‘ઇર્શાદ’ એવું કોઈ છે જેને તમે કહો :
તને મળ્યા પછી ન મળાયું જ કોઈને.
- ચિનુ મોદી

પ્રથમ વરસાદની વેળા – ઉર્વીશ વસાવડા

ભૂંસાઈ ગ્રીષ્મની પાટી, પ્રથમ વરસાદની વેળા
પછી મહેકી ઊઠી માટી, પ્રથમ વરસાદની વેળા

ફૂટી નીકળી અચાનક કૂંપળો શૈશવની યાદોની
ભીતર જેને હતી દાટી, પ્રથમ વરસાદની વેળા

મળ્યા છે મોતીઓ મબલખ હથેળી જેમણે ખોલી
ખરેખર એ ગયા ખાટી, પ્રથમ વરસાદની વેળા

નર્યા ઉન્માદથી ડોલે બધાંયે વૃક્ષ મસ્તીમાં
કોઈ ભૂરકી ગયું છાંટી, પ્રથમ વરસાદની વેળા

ક્ષણિક ઝબકા૨માં પણ વીજનું નર્તન પ્રથમ દીઠું
પછી માણી ઘરેરાટી, પ્રથમ વરસાદની વેળા

– ઉર્વીશ વસાવડા

આજે વહેલી સવારે પહેલા વરસાદનો સ્વાદ માણવાનું થતાં જ આ ગઝલ સ્મૃતિપટલ પર તરવરી ઊઠી. વરસાદ વિશે આપણે ત્યાં અસંખ્ય કાવ્યો રચાયાં છે, અને લખાતાં પણ રહેશે… દરેકની પોતીકી મજા છે. પણ આખું ચોમાસું એક તરફ અને પ્રથમ વરસાદની વેળા એક તરફ. ઉનાળાથી ભડભડ બળતી સૃષ્ટિમાં પ્રથમ વરસાદની વેળાએ જે જે પરિવર્તનો અનુભવાય છે એને યથોચિત ઝીલી બતાવતી એક સાંગોપાંગ સુંદર ગઝલ આજે માણીએ…

11 Comments »

  1. manisha joban desai said,

    June 14, 2024 @ 12:23 PM

    Very nice

  2. Neela sanghavi said,

    June 14, 2024 @ 12:43 PM

    પહેલા વરસાદની મજા જ અનોખી.આ ભાવ સરસ રીતે ઝીલ્યો છે આ ગઝલમાં.

  3. Neela sanghavi said,

    June 14, 2024 @ 12:46 PM

    પહેલા વરસાદની વાત જ અનોખી એ ભાવ સરસ રીતે ઝીલ્યો છે આ ગઝલમાં

  4. Mayur Kishorchandra Saraiya said,

    June 14, 2024 @ 1:04 PM

    ખૂબ જ સુંદર!!

  5. Beena Goswami said,

    June 14, 2024 @ 1:28 PM

    વાહ, ખૂબ સરસ.
    શૈશવની યાદ, મહેકી માટી,, aaha..👌

  6. kishor Barot said,

    June 14, 2024 @ 1:43 PM

    વરસાદની વેળાનું અતિ સુંદર ચિત્રણ.
    કવિને અભિનંદન. 🌹

  7. DILIPKUMAR CHAVDA said,

    June 14, 2024 @ 2:11 PM

    સરસ છે

  8. Parbatkumar nayi said,

    June 14, 2024 @ 6:45 PM

    વાહ મજાની ગઝલ

  9. Yogesh Samani said,

    June 15, 2024 @ 12:28 PM

    અફલાતૂન ગઝલ.
    બધાંયે ✅

  10. Yogesh Samani said,

    June 15, 2024 @ 12:30 PM

    અફલાતૂન ગઝલ. બધાંએ નહીં, બધાંયે હોવું જોઈએ.

  11. વિવેક said,

    June 15, 2024 @ 12:58 PM

    @યોગેશ સામાણી:

    સુધારી લીધું છે
    આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment