શકાતો નથી એ પીડા રોજિંદી દિનચર્યા સાથે બસ, વણાયેલી રહી જાય છે. પણ આખરે તો દરેક સર્જક એક સરિસૃપ સમો છે… લાખ ઇચ્છા થતાં એના ઘર ધૂળથી ઢાંકી શકાતા નથી અને બહારથી ભીતર અને ભીતરથી બહારની એની યાત્રા -સર્જન- યેનકેન પ્રકારે ચાલુ જ રહે છે…
Permalink
March 17, 2015 at 1:10 AM by તીર્થેશ · Filed under અછાંદસ, મનિષા જોષી
મારી અંદર એક વૃક્ષ
ફળોના ભારથી ઝૂકેલું ઊભું છે.
નવાં મહોરતાં ફૂલોના રંગથી મહેકતી,
તાજાં જન્મેલાં પંખીઓનાં બચ્ચાનાં
તીણા અવાજથી ચહેકતી,
તસુએ તસુ, તરબતર, હું એક સ્ત્રી.
કીડીઓની હાર ફરી વળે છે મારા અંગ પર,
અજગર વીંટળાય છે,અંધારું આલિંગે છે
અને મારી શાખાઓ પરથી ઝર્યા કરે છે મધ.
મોડી સાંજે,
ડાળીએ ડાળીએ ફરી વળતા અંધારા ભેગી
સરકતી આવતી ઉદાસીને
પાંદડાની છાલમાં છુપાવી લેતાં મને આવડે છે.
મને આવડી ગયું છે
પાનખરમાં પાંદડાઓને ખંખેરી નાખતાં.
સૂકાં, પીળાં પાન
તાણી જાય છે ઉદાસીને
નદીના વહેણમાં.
હું અહીંથી પડખુંયે ફરતી નથી,
પણ મને ખબર છે,
નદીપારના કોઈક સ્મશાનમાં
સૂકાં, પીળાં પાંદડાઓ ભેગી
ભડકે બળતી હશે મારી ઉદાસી.
પાંદડાં બળવાની સુગંધ
ઓળખી લે છે,
દરેક લીલુંછમ વૃક્ષ.
-મનીષા જોષી
દરેક ઉગતા સૂર્યને જોતા મારી તમામ નિરાશાઓ ખરી પડે છે……નિરાશ થવા સુદ્ધાં બદલ શરમ આવે છે…..
Permalink
October 20, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, મનિષા જોષી
સાંભળ્યું છે કે જમીન પરના સાપ
પોતાના રાફડા ત્યજીને હવે
પાણીમાં રહેવા જતા રહ્યા છે.
સીમમાં ચાલતી વખતે
મારા પગે અથડાય છે
રંગબેરંગી કાંચળીઓ.
અને ત્યાં પાણીની અંદર
સાપનાં ઠાલાં શરીર
ફંગોળાતા હશે,
ખડકો પર પછડાતા દોરડાની જેમ.
એમનાં શરીર પર ફૂટતા હશે લોહીના ટશિયા,
પણ મારા હાથમાંની આ કાંચળી તો
એવી સૂકીભટ છે,
જાણે આકરા વૈશાખમાં તરછોડાયેલું કોઈ પાંદડું.
આ કાંચળીની અંદર ક્યારેક કોઈ ઝેરીલું શરીર રહેતું હતું.
હવે, મનના એક ખૂણે કોઈ એક પ્રેમપ્રકરણની વચ્ચે મૂકેલા
વિષભર્યા કાગળની જેમ
રંગ બદલતી રહેશે આ કાંચળી.
– મનીષા જોષી
ખૂબીપૂર્વક કંડારાયેલી દ્રોહની વાત છે અહીં. પ્રેમમાં ઠેસ ખાધેલી વ્યક્તિની સ્વગતોક્તિ છે.
દ્રોહી પ્રેમી એક સર્પની જેમ મુખવટો [ કાંચળી ] ઉતારીને અન્યત્ર જાળ ફેલાવવા ચાલ્યો જાય છે. પ્રેમિકાના હાથમાં રહી જાય છે એ છદ્મ મુખવટો. એ મુખવટો કે જેમાં કદીક એક ઝેરીલી વ્યક્તિ વસતી હતી. પ્રેમિકા એવી કલ્પના કરે છે કે કાંચળી ઉતારેલા એના દેહને અવશ્ય પીડા તો થતી જ હશે – આ પ્રેમિકાનું પોતાની જાતને અપાતું ઠાલું આશ્વાસન [ wishful thinking ] માત્ર જ છે. વાસ્તવિકતામાં તો પ્રેમિકા દ્રોહથી એટલી વિચલિત થઇ ગઈ છે કે એને એમ લાગે છે કે આ બેજાન કાંચળી પણ કદાચ રંગ બદલતી રહેશે…..!!!!
Permalink
September 14, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, મનિષા જોષી
આપણા સૌની સામૂહિક ચેતનાના ઢગલા પર બેઠેલા
સહસ્ત્ર દેવ-દેવીઓની દૈનિક ક્રિયાઓ હું જોઈ શકું છું.
મંદીરના ગર્ભગૃહમાં
દૂધમાં તણાઈ રહેલા સળવળતા સાપની વચ્ચેથી માર્ગ કરતા
મને મળી આવે છે પથ્થરનો કાચબો.
સ્વર્ગ સુધી લઈ જતા
તેના ચાર પગ પર ચઢવા જતા
હું કેટલીયે વાર નીચે પટકાઈ છું.
પાપ અને પુણ્યની કસોટી કરતા
આ બે થાંભલાઓની વચ્ચે
આમ તો ઘણી જગ્યા દેખાય છે
પણ હું ક્યારેય તેમની વચ્ચેથી પસાર નથી થઇ શકતી.
જો કે ત્યાં મૂકેલા નંદીના પાળિયા પર સવારી કરીને
હું ઊડી શકું છું આકાશમાં.
નીચે નજર કરું તો દેખાય છે
રસ્તા પર રઝળતાં નધણિયાતાં પ્રાણીઓ
અને ઉત્સવપ્રિય લોકોનાં ટોળાં.
અને સહેજ ઉપર જોઉં તો દેખાય છે
કેટલાયે જાણીતા અને ઓછા જાણીતા દેવો,
તેમની અર્ધ-જાગૃત અવસ્થામાં, અનાવૃત્ત,
દેવ બન્યા તે પહેલાંના અવતારમાં.
વરદાન આપતાં શીખ્યા તે પહેલાંના રૂપમાં.
માત્ર બે જ હાથ અને બે પગવાળા,
ગોળ કૂંડાળું કરીને ગંજી પત્તાં રમી રહેલા દેવો.
– મનીષા જોષી
દેવ એ માનવની કલ્પના છે. પાપ-પુણ્યની વ્યાખ્યા ભલભલા માંધાતાઓ પણ નથી કરી શક્યા. કાવ્ય ગર્ભિત અર્થોથી સભર છે. પરંપરાગત સ્થૂળ ભક્તિથી મોહભંગ થતાં સાંખ્ય ઇત્યાદિના માર્ગે સ્વર્ગારોહણનો પ્રયાસ કરે છે કવિ. જરાક દ્રષ્ટિ વિશાળ થતા દેખાય છે બે વર્ગ – એક કે જે ઓછો ચતુર છે……તે દેવપૂજામાં રત છે. અને બીજો જે થોડો વધુ ચતુર છે તે દેવ બનીને પ્રમાદમાં રત છે.
Permalink
June 30, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, મનિષા જોષી
હાં, હાં, એ માણસ જીવે છે હજી, એના ઘરમાં, સુખેથી.
પણ મરી ગયો છે એ મારા માટે .
અને એટલે જ હું રોજ એના નવા નવા
મૃત્યુની કલ્પના કરું છું.
રસ્તા પર ચાલતા ટ્રકનાં પૈડાં એના પર ફરી વળે છે.
અને હું બાજુમાં શાંત રાહદારીની જેમ પસાર થતી હોઉં છું.
તો ક્યારેક એની લાશ રેલવેના પાટા વચ્ચે મળી આવે છે.
અને હું એના મૃતદેહ પરથી પસાર થતી ટ્રેનમાં
મુસાફરી કરતી હોઉં છું.
ક્યારેક હું મારી સાડીના પાલવને ગાંઠ મારતી હોઉં છું.
અને એના ગળામાં ફાંસો હોય છે.
હું મંદિરમાં દીવા પ્રગટાવતી હોઉં છું
અને એનું આખું શરીર સળગતું હોય છે.
ક્યારેક એ કોઈ ગોઝારીવાવના તળિયે પડ્યો હોય છે
અને હું એ વાવમાંથી પાણી ભરતી હોઉં છું.
રોજ રાત્રે યમરાજ આવે છે.
પેલા કાળમુખા પાડા પર બેસીને
કરગરે છે, એને લઇ જવા માટે,
પણ હું એને રજા નથી આપતી.
– મનીષા જોશી
વ્યવહારના નામે અંતરાત્માને મારી નાખીને જીવતા માણસની આ વાત છે. સચ્ચાઈનું ગળું ઘોંટીને ‘વ્યવહારિક જીવનમાં તો આમ જ જીવાય’ – જેવી આત્મવંચનાના ઓઠા હેઠળ હું જીવું છું એટલે મને આ વાત મારી જ કથા લાગે છે…….
Permalink
February 2, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, મનિષા જોષી
માફ કરી દીધેલા
પણ ન વીસરાયેલા
કોઈ સમયની જેમ
એ વૃક્ષ
વિકસ્યાં કરે છે મારા ઘર નજીક.
હું તેને અવગણું છું
બને ત્યાં સુધી
પણ છેવટે તે લંબાઈને
વીંટળાઈ વળે છે મારા ઘરને.
વૃક્ષના અંધકારમાં ઘેરાયેલું મારું ઘર
બંધ છે એમ માનીને
પાછા વળી જાય છે આગંતુકો
અને એમ સમય વેર વાળે છે,
વૃક્ષ બનીને.
– મનીષા જોષી
‘વૃક્ષ’ રૂપક આપણી વાસનાઓને ઈંગિત કરે છે.
Permalink
August 26, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, મનિષા જોષી
મોટાં ઘટાદાર વૃક્ષો
અને તેના પર લટકતા વજનદાર મધપૂડા.
મધ ચૂસતી મધમાખીઓનાં પુષ્ટ શરીર જોઈને
ઊંઘમાં પણ મારા ચહેરા પર સ્મિત ફરી વળે છે.
ખાતરી કરીને ચોખ્ખું મધ ખરીદતી કોઈ ગૃહિણીની જેમ
હું અદમ્ય સંતોષ અનુભવું છું.
સુખ, અસહ્ય સુખ. નથી સહન થતું હવે.
મધપૂડા પર ફેંકાતા પથ્થર
મારી પીઠ પર વાગે છે.
મધમાખીઓના ડંખ
મારા શરીરે ઊઠી આવે છે.
વૃક્ષો વચ્ચે છંછેડાઈને આમતેમ ઊડાઊડ કરતી
મધમાખીઓનો ગણગણાટ
મારા રૂમમાં પ્રસરે છે.
પગ સાથે અથડાતા
સુકાઈ ગયેલા મધપૂડાને
હું ઘરમાં સજાવટ માટે મૂકેલા
સુગરીના કલાત્મક,ખાલી માળાની બાજુમાં ગોઠવી દઉં છું.
મધમાખીઓ વિનાનો આ મધપૂડો પહેલીવાર સ્પષ્ટ દેખાય છે.
તેની અંદરનાં ભર્યાં ભર્યાં પોલાણ હું જોઈ રહું છું.
કોઈ ખાલી ઘરમાં બારી-બારણાંનો ભેદ ક્યાં હોય?
મારી નજર સોંસરવી પસાર થઇ જાય છે.
સુખ ઊડતું રહે છે, મધમાખીની જેમ.
એક થી બીજા મધપૂડા પર.
-મનીષા જોષી
તૃષ્ણા-desire ની વાતને થોડા અઘરા રૂપકથી રજૂ કરી છે . જીવન કદાચ રંગહીન છે – આપણી તૃષ્ણાના રંગને તે માત્ર પરાવર્તિત કરે છે અને આપણે એ પ્રતિબિંબને જીવનનો પોતીકો રંગ સમજી બેસીએ છીએ . વિપરીત સંજોગો એ પથ્થર રૂપી ખલેલ છે . મધમાખીઓ ઊડી જાય છે અને ખાલી મધપૂડો સ્પષ્ટ નજરે ચડે છે . ‘ ભર્યાં ભર્યાં પોલણ ‘ – કદાચ વક્રોક્તિ પણ હોઈ શકે પરંતુ કદાચ તે સુખ-દુઃખ થી પર એવી અવસ્થા પણ ઈંગિત કરતું રૂપક હોઈ શકે .
Permalink
September 2, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, મનિષા જોષી
હવે તો કરવી જ પડશે રતિ,
આ રાત સાથે,
હંમેશા મારી ઉપર પથરાયેલી રહેતી આ રાતને
એકવાર મારી નીચે સુવડાવીને જોવી છે
આખરે ક્યાં સુધી માન્યાં કરવાનાં
પવિત્ર, આ અંધારાને ?
હવે એકવાર આંખો ખુલ્લી રાખીને
કરી મૂકવી છે, હતપ્રભ, આ રાતને.
રાતનો વિનયભંગ કરવાની રીત તો જોકે ઘણી છે,
એક વાર બસ,
રાતરાણીની સુગંધથી મોહિત થયા વગર,
મારે જોવું છે,
રાતરાણીના લીલા બીજમાંથી
કેવી રીતે ખીલે છે આ સફેદ ફૂલ
-મનીષા જોષી
એકથી વધુ રીતે આ કાવ્યનો અર્થ માણી શકાય તેમ છે. ‘અંધારા’ એટલે રૂઢિચૂસ્ત જડ માન્યતાઓ. રાત એટલે જડસુ સમાજરચના. બીજો અર્થ આંતરિક સંઘર્ષને લગતો થઇ શકે- અંધારા એટલે અસંખ્ય પૂર્વગ્રહો,માન્યતાઓ,અર્ધજ્ઞાન… અંતિમ પાંચ પંક્તિઓ awareness ને ઈંગિત કરે છે.
Permalink
March 24, 2012 at 2:26 AM by વિવેક · Filed under અછાંદસ, મનિષા જોષી
કોઈ જાદુઈ જનાવર જેવું શરીર છે તારું
એક અંગ તૂટે અને સો નવાં અંગ જન્મે.
શયનખંડની છતમાં દેખાતી
તારાં નિતનવાં અંગોની સહસ્ત્ર રાશિઓ વચ્ચેથી
હું શોધું છું પ્રેમની રાશિને.
શનયખંડની દીવાલો પર શરીર ઘસતો હોય ત્યારે
તું અદ્દલ લુચ્ચા શિયાળ જેવો લાગે છે.
ભૂખ્યું રીંછ જેમ, સમુદ્રનાં મોજાંઓ સાથે ઊછળતી
માછલીને પાણી વચ્ચેથી અઘ્ધર ઝીલીને ખાઈ જાય
એમ તું મને ચૂમે છે.
ક્યારેક તારા શરીર પર શાહુડી જેવાં કાંટા ઊગે છે
તો કયારેક તું સૂર્ય થઈને ઊગે છે મારાં સ્તનો વચ્ચે
અને સોનેરી બનાવી દે છે મારી ત્વચાને.
શયનખંડમાં પથરાયેલી આપણા ભીના અવાજોની
આર્દ્રતા પર તું રાત બનીને છવાઈ જાય છે
અને શયનખંડ પર એક બાજ પક્ષી
પાંખો ફફડાવતું બેસી રહે છે.
પણ આજે બ્રહ્માંડનું અંધારું ચોમેર ફરી વળ્યું છે.
તું અને રાત હવે ઓળખાતાં નથી,
બાજ પણ અટવાઈ ગયો છે ક્યાંક,
નથી આવી શકતો પોતાના માળા તરફ.
એ વફાદાર પક્ષી જો નહીં આવે તો
કોણ કરશે રખેવાળી
આપણા શયનખંડની ?
– મનીષા જોષી
સ્ત્રીઓની લાચારી અને પુરુષોની બળજબરી સમાજ વ્યવસ્થાના આરંભથી કવિતાનો વિષય બનતી આવી છે. મનીષા જોષી આપણી અંદર ઘરકા પડે એવો તીણો અવાજ લઈને અહીં આવ્યા છે. કહે છે કે પુરુષ સેક્સ પામવા માટે પ્રેમ કરે છે અને સ્ત્રી પ્રેમ પામવા માટે સેક્સ ધરે છે. પણ મોટા ભાગે જાદુઈ જનાવર જેવો પુરુષ અલગ અલગ રૂપે અલગ અલગ સમયે સ્ત્રીનો શિકાર કરે છે પણ એના આ હજારો રૂપમાં પ્રેમનું રૂપ ક્યાંય નજરે ચડતું નથી….
Permalink
August 8, 2011 at 8:01 PM by ધવલ · Filed under અછાંદસ, મનિષા જોષી
તળાવ પુરાઈ જાય
એટલે શું પુરાઈ જાય?
તરસ?
ગામને પાદરે આવેલો એક વિસ્તાર
તેની ઓળખ ગુમાવી દે તેથી,
વહેલી સવારે હળવેથી
તળાવનાં પગથિયાં ઊતરીને
આત્મહત્યા કરવા જઈ રહેલું કોઈ
શું જીવી જાય છે?
તળાવ આજે હોય.
ને કાલે ન હોય.
પણ અહીં ડૂબી ગયેલી એક લાશ
નીતરતી રહે છે.
તેનું પેટ દબાવો ને પાણી વછૂટે છે,
ઘોડાપૂર જેવાં.
ડૂબી જાય છે કંઈકૅટલાં
ને છળી મરે છે તરસ.
– મનીષા જોશી
કહે છે કે તમારું હોવું એટલે તમારા પગલાનો સરવાળો. અને તળાવના ભૂતકાળમાં એક પગલું – ન ભરવાનું પગલું – આત્મહત્યાનું છે. જે કમનસીબે તળાવના ન હોવાથી પણ કદી ભ્ંસાવાનું નથી. (કદાચ એટલે જ તળાવ પુરાવી દીધું હશે.) આખા પ્રસંગની ભૂતાવળને તાદ્રશ કરવા માટે કવિને ચાર જ શબ્દની જરૂર પડે છે – ‘છળી મરે છે તરસ’.
Permalink
July 18, 2011 at 12:10 AM by ધવલ · Filed under અછાંદસ, મનિષા જોષી
આપણા સૌની સામાજીક ચેતનાના ઢગલા પર બેઠેલાં
સહસ્ત્ર દેવ-દેવીઓની દૈનિક ક્રિયા હું જોઈ રહું છું.
મંદિરના ગર્ભગૃહમાં
દૂધમાં તણાઈ રહેલા, સળવળતા સાપની વચ્ચેથી માર્ગ કરતાં,
મને મળી આવે છે પથ્થરનો કાચબો.
સ્વર્ગ સુધી લઈ જતા તેના ચાર પગ પર ચડવા જતાં
કેટલીય વાર નીચે પટકાઈ છું.
પાપ અને પુણ્યની કસોટી કરતા
આ બે થાંભલાની વચ્ચે
આમ તો ઘણી જગ્યા દેખાય છે,
પણ હું ક્યારેય તેમાંથી પસાર નથી થઈ શકતી.
જોકે ત્યાં મૂકેલા નંદીના પાળિયા પર સવારી કરીને
હું ઊડી શકું છું આકાશમાં.
નીચે નજર કરું તો દેખાય છે,
રસ્તા પર રઝળતાં, નધણિયાતાં પ્રાણીઓ અને
ઉત્સવપ્રિય લોકોના ટોળેટોળાં.
અને સહેજ ઉપર જોઉં તો હોય છે,
કેટલાયે, જાણીતા અને ઓછા જાણીતા ભગવાન.
તેમની અર્ધ-જાગૃત અવસ્થામાં, અનાવૃત.
દેવ બન્યા પહેલાંના અવતારમાં.
વરદાન આપતા શીખ્યા પહેલાંના રૂપમાં.
માત્ર બે હાથ અને બે પગવાળા,
ગોળ કૂંડાળું કરીને ગંજી-પત્તા રમતા.
- મનિષા જોષી
મંદિરમાં ખરા ઈશ્વરને શોધવો એ પોતેજ એક વિરોધાભાસ છે. મંદિરના દેવ એ તો માણસે ચિતરેલા દેવ છે – માણસનું જ પ્રતિબિંબ. એ માણસ જેટલા જ અપૂર્ણ હોવાના. કવિને મંદિરમાંથી સ્વર્ગનો રસ્તો મળતો નથી. અને નથી રૂઢિગત પાપ-પુણ્યના બીબાંથી એ પોતાની જીંદગી માપી શકતા. આ બધી રાબેતા મુજબની વાતો છે. પણ ચમત્કૃતિ તો કવિ નંદી પર બેસીને ઊચે ઊડે છે ત્યારે આવે છે. એમને દેખાય છે – દેવ બન્યા પહેલાના દેવો. અને દેવ બન્યા પહેલાના દેવો કેવા દેખાય છે ? – તદ્દન માણસ જેવા !
હવે એનો અર્થ એવો થાય કે – માણસ જ જ્ઞાની થઈને દેવ બને છે … કે પછી એનો અર્થ થાય કે, દેવતાઓ બધા આખરે તો માણસ જ હોય છે – એ નક્કી કરવાનું હું તો તમારા પર છોડું છું – અત્યારે તો મારે તો ઊડી શકે એવા નંદીની શોધમાં નીકળવું છે 🙂
Permalink
February 4, 2011 at 1:50 AM by વિવેક · Filed under અછાંદસ, મનિષા જોષી
સિનેમાના પડદા પર
સમુદ્રમાં આવેલ તોફાનનું દૃશ્ય
હું એકીશ્વાસે જોઈ રહી હતી,
ત્યાં અચાનક મોટી વ્હેલ માછલીએ મોઢું ખોલ્યું
મને ખેંચી લીધી.
હું મારા રૂમમાં હોત તેના કરતાં
વધુ સુરક્ષિત છું, એના શરીરમાં.
એના શરીરમાં મારા શરીરની કોઈ વૃદ્ધિ નથી,
એ મને વિશેષ ગમે છે.
જો કે, આ વ્હેલ હવે વૃદ્ધ થવા આવી છે
સમુદ્રતટે આવતા
સહેલાણીઓને રીઝવવા
અગાઉની જેમ એ પાણીમાંથી બહાર આવી
ઊંચે ઊંચે ઉછાળા નથી મારતી
વ્હેલ મરી જશે ત્યારે મારે
ફરીથી મારા રૂમમાં આવી જવું પડશે.
મને ખરેખર ડર લાગે છે,
હવા ઉજાસનો.
મારા રૂમમાં મને નથી જોઈતો સૂર્યપ્રકાશ.
જીવનથી ભાગીને
હું ક્યાં જઈને રહું ?
-મનીષા જોશી
જીવન હંમેશા વિટંબણાઓથી ભર્યું જ હોવાનું અને ભાગેડુવૃત્તિ એ સહજભાવ જ હોવાનો. જિંદગીથી હારેલા માણસને પોતાના રૂમની એકલતા પણ કોરી ખાતી હોય છે. હવા અને ઉજાસનો પણ ડર રહે છે કેમકે સૂર્યપ્રકાશ પોતાની અંદર જે જે અસમંજસ અને તકલીફો-પીડાઓ ભરી પડી છે એને અંધારામાંથી અજવાળામાં આણી લાવે છે. અને માણસ એનાથી જ તો ભાગવા મથે છે. ટેલિવિઝન આ પલાયનવૃત્તિનું એક પ્રતીક માત્ર છે. ટીવી પર દેખાતા દૃશ્યમાં એકલો માણસ કંઈ એ રીતે ખોવાઈ જાય છે કે એ પોતે દૃશ્યનો જ એક ભાગ બની જાય છે. ટીવી પરની વ્હેલ એને ગળી જાય છે એ દરમિયાન વાસ્તવિક દુનિયાનો સમય અને તકલીફો અટકી જાય છે અને એ જ કારણોસર એને વ્હેલના પેટમાં વૃદ્ધિહીન થઈ ગયેલો પોતાનો સુરક્ષિત અંધારભર્યો સમય વધુ ગમે છે. પણ એ જાણે છે કે આ પલાયન શાશ્વત નથી. આ વ્હેલ વૃદ્ધ છે અને એના પેટમાંથી એણે બહાર આવવું જ પડશે અને ફરીથી એ જ જિંદગીનો સામનો કરવો પડશે જેનાથી એ ભાગી જવા ઇચ્છે છે…
Permalink
September 15, 2009 at 9:44 PM by ધવલ · Filed under અછાંદસ, મનિષા જોષી
સમયનો આયામ
વિસ્તરીને પડ્યો છે, આપણી વચ્ચે.
તું મને જીવનની ઉત્કટતાથી ઝંખે છે
અને હું મૃત્યુથી આકર્ષાઈને
તારી પાસે આવવા માગું છું.
હું રાહ જોઉં છું
તારી ભડકે બળતી ચિતા જોવાની.
સ્મશાનમાંથી પાછી આવીને
હું ફરી થોડું જીવીશ.
તારી ચિતામાં ઝંપલાવ્યા વિના જ
મારી ચામડી પર ઊઠી આવશે
દાઝવાના નિશાન.
શિશુની કુમળી ત્વચા લઈને તું ફરી જન્મશે
અને પ્રેમ કરશે એક દાઝેલી ત્વચાવાળી સ્ત્રીને.
આપણે નિયતિનાં સંતાનો છીએ
સમયનો આયામ ભલે રહેતો આપણી વચ્ચે.
– મનિષા જોષી
અહીં મોતથી ડરવાની નહીં પણ એને સામે ચાલીને ચકાસી લેવાની તૈયારી છે – મોતનું તો આકર્ષણ છે. બે જણ વચ્ચેના – સમય અને સ્થળના અંતરનો પ્રેમમાં કોઈ મતલબ રહેતો નથી – મોતનો પણ નહીં. નિયતિના સંતાનો માટે નિયતિને અતિક્રમી જવાની એક જ સીડી છે – પ્રેમ.
Permalink