એક લીલી લાગણીને પામવા,
એક માણસ કેટલો ઘરડો પડે.
હરદ્વાર ગોસ્વામી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for લોકગીત

લોકગીત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




દાદા હો દીકરી – લોકગીત

દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં મ દેજો રે સૈ
વાગડની વઢીયારણ સાસુ દોહ્યલી રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

દીએ દળાવે મુને, દીએ દળાવે મુને, રાતલડીએ કંતાવે રે સૈ
પાછલે તે પરોઢીએ પાણી મોકલે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ, પાંગતે સીંચણિયું રે સૈ
સામી તે ઓરડીએ, વહુ તારું બેડલું રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઘડો ન બુડે મારો, ઘડો ન બુડે, મારું સીંચણિયું નવ પૂગે રે સૈ
ઊગીને આથમિયો દી કૂવા કાંઠડે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા, સંદેશો લઈ જાજો રે સૈ
દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કહેજો દાદાને રે, કહેજો દાદાને રે, મારી માડીને નવ કહેજો રે સૈ
માડી મારી આંસુ સારશે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી, અફીણિયાં નવ ઘોળજો રે સૈ
અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કાકાના કાબરિયા, કાકાના કાબરિયા, મારા મામાના મૂંઝડિયા રે સૈ
વીરાના વઢિયારા વાગડ ઊતર્યા રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કાકાએ સીંચ્યું, કાકાએ સીંચ્યું ને મારા મામાએ ચડાવ્યું રે સૈ
વીરાએ આંગણ બેડું ફોડિયું રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

– લોકગીત

કવિશ્રી ઉદયન ઠક્કરની માતબર કલમે આજે આ ગીત માણીએ-

કચ્છનો વાગડ પ્રદેશ એવો સૂકો કે તળાવેથી પાણી સુકાઈ જાય,અને તાળવેથી વાણી.આ લોકગીતમાં સખીઓ (સૈયો) જોડે હમચી ખૂંદતાં (તાલ સાથે ફુદરડી ફરતાં) દીકરી દાદાને (પિતાને) ફરિયાદ કરે છે: મને વાગડમાં કેમ પરણાવી?

સૂરજ ઊગે એ પહેલાં પાણી સીંચવા નીકળવું પડે છે.(બેડું માથા પર જેને ટેકે મુકાય તે ‘ઈંઢોણી.’ કૂવામાં સીંચવાનું દોરડું તે ‘સીંચણિયું.’ પથારીનો પગ તરફનો ભાગ તે ‘પાંગત.’) ઓશિકે ઈંઢોણી અને પાંગતે સીંચણિયું= પગથી માથા સુધી કામ જ કામ. સીંચણિયું ટૂંકું છે, ઘડો બુડે શી રીતે? કેટલાંક એવું સમજાવે છે કે સાસુ જાણી જોઈને દોરડું ટૂંકું આપતી, જેથી વાંકી વળવા જતાં વહુવારુ કૂવે પડી જાય. વાગડ સૂકોભઠ વિસ્તાર હતો- જળની સપાટી ઠેઠ ઊંડે ઊતરી જતી. ઘેરથી કૂવા સુધી એટલા આંટાફેરા કરવા પડતા કે દિવસ આખો (કહો કે જન્મારો આખો) પૂરો થઈ જતો. દીકરી સંદેશો મોકલે છે- હું જિંદગી ટૂંકાવી દઈશ! દાદા કહે છે- થોડા દિવસ ખમી ખાઓ, અમે આણાં લઈને આવીએ છીએ.

અહીં કેટલાંક પદ હેતુપૂર્વક બેવડાવાયાં છે. ‘દાદા હો દીકરી, દાદા હો દીકરી’ (દાદા હોંકારા પર હોંકારા દે.) ‘સૈયો કે હમચી, સૈયો કે હમચી’ (વારે વારે ઘુમરડી લેતી સાહેલીઓ.) ‘દીએ દળાવે મુને, દીએ દળાવે મુને’ (એટલું બધું દળાવે કે એક વાર કહેવાથી ન સમજાય.) ‘ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ’ (કામ બે વાર ન ચીંધે તો સાસુ શાની?) ‘ઘડો બુડે નહિ, ઘડો બુડે નહિ’ (કૂવાકાંઠે નિસાસા પર નિસાસા.) ‘ઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા’ (કાકલૂદી.) ‘કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી’ (દાદાને પડતા ધ્રાસ્કા.)

ગીત કરુણરસનું હોવા છતાં દરેક કડીમાં ‘સૈયો કે હમચી, સૈયો કે હમચી’ એવું ઉમંગે હમચી ખૂંદવાનું પદ મુકાયું છે. આવા વિરોધ (કોન્ટ્રાસ્ટ)થી કરુણરસ ઘેરો ઘુંટાય છે. ‘અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે’- અંધારી રાતો હવે પૂરી થઈ, એવા આશાવાદ સાથે ગીત પૂરું થાય છે.

(આસ્વાદ: ઉદયન ઠક્કર)

Comments (12)

ડુંગર કોરીને ઘર કર્યાં – લોકગીત

મેં તો ડુંગર કોરીને ઘર કર્યાં
મેં તો આભનાં કર્યાં કમાડ
મોરી સૈયરું! અબોલા ભવ રિયા

મેં તો અગર ચંદણના ચૂલા કર્યા
મેં તો ટોપરડે ભરિયાં ઓબાળ.      મોરી..

મેં તો દૂધનાં આંધણ મેલિયાં
મેં તો ચોખલા ઓર્યા શેર.      મોરી..

એક અધ્ધર સમળી સમસમે,
બેની, મારો સંદેશો લઈ જા.      મોરી..

મારા દાદાની ડેલીએ જઈ કેજે,
તમારી દીકરીને પડિયાં છે દુ:ખ.      મોરી..

દીકરી! દુ:ખ તે હોય તે વેઠીએ
દીકરી, સુખ તો વેઠે છે સૌ.      મોરી..

દાદા! ખેતર હોય તો ખેડીએ,
ઓલ્યા ડુંગર ખેડ્યા કેમ જાય?      મોરી..

દાદા!કૂવો રે હોય તો તાગીએ,
ઓલ્યા સમદર તાગ્યા કેમ જાય?      મોરી..

દાદા!ઢાંઢો રે હોય તો વેચીએ,
ઓલ્યો પરણ્યો વેચ્યો કેમ જાય?      મોરી..

દાદા! કાગળ હોય તો વાંચીએ,
ઓલ્યાં કરમ વાંચ્યાં કેમ જાય?      મોરી..

કવિ શ્રી ઉદયન ઠક્કરની કલમે આ લોકગીતનો રસાસ્વાદ માણીએ: (થોડું ટૂંકાવીને)

સ્ત્રીને સાસરવાસમાં સહેવી પડતી વિપદા વિશે ઘણાં લોકગીતો ગવાયાં છે. આ ગીતની નાયિકા નવે ઘરે ઠરીઠામ થવાની કઠણાઈને રૂપકથી આબાદ ઝીલે છે, ‘ડુંગર કોરીને ઘર કર્યાં.’ સમથળ ભૂમિ ન બચી હોય, ડુંગર ખોદીને કુટિર બનાવવી પડી હોય, એ સંકટ તો જેણે વેઠ્યું હોય તે જ જાણે.વળી કમાડ આભનાં છે, અર્થાત્ છે જ નહિ. આપણે કહીએ છીએને, ‘ઉપર ગગન અને નીચે ધરતી.’ આગળના બે શબ્દો સૂચક છે,’મેં તો.’ આ પરિસ્થિતિ માત્ર નાયિકાની છે, પરિવારનાં બીજાં સૌ તો સુરક્ષિત છે.

ફરિયાદ કરવી કોને, તો કે સહિયરોને. પાણી સીંચતાં, ભારો બાંધતાં કે ગરબો ગાતાં સખીઓ સામે હૈયું ઠાલવી શકાય. કુટુંબજીવન તો ઠીક, દાંપત્યજીવન પણ વણસ્યું છે, ભવ આખાના અબોલા થઈ ગયા છે. પરણ્યાને રીઝવવા નાયિકા અછોવાનાં કરે છે. અગર-ચંદનના ચૂલે બળતણ (ઓબાળ) ભરે છે, દૂધ-ચોખા ઓરીને ખીર રાંધે છે. પથ્થર પર પાણી.

પોતાની પીડાનો સંદેશો પિયરિયાને મોકલવો કેમ? ગામ છોડીને તો નીકળાય નહિ. ફોન-તાર- ટપાલનો એ જમાનો નહિ. પત્ર લખી શકાય તેવું અક્ષરજ્ઞાન પણ નહિ. હા, જતા-આવતા પ્રવાસીને કાને વાત નાખી શકાય. નાયિકા સમળીને સંદેશો આપે છે. (‘અ લિટલ બર્ડી ટોલ્ડ મી.’) કાલિદાસના યક્ષે મેઘને સંદેશો આપ્યો હતો. સંદેશો કેવો કરપીણ હશે કે સાંભળીને સમળીય સમસમી ગઈ! સાસરિયા સાથે સ્નેહ ન રહ્યો હોવાથી, નાયિકાને સમળી ય પરિવારજન (‘બેની’) લાગે છે. સંદેશો દાદાને આપવાનો છે. લોકગીતમાં ‘દાદા’ એટલે પિતા.

હવે દાદા અને દીકરીના સામસામા સંદેશા સાંભળીએ. દાદા સહાય કરવા દોડી આવ્યા હશે? ના રે ના. જમાનો એવો હતો કે પાલખીમાં સાસરે ગયેલી સ્ત્રી ઠાઠડીમાં જ પાછી નીકળી શકે. (પિયરભેગી થાય તો ભાઈઓની મિલકતમાં ભાગ માગે, એવો અંદેશો હશે.) દાદા ઠાલાં આશ્વાસનો આપ્યે જાય છે: સુખ તો સૌ વેઠે, તું દુ:ખ વેઠીને બતાવ. (સુખ સાથે ‘વેઠવું’ ક્રિયાપદ નવતર અને સુખદ લાગે છે.) દીકરી ચચ્ચાર પ્રશ્નો પૂછે છે, જેનો દાદા ઉત્તર આપી શકતા નથી. ખેતર ખેડાય પણ ડુંગર કેમ ખેડાય? ખેડૂતની સ્ત્રીના જાતઅનુભવમાંથી આવેલું આ દ્રષ્ટાંત છે. કૂવાનું માપ લઈ શકાય, સમદરનું કેમ લેવાય? સહેવાય તેટલું સહી લીધું, હવે પાણી માથાની ઉપર આવી ગયું છે. કરમન કી ગતિ ન્યારી. ન જાણે ભાગ્યમાં શું લખાયું છે? લોકગીત લખનાર કોઈ એક સ્ત્રી નહિ પણ સ્ત્રી-સમુદાય હોય. એક ટીખળી સ્ત્રીએ કહ્યું: બળદ (ઢાંઢો) હોય તો વેચીએ, પરણ્યાને કેમ વેચાય? નિરુત્તર રહેતા પીડાના પ્રશ્નો સાથે ગીત વિરમે છે.

– ઉદયન ઠક્કર

Comments (6)

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે… – લોકગીત

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

મારા બાલુડા હો બાળ, તારા પિતા ગયા પાતાળ,
તારી કોણ લેશે સંભાળ, કરવો કૌરવકુળ સંહાર.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે?
પહેલે કોઠે ગુરૂ દ્રોણ, એને જગમાં જીતે કોણ?
કાઢી કાળવજ્ર્રનું બાણ, લેજો પલમાં એના પ્રાણ.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા બીજે કોઠે કોણ આવી ઊભા હશે રે?
બીજે કોઠે કૃપાચાર્ય, સામા સજ્જ કરી હથિયાર;
મારા કોમળઅંગ કુમાર, તેને ત્યાં જઈ દેજો ઠાર.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા ત્રીજે કોઠે કોણ આવી ઊભા હશે રે?
ત્રીજે કોઠે અશ્વત્થામા, તેને મોત ભમે છે સામા;
એને થાજો કુંવર સામા, એના ત્યાં ઉતારજો જામા.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા ચોથે કોઠે કોણ આવી ઊભા હશે રે?
ચોથે કોઠે કાકો કરણ, એને દેખી ધ્રૂજે ધરણ;
એને આવ્યું માથે મરણ, એના ભાંગજે તું તો ચરણ
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા પાંચમે કોઠે કોણ આવી ઊભા હશે રે?
પાંચમે કોઠે દુર્યોધન પાપી, એને રીસ ઘણેરી વ્યાપી;
એને શિક્ષા સારી આપી, એનું મસ્તક લેજો કાપી.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા છઠ્ઠે કોઠે કોણ આવી ઊભા હશે રે?
છઠ્ઠે કોઠે મામા શલ, એ તો જનમનો છે મલ્લ;
એને ટકવા ન દૈશ પલ, એનું અતિ ઘણું છે બલ.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા સાતમે કોઠે કોણ આવી ઊભા હશે રે?
સાતમે કોઠે જય જયદ્રથ, એ તો લડવૈયો સમરથ;
એનો ભાંગી નાખજે રથ, એને આવજે બથ્થમબથ.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

રક્ષાબંધનના દિવસે આજે લયસ્તરો તરફથી તમામ ભાઈ-બહેનોને અઢળક સ્નેહકામના….

જે તે સમાજમાં લોકગીતો જે તે સમાજના અરીસા જેવા હોય છે. કુંતાએ અભિમન્યુને અમ્મર રાખડી બાંધી એ સમયે અભિમન્યુ દાદીને કોઠાયુદ્ધ વિશે પૂછતો હોય અને દાદી એને એક પછી એક સાતેય કોઠાની માહિતી આપતા હોય એ પ્રકારની વાત આ બહુ જાણીતા લોકગીતમાં વણી લેવામાં આવી છે. પૌત્રના સવાલ અને દાદીના જવાબ વચ્ચે લય જે રીતે હિંડોળાતો રહે છે એ ગીતના સંગીતને વધુ આસ્વાદ્ય બનાવે છે.

કથા તો જ જાણીતી જ છે. ગર્ભવતી સુભદ્રાને શાંતિ પમાડવા માટે ભાઈ શ્રીકૃષ્ણ એને સાત કોઠાના યુદ્ધની વાત સંભળાવે છે. એ જમાનામાં માન્યતા હતી કે ગર્ભમાં રહેલ જીવ બધું સાંભળી શકે છે, અને આજે વિજ્ઞાન પણ ગર્ભસંસ્કારની વાતો સાથે કંઈક અંશે સહમત છે. શ્રીકૃષ્ણ છ કોઠા ભેદવા અને જીતવાની રીત શીખવવા સુધી પહોંચ્યા એવામાં બહેન સુભદ્રાને ઊંઘ આવી ગઈ. સુભદ્રાનો હકાર આવતો બંધ થયો એટલે કૃષ્ણે પૂછ્યું કે ‘બહેન! ઊંઘ આવે છે?’ ત્યારે અંદર રહેલે જીવે કહ્યું, મામા! હું જાગું છું, તમે સંભળાવો. પણ કૃષ્ણ ત્યાં અટકી ગયા એટલે સાતમા કોઠાની વિદ્યા અભિમન્યુને શીખવા મળી નહીં.

રણક્ષેત્રે જવા તૈયાર થયેલ અભિમન્યુને દાદીમા કુંતાએ અમરત્વના આશિષ આપતાં રાખડી બાંધી. રાખડીના પ્રતાપે અને ગર્ભસંસ્કારમાં ચક્રવ્યૂહ ભેદવા-જીતવા અંગે પ્રાપ્ત કરેલ જ્ઞાનને લઈને અભિમન્યુ અજેય યોદ્ધાની જેમ સમરાંગણમાં એક પછી એક મહારથીને માત આપતો એક પછી એક કોઠા ભેદતો આગળ વધતો હતો તેવામાં કૃષ્ણે અભિમન્યુને કહ્યું, ‘બેટા ! ક્ષત્રિય થઈને આપણે આવા દોરા-ધાગાના સહારે લડીએ એ શોભે નહીં. અભિમન્યુ દાદીએ બાંધી આપી હોવાથી પોતે રાખડી તોડી શકે એમ નથી એમ જણાવ્યું ત્યારે શ્રીકૃષ્ણે એને રાખડી કાંડેથી કાઢીને તલવારની સાથે બાંધી દેવા કહ્યું. અભિમન્યુએ રાખડીને તલવાર ઉપર બાંધી દીધી ત્યારે શ્રીકૃષ્ણે ઉંદરનું રૂપ લઈને એ રાખડીની દોરી કાપી નાંખી. અભિમન્યુને પોતાનો આયુષ્યનો તાર કપાઈ ગયેલો અનુભવાયો અને થયું પણ એમ જ. સાતમા કોઠાને ભેદવા જતાં અભિમન્યુ હણાઈ ગયો.

Comments (1)

લે’રિયાની લૂંટાલૂંટ – લોકગીત

મારા લે’રિયામાં લાગી લૂંટાલૂંટ હો…ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!

મારા દાદાનું દીધેલું લે’રિયું રે બાઈ,
મારી માતાની બાંધેલ લાંક હો…ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!

ચારે ખૂણે ચાર ડાબલા રે બાઈ,
નણદી! સારેરાં જોઈ જોઈ લિયો હો…ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!

શું રે કરું તારા ડાબલા રે બાઈ,
મને લે’રિયાની ઘણી ઘણી હામું હો…ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!

ચારે ખૂણે ચાર બેડલાં રે બાઈ,
નણદી! સારેરાં જોઈ જોઈ લિયો હો…ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!

શું રે કરું તારાં બેડલાં રે બાઈ,
મને લે’રિયાની ઘણી ઘણી હામું હો…ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!

સામી ઘોડાહારે ચાર ઘોડલા રે બાઈ,
નણદી! સારેરાં જોઈ જોઈ લિયો હો…ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!

શું રે કરું તારા ઘોડલા રે બાઈ,
મને લે’રિયાની ઘણી ઘણી હામું હો…ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!

સામી વળગણીએ લે’રિયું રે બાઈ,
નણદી લઈને અદીઠડાં થાવ હો…ઓ
નણદલ માગે લે’રિયું રે બાઈ!

 

નાયિકા તાજી પરણીને સાસરે આવી છે. વહુ પરણીને આવે ત્યારે ‘આણું’ પાથરવાનો રિવાજ આપણે ત્યાં પ્રચલિત છે, જેમાં મા-બાપે કરિયાવરમાં જે કંઈ આપ્યું હોય એ બધી જ વસ્તુઓને સાસરિયાંઓના જોવા કાજે પ્રદર્શિત કરવામાં આવે છે. રિવાજ મુજબ કન્યાની નણંદ એને મનગમતી કોઈપણ એક સાડી ઊઠાવી લે છે, જે એની કાયમી માલિકીની થઈ જાય છે. સાસરિયાં પક્ષની તાકાત અને જોહુકમીનો કન્યા માટે આ પ્રથમ અનુભવ અને સ્વીકાર છે. નવી પરણેલી ભાભી લહેરિયું કેમ આપી શકાય એમ નથી એના કારણો એક-એક કરીને રજૂ કરે છે અને જિદ્દી નણંદ કેમ લહેરિયું જ જોઈએ છે એનો પ્રત્યુત્તર વાળે છે. અંતે, ભોજાઈ નણંદને હાથોહાથ આપવાના બદલે લહેરિયું ક્યાં મૂક્યું છે એ બતાવીને જાતતસ્દી લેવાનું નણંદને કહે છે. આટલું ઓછું હોય એમ એ એને અદીઠડાં થવાનુંય જણાવી દે છે.

Comments (1)

લોકગીતોત્સવ: ૦૮ : દાદા હો દીકરી


સ્વર: આશા ભોંસલે

દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં મ દેજો રે સૈ
વાગડની વઢીયારણ સાસુ દોહ્યલી રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

દીએ દળાવે મુને, દીએ દળાવે મુને, રાતલડીએ કંતાવે રે સૈ
પાછલે તે પરોઢીએ પાણી મોકલે રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ, પાંગતે સીંચણિયું રે સૈ
સામી તે ઓરડીએ, વહુ તારું બેડલું રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઘડો ન બુડે મારો, ઘડો ન બુડે, મારું સીંચણિયું નવ પૂગે રે સૈ
ઊગીને આથમિયો દી કૂવા કાંઠડે રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા, સંદેશો લઈ જાજો રે સૈ
દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કહેજો દાદાને રે, કહેજો દાદાને રે, મારી માડીને નવ કહેજો રે સૈ
માડી મારી આંસુ સારશે રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી, અફીણિયાં નવ ઘોળજો રે સૈ
અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કાકાના કાબરિયા, કાકાના કાબરિયા, મારા મામાના મૂંઝડિયા રે સૈ
વીરાના વઢિયારા વાગડ ઊતર્યા રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કાકાએ સીંચ્યું, કાકાએ સીંચ્યું ને મારા મામાએ ચડાવ્યું રે સૈ
વીરાએ આંગણ બેડું ફોડિયું રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ગુજરાતી લોકગીતોમાં સૌથી વધુ પ્રસિદ્ધ ગીતોમાંથી એક. બહેનોને પોતાની વિતકને કહેવા માટે બહુ ઓછા રસ્તા હતા એમાથી એક રસ્તો તે લોકગીત. એટલે દીકરીઓની પીડાઓના અનેક લોકગીતો છે. કેટલી દીકરીઓની પીડાથી ભેગી થાય ત્યારે આવું એક ગીત બનતું હશે?

Comments (7)

લોકગીતોત્સવ: ૦૭ : સોનલ ગરાસણી

સોનલ રમતી રે ગઢડાને ગોખે જો, ગઢડાને ગોખે જો,
રમતાં ઝીલાણી સોનલ ગરાસણી.

આડો આવ્યો રે, સોનલ! દાદાનો દેશ જો, દાદાનો દેશ જો,
સોનલે જાણ્યું જે દાદા છોડવશે.
દાદે દીધાં રે સોનલ! ધોળુડાં ધણ જો, ધોળુડાં ધણ જો,
તો યે ન છૂટી સોનલ ગરાસણી.

આડો આવ્યો રે, સોનલ! કાકાનો દેશ જો, કાકાનો દેશ જો,
સોનલે જાણ્યું જે કાકો છોડવશે.
કાકે દીધાં રે સોનલ! કાળુડાં ખાડુ જો, કાળુડાં ખાડુ જો,
તો યે ન છૂટી સોનલ ગરાસણી.

આડો આવ્યો રે, સોનલ! વીરાનો દેશ જો, વીરાનો દેશ જો,
સોનલે જાણ્યું જે વીરો છોડવશે.
વીરે દીધાં રે સોનલ! ધમળાં વછેરાં જો, ધમળાં વછેરાં જો,
તો યે ન છૂટી સોનલ ગરાસણી.

આડો આવ્યો રે, સોનલ! મામાનો દેશ જો, મામાનો દેશ જો,
સોનલે જાણ્યું જે મામો છોડવશે.
મામે દીધાં રે સોનલ! વેલ્યું ને માફા જો, વેલ્યું ને માફા જો,
તો યે ન છૂટી સોનલ ગરાસણી.

આડો આવ્યો રે, સોનલ! સ્વામીનો દેશ જો, સ્વામીનો દેશ જો,
સોનલે જાણ્યું જે સ્વામી છોડવશે.
સ્વામીએ દીધી એના માથા કેરી મોળ્યું જો, માથા કેરા મોળ્યું જો,
ધબકે છૂટી રે સોનલ ગરાસણી.

વાત સોનલ ગરાસણીના અપહરણની છે. સોનલને છોડાવવા દાદાએ લૂંટારાઓને દીધેલાં ‘ધોળુડાં ધણ’ (ગાયો), કાકાએ દીધેલાં ‘કાળુડાં ખાડું’ (ભેંસો), વીરાએ દીધેલાં ‘ધમળાં વછેરાં’ ને મામાએ દીધેલાં ‘વેલ્યું ને માફા’ (ગાડાં) ફોગટ ગયાં. પણ સ્વામીએ શું કર્યું? કશું આપવાને બદલે પોતાનું માથું જ હોડમાં મૂક્યું. ત્યારે જઇને સોનલ લૂંટારાઓના હાથમાંથી તાબડતોબ છૂટી!

પહેલી નજરે અપહરણની કથામાં પતિ-પત્નીના નૈકટ્ય઼ની વાત કેટલી નાજુક રીતે વણાયેલી છે એ જોવાનું રખે ચૂકતા… બીજા બધા તો કશું ને કશું આપશે પણ પોતાનો માણસ તો જાન જ કાઢીને આપશે !!

Comments (5)

લોકગીતોત્સવ: ૦૬ : ધમ ધમક ધમ ધમ ધમ સાંબેલું

ધમ ધમક ધમ ધમ ધમ… સાંબેલું…
અલક મલકનું અલબેલું… સાંબેલું…
જનમ જનમથી વહુને માથે ભાંગેલું…
સાંબેલું…

જેવી ઘઉંમાં કાંકરી, નણંદ મારી આકરી
હાલે ના પેટનુ પાણી, એવી મારી જેઠાણી
સાંબેલું..

ધમ ધમક ધમ ધમ ધમ… સાંબેલું…
અલક મલકનું અલબેલું… સાંબેલું…

જેવી ફૂટે ધાણી, એવી મારી દેરાણી
જેવો કૂવો ઊંડો, જેઠ એવો ભૂંડો
સાંબેલું…

ધમ ધમક ધમ ધમ ધમ… સાંબેલું…
અલક મલકનું અલબેલું… સાંબેલું…

હોય છો ને બટકો, દિયર વટનો કટકો
લીલી લીલી વાડીઓ ને સસરો એમાં ચાડિયો
સાંબેલું…

ધમ ધમક ધમ ધમ ધમ… સાંબેલું…
અલક મલકનું અલબેલું… સાંબેલું…

એવો બાંધો સાસુ તણો, પાણીમાં જેમ ફૂલે ચણો
મીઠો, મગનો શીરો, એવો નણંદનો વીરો
સાંબેલું…

ધમ ધમક ધમ ધમ ધમ… સાંબેલું…
અલક મલકનું અલબેલું… સાંબેલું…

કેવું મજાનું ગીત…. કોણ જાણે કોણે લખ્યું હશે પણ વરસોથી આપણા સમાજમાં આ ગીત ગવાતું આવ્યું છે અને ગીતનો લય તો જાણે કે આપણા લોહીમાં ઓતપ્રોત થઈ ગયો હોય એમ પોતીકો લાગે… લોકગીતોની આ જ મજા છે… કડવી વાત પણ એવી મીઠાશથી કહી દેવાની કે સાંભળનારને માઠુ ન લાગે…

Comments (5)

લોકગીતોત્સવ: ૦૫ : લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો !

લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો !
ફૂલ કેરે દડુલિયે સીતાએ વેર વાળ્યાં જો !

રામ ! તમારે બોલડીએ હું પરઘેર બેસવા જઈશ જો !
તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું પરઘેર દળવા જઈશ જો !
તમે જશો જો પરઘેર દળવા, હું ઘંટુલો થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું પરઘેર ખાંડવા જઈશ જો !
તમે જશો જો પરઘેર ખાંડવા, હું સાંબેલું થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું જળમાં માછલી થઈશ જો !
તમે થશો જો જળમાં માછલી, હું જળમોજું થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું આકાશ વીજળી થઈશ જો !
તમે થશો જો આકાશ વીજળી, હું મેહુલિયો થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું બળીને ઢગલી થઈશ જો !
તમે થશો જો બળીને ઢગલી, હું ભભૂતિયો થઈશ જો !

રામ-સીતાનાં પ્રસન્ન દાંપત્યજીવનની ઝાંખી કરાવતું લોકગીત. રાધકૃષ્ણની પ્રણયમસ્તીનાં ગીતો તો ખૂબ જોવા મળે છે, પરંતુ રામસીતાનાં પ્રેમને-સંબંધને હળવાશથી-મસ્તીથી રજૂ કરતા ગીતો જવલ્લે જ જોવા મળે છે. લવિંગની નાનકડી નાજુક લાકડી વડે રામનું સીતાને મારવું અને પછી એનાથીયે નાજુક એવા ફુલનાં દડાથી સીતાનું વેર વાળવું- કેવી નાજુક કલ્પના! રિસાયેલી પત્નિ કોઈ ને કોઈ બહાને પતિથી દૂર જવા માંગે છે, પરંતુ પતિ ગમે તે રીતે એની સાથે જ રહેવા માંગે છે- સાવ સામાન્ય પતિ-પત્નિ જેવી જ નોકઝોંક! પરંતુ છેલ્લે સીતાની બળીને ઢગલો થવાની વાત આવનારી અગ્નિપરીક્ષાની ઝાંખી કરાવી જાય છે…

Comments (2)

લોકગીતોત્સવ: ૦૪ : લીલી લીંબડી રે, લીલો નાગરવેલનો છોડ

લીલી લીંબડી રે, લીલો નાગરવેલનો છોડ,
.            આજ મારે આંગણે રે,
.                    પ્રભુજી દાતણ કરતા જાવ,
દાતણ કેમ કરીએ રે? જાવું સીતાને દરબાર
સીતા એકલા રે, જુએ રામ લખમણની વાટ
લીલી લીંબડી રે, લીલો નાગરવેલનો છોડ,
.            આજ મારે આંગણે રે,
.                    પ્રભુજી ના’વણ કરતા જાવ

નાવણ કેમ કરીએ રે? જાવું સીતાને દરબાર
સીતા એકલા રે, જુએ રામ લખમણની વાટ
લીલી લીંબડી રે, લીલો નાગરવેલનો છોડ,
.            આજ મારે આંગણે રે,
.                    પ્રભુજી ભોજન કરતા જાવ

ભોજન કેમ કરીએ રે? જાવું સીતાને દરબાર
સીતા એકલા રે, જુએ રામ લખમણની વાટ
લીલી લીંબડી રે, લીલો નાગરવેલનો છોડ,
.            આજ મારે આંગણે રે,
.                    પ્રભુજી મુખવાસ કરતા જાવ
મુખવાસ કેમ કરીએ રે? જાવું સીતાને દરબાર
સીતા એકલા રે, જુએ રામ લખમણની વાટ

*

લોકગીતો એ સમાજનો આયનો છે. જે તે સમયના સમાજના લોક-લોકાચાર, રીત-રિવાજો અને કથા-કથાનકો, ભક્તિ-પૂજા લોકગીતોમાં સુપેરે ઝીલાયેલાં જોવા મળે છે.

(1) લગ્નપ્રસંગના માંગલિક ગીતો:

  1. વેવિશાળ વખતનાં ગીતો
  2. લગ્ન લખતી વેળાનાં ગીતો
  3. સાંજીનાં ગીતો (લગ્ન લખાયા પછી સાંજી=સંધ્યાએ ગવાતાં ગીતો)
  4. મંડપારોપણનાં ગીતો
  5. ચાક વધાવવાનાં ગીતો
  6. ગોતરડો ( ગોત્રજ ) ભરવાનાં ગીતો
  7. ઢોલ-પૂજનનાં ગીતો
  8. ફુલેકાનાં ગીતો
  9. પસ ભરવાનાં ગીતો
  10. ઉકરડી નોતરવાનાં ગીતો
  11. જડ વાહવાનાં ગીતો
  12. પીઠીનાં ગીતો
  13. વાનાનાં ગીતો
  14. પ્રભાતિયાં
  15. રાંદલનાં ગીતો
  16. જાનપ્રસ્થાનનાં ગીતો
  17. જોતર ઢાળાનાં ગીતો (જાન સાસરાના ગામના પાદરમાં બેસે તે)
  18. છાબનાં કે ગોળ ખાવાનાં ગીતો
  19. મોસળાનાં કે મામેરાંનાં ગીતો
  20. સામૈયાનાં ગીતો
  21. હસ્તમેળાપ-હથેવાળાનાં ગીતો
  22. જાન બાંધવાનાં ગીતો
  23. ચૉરી-સપ્તપદીનાં ગીતો
  24. શીખનાં ગીતો (માંડવો વધાવવાનાં ગીતો)
  25. જાન વળાવવાનાં ગીતો
  26. કન્યા વળામણાનાં ગીતો
  27. પોંખણાનાં ગીતો
  28. ઉકરડી ઉઠાડવાનાં ગીતો

(2) સીમંત-અઘરણીનાં ગીતો
(3) બાળ-હાલરડાં
(4) બડવા ને જનોઈનાં ગીતો
(5) મોળાકત (ગૌરીવ્રત)નાં ગીતો
(6) તુલસી વિવાહનાં ગીતો
(7) સૌભાગ્યવતી અને પ્રૌઢ સ્ત્રીઓનાં વ્રત-વરતુલાં
(8) નારીસમૂહના રાસડા
(9) ગરબા, માંડવડી વગેરે
(10) માંગલિક પ્રસંગનાં ધોળમંગળ
(11) શ્રમહારી ગીતો
(12) મૃત્યુ પછીનાં શોક અને પ્રશસ્તિનાં છાજિયાં
(13) આનંદપ્રમોદનાં બૌદ્ધિક ગીતો
(14) પુરુષસમૂહમાં ગવાતાં લોકગીતો વગેરે

  1. સલોકા
  2. ભજન, આગમ, પ્યાલા
  3. રામવળા, ચંદ્રવળા અને છકડિયાં
  4. ભરથરી-રાવળિયાના પ્રશસ્તિ રાસડા
  5. જોગી, રાવળિયાની આરણ્યું, સરજુ, સાવળ
  6. ગરબી અને માતાજીના ગરબા
  7. દુહા અને ગીતકથા
  8. ડીંગ, પાંચકડાં, પબેડાં અને ભરવાડની લાવણી
  9. ભડળપુરાણની અનુભવવાણી
  10. અબાવાણી-શ્રમહારી ગીત અને વર્ણક
  11. વડચડ, આપજોડિયાં અને હુડા
  12. ભવાઈનાં ગીતો

(પૂરક માહિતી: ગુજરાતનાં લોકગીતો – સં. ખોડીદાસ પરમાર)

Comments (6)

લોકગીતોત્સવ: ૦૩ : આજ રે સપનામાં

આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો
ખળખળતી નદિયું રે, સાહેલી, મારા સપનામાં રે

આજ રે સપનામાં મેં તો ઘમ્મર વલોણું દીઠું જો
દહીં-દૂધના વાટકા રે, સાહેલી, મારા સપનામાં રે

આજ રે સપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો
ઢીંગલાં ને પોતિયાં રે, સાહેલી, મારા સપનામાં રે

આજ રે સપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો
સોનાની થાળી રે, સાહેલી, મારા સપનામાં રે

આજ રે સપનામાં મેં તો પારસપીપળો દીઠો જો
તુળસીનો ક્યારો રે, સાહેલી, મારા સપનામાં રે

આજ રે સપનામાં મેં તો ગુલાબી ગોટો દીઠો જો
ફૂલડિયાંની ફોર્યું રે, સાહેલી, મારા સપનામાં રે

ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો જો
ખળખળતી નદીએ રે સાસુજી મારાં ના’તાં’તાં રે

ઘમ્મર વલોણું ઈ તો અમારો જેઠ જો
દહીં દૂધના વાટકા રે જેઠાણી મારાં જમતાં’તાં રે

લવિંગ લાકડી ઈ તો અમારો દેર જો
ઢીંગલે ને પોતિયે રે દેરાણી મારાં રમતાં’તાં રે

જટાળો જોગી ઈ તો અમારો નણદોઈ જો
સોનાની થાળીએ રે નણદી મારાં ખાતાં’તાં રે

પારસ પીપળો ઈ તો અમારો ગોર જો
તુળસીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાં’તાં રે

ગુલાબી ગોટો ઈ તો અમારો પરણ્યો જો
ફૂલડિયાંની ફોર્યું, સાહેલી, મારી ચૂંદડીમાં રે

લયસ્તરોની તેરમી વર્ષગાંઠ અને ૪૦૦૦ પૉસ્ટની બેવડી ખુશાલીની ઉજવણી નિમિત્તે આજે આ જાણીતું લોકગીત… ગીતના પૂર્વાર્ધમાં જે રૂપકો જોડાયેલાં છે એનો જવાબ ગીતના ઉત્તરાર્ધમાં જ મજાની રીતે જડી આવે છે…

*

આપણે ત્યાં એક સાહજિક સાર્વત્રિક માન્યતા એવી છે કે લોકગીત એટલે લોકોના મોઢે ગવાતા ગીત… લોકોએ રચેલા અને લોકો દ્વારા મુખોપમુખ પેઢી દર પેઢી વહેતું રહેલું પદ્યસાહિત્ય. પણ એ જાણીને નવાઈ લાગશે કે ‘લોકગીત’ નામાભિધાન તો છેક ઈ.સ. ૧૯૦૫ની સાલમાં રણજીતભાઈ વાવાભાઈએ પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદમાં અંગ્રેજી કાવ્યપ્રકાર Folk-song પરથી કર્યું હતું. કોઈપણ ભાષામાં બોલાતા શબ્દનું આયુષ્ય લખાતા શબ્દ કરતાં સેંકડો-હજારો વર્ષ વધારે જ હોવાનું. આપણે ત્યાં સમાજમાં ચલણી આવા ગીતો પહેલાં કંઠસ્થ મુખપાટીના ગીતો કે દેશજ ગીતો તરીકે ઓળખાતાં. પણ હવે લોકગીત શબ્દ સર્વસ્વીકૃત થઈ ગયો છે. આમ, જેનો કોઈ નિશ્ચિત રચનાકાર ન હોય અને જે સમાજના લોકોમાં મુખોપમુખ ચાલતું આવ્યું હોય અથવા પુરાતન હસ્તપ્રતોમાંથી જડી આવ્યું હોય એ લોકગીત એમ કહી શકાય.

લોથલમાંથી મળી આવેલા અવશેષો પરથી સમજી શકાય છે કે આપણે ત્યાં વેદસાહિત્ય અસ્તિત્વમાં આવ્યું એ પહેલાંથી દેશજ સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું હશે. શરૂઆતનું આ સંસ્કૃત સાહિત્ય ક્રમશઃ પ્રાકૃત ભાષામાં, પછી અપભ્રંશ ભાષા અને એમ શિષ્ટ ભાષામાં પલટાતું ગયું.

લોકગીતના ‘ઉપાડ’ કે શરૂઆતને ગીતનું ‘થડ’ કહે છે. મધ્યભાગને ‘પેટાળ’ કહે છે જેમાં સંવાદ, સંઘર્ષ કે આપત્તિનું નિરુપણ કરી મૂલ કથાતંતુના વેગને અંતિમ લક્ષ્યગામી બનાવાય છે. અને લોકગીતનું સમાપન એટલે ‘પીચ્છ’ કે ‘છેડો’.

(પૂરક માહિતી: ગુજરાતનાં લોકગીતો – સં. ખોડીદાસ પરમાર)

 

Comments (7)

લોકગીતોત્સવ: ૦૨ : વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ગામમાં સાસરિયું ને ગામમાં પિયરયું રે લોલ
કહેજો દીકરી સખદખની વાત જો
કવળાં સાસરિયામાં જીવવું રે લોલ

હરખના દાડા તો માતા વહી ગયા રે લોલ
દખનાં ઉગ્યાં છે ઝીણા ઝાડ જો
કવળાં સાસરિયામાં જીવવું રે લોલ

પછવાડે ઊભેલ નણંદ સાંભળે રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

નણંદીએ જઈ સાસુને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સાસુએ જઈ સસરાને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સસરાએ જઈ જેઠને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

જેઠે જઈ પરણ્યાને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

પરણ્યે જઈને તેજી ઘોડો હાંકિયો રે લોલ
જઈ ઝૂકાડ્યો ગાંધીડાને હાટ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

અધશેર અમલ તોળાવિયાં રે લોલ
પાશેર તોળાવ્યો સોમલખાર જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સોના વાટકડે અમલ ઘોળિયાં રે લોલ
પી જાઓ ગોરાંદે નકર હું પી જાઉં જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ઘટક દઈને ગોરાંદે પી ગયાં રે લોલ
ઘરચોળાની તાણી એણે સોડ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

આટકાટનાં લાકડાં મંગાવિયા રે લોલ
ખોખરી હાંડીમાં લીધી આગ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

પહેલો વિસામો ઘરને આંગણે રે લોલ
બીજો વિસામો ઝાંપા બહાર જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ત્રીજો વિસામો ગાયોને ગોંદરે રે લોલ
ચોથો વિસામો સમશાન જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સોના સરીખી વહુની ચેહ બળે રે લોલ
રૂપલા સરીખી વહુની રાખ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

બાળી ઝાળીને ઘરે આવિયાં રે લોલ
હવે માડી મંદીરિયે મોકળાશ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

આ ભવનો ઓશિયાળો હું થયો રે લોલ
હવે માડી દેજો દોટાદોટ જો
આ સહુનો ઓશિયાળો હું થયો રે લોલ

 

આમ તો આ એક સરળ લોકગીત છે, પણ વાત સમાજના અતલ ઊંડાણ સુધી વ્યાપેલા સડાની છે. રામે જેમ ધોબીવેણ સાંભળી સતીને ત્યાગ્યા હતા તેમ અહીં પણ કંઈક એવી જ વાત છે… હું તો મારા સંપર્કમાં આવતી તમામ દીકરીઓને એક જ હ્રદયપૂર્વકની અપીલ કરું છું કે જ્યાં સામ પક્ષ દ્વારા સમજીવિચારીને તમારું હેતુપૂર્વકનું અપમાન થાય ત્યાં એક ક્ષણ પણ ટકશો નહીં….દુનિયા બહુ વિશાળ છે અને જીવન અત્યંત સુંદર છે. ઝેરીલા વેણ બોલનારા છો ઝેર ખાતા… આપણે તો રસના ઘૂંટડા જ ભરવા.

Comments (7)

લોકગીતોત્સવ: ૦૧ : હાજી કાસમ, તારી વીજળી – લોકગીત

હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ
શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ

ભુજ અંજારની જાનું રે જૂતી, જાય છે મુંબઇ શે’ર
દેશ પરદેશી માનવી આવ્યાં, જાય છે મુંબઇ શે’ર
દશ બજે તો ટિકટું લીધી, જાય છે મુંબઇ શે’ર

તેર તેર જાનું સામટી જૂતી, બેઠા કેસરિયા વર
ચૌદ વીશું માંય શેઠિયા બેઠા, છોકરાંઓનો નહીં પાર [ 14 * 20 = 280 ]

અગિયાર બજે આગબોટ હાંકી, જાય છે મુંબઇ શે’ર
બાર બજે તો બરોબર ચડિયાં, જાયછે મુંબઇ શે’ર

ઓતર દખણના વાયરા વાયા, વાયરે ડોલ્યાં વા’ણ
મોટા સાહેબની આગબોટું મળિયું, વીજને પાછી વાળ્ય

જહાજ તું તારું પાછું વાળ્ય રે માલમ આભે ધડાકા થાય
પાછી વાળું, મારી ભોમકા લાજે, અલ્લા માથે એમાન [ વિશ્વાસ ]

આગ ઓલાણી ને કોયલા ખૂટ્યા, વીજને પાછી વાળ્ય
મધદરિયામાં મામલા મચે, વીજળી વેરણ થાય

ચહમાં [ ચશ્માં ] માંડીને માલમી જોવે, પાણીનો ના’વે પાર
કાચને કુંપે કાગદ લખે, મોકલે મુંબઇ શે’ર [ કાચની બોટલમાં સંદેશો લખી તરતો મૂકવો ]

હિન્દુ મુસલમીન માનતા માને પાંચમે ભાગે રાજ
પાંચ લેતાં તું પાંચસે લેજે, સારું જમાડું શે’ર

ફટ ભૂંડી તું વીજળી મારાં, તેરસો માણસ જાય
વીજળી કે મારો વાંક નૈ, વીરા,લખિયલ છઠ્ઠીના લેખ

તેરસો માણસ સામટાં બૂડ્યાં, ને બૂડ્યા કેસરિયા વર
ચૂડી એ કોઠે દીવા જલે ને, જુએ જાનું કેરી વાટ

મુંબઇ શે’રમાં માંડવા નાખેલ, ખોબલે વેં’ચાય ખાંડ
ઢોલ ત્રંબાળુ ધ્રુસકે વાગે, જુએ જાનુંની વાટ

સોળસેં કન્યા ડુંગરે ચડી, જુએ જાનુંની વાટ
દેશ,દેશથી કંઈ તાર વછૂટ્યા, વીજળી બૂડી જાય

વાણિયો વાંચે ને ભાટિયા વાંચે, ઘર ઘર રોણાં થાય
પીઠી ભરી તો લાડડી રુએ, માંડવે ઊઠી આગ

સગું રુએ એનું સાગવી રુએ, બેની રુએ બાર માસ
મોટાસાહેબે આગબોટું હાંકી, પાણીનો ના’વે પાર

મોટા સાહેબે તાગ જ લીધા, પાણીનો ના’વે પાર
સાબ, મઢ્યમ [ ગોરી મેડમ ] બે દરિયો ડોળે,પાણીનો ના’વે તાગ

હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ…….

 

 

વૈતરણા જહાજ, જે વીજળી અથવા હાજી કાસમની વીજળી તરીકે જાણીતું હતું, કારણ કે જહાજ વીજળીના ગોળાઓ વડે પ્રકાશિત હતું, તેની અંતિમ સફરની આ અમર ગાથા છે.

એ. જે. શેફર્ડ અને કુાં, મુંબઈની માલિકીનું આ જહાજ હતું. આ જહાજ ૮ ડિસેમ્બર ૧૮૮૮ ના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર નજીક વાવાઝોડાંમાં માંડવીથી મુંબઈ જતી વખતે ખોવાઈ ગયું હતું. વૈતરણા માંડવી બંદર પર ગુરૂવાર, ૮ નવેમ્બર ૧૮૮૮ ના રોજ બપોરે લાંગર્યું હતું અને ૫૨૦ પ્રવાસીઓને લઈને દ્વારકા માટે રવાના થયું. દ્વારકા પહોંચ્યા બાદ વધુ પ્રવાસીઓ લીધા બાદ સંખ્યા ૭૦૩ પર પહોંચી. તે પોરબંદર માટે રવાના થયું. લોકવાયકા મુજબ, પોરબંદર બંદરના સંચાલક લેલીએ કપ્તાનને સમુદ્રમાં સફર કરવાની ના પાડી હતી [ પણ પછી થયેલા સંશોધનો મુજબ આ વાત ખોટી હતી.]. ખરાબ હવામાનને કારણે જહાજ પોરબંદર પર રોકાયું નહી અને સીધું મુંબઈ જવા રવાના થયું. સાંજ પડતાં તે માંગરોળના દરિયા કિનારે દેખાયું હતું અને કેટલાંક લોકોએ તેને માધવપુર (ઘેડ) નજીક ભારે તોફાનમાં તૂટેલું દેખાયું હોવાનો દાવો કર્યો હતો. બીજા દિવસે જહાજને ખોવાયેલું જાહેર કરવામાં આવ્યું હતું

આ દુર્ઘટનામાં ૭૪૦થી વધુ લોકો ખોવાઈ ગયા હતા. આ ઘટનાને કારણે ઘણાં દરિયાઈ કાવ્યો અને લોકગીતો રચાયા છે.

હું ઘણો નાનો હતો ત્યારે આ ગીત કોઈક સામાયિકમાં વાંચેલું [ ઘણું કરીને જનક્લ્યાણમાં ] અને ત્યારથી એ સ્મૃતિપટ પરથી કદી ભૂંસાયું નથી….

Comments (2)

મળવા આવ્ય – લોકગીત

મા રે મા ! તું મને મળવા આવ્ય,
કાળી અટલસનું કાપડું લાવ્ય.
કાપડું તો માડી, ફાટી ફાટી જાય,
ગાડું ભરીને ધાન લાવ્ય.
ધાન તો માડી, ચવાઈ જાય,
તાંબા પિત્તળની હેલો લાવ્ય.
હેલ તો માડી, ભાંગી ફૂટી જાય,
પાંચ રૂપિયા રોકડા લાવ્ય.
રૂપિયા તો માડી વપરાઈ જાય,
ડાબલી ભરીને અમલ લાવ્ય.
ઘટ ઘોળું ને ઝટ ઘૂંટડા ભરું,
ને આ જલમનો છૂટકો કરું.

(લોકગીત)

લોકગીત એટલે સમાજનો ખરો પડઘો. કવિની કવિતા ઘણીવાર કળાના રસ્તે ચડીને ગુમરાહ થતી પણ દેખાય પણ લોકગીત એટલે સાંપ્રત સમયનો સીધો અરીસો જ. જુઓ આ ગીત. પહેલી જ પંક્તિમાં પરિણિતાની કાળી વ્યથા ઉજાગર થઈ જાય છે… માનો દ્વિકાર અને રે નો લહેકો દીકરીની પીડાને ધાર આપે છે. દીકરી માને મળવા બોલાવે છે. કેમ ? કેમકે વહુને પિઅર જવાની છૂટ મળી નથી. સાસરામાં પડતી તકલીફોનો ઇલાજ દીકરી દુન્યવી સામગ્રીઓમાં પહેલાં તો શોધવા મથે છે. પણ દીકરી જાણે છે કે કપડું થોડો સમય લાજ ઢાંકી શકશે, અનાજ સમયના ખાડાને ઘડીકભર પૂરશે, વાસણ-રૂપિયા આ બધું દીકરીની સમસ્યાઓનો હંગામી ઈલાજ છે.  કાયમી ઈલાજ તો અમલ ઘોળીને આ ઝેર જેવા જીવતરનો “ઝટ” આણવો એ જ છે…

આજે પણ સ્ત્રીઓની આ પરિસ્થિતિનો ખાલી કલર જ બદલાયો છે, સ્થિતિ તો એની એ જ છે…

Comments (5)

(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ :૧૦: દુહા

દુહો કે દોહરો પણ લોકસાહિત્યનો જ એક પ્રકાર છે. દુહો એ એક જાતનો છંદ છે અને સંસ્કૃત કવિતામાં અનુષ્ટુપ છંદને જે અગત્યતા અપાઈ છે કે પ્રાકૃત સાહિત્યમાં ગાથાનું જે મહત્ત્વ છે એવું જ આગવું અને ગરવું સ્થાન મધ્યકાલીન ગુજરાતી લોકસાહિત્યમાં દુહાનું છે. દુહામાં લોકગીતની જેમ જ જિંદગીના અલગ-અલગ પાસાંઓ આવરી લેવાય છે પણ અહીં ચિંતનાત્મક અને ઉપદેશાત્મક અભિવ્યક્તિ વધુ હૃદ્ય બને છે. દુહા ચોટદાર અને માર્મિક હોવાથી એ વધુ આસ્વાદ્ય પણ બને છે. સોરઠના ચારણોએ દુહાની સૌથી વધુ એકનિષ્ઠ ભક્તિ કરી છે…

આભ ઉકેલે ભોં ભખે, વેધનકો  હિય વેધ,
અગોચર ગોચર કરે, દુહો દસમો વેદ.

દુહાને દસમો વેદ કહ્યો છે કેમકે એ અગોચરને પણ ગોચર બનાવી શકે છે. જ્યાં લોકગીતમાં લંબાણના કારણે કાવ્યભાવ પાતળો થઈ જવાની ભીતી રહે છે ત્યાં દુહો એ ગાગરમાં સાગર સમો છે. કવિ મકરન્દ દવે એને દસમું દ્વાર ખોલવાના આધ્યાત્મિક અર્થમાં ઘટાવે છે.

દુહો દસમો વેદ, સમજે તેને સાલે,
વિંયાતલની વેણ્ય, વાંઝણી શું જાણે ?

દસમા વેદ સમા દુહાને તો સમજદાર જ પામી શકે છે. રામબાણ તો વાગ્યા હોય એ જ જાણે. પ્રસુતિની વેદના વાંઝણી સ્ત્રી શી રીતે સમજી શકે ?

લેતાં ફળ જન વૃક્ષથી, કડવાં પાન ત્યજંત;
ત્હોય મહાદ્રુમ સુજનશાં તેને અંક ધરંત. (દ્રુમ=વૃક્ષ, અંક= ખોળો)

લોકો વૃક્ષ પરથી ફળ તોડે છે પણ પાન ત્યાગે છે છતાં વૃક્ષ એને પોતાનો ખોળો આપે છે.

શો ગુણ સુત જન્મ્યા થકી, મૃતથી અવગુણ થાય ?
જો બાપીકી ભોમકા અવર થકી ચંપાય ! (સુત=પુત્ર, અવર = બીજા)

બાપદાદાની ભૂમિ કોઈ બહારનો આવીને રોળવાનો હોય તો એવા કપૂત જેવા દીકરા જન્મવાનો શું ફાયદો? એના કરતાં તો મરેલો સારો કે મરેલા દીકરાથી અવગુણ તો ન થાય.

કુલદીપક થાવું કઠિન, દેશદીપક દુર્લભ;
જગદીપક જગદીશના અંશી કોક અલભ્ય.

કુળદીપક થવું કપરું છે, તેથીય વધું આકરું છે દેશના પ્રકાશ બનવું પણ જગ આખાને અજવાળે એવો તો કોઈક અલભ્ય જ હોય છે !

સિંદોર ચડાવે સગાં, દીવાં ને નાળિયેર દોય,
લોડણ ચડાવે લોઈ, તારી ખાંભી માથે ખીમરા.

– આ વિલાપનો દુહો છે એને મરસિયા કે તુંવેરીના દુહા પણ કહેવાય છે. લોડણ એટલે ખીમરા નામના એક પ્રેમીનું પ્રેમપાત્ર. કાઠિયાવાડમાં લોડણ ખીમરાના દુહા સારા પ્રમાણમાં ગવાય છે.

ચાયે ટાળ્યું શિરામણ ને બીડીએ ટાળ્યો હોકો,
સાસુનું કહ્યું વહુ ન કરે તો કીનો કરવો ધોખો ?

– દુહામાં માત્ર વીરરસ કે શૃંગારરસની જ વાત નથી આવતી. જે કવિતા સમયની સાથે સામયિક ઉથલપાથલને પ્રતિબિંબિત કરવાનું ચૂકે એ કવિતા નથી. દુહામાં ચા-બીડી જેવા વ્યસનો પણ સમય સાથે સાંકલી લેવાયા છે. બીડી ઉપર એક બીજો દુહો-

બીડી જાત કજાત, (પણ) પીધા વણ હાલે નૈ,
બીડી કરાવે બેં મરદ મૂછાળી જાતને.

અને છેલ્લે કાઠિવાડનું સાચું ચિત્ર દોરી આપતો આ દુહો કે ભૂલાય ?-

કાઠિયાવાડમાં કોક દી, ભૂલો પડ ભગવાન,
થાજે મારો મેમાન, તને સરગ ભૂલાવું શામળા. (સરગ=-સ્વર્ગ)

(… આ સાથે પર્વ ૧૫૦૦ની ઉજવણી નિમિત્તે આદરેલ લોકગીત-વિશેષની યાત્રા અહીં અટકાવીએ છીએ… )

Comments (7)

(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ :૯: લીલી ઈંઢોણી હીરની રે

લીલી લીલી ઈંઢોણી હીરની રે,
મને પાણી ભર્યાની ઘણી હોંશ રે;
લીલી ઈંઢોણી હીરની રે.

સાંકડી શેરીમાં સસરો સામા મળ્યા રે,
મને લાજ કાઢ્યાની ઘણી હોંશ રે. – લીલીo

સાંકડી શેરીમાં જેઠજી સામા મળ્યા રે,
મને ઝીણું બોલ્યાની ઘણી હોંશ રે. – લીલીo

સાંકડી શેરીમાં જેઠાણી સામા મળ્યા રે,
મને ઠેકડી કર્યાની ઘણી હોંશ રે. – લીલીo

સાંકડી શેરીમાં દેરજી સામા મળ્યા રે,
મને હસ્યા-બોલ્યાની ઘણી હોંશ રે. – લીલીo

સાંકડી શેરીમાં નણદી સામા મળ્યા રે,
મને માથું ગૂંથ્યાની ઘણી હોંશ રે. – લીલીo

સાંકડી શેરીમાં વાલમ સામા મળ્યા રે,
મને મોઢું મલકાવ્યાની હોંશ રે. – લીલીo

સવારે ઊઠવાનું થાય ત્યાંથી સાંજે પથારીભેગા થવાનું થાય એ બે છેડાની વચ્ચે દિવસ જે જે વસ્તુઓ જુએ છે એ તમામ લોકગીતનું વસ્તુ બની રહે છે. જનમ-મરણ-પરણ, પ્રણય-પરિણય, રુસણાં-મનામણાં, વૈધવ્ય, ગરીબી, ખેતી, શ્રમ, યાત્રા, પ્રશસ્તિ, ઋતુચક્ર, પ્રભુભક્તિ – જીવનના બધા જ રંગ લોકગીતોમાં જોવા મળે છે.  પણ જેમ પ્રબળ પ્રવાહી લય લોકગીતનું જમા પાસું છે તેમ એકવિધતા, નિંદા કે પ્રશસ્તિનો અતિરેક અને ગીતમાં અંતરાનો અભાવ એ લોકગીતની ઉધાર બાજુ છે.

પ્રસ્તુત લોકગીતમાં આપણા કુટુંબજીવનની મધુરપ તાજગીપૂર્ણરીતે આલેખાઈ છે. નવોઢાના લાડભર્યા સાહજિક ઉદગારમાં કૌટુંબિક સ્નેહસંબંધનો ઉલ્લાસભાવ અહીં પ્રગટ્યો છે.  માથે રેશમની ઈંઢોણી મૂકી સીમથી પાણી ભરી લાવતી નવપરિણીતાને સાંકડી શેરીમાં ઘરના બધા સભ્ય વારાફરતી સામે મળે ત્યારે એના હૈયમાં ઊઠતા અલગ-અલગ પ્રેમભાવ લોકબોલીમાં અહીં આલેખાયા છે. લોકગીતની લાક્ષણિક શૈલીમાં એક જ પંક્તિના પુનરાવર્તનમાં બે-ત્રણ શબ્દની ફેરબદલીથી નવવધૂની હોંશને રમણીય અનુભૂતિ સાંપડે છે અને આપણી નજર સમક્ષ એ સમયના ગ્રામ્યજીવનનું આખું ચિત્ર તાદૃશ બને છે !

Comments (1)

(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ :૮: સૈયર મેંદી લેશું રે

મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટા ઝાડ,
એક હલાવું ડાળ ત્યારે ડાળાં હલે ચાર,
સૈયર મેંદી લેશું રે.

મારી સાસુએ એમ કહ્યું કે વાસીદાં વાળી મેલ,
મેં ભોળીએ એમ જાણ્યું કે સાવરણી બાળી મેલ,
સૈયર મેંદી લેશું રે.

મારી સાસુએ એમ કહ્યું કે પાણીડાં ભરી મેલ,
મેં ભોળીએ એમ જાણ્યું કે બેડલાં ફોડી મેલ,
સૈયર મેંદી લેશું રે.

મારી સાસુએ એમ કહ્યું કે રોટલા ઘડી મેલ,
મેં ભોળીએ એમ જાણ્યું કે ચૂલો ખોદી મેલ,
સૈયર મેંદી લેશું રે.

મારી સાસુએ એમ કહ્યું કે કોડમાં દીવો મેલ,
મેં ભોળીએ એમ જાણ્યું કે સોડમાં દીવો મેલ,
સૈયર મેંદી લેશું રે.

મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટા ઝાડ,
એક હલાવું ડાળ ત્યારે ડાળાં હલે ચાર,
સૈયર મેંદી લેશું રે.

આ ગીત અમે નાના હતા ત્યારે એટલું ગાતા, એટલું ગાતા, એટલું ગાતા… કે બસ, પૂછો ન વાત !  ખાસ કરીને અલૂણાં વ્રત વખતે હાથમાં મ્હેંદી મૂકતી વખતે… એમાંયે દરેક પંક્તિનાં છેડે ‘મેલ’ શબ્દનો ઉચ્ચાર તો અમને ખૂબ જ ગમતો.  સાસરે આવેલી સ્ત્રીનાં મનની તરંગી સ્થિતી આ લોકગીતમાં ખૂબ જ સુંદર રીતે આલેખાઈ છે.  મ્હેંદી લેવાની વાત કરતાં કરતાં ઘરમાં પોતે કરેલી મૂર્ખામીની વાત પણ એ કેટલી મજાથી અને ગર્વથી પોતાની સાહેલીને વર્ણવે છે !  🙂

Comments (9)

(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ :૭: પાણી ગ્યાં’તાં રે

પાણી ગ્યાં’તાં રે, બેની અમે તળાવનાં રે,
પાળેથી લપસ્યો પગ, બેડાં મારાં નંદવાણાં રે.

ચોરે બેઠા રે બેની, મારા સસરાજી રે,
કેમ કરી ઘરમાં જઈશ? બેડાં મારાં નંદવાણાં રે… પાણી…

લાંબા તાણીશ રે બેની, મારા ઘૂંઘટા રે,
હળવી હળવી જઈશ, બેડાં મારાં નંદવાણાં રે… પાણી…

ડેલીએ બેઠા રે બેની, મારા જેઠજી રે,
કેમ કરી ઘરમાં જઈશ? બેડાં મારાં નંદવાણાં રે… પાણી…

સરડક તાણીશરે બેની, મારા ઘૂંઘટા રે,
હળવી હળવી જઈશ, બેડાં મારાં નંદવાણાં રે… પાણી…

મેડીએ બેઠો રે બેની, મારો પરણ્યો રે,
કેમ કરી ઘરમાં જઈશ? બેડાં મારાં નંદવાણાં રે… પાણી…

આછા તાણીશ રે બેની, મારા ઘૂંઘટા રે,
રૂમઝૂમ કરતી જઈશ, બેડાં મારાં નંદવાણાં રે.

પાણી ગ્યાં’તાં રે, બેની અમે તળાવનાં રે,
પાળેથી લપસ્યો પગ, બેડાં મારાં નંદવાણાં રે.

તળાવે પાણી ભરવા ગયેલી સ્ત્રીનું જરાક જ જો બેડું નંદવાઈ તો એને ઘરમાં કોણ કોણ લોકો વઢશે એની ચિંતા થઈ જતી.  સાસરે ગયેલી દરેક સ્ત્રીનું મન ઘરમાં બધું પોતીકું લાગે એ પહેલા (અને પછી પણ) થોડેવત્તે અંશે આવું જ થોડું થોડું બીકણ બની જાય છે (કમ સે કમ શરૂ શરૂમાં 🙂 )… કે ઘરમાં મારાથી જો આ ફૂટી ગયું કે ફલાણું તૂટી ગયું કે કોકનું મન સાચવવાનું છૂટી ગયું, તો સાસુમા કે જેઠાણીજી શું કહેશે… સસરાજી કે જેઠજી કાંઈક પૂછશે તો શું જવાબ આપીશ… વગેરે જેવી અટકળોમાં અટવાયા કરે છે.  પરંતુ દિવસે બધાના મન સાચવવામાંથી ઊંચી ન આવતી સ્ત્રીને જ્યારે રાતે એનો પતિ પ્રેમથી જરાક જ જો કંઈ પૂછે ત્યારે એ પોતાનું બધું દુખ ભૂલી જાય છે.  હજી આજે પણ ઘણી જગ્યાએ સ્ત્રી માટે ઘરનું આવું વાતાવરણ જોવા મળે જ છે.  મને લાગે છે કે કદાચ આવી સ્ત્રીઓએ જ આવા લોકગીતો બનાવી કાઢ્યા હશે અને સાસરાનાં દુ:ખની વાતોને ગીતમાં ગાઈને ખંખેરી નાંખીને હળવી થઈ ગઈ હશે.  આવા લોકગીતોમાં આપણને જે તે સ્થળ અને સમયની સંસ્કૃતિ અને તેમનાં રોજિંદા જીવનની ઝલકો જોવા મળે છે. 

લોકગીતોની એક વિશેષતા એ છે કે લોકોની જીભે સહજ રીતે ચડી ગયેલાં આ લોકગીતો મોટેભાગે નારીપ્રધાન જ જોવા મળે છે.  કદાચ ખૂબ જ જૂજ લોકગીતો પુરુષપ્રધાન જોવા મળશે (મને તો જો કે કૃષ્ણગીતો સિવાય એકેય યાદ નથી આવતું!).  એનું એક કારણ- પુરુષપ્રધાન સમાજમાં લોકગીતો એ સ્ત્રીઓ માટે પોતાના મન-હૃદયની વાત કંડારવાનું અને કહેવાનું એક સુરક્ષિત સાધન હોઈ શકે… કદાચ…

Comments (4)

(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ : ૬: કાનુડો માગ્યો દેને

કાનુડો માગ્યો દેને જશોદા મૈયા
                  કાનુડો માગ્યો દે.

આજની રાત અમે રંગભર રમીએ,
    પરભાતે પાછો માગી લેને જશોદા મૈયા.  …કાનુડો…

તલભાર અમે ઓછો ન કરીએ
             ત્રાજવે તોળી લેને જશોદા મૈયા.   …કાનુડો…

હાથી ઘોડા, માલખજાના
               હાર હૈયાનો લેને જશોદા મૈયા.   …કાનુડો…

કડલાં ને કાંબી અણવટ વીંછિયા
              વેઢ વાંકિયા લેને જશોદા મૈયા.   …કાનુડો…

ગોપીઓ એક રાત માટે કનૈયાને જશોદા માતા પાસેથી ‘ઊછીનો’ લેવા આવે છે. ને તે ય વળી સવારે ‘પૂરેપૂરો’ પાછો તોલીને આપવાની શરતે ! છતાંય જશોદા ન માને તો ગોપીઓની પૂરતી ‘લાંચ’ આપવાની પણ તૈયારી છે 🙂

(કડલાં, કાંબી, અણવટ, વીંછિયા, વેઢ, વાંકિયા = બધા જુદી જુદી જાતના ઘરેણા)

Comments (4)

(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ : ૫: ચાંદલિયો

આસો માસો શરદ પૂનમની રાત જો, 
                       ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં.

સસરો મારો ઓલ્યા જલમનો બાપ જો, 
                       સાસુ રે ઓલ્યા જલમની માવડી.

જેઠ મારો અષાઢિલો મેઘ જો, 
                       જેઠાણી ઝબૂકે વાદળ વીજળી.

દેર મારો ચાંપલિયાનો છોડ જો,
                       દેરાણી ચાંપલિયા કેરી પાંદડી.

નણંદ મારી વાડી માયલી વેલ્ય જો, 
                       નણદોઈ મારો વાડી માયલો વાંદરો.

પરણ્યો મારો સગી નણંદનો વીર જો,
                       તાણીને બાંધે રે નવરંગ પાઘડી.

શરદ પૂનમનો ચાંદો મનમાં જે આનંદ-ભરતી લાવે છે એ આ ગીતમાં છલકાઈ છે. ગીત ભલે લોકગીત હોય કવિકર્મમાં પાછું પડતું નથી.

Comments (5)

(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ : ૪: અચકો મચકો કાં રે અલી ?

તમે કિયા તે ગામનાં ગોરી રાજ
અચકો મચકો કાં રે અલી ?

    અમે નવાનગરના ગોરી રાજ
    અચકો મચકો કાં રે અલી ?

તમે કિયા તે ગામથી આવ્યા રાજ
અચકો મચકો કાં રે અલી ?

    અમે પોરબંદરથી આવ્યા રાજ
    અચકો મચકો કાં રે અલી ?

તમે કેટલી તે બેન કુંવારી રાજ
અચકો મચકો કાં રે અલી ?

     અમે સાતે બેન કુંવારી રાજ
     અચકો મચકો કાં રે અલી ?

તમે કેટલા ભાઈ કુંવારા રાજ
અચકો મચકો કાં રે અલી ?

    અમે સાતે ભાઈ કુંવારા રાજ
    અચકો મચકો કાં રે અલી ?

તમને કઈ કન્યા ગમશે રાજ
અચકો મચકો કાં રે અલી ?

    અમને શામળી કન્યા ગમશે રાજ
    અચકો મચકો કાં રે અલી ?

એ કાળીને શું કરશો રાજ
અચકો મચકો કાં રે અલી ?

    એ કાળી ને કામણગારી રાજ
    અચકો મચકો કાં રે અલી ?

અમે નવાનગરની છોરી રાજ
અચકો મચકો કાં રે અલી ?

ક્ન્યા અને વરપક્ષ વચ્ચે નોકઝોંકના આ ગીતમાં સમય આવે લોકો મનગમતી પંક્તિઓ ઉમેરીને -એને વધારે ‘રસદાર’ બનાવીને- ગાતા હોય છે.

Comments (12)

(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ : ૩: મને કેર કાંટો વાગ્યો

હો મને કેર કાંટો વાગ્યો
હો રાજ રે, વાવડીમાં પાણી ભરવા ગ્યાં’તાં
                          મને કેર કાંટો…

હો રાજ રે, વડોદરાના વૈદ તેડાવો
મુને પાટડિયા બંધાવો
મારાં ઓસડિયા કરાવો
                          મને કેર કાંટો…

હો રાજ રે, ધોરાજીના ઢોલિયા મંગાવો
મહીં પાથરણા પથરાવો
આડા પડદા બંધાવો
                          મને કેર કાંટો…

હો રાજ રે, ઘરમાંથી રાંધણિયા કઢાવો
રાંધણિયે ધુમાડા થાય રે
ધુમાડે જીવ મારો જાય રે
                          મને કેર કાંટો…

હો રાજ રે, ઘરમાંથી ઘંટુલા કઢાવો
એ તો ઘમ્મર ઘમ્મર થાય રે
ઘમકારે જીવ મારો જાય રે
                          મને કેર કાંટો…

હો રાજ રે, ઘરમાંથી સાંબેલા કઢાવો
એ તો ધબ્બક ધબ્બક થાય રે
ધબકારે જીવ મારો જાય રે
                          મને કેર કાંટો…

હો રાજ રે, વાવડીમાં પાણી ભરવા ગ્યાં’તાં
મને કેર કાંટો વાગ્યો, મને કેર કાંટો વાગ્યો

આ લોકગીતમાં નાયિકા કાંટો વાગવાના બહાને બળજબરીથી ‘સિક લીવ’ લઈને ઘરના કામકાજમાંથી સરસ મઝાની બારી કાઢે છે. આટલા સરસ બહાના હોય તો સાસુમાના મોઢા પર પણ ચોક્કસ મલકાટ આવી જ જાય !

Comments (6)

(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ :૨: આજ રે સપનામાં મેં તો

આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો,
ખળખળતી નદિઉં રે સાહેલી મારા સપનામાં રે.

આજ રે સપનામાં મે તો ઘમ્મર-વલોણું દીઠું જો,
દહીંદૂધના વાટકા રે સાહેલી મારા સપનામાં રે.

આજ રે સપનામાં મેં તો લવિંગ-લાકડી દીઠી જો,
ઢીંગલાં ને પોતિયાં રે સાહેલી મારા સપનામાં રે.

આજ રે સપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો,
સોનાની થાળી રે સાહેલી મારા સપનામાં રે.

આજ રે સપનામાં મે તો પારસપીપળો દીઠો જો,
તુળસીનો ક્યારો રે સાહેલી મારા સપનામાં રે.

આજ રે સપનામાં મે તો ગુલાબી ગોટો દીઠો જો,
ફૂલડિયાંની ફોરમ રે સાહેલી મારા સપનામાં રે.

ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો જો,
ખળખળતી નદીએ રે સાસુજી મારાં ન્હાતાં’તાં રે.

ઘમ્મર-વલોણું ઈ તો અમારો જેઠ જો,
દહીંદૂધના વાટકા રે જેઠાણી મારાં જમતાં’તાં રે.

લવિંગ-લાકડી ઈ તો અમારો દેર જો,
ઢીંગલે ને પોતિયે રે દેરાણી મારાં રમતાં’તાં રે.

જટાળો જોગી ઈ તો અમારો નણદોઈ જો,
સોનાની થાળીએ રે નણદી મારાં ખાતાં’તાં રે.

પારસપીપળો ઈ તો અમારો ગોર જો,
તુળસીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાં’તાં રે.

ગુલાબી ગોટો ઈ તો અમારો પરણ્યો જો,
ફૂલડિયાંની ફોરમ સાહેલી મારી ચૂંદડીમાં રે.

લોકગીતની ભાષામાં કાવ્યતત્ત્વ ઓછું અને તળપદી ભાષાનો કાકુ વધુ પ્રબળ જોવા મળે છે. આ બોલચાલની ભાષા છે અને વળી એ અકૃત્રિમ છે. લાગણીની સહજ અભિવ્યક્તિ અને પ્રાદેશિક લઢણની સ્વાભાવિક્તા આમાં સાંગોપાંગ ઊતરી આવે છે. અભણ લોકો જિંદગીની પાઠશાળામાં જે ભણે એ છે લોકગીત. ક્યારેક અતિવિસ્તારના કારણે અહીં ભાવવિશ્વ પાતળું બનતું અનુભવાય છે તો ક્યારેક લોકગીત ગણીને આગળ ચાલ્યા જવામાં કાવ્યતત્ત્વ ચૂકી જવાનો ભય પણ રહેલો છે.

પ્રસ્તુત લોકગીતમાં કોડભરી કન્યાના ઢગલાબંધ અરમાન નાનાવિધ સ્વપ્નોના પ્રતીક દ્વારા વ્યક્ત થયા છે. ડોલતા ડુંગરથી શરૂ કરીને ગુલાબના ગોટા અને એની ફોરમ સુધી નવોઢાના સપનાંનો વ્યાપ વિસ્તરે છે અને પાછળથી આ સૌંદર્યદૃશ્યો સાથે સસરાથી માંડીને પતિ અને પોતાની જાત સુધીનો આકર્ષક સંબંધ જોડવામાં આવ્યો છે.

Comments (7)

(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ :૧: કેમ કરી જાશો ચાકરી રે

આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે
કે ઝીણા ઝરમર વરસે મેઘ
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !

ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે,
કે ભીંજાય હાથીનો બેસતલ સૂબો
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે ! – આભમાંo

ભીંજાય મેડી ને ભીંજાય માળિયાં રે
કે ભીંજાય મેડીની બેસતલ રાણી
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે ! – આભમાંo

ભીંજાય બારી ને ભીંજાય બંગલા રે
કે ભીંજાય બારીનો બેસતલ સૂબો
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે ! – આભમાંo

ભીંજાય લીલી ઘોડી ને પીળો ચાબખો  રે
ભીંજાય પાતળિયો અસવાર
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે ! – આભમાંo

તમને વા’લી દરબારી ચાકરી રે,
કે અમને વા’લો તમારો જીવ
ગુલાબી ! નહીં જાવા દઉં ચાકરી રે ! – આભમાંo

સભ્ય સંસ્કૃતિની થોડે બહારના વર્તુળમાં આદિમ જીવન વ્યતીત કરતા લોકો પોતાના દુઃખસુખ, મસ્તી-મજાક, રીતરિવાજ અને સામાજિક પ્રસંગો કે દિનબદિનની ઘટમાળના નાનાવિધ રંગોને લયમાં ઢોળીને જે બહુઆયામી ચિત્ર ઊભું કરે એ લોકગીત. આ ગીતોનો કોઈ સર્જક નહીં. એનું સર્જન ટેબલ-ખુરશી કે ઘરમાં બેસીને થાય નહીં, એ તો પ્રસંગોપાત્ત લોકોની વચ્ચે જ રચાય અને એમાં રચનારનું કોઈ કર્તૃત્ત્વ નહીં. રચાતાની સાથે જ એ તો લોકોની માલિકીનું થઈ જાય. કવિતાની જેમ એ કાગળ પર નહીં પણ સીધું લોકોના દિલમાં જ લખાઈ જાય અને પેઢે દર પેઢી ગળામાં જ સચવાય.આ સંઘોર્મિનું ગાયન છે અને એટલે જ સમય-સમયાંતરે લોકસમૂહ એમાં નવું ઉમેરતો પણ રહે છે અને જૂનું ક્યારેક વાઢતો પણ રહે છે.

પ્રસ્તુત લોકગીતમાં દરબારની ચાકરીને વહાલી ગણતા વહાલમને નોકરીએ ન જવા દેવા માટે લાખ-લાખ વાનાં કાઢતી નવોઢાના મનોભાવોનું ચિત્રણ અદભુત રીતે થયું છે.  એક પછી એક અસબાબને વરસાદમાં ભીંજાતો બતાવી અંતે નાજુક તબિયતનો પાતળિયો અસવાર ભીંજાય તો એના જીવને નાહક જોખમ થાય એમ બહાનું બતાવી છેલ્લે સુધી ‘કેમ કરી જાશો ‘નો ઉપાલંભ કરતી અર્ધાંગિની ‘નહીં જાવા દઉં ‘નો રોકડો રૂપિયો ખણખણાવે છે ત્યારે લોકગીતની મીઠાશ હૈયામાં અંકાઈ જાય છે…

Comments (6)

એક માણા તે જેવડું મોતી રે – લોકગીત

એક માણા તે જેવડું મોતી રે,
.                         તેને સાત ગાડે ઘાલી આણ્યું રે.
તેને બાર બળદિયે તાણ્યું રે,
.                         તેને સાત સુંડલિયે સાર્યું રે.
તેને સાત વીંધારાયે વીંધ્યું રે,
.                         એક ભાલાં તે સોય મંગાવો રે.
પેલા ……નું નાક વીંધાવો રે,
.                         એને નાકે તે નથડી પેરાવો રે.
એને ઘરઘરતો ઘાઘરો પેરાવો રે,
.                         એને ચસચસતો કમખો પેરાવો રે.
એને આછી પછેડી ઓઢાડો રે,
.                         તેનું ઠાંસીને માથું ગૂંથાવો રે.
તેને આછી તે પિયળ કઢાવો રે,
.                         એને કાળી કળાઈ રાતો ચુડો રે.

(લોકગીત)

કવિતા અને લોકગીતની વચ્ચે આમ જોવા જઈએ તો ડાયરી અને અખબાર જેવો ફરક હોઈ શકે. કવિતા કવિની અંગત અનુભૂતિ ઝીલે છે જ્યારે લોકગીત પ્રવર્તમાન સમાજની સામૂહિક ચેતનાને પ્રતિબિંબિત કરે છે. લોકગીતમાં જન્મ થી મરણ સુધીના બધા જ અવસરો સંજિદી હળવાશથી અને ક્યારેક કલ્પનોની તાજપ સાથે વ્યક્ત થતા જોવા મળે છે.  લોકગીતની મોટી ખાસિયત લોકબાનીના સહજ અને સરળ શબ્દોની સાથે શીરાની જેમ ગળે ઉતરી જાય એવા લય અને લહેકાની ગૂંથણી છે.  ઠઠ્ઠામશ્કરી કરતાં કરતાં હળવા હૈયે આવેલ પ્રસંગને ઉકેલવામાં લોકગીત મદદરૂપ નીવડે છે.

પ્રસ્તુત લોકગીત લગ્નના અવસરે સંધ્યાટાણે જે સાંઝીના ગીતો ગવાય છે એમાંનું એક છે. સાત-સાત ગાડાંમાં તેડીને લાવવું પડે એવા ગાગર સરીખા મોતીને ભાલાં જેવડી સોય વડે સાત-સાત વીંધનારા વડે વીંધાવવાની વાત હળવો હાસ્યરસ ઊભો કરે છે. અને જેની મશ્કરી કરતા હોય એને આવા અતિશયોક્તિસભર દાગીનાં-કપડાં પહેરાવવાની આ વાત ગાનાર અને સાંભળનાર બંનેના હોઠે સ્મિતનો લય રેલાવી રહે છે.

(માણો= મોટી ગાગર, પિયળ= સ્ત્રીના કપાળમાં કંકુ વગેરેનો કરાતો લેપ;  કળાઈ=કોણીથી કાંડા સુધીનો હાથનો ભાગ, કલાઈ)

Comments (9)