પાંપણો પર બોજ વધતો જાય છે,
સ્વપ્નનો ઉપચાર કરવો જોઈએ.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ગોઝારી વાવ – મનીષા જોશી

હાં, હાં, એ માણસ જીવે છે હજી, એના ઘરમાં, સુખેથી.
પણ મરી ગયો છે એ મારા માટે .
અને એટલે જ હું રોજ એના નવા નવા
મૃત્યુની કલ્પના કરું છું.
રસ્તા પર ચાલતા ટ્રકનાં પૈડાં એના પર ફરી વળે છે.
અને હું બાજુમાં શાંત રાહદારીની જેમ પસાર થતી હોઉં છું.
તો ક્યારેક એની લાશ રેલવેના પાટા વચ્ચે મળી આવે છે.
અને હું એના મૃતદેહ પરથી પસાર થતી ટ્રેનમાં
મુસાફરી કરતી હોઉં છું.
ક્યારેક હું મારી સાડીના પાલવને ગાંઠ મારતી હોઉં છું.
અને એના ગળામાં ફાંસો હોય છે.
હું મંદિરમાં દીવા પ્રગટાવતી હોઉં છું
અને એનું આખું શરીર સળગતું હોય છે.
ક્યારેક એ કોઈ ગોઝારીવાવના તળિયે પડ્યો હોય છે
અને હું એ વાવમાંથી પાણી ભરતી હોઉં છું.
રોજ રાત્રે યમરાજ આવે છે.
પેલા કાળમુખા પાડા પર બેસીને
કરગરે છે, એને લઇ જવા માટે,
પણ હું એને રજા નથી આપતી.

– મનીષા જોશી

વ્યવહારના નામે અંતરાત્માને મારી નાખીને જીવતા માણસની આ વાત છે. સચ્ચાઈનું ગળું ઘોંટીને ‘વ્યવહારિક જીવનમાં તો આમ જ જીવાય’ – જેવી આત્મવંચનાના ઓઠા હેઠળ હું જીવું છું એટલે મને આ વાત મારી જ કથા લાગે છે…….

5 Comments »

  1. Shah Pravinchandra Kasturchand said,

    June 30, 2014 @ 6:40 AM

    યમરાજનો આવો તીવ્ર ઉપહાસ!!!
    મુખપર મારા ઊભરે છે હાહાહાસ!

    ખૂબ તાકાત છે કવિમાં ,યમરાજ!
    આપને પણ હરાવે છે, કવિરાજ!

  2. yogesh shukla said,

    June 30, 2014 @ 10:38 AM

    સામાન્ય જન જીવન માં થતા અકસ્માત નો પસ્તાવા રૂપી સુંદર વર્ણવી

  3. perpoto said,

    June 30, 2014 @ 11:26 AM

    ક્યારેક હું મારી સાડીના પાલવને ગાંઠ મારતી હોઉં છું.
    અને એના ગળામાં ફાંસો હોય છે.

    એવી શી મજબુરી હશે?? બદલાતા આ સમયમા..

  4. વિવેક said,

    July 1, 2014 @ 9:53 AM

    આત્માના મૃત્યુની વાત સ્પર્શી ગઈ…
    સ્ત્રી-પુરુષના સંબંધના પરિપ્રેક્ષ્યમાં પણ અર્થઘટન શક્ય છે…

  5. preetam Lakhlani said,

    July 9, 2014 @ 12:18 AM

    બહુ જ એક સારુ કાવ્ય કેટલા વરસો પછી વાંચવા મલ્યું. Manisha, please keep it good work. I liked this poem very much…Thank you thitheshbhai….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment