અંતર બે દિલની વચ્ચેનું વધશે નહીં જરી,
વચ્ચે જો મોકળાશનો અવકાશ હોય તો.
વિવેક મનહર ટેલર

આયામ – મનિષા જોષી

સમયનો આયામ
વિસ્તરીને પડ્યો છે, આપણી વચ્ચે.
તું મને જીવનની ઉત્કટતાથી ઝંખે છે
અને હું મૃત્યુથી આકર્ષાઈને
તારી પાસે આવવા માગું છું.
હું રાહ જોઉં છું
તારી ભડકે બળતી ચિતા જોવાની.
સ્મશાનમાંથી પાછી આવીને
હું ફરી થોડું જીવીશ.
તારી ચિતામાં ઝંપલાવ્યા વિના જ
મારી ચામડી પર ઊઠી આવશે
દાઝવાના નિશાન.
શિશુની કુમળી ત્વચા લઈને તું ફરી જન્મશે
અને પ્રેમ કરશે એક દાઝેલી ત્વચાવાળી સ્ત્રીને.
આપણે નિયતિનાં સંતાનો છીએ
સમયનો આયામ  ભલે રહેતો આપણી વચ્ચે.

– મનિષા જોષી

અહીં મોતથી ડરવાની નહીં પણ એને સામે ચાલીને ચકાસી લેવાની તૈયારી છે – મોતનું તો આકર્ષણ છે. બે જણ વચ્ચેના – સમય અને સ્થળના અંતરનો પ્રેમમાં કોઈ મતલબ રહેતો નથી – મોતનો પણ નહીં. નિયતિના સંતાનો માટે નિયતિને અતિક્રમી જવાની એક જ સીડી છે – પ્રેમ.

11 Comments »

  1. રાકેશ ઠક્કર , વાપી said,

    September 16, 2009 @ 12:23 AM

    સરસ રચના……
    તારી ભડકે બળતી ચિતા જોવાની.
    સ્મશાનમાંથી પાછી આવીને
    હું ફરી થોડું જીવીશ……..

  2. pragnaju said,

    September 16, 2009 @ 3:35 AM

    મારી ચામડી પર ઊઠી આવશે
    દાઝવાના નિશાન.
    શિશુની કુમળી ત્વચા લઈને તું ફરી જન્મશે
    અને પ્રેમ કરશે એક દાઝેલી ત્વચાવાળી સ્ત્રીને.
    આપણે નિયતિનાં સંતાનો છીએ
    સમયનો આયામ ભલે રહેતો આપણી વચ્ચે.
    …આ પહેલા આવી કલ્પના માણી નથી.
    સામાન્યતયા પ્રેમાસ્પદ દાઝી જાય પછી પ્રેમિકા પ્રેમથી દાઝેલા અંગ પર પાટાપિંડી કરે. પછી જીભ ચલાવશે જ.! ન્યૂયોર્કના ‘જર્નલ ઓફ કન્સિલ્ટંગ એન્ડ કિલનિકલ સાયકોલોજી’ નામના મેગેઝિનમાં કહ્યું છે કે પ્રેમિકા જયારે તમને કહે કે અમારી વરચે ખટરાગ નથી કે અમારે કદી જ કંકાસ થતો નથી ત્યારે સમજવું કે બંને દંભ કરે છે.
    ત્યારે આ પ્રેમ સમયના આયામની પાર મોતને પણ અતિક્રમી જવાની કલ્પના ગમે તેવી છે …

  3. Manisha Patel said,

    September 16, 2009 @ 5:34 AM

    આ કવિતા મને ઘણી ગમી છે એમાંય ખાસ તો

    અને હું મૃત્યુથી આકર્ષાઈને
    તારી પાસે આવવા માગું છું.
    હું રાહ જોઉં છું
    તારી ભડકે બળતી ચિતા જોવાની.
    સ્મશાનમાંથી પાછી આવીને
    હું ફરી થોડું જીવીશ.

    આ પંક્તિઓ પ્રેમની ઉતકૃટતા બતાવે છે, તે ઘણી જ સરસ કલ્પના કરેલ છે.

  4. preetam lakhlani said,

    September 16, 2009 @ 5:53 AM

    મનિષા જોષીની કવિતાનુ ગગન અશીમ છે તેને અત્યારની એટલે કે વતમાનની ગુજરાતી કોઈ કવયિત્રની સકતિ નથી કે તેના ગગનને સ્પશ કરી શકે…આ કોઈ અતિશયોકતી નથી પણ એક નગ્ન સત્ય છે!!!!……ઉત્તમ કવિતાનુ આ એક ઉત્તમ ઉદારણ !!!

  5. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    September 16, 2009 @ 6:05 AM

    નિયતિ કંઈ નિરાશાની જનક નથી
    એતો આશાનો ઉદ્યોત્તક દીપક છે.
    મૃત્યુ એતો એક ઝૂલો, બીજો ઝૂલો.
    અંતરાલતો મિલનનો દંડમાપક છે.

  6. વિવેક said,

    September 16, 2009 @ 8:54 AM

    સુંદર રચના…

  7. ચાંદ સૂરજ said,

    September 16, 2009 @ 8:56 AM

    મૃત્યુની પેલે પાર પણ મિલનની રંગોળી પૂરવાના મનસૂબા ઘડતો પ્રેમ જાણે આ શેષ જીવનમાં સતીત્વ
    ઓઢી લે છે.

  8. sudhir patel said,

    September 16, 2009 @ 5:37 PM

    ચોટદાર ભાવવાહી કાવ્ય!
    સુધીર પટેલ.

  9. urvashi parekh said,

    September 16, 2009 @ 8:06 PM

    સરસ રચના.

  10. પ્રજ્ઞા said,

    September 19, 2009 @ 6:45 AM

    તું મને જીવનની ઉત્કટતાથી ઝંખે છે
    અને હું મૃત્યુથી આકર્ષાઈને
    તારી પાસે આવવા માગું છું.

    તારી ચિતામાં ઝંપલાવ્યા વિના જ
    મારી ચામડી પર ઊઠી આવશે
    દાઝવાના નિશાન.
    શિશુની કુમળી ત્વચા લઈને તું ફરી જન્મશે
    અને પ્રેમ કરશે એક દાઝેલી ત્વચાવાળી સ્ત્રીને

    બિલકુલ અલગ અને ખુબજ ચોટદાર રચના !
    જીવનમાં, મ્રુત્યુમાં, અને મ્રુત્યુ પછી પણ દરેકે દરેક અવસ્થામાં પ્રેમની ઉત્કટતા દેખાય છે.

    પ્રજ્ઞા.

  11. haresh kanani said,

    September 24, 2009 @ 1:53 PM

    આપણી કવિતા ખુર ગમી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment