આ રાની ઘાસ વચ્ચે, આ રાની ઘાસની માફક
અસલ વગડાઉ વૈભવમાં મને ચુપચાપ મરવા દો.
ઉદયન ઠક્કર

હીંચકો – મનીષા જોશી

આજે તો બગીચાની
લીલીછમ લોન પર ચાલવાનું
૫ણું નથી ગમતું.
ચમેલીની વેલ પાસેથી ૫સાર થતાં
એની સુગંધ નાકને અડી જાય છે
૫ણ ત્યાંયે વધુ વાર ઊભવું નથી ગમતું.
બેન્ચ પર બેસીને
સમયને મારતા બે નિવૃત્ત વૃદ્ધો
અને એક ખૂણો શોધી લઈ
ગુફતેગૂ કરતા બે પ્રેમીઓ વચ્ચે પણે
ધ્યાન આકર્ષિત કરે છે
તો એકમાત્ર હીંચકો!
પેલી છોકરીના ઊતરી ગયા પછી પણ
ચિચાટિયા અવાજે
ખાલી ખાલી હાલ્યા કરતો એ હીંચકો!
અને હું,
અચાનક જ દોડી જઈને
અત્યંત ઉશ્કેરાટથી
એને હાથથી અટકાવી દઉં છું.

– મનીષા જોશી

હીંચકો પ્રતીક છે અસ્થિર માનસિકતાનું… સતત ગતિમાં રહેવા છતાંય હીંચકો હોય ત્યાંથી આગળ પણ વધી શકતો નથી ને પાછળ પણ જઈ શકતો નથી. હીંચકાનું પ્રતીક લઈને કવયિત્રીએ આવી જ મનોદશા બહુ સ-રસ રીતે અહીં આલેખી છે. કોઈક કારણોસર કાવ્યનાયિકા આજે વ્યથિત છે. ‘આજે તો’થી કવિતાનો ઉપાડ થાય છે, એના પરથી ખ્યાલ આવે છે કે જે ક્રિયાઓની અહીં વાત છે એ રોજબરોજની ક્રિયાઓ છે, પણ આજે હૈયું વ્યગ્ર હોવાના કારણે નથી લોન પર ચાલવાનું મન થતું, કે નથી સુગંધ માણવા ઊભા રહેવાનું મન થતું. નિવૃત્ત વૃદ્ધો કે પ્રવૃત્ત પ્રેમીઓ પણ આજે નાયિકાનું ધ્યાન આકર્ષી શકતા નથી. કોઈક છોકરીના ઉતરી ગયા પછી પણ હીંચકો ચિચાટિયા અવાજે હજીયે ખાલી ખાલી હાલ્યા કરે છે એ નાયિકાને વધુ વિહ્વળ કરે છે. હીંચકો પોતાની જ અસ્થિર માનસિકતાને પ્રતિબિંબિત કરતો હોવાથી નાયિકા એને આજે ખમી શકતી નથી. અચાનક દોડી જઈને અત્યંત ઉશ્કેરાટથી એ એને હાથથી અટકાવી દે છે. ‘અચાનક’ ‘અત્યંત’ અને ‘ઉશ્કેરાટ’ – આ ત્રણ શબ્દોના કારણે કાવ્ય વધુ અસરદાર બન્યું છે.

9 Comments »

  1. Asmita shah said,

    June 13, 2024 @ 10:52 AM

    નાયિકા…પોતાનાં વિચારોને અટકાવી નથી શકતી માટે એણે હીંચકો ને અટકાવ્યો છે નાયિકાનું મન અસ્થિર છે હીંચકો નહીં. હીંચકો તો કોઇ ભેદભાવ રાખ્યા વગર દરેક માટે સરખો છે જરા ગતિ આપો કે એ આકાશ ને આંબી શકવાની અનુભૂતિ આપે. વિચારો ને નાથવા મનની અસ્થિરતા ne નાનાથી પડે.

  2. પીયૂષ ભટ્ટ said,

    June 13, 2024 @ 11:00 AM

    વાહ, ખૂબ જ અસરકારક કવિતા. મને ગમી. અચાનક કોઈકના ચાલ્યા જવાથી ડામાડોળ બની જતું , એકલતા અને વીતેલી કડવી યાદોનો કિચૂડાટ વહેતાં રહેતા જીવનની ગતિ થંભાવી દે અને મન અસ્થિર બની જાય તો પરાણે તેને જકડી રાખવું પડે છે. દૈનિક ક્રમની વચ્ચે ખાલી હિંચકાનું હલન ચલન હૈયાંને વિચલિત કરી દે છે. સરસ સંવેદના સભર કાવ્ય.
    કવયિત્રી સાથે સરળ આસ્વાદ માટે આપને પણ અભિનંદન.

  3. Binita parmar said,

    June 13, 2024 @ 12:03 PM

    આંતરિક સંવેદના ને સમજાવતી કવિતા

  4. Binita parmar said,

    June 13, 2024 @ 12:04 PM

    આંતરિક સંવેદના ને સમજાવતી કવિતા😍

  5. DILIPKUMAR CHAVDA said,

    June 13, 2024 @ 1:48 PM

    અત્યાર સુધી હીંચકાને આનંદના પ્રતીક તરિકે જ જોયો છે કે માણ્યો છે, પણ આટલી અદ્ભુત રીતે પણ હીંચકાનું નિરૂપણ થાય એ વાત ખરેખર સુખદ આશ્ચર્ય પમાડે એવી છે, અને આજ કવિતાની મજા છે.., નવા કલ્પનોથી ભરપૂર રચનાં
    સર્જકને અભિનંદન

  6. Harihar Shukla said,

    June 14, 2024 @ 9:15 AM

    હાલ્યા કરતા હિંચકાને અટકાવતો એ હાથ!👌

  7. Nehal said,

    June 20, 2024 @ 12:18 PM

    વાહ, સરળ શબ્દોમાં સચોટ અભિવ્યક્તિ

  8. Poonam said,

    June 27, 2024 @ 4:55 PM

    …અચાનક જ દોડી જઈને
    અત્યંત ઉશ્કેરાટથી
    એને હાથથી અટકાવી દઉં છું.
    – મનીષા જોશી – Samvedansheel!
    Manisha ji ni dayakao pahela pan vancheli rachnao sparshshi che 🙏🏻

    Bavanuvaad 🙏🏻

  9. K.d, sedani said,

    October 25, 2024 @ 1:07 PM

    Waan,,,jordar,,,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment