છળી મરે છે તરસ – મનીષા જોશી
તળાવ પુરાઈ જાય
એટલે શું પુરાઈ જાય?
તરસ?
ગામને પાદરે આવેલો એક વિસ્તાર
તેની ઓળખ ગુમાવી દે તેથી,
વહેલી સવારે હળવેથી
તળાવનાં પગથિયાં ઊતરીને
આત્મહત્યા કરવા જઈ રહેલું કોઈ
શું જીવી જાય છે?
તળાવ આજે હોય.
ને કાલે ન હોય.
પણ અહીં ડૂબી ગયેલી એક લાશ
નીતરતી રહે છે.
તેનું પેટ દબાવો ને પાણી વછૂટે છે,
ઘોડાપૂર જેવાં.
ડૂબી જાય છે કંઈકૅટલાં
ને છળી મરે છે તરસ.
– મનીષા જોશી
કહે છે કે તમારું હોવું એટલે તમારા પગલાનો સરવાળો. અને તળાવના ભૂતકાળમાં એક પગલું – ન ભરવાનું પગલું – આત્મહત્યાનું છે. જે કમનસીબે તળાવના ન હોવાથી પણ કદી ભ્ંસાવાનું નથી. (કદાચ એટલે જ તળાવ પુરાવી દીધું હશે.) આખા પ્રસંગની ભૂતાવળને તાદ્રશ કરવા માટે કવિને ચાર જ શબ્દની જરૂર પડે છે – ‘છળી મરે છે તરસ’.
રાકેશ ઠક્કર, વાપી said,
August 9, 2011 @ 1:56 AM
સરસ રચના. સાચી વાત છે. તળાવના ભૂતકાળમાં એક પગલું – ન ભરવાનું પગલું – આત્મહત્યાનું છે. જે કમનસીબે તળાવના ન હોવાથી પણ કદી ભૂંસાવાનું નથી.
Dhruti Modi said,
August 9, 2011 @ 3:41 PM
સરસ અછાંદસ રચના.