પ્રદક્ષિણા – મનીષા જોષી
જ્યારે જ્યારે મંદિરમાં જઉં છું ત્યારે
કોઈ અજ્ઞાત ભય મને ઘેરી વળે છે,
મને લાગે છે કે બધા જ દેવોનાં
બધાં જ વાહનો મને મારવા આવી રહ્યાં છે,
વાઘ, નાગ, કાચબો, ગરૂડ, માછલું….
પૂજારી ત્રિકાળજ્ઞાનીની જેમ મને જોઈને હસે છે.
પ્રસાદમાં ચપટી સિંદૂર આપે છે.
હૂં મૂંગી, અવાક્ થઈ જાઉં છું,
મંદિરની દીવાલોના પ્રાચીન, શાંત પથ્થરો
જાણે કે કોઈ ઊંચા પર્વત પરથી ગબડતાં
ભારેખમ પથરાઓ હોય એમ મારી તરફ ધસી આવતા
લાગે છે.
હું જીવ બચાવતી દોડું છું.
મંદિરની દીવાલો ફરતી પ્રદક્ષિણા કરું છું.
મંદિરના લીસા આરસપ્હાણમાં મને ઠેસ વાગે છે,
હું પડી જઉં છું, માથું ઝૂકી જાય છે મૂર્તિ આગળ.
અને પેલા ગબડતા પથરાઓ નીચે છુંદાઈ જઉં છું
હું પણ એક પથ્થર બની જઉં છું, નવા જન્મમાં.
મને કોઈ પણ એક આકાર આપી દેવામાં આવે છે.
હવનની કૂંડીનો, શંકરના લિંગનો, કળશનો
ઘંટારવનો, સ્તોત્રનો, આરતીની થાળીનો, ધૂપનો,
પગલાંનો, પુરાણનો, દક્ષિણાનો,
હું મંદિરની બહાર જ નથી નીકળી શકતી.
– મનીષા જોષી
ઈશ્વરની સંકલ્પનામાંથી મુક્ત થઈશું ત્યારે તો આપણી સાચી ખોજ શરૂ થશે…..
હેમંત પુણેકર said,
April 5, 2016 @ 6:05 AM
જેવી ઈશ્વરની ઈચ્છા! 🙂
KETAN YAJNIK said,
April 5, 2016 @ 10:26 AM
ફક્ત ” હું” ને ભૂલી જાવ ,બીજા કશાયની જરૂર નહિ પડે
Nehal said,
April 6, 2016 @ 10:42 AM
અહીં ઈશ્વરની સંકલ્પના કરતાં પણ વધારે તો ધર્મ ને વળગેલા વળગણો અને ્એમાં ઘેરાયેલો માણસ એમાં જ નાશ પામે છે, ઈશ્વર નહીં મૂર્તિઓ અને કર્મકાંડથી ઘેરાયેલો ધર્મ, પાપ-પૂણ્યના ડરની આજુબાજુ ઘૂમતા રહેતા લોકો ઈશ્વરને તો ક્યાંથી પામે??!
Girish Parikh said,
April 6, 2016 @ 11:51 PM
ગઈ કાલે મોડેસ્ટો, કેલિફોર્નિયાના શ્રી રામ મંદિરના મુખ્ય પંડિતજી શ્રી પ્રાણેશજી શર્માને મેં પ્ર્શ્ન પૂછ્યો, “મોડેસ્ટોમાં કોઈ બ્રહ્મજ્ઞાની છે?” એમનો જવાબઃ “આખા અમેરિકામાં કોઈ બ્રહ્મજ્ઞાની નથી! બધા self-proclaimed છે!”
મને વિચાર આવ્યોઃ અમેરિકાની આ ધરતી બ્રહ્મજ્ઞાની સ્વામી વિવેકાનંદનાં પાવન પગલાંથી ધન્ય તો થઈ છે જ. પણ હાલ અમેરિકામાં શું એક પણ જીવંત બ્રહ્મજ્ઞાની નથી?
બ્રહ્મજ્ઞાની | Girishparikh's Blog said,
April 8, 2016 @ 12:21 AM
[…] “લયસ્તરો” વેબદાઈટ પર મનિષા જોષીનું “પ્રદક્ષિણ” મુક્તકાવ્ય (અછાંદસ નહીં કહું!) વાંચ્યા પછી નીચેનો પ્રતિભાવ પોસ્ટ કર્યોઃ ગઈ કાલે મોડેસ્ટો, કેલિફોર્નિયાના શ્રી રામ મંદિરના મુખ્ય પંડિતજી શ્રી પ્રાણેશજી શર્માને મેં પ્ર્શ્ન પૂછ્યો, “મોડેસ્ટોમાં કોઈ બ્રહ્મજ્ઞાની છે?” એમનો જવાબઃ “આખા અમેરિકામાં કોઈ બ્રહ્મજ્ઞાની નથી! બધા self-proclaimed છે!” મને વિચાર આવ્યોઃ અમેરિકાની આ ધરતી બ્રહ્મજ્ઞાની સ્વામી વિવેકાનંદનાં પાવન પગલાંથી ધન્ય તો થઈ છે જ. પણ હાલ અમેરિકામાં શું એક પણ જીવંત બ્રહ્મજ્ઞાની નથી? મનિષા જોષીના “પ્રદક્ષિણા” મુક્તકાવ્યની લીકઃ https://layastaro.com/?p=13619 […]
Dhaval said,
April 9, 2016 @ 12:34 PM
સશક્ત કવિતા. કવિ ઈશ્વરથી નહી મંદિરથી ત્રસ્ત છે. રૂઢીઓ અને રીવાજોથી ઘેરાયેલી જીંદગીની અકળામણ બહુ અસરકારક રજૂઆત.
‘પ્રદક્ષિણા’ શીર્ષક પહેલા જરા ન સમજાયું. પણ વિચારતા સલામ કરવાનું મન થાય છે. બંધ મગજ, circular logic અને માત્ર પુનરાવર્તનથી ઘડાયેલી પરંપરાઓ – બધાને કવિએ એક જ શબ્દમાં માપી લીધા છે. ઘાણીનો બળદ પણ આમ જુઓ તો ‘પ્રદક્ષિણા’ જ કરે છે ને? ઃ-) ઃ-)
Harshad said,
April 10, 2016 @ 1:08 PM
ખૂબ જ ગામ્ભીય્રથી ભરેલ આ કાવ્ય સમજવુ થોડૂ અઘરુ લાગ્યૂ પરન્તુ આખરે સત્ય એ સત્ય જ રહેશે.
તીર્થેશ said,
April 11, 2016 @ 3:36 AM
મેં જે comment લખી છે તેમાં મારો હેતુ ઈશ્વરની સંકલ્પના – અર્થાત વ્યક્તિમાત્રના મગજમાં ઈશ્વરને લગતા વિવિધ ખ્યાલો જેમ કે મૂર્ત ઈશ્વર, અમૂર્ત ઈશ્વર, સગુણ, નિર્ગુણ – બધું જ આવરી લેવાનો છે, માત્ર મૂર્તિપૂજા અથવા રિવાજોની વાત નથી. જ્યાં સુધી સંપૂર્ણ પૂર્વગ્રહમુક્ત examination કરવામાં ન આવે ત્યાં સુધી સાચું examination શરૂ સુદ્ધાં નથી થતું.