મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
મરીઝ

ગોઝારી વાવ – મનીષા જોષી

હાં, હાં, એ માણસ જીવે છે હજી, એના ઘ૨માં, સુખેથી.
પણ મરી ગયો છે એ મારા માટે.
અને એટલે જ હું રોજ એના નવા નવા
મૃત્યુની કલ્પના કરું છું.
રસ્તા પર ચાલતા ટ્રકનાં પૈડાં એના પર ફરી વળે છે
અને હું બાજુમાં શાંત રાહદારીની જેમ પસાર થતી હોઉં છું.
તો ક્યારેક એની લાશ રેલવેના પાટા વચ્ચે મળી આવે છે
અને હું એના મૃતદેહ ૫૨થી પસાર થતી ટ્રેનમાં
મુસાફરી કરતી હોઉં છું.
ક્યારેક હું મારી સાડીના પાલવને ગાંઠ મારતી હોઉં છું
અને એના ગળામાં ફાંસો હોય છે.
હું મંદિરમાં દીવા પ્રગટાવતી હોઉં છું
અને એનું આખું શરીર સળગતું હોય છે.
ક્યારેક એ કોઈ ગોઝારી વાવના તળિયે પડ્યો હોય છે
અને હું એ વાવમાંથી પાણી ભરતી હોઉં છું.

રોજ રાત્રે યમરાજ આવે છે
પેલા કાળમુખા પાડા પર બેસીને.
કરગરે છે, એને લઈ જવા માટે,
પણ હું એને રજા નથી આપતી.

– મનીષા જોષી

એકદમ સરળ અને સહજસાધ્ય ભાષામાં કવયિત્રીએ નારીવેદનાની પરાકાષ્ઠા અભૂતપૂર્વ રીતે આલેખી છે. કવિતા સ્ત્રી સર્જકે લખી છે, એટલે નારીવેદના શબ્દ વાપર્યો નથી, પણ પુરુષોના શબ્દકોશમાં આ પ્રકારની લાગણી ભાગ્યે જ છપાયેલી જોવા મળતી હોવાથી એ સમાસ સહેતુક પ્રયોજ્યો છે. બે જણ અલગ થઈ ગયા છે અને બંને પોતપોતાના ઘરમાં જીવે છે. પુરુષ એના ઘરમાં સુખેથી જીવે છે એ વાતને સુખેથી શબ્દને મૂલ વાક્યથી અલગ તારવીને સર્જકે સાયાસ અધોરેખિત કર્યો છે. પણ હવે એ પુરુષ નાયિકા માટે મૃત્યુ પામ્યો છે અને નાયિકા રોજેરોજ આ પુરુષના અલગ-અલગ પ્રકારના મૃત્યુની અને એ મૃત્યુ પરત્વેની પોતાની લાગણીશૂન્યતાની કલ્પનાઓ કરતી રહે છે. પુરુષ છેડો ફાડી લે પછી એ ‘સુખેથી’ રહેવા માંડે છે, પણ સ્ત્રી છેડો ફાડીનેય છેડો ફાડી શકતી નથી. પુરુષના નિતનવીન મૃત્યુઓની રોજેરોજ કલ્પના કરવી પડે છે, કારણ એ પુરુષને અને એના અત્યાચારોને આ જનમમાં કદાચ એક પળ માટેય ભૂલી શકે એમ નથી. કવિતાના ઉત્તરાર્ધમાં સાવિત્રીનું પ્રતિક પ્રયોજીને સર્જકે ઉમદા કવિતા સિદ્ધ કરી બતાવી છે. સાવિત્રી યમરાજ પાસેથી સત્યવાનને પરત લઈ આવી હતી, એથી બિલકુલ વિપરીત આધુનિક યુગની આ સાવિત્રી યમરાજને પુરુષને લઈ જવાની રજા આપતી નથી. યમરાજ પણ પુરુષ જ છે અને એમના માટે ‘કરગરવું’ ક્રિયાપદ વાપરીને કવયિત્રીએ કવિતાને વધુ ધાર કાઢી છે. પુરુષનું મૃત્યુ હકીકતમાં થઈ જાય તો રોજેરોજ એના મૃત્યુની કલ્પના કરવાથી બદલો લીધો હોવાનો જે સંતોષ મળે છે એનુંય મૃત્યુ ન થઈ જાય?

18 Comments »

  1. vmr said,

    February 16, 2024 @ 12:32 PM

    અદભુત કાવ્ય…. ખૂબ ગમ્યું

  2. Mayurika Leuva-Banker said,

    February 16, 2024 @ 12:53 PM

    કેટલું ઠંડું કલેજું! જબરદસ્ત કાવ્ય..

  3. Pinki said,

    February 16, 2024 @ 1:03 PM

    ઓહો… ત્રણ વાર વાંચ્યું પણ પૂરું પાચન થયું નહીં.

    સ્ત્રી કે પુરુષ- વેદના જ્યારે નફરતનું સ્વરૂપ ધારણ કરે ત્યારે કલમ આવી ધારદાર બને.

    માફ કરીએ તે જ શ્રેષ્ઠ… !!
    નકારાત્મક વિચારો, પરિસ્થિતિ કે વ્યક્તિઓ થી માનસિક રીતે દૂર રહેવું ખૂબ અગત્યનું છે.

  4. Jayant Dangodara said,

    February 16, 2024 @ 1:26 PM

    નાયિકાના આક્રોશને કલાત્મક ધાર કાઢીને હ્રદય સોંસરવું નીકળી જતું કાવ્ય.

  5. Artisoni said,

    February 16, 2024 @ 1:35 PM

    બહુ જ મસ્ત કાવ્ય

  6. Jaagruti Shastri said,

    February 16, 2024 @ 1:50 PM

    વાહ

  7. Rinku Rathod said,

    February 16, 2024 @ 2:08 PM

    ગજબ

  8. ગૌરાંગ ઠાકર said,

    February 16, 2024 @ 3:09 PM

    વાહ વાહ👌👍

  9. Shraddha bhatt said,

    February 16, 2024 @ 3:24 PM

    કલ્પનાથી વાસ્તવની વેધક સફર!

  10. Hiral vyas said,

    February 16, 2024 @ 5:19 PM

    Vedhak!

  11. ભરત વિંઝુડા said,

    February 16, 2024 @ 5:35 PM

    વાહ…

  12. Ramesh Prajapati said,

    February 16, 2024 @ 10:48 PM

    Excellent creation….

  13. Ramesh Prajapati said,

    February 16, 2024 @ 10:50 PM

    Excellent creation…. Wah…

  14. Mannish said,

    February 16, 2024 @ 11:26 PM

    ધારદાર શબ્દોભરી કવિતા 👍

  15. Pragnya said,

    February 17, 2024 @ 12:17 AM

    કવિતાની રીતે જોઈએ તો સારી છે.
    પણ મારા મત મુજબ કોઈ પણ સ્ત્રી કે જેણે કોઈ પુરુષ સાથે પોતાના અમુક સમય વિતાવ્યો હોય
    એ કોઈ દિવસ એના માટે આટલી કઠોર નાજ બને.. 🙏

  16. Dhruti Modi said,

    February 17, 2024 @ 4:36 AM

    આટલી ક્રૂર બનેલી સ્ત્રીના મગજમાંથી એ પુરૂષે વિદાય નથી લીધી અને તેને એનું મગજ સતત સજા આપતું રહે છે અરે એ ઈચ્છે છે એનાં કારમાં મોતને પણ યમદૂતને એને યમલોક લઈ જવાની પરવાનગી નથી આપતી!
    એટલે કે એ હજુ એને ચાહે છે !

  17. Aasifkhan said,

    February 17, 2024 @ 2:34 PM

    વાહ સરસ રચના

  18. Hardik Raychanda said,

    February 29, 2024 @ 9:54 PM

    અદ્ભુત રચના. સ્ત્રીના મનની વ્યથા કથાને કાવ્ય સ્વરૂપમાં બખૂબી રજૂ કર્યું છે. અભિનંદન.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment