ચોઘડિયાંઓ જોતો રહેશે, માણસ તોયે રોતો રહેશે.
સુખનો સૂરજ ઊગે તોયે, દુઃખનો ડુંગર મોટો રહેશે.
ઉર્વિ પંચાલ 'ઉરુ'

દાદા હો દીકરી – લોકગીત

દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં મ દેજો રે સૈ
વાગડની વઢીયારણ સાસુ દોહ્યલી રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

દીએ દળાવે મુને, દીએ દળાવે મુને, રાતલડીએ કંતાવે રે સૈ
પાછલે તે પરોઢીએ પાણી મોકલે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ, પાંગતે સીંચણિયું રે સૈ
સામી તે ઓરડીએ, વહુ તારું બેડલું રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઘડો ન બુડે મારો, ઘડો ન બુડે, મારું સીંચણિયું નવ પૂગે રે સૈ
ઊગીને આથમિયો દી કૂવા કાંઠડે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા, સંદેશો લઈ જાજો રે સૈ
દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કહેજો દાદાને રે, કહેજો દાદાને રે, મારી માડીને નવ કહેજો રે સૈ
માડી મારી આંસુ સારશે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી, અફીણિયાં નવ ઘોળજો રે સૈ
અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કાકાના કાબરિયા, કાકાના કાબરિયા, મારા મામાના મૂંઝડિયા રે સૈ
વીરાના વઢિયારા વાગડ ઊતર્યા રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કાકાએ સીંચ્યું, કાકાએ સીંચ્યું ને મારા મામાએ ચડાવ્યું રે સૈ
વીરાએ આંગણ બેડું ફોડિયું રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

– લોકગીત

કવિશ્રી ઉદયન ઠક્કરની માતબર કલમે આજે આ ગીત માણીએ-

કચ્છનો વાગડ પ્રદેશ એવો સૂકો કે તળાવેથી પાણી સુકાઈ જાય,અને તાળવેથી વાણી.આ લોકગીતમાં સખીઓ (સૈયો) જોડે હમચી ખૂંદતાં (તાલ સાથે ફુદરડી ફરતાં) દીકરી દાદાને (પિતાને) ફરિયાદ કરે છે: મને વાગડમાં કેમ પરણાવી?

સૂરજ ઊગે એ પહેલાં પાણી સીંચવા નીકળવું પડે છે.(બેડું માથા પર જેને ટેકે મુકાય તે ‘ઈંઢોણી.’ કૂવામાં સીંચવાનું દોરડું તે ‘સીંચણિયું.’ પથારીનો પગ તરફનો ભાગ તે ‘પાંગત.’) ઓશિકે ઈંઢોણી અને પાંગતે સીંચણિયું= પગથી માથા સુધી કામ જ કામ. સીંચણિયું ટૂંકું છે, ઘડો બુડે શી રીતે? કેટલાંક એવું સમજાવે છે કે સાસુ જાણી જોઈને દોરડું ટૂંકું આપતી, જેથી વાંકી વળવા જતાં વહુવારુ કૂવે પડી જાય. વાગડ સૂકોભઠ વિસ્તાર હતો- જળની સપાટી ઠેઠ ઊંડે ઊતરી જતી. ઘેરથી કૂવા સુધી એટલા આંટાફેરા કરવા પડતા કે દિવસ આખો (કહો કે જન્મારો આખો) પૂરો થઈ જતો. દીકરી સંદેશો મોકલે છે- હું જિંદગી ટૂંકાવી દઈશ! દાદા કહે છે- થોડા દિવસ ખમી ખાઓ, અમે આણાં લઈને આવીએ છીએ.

અહીં કેટલાંક પદ હેતુપૂર્વક બેવડાવાયાં છે. ‘દાદા હો દીકરી, દાદા હો દીકરી’ (દાદા હોંકારા પર હોંકારા દે.) ‘સૈયો કે હમચી, સૈયો કે હમચી’ (વારે વારે ઘુમરડી લેતી સાહેલીઓ.) ‘દીએ દળાવે મુને, દીએ દળાવે મુને’ (એટલું બધું દળાવે કે એક વાર કહેવાથી ન સમજાય.) ‘ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ’ (કામ બે વાર ન ચીંધે તો સાસુ શાની?) ‘ઘડો બુડે નહિ, ઘડો બુડે નહિ’ (કૂવાકાંઠે નિસાસા પર નિસાસા.) ‘ઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા’ (કાકલૂદી.) ‘કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી’ (દાદાને પડતા ધ્રાસ્કા.)

ગીત કરુણરસનું હોવા છતાં દરેક કડીમાં ‘સૈયો કે હમચી, સૈયો કે હમચી’ એવું ઉમંગે હમચી ખૂંદવાનું પદ મુકાયું છે. આવા વિરોધ (કોન્ટ્રાસ્ટ)થી કરુણરસ ઘેરો ઘુંટાય છે. ‘અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે’- અંધારી રાતો હવે પૂરી થઈ, એવા આશાવાદ સાથે ગીત પૂરું થાય છે.

(આસ્વાદ: ઉદયન ઠક્કર)

11 Comments »

  1. જૂઈ જોશી શાહ said,

    May 31, 2024 @ 12:34 PM

    એ વખતની સામાજિક પરિસ્થિતિનું વેધક વર્ણન. આ ખૂબ જાણીતું લોકગીત છે અને દરેકે ગાયું કે સાંભળ્યું હશે. પણ બચપણમાં સાંભળેલ આ ગીતનો અર્થ અને સંદર્ભ ખાસ ઉમર પછી જ સમજાય તેવો છે. ઉદયન સરની કલમે રસાસ્વાદ ગમે જ.

  2. Neela sanghavi said,

    May 31, 2024 @ 12:44 PM

    તળાવમાં પાણી સુકાઈ જાય અને તાળવેથી વાણી.ક્યા બાત ઉદયનભાઈ. જાણીતા ગીતનો વાસ્તવ તરફ આંગળી ચીંધતો આસ્વાદ.

  3. Udayan Thakker said,

    May 31, 2024 @ 2:09 PM

    “ચાંદો ઊગ્યો ચોકમાં” પુસ્તકમાં (ગુજ રાજ્ય માહિતિ ખાતું) નીલેશ પંડ્યાએ લોકગીતોનું સારું સંપાદન કર્યું છે

  4. Beena Goswami said,

    May 31, 2024 @ 2:22 PM

    એકદમ હ્રદયદ્રાવક ગીત, અને એવો જ સરળ, સરસ આસ્વાદ. વાંચીને આંખ ભીની ન થાય તો સમજવું, કે હ્રદયની જગ્યાએ પત્થર છે. ગીતકાર અને આસ્વાદ કરાવનાર બંનેને પ્રણામ.🙏

  5. Beena Goswami said,

    May 31, 2024 @ 3:03 PM

    હ્રદય દ્રાવક ગીત, અને એવો જ સરળ સરસ આસ્વાદ. વાંચીને આંખ ભીની ન થાય તો સમજવું કે હ્રદયની જગ્યાએ પત્થર છે. ગીતકાર અને આસ્વાદ કરાવનાર બંનેને પ્રણામ.🙏

  6. DILIPKUMAR CHAVDA said,

    May 31, 2024 @ 5:21 PM

    આ હળાહળ કળયુગમાં આવું સુંદર લોકગીત અને આસ્વાદ વાંચી હૃદયનો ખૂણો હચમચી ગયો..

    વાહ ઉદયન સર ખૂબ જ ભાવનાત્મક અને આસ્વાદ વાંચતા વાંચતા આ ભાવનાઓમાં વહી જવાયું

  7. Asmita shah said,

    May 31, 2024 @ 5:22 PM

    અંતરને વલોવી નાખતું ,સચોટ ચિતાર આપતી પરિસ્થિતિનું વર્ણન,હેતુ પૂર્વક વપરાયેલા પદો ગીત ને નવીન ઊંચાઈ બક્ષે છે. આસ્વાદનું શું કેહવુ!

  8. Mayurika Leuva said,

    May 31, 2024 @ 7:04 PM

    વાહ! લોકગીતનો સરસ ઉઘાડ.

  9. Ramesh Maru said,

    May 31, 2024 @ 8:05 PM

    અમર લોકગીતનો એટલો અદબ ભરેલો આસ્વાદ…વાહ

  10. બાબુ સંગાડા said,

    May 31, 2024 @ 8:23 PM

    આ ગીતનો સુંદર રીતે આસ્વાદ કરી કવિએ હ્રદયની વાત સરસ શબ્દોમાં
    મુકી છે…

  11. યોગેશ ગઢવી said,

    June 1, 2024 @ 9:42 PM

    અહા… લોકગીતમાં પડેલા મર્મનો શ્રી ઉદયન ઠકકરે કરેલો અદ્ભુત ઉઘાડ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment