કાંચળી – મનીષા જોષી
સાંભળ્યું છે કે જમીન પરના સાપ
પોતાના રાફડા ત્યજીને હવે
પાણીમાં રહેવા જતા રહ્યા છે.
સીમમાં ચાલતી વખતે
મારા પગે અથડાય છે
રંગબેરંગી કાંચળીઓ.
અને ત્યાં પાણીની અંદર
સાપનાં ઠાલાં શરીર
ફંગોળાતા હશે,
ખડકો પર પછડાતા દોરડાની જેમ.
એમનાં શરીર પર ફૂટતા હશે લોહીના ટશિયા,
પણ મારા હાથમાંની આ કાંચળી તો
એવી સૂકીભટ છે,
જાણે આકરા વૈશાખમાં તરછોડાયેલું કોઈ પાંદડું.
આ કાંચળીની અંદર ક્યારેક કોઈ ઝેરીલું શરીર રહેતું હતું.
હવે, મનના એક ખૂણે કોઈ એક પ્રેમપ્રકરણની વચ્ચે મૂકેલા
વિષભર્યા કાગળની જેમ
રંગ બદલતી રહેશે આ કાંચળી.
– મનીષા જોષી
ખૂબીપૂર્વક કંડારાયેલી દ્રોહની વાત છે અહીં. પ્રેમમાં ઠેસ ખાધેલી વ્યક્તિની સ્વગતોક્તિ છે.
દ્રોહી પ્રેમી એક સર્પની જેમ મુખવટો [ કાંચળી ] ઉતારીને અન્યત્ર જાળ ફેલાવવા ચાલ્યો જાય છે. પ્રેમિકાના હાથમાં રહી જાય છે એ છદ્મ મુખવટો. એ મુખવટો કે જેમાં કદીક એક ઝેરીલી વ્યક્તિ વસતી હતી. પ્રેમિકા એવી કલ્પના કરે છે કે કાંચળી ઉતારેલા એના દેહને અવશ્ય પીડા તો થતી જ હશે – આ પ્રેમિકાનું પોતાની જાતને અપાતું ઠાલું આશ્વાસન [ wishful thinking ] માત્ર જ છે. વાસ્તવિકતામાં તો પ્રેમિકા દ્રોહથી એટલી વિચલિત થઇ ગઈ છે કે એને એમ લાગે છે કે આ બેજાન કાંચળી પણ કદાચ રંગ બદલતી રહેશે…..!!!!
Pushpakant Talati said,
October 20, 2014 @ 4:31 AM
” ….પોતાના રફ્સા ત્યજીને હવે……” અહી “રફસા” કે “રાફડા”
જરા વધુ Explanation મને આ સ્ટેજે જરુરી જણાય છે. – મને થોડા વધુ વિચાર વિસ્તારની આવશ્યક્તા લાગે છે. સમજાવશો તો મને અને મારા જેવા અન્યને પણ આનન્દ આવશે તથા આ રચનાનો આસ્વાદ લઈ શકશે.
આભાર – પુષ્પકાન્ત તલાટી
Manish V. Pandya said,
October 20, 2014 @ 5:12 AM
પુષ્પકાંતભાઈ ની વાત સાચી લાગે છે. શબ્દ “રાફડા” જ હોવો જોઈએ. મનીષાબેન જ આના ઉપર પ્રકાશ ફેંકી શકે.
તીર્થેશ said,
October 20, 2014 @ 9:52 AM
ટાઈપીંગમાં ભૂલ હતી.. thanks
ધવલ said,
October 20, 2014 @ 10:06 AM
બળકટ કવિતા !
Harshad said,
October 20, 2014 @ 8:18 PM
Very Beautiful!!!
વિવેક said,
October 21, 2014 @ 2:45 AM
ખૂબ જ સુંદર કવિતા…
વાહ, કવયિત્રી….
Pankaj Vakharia said,
October 22, 2014 @ 10:53 AM
1.કાગળ પ્રેમપ્રકરણની વચ્ચે મૂક્યો છે
2.કાગળ વિષભર્યો છે
3.કાગળ રંગ બદલતો છે
&
સાપ અને કાંચળીઓ બહુવચન છે
આટલું ધ્યાનમાં લઇ ફરી આસ્વાદ કરાવવા વિનંતી.