આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય
ગાંધી કદી સૂતા નથી -
હસમુખ પાઠક

શબ્દસુમન: હર્ષદ ચંદારાણા : ૦૧ : ગઝલ-પ્રતીક્ષાની

*

પ્રતીક્ષાની કેવી ફસલ નીપજે છે?
અનાયાસ આખી ગઝલ નીપજે છે.

પ્રતીક્ષા કરી જોઈ હોડી બનીને
પરંતુ ન કાંઠો, ન જલ નીપજે છે.

પ્રતીક્ષાનું છે વૃક્ષ એવું કે જેમાં
ન ડાળી, ન પર્ણો, ન ફલ નીપજે છે.

પ્રતીક્ષા કરું છું વસંતોની જ્યારે
પ્રથમ પાનખર પણ અસલ નીપજે છે

હતી આ સરોવરને કોની પ્રતીક્ષા?
ફરી ને ફરીથી કમલ નીપજે છે.

– હર્ષદ ચંદારાણા

હર્ષદ ચંદારાણા એટલે રમેશ પારેખના શબ્દોમાં કહીએ તો ‘પોતાની પ્રતિભાના વેગથી, આંતરિક સામર્થ્યથી પોતાના બાયોડેટાની બહાર સતત વિસ્તરતી રહેતી’ વ્યક્તિ. થોડા દિવસ પહેલાં ૧૬ જુન, ૨૦૨૪ના રોજ કવિશ્રી હર્ષદ ચંદારાણા એમનો અ-ક્ષરદેહ પાછળ છોડીને પરલોક સિધાવ્યા… લયસ્તરો તરફથી એમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ…

કવિને શબ્દાંજલિ નિમિત્તે શરૂઆત પ્રતીક્ષા ઉપર લખાયેલી એક મજાની મુસલસલ ગઝલથી કરીએ. પાંચેય શેર સંતર્પક થયા છે.

*

10 Comments »

  1. પીયૂષ ભટ્ટ said,

    June 20, 2024 @ 11:41 AM

    ગુજરાતી ગઝલનાં શિરમોર કવિ
    શ્રી હર્ષદ ચંદારાણા આજ શબ્દબ્રહ્મમાં વિલીન થયા.
    મિત્રો માટે મન મૂકી ને વરસી જતાં હર્ષદભાઈનું નિકટતમ સ્નેહ સાનિધ્ય મળ્યું છે. એ ઘનઘોર સંભારણા સાથે હ્રદય પૂર્વક પ્રાર્થના સહ અશ્રુપુરક શબ્દાંજલિ તેમના જ શબ્દોથી……

    ગરજતા મેઘ લઈને વાદળાં ઘનઘોર આવ્યાં છે,
    નવાં કૈં ગીત લઈને કેટલા ટાગોર આવ્યા છે.

    હતું નભ સાવ ખાલીખમ, અડકતા પીંછી વાદળની,
    થયું એ વહાલનો કાગળ, આ એવા પ્હોર આવ્યાં છે.

    પડે માથે ને ચમકાવે, મને વિહ્વળ કરે છાંટા,
    પહેરી મેઘ-ધનુનાં વસ્ત્ર એ ચિત્તચોર આવ્યા છે.

    મને આ ચૂપ ભાળીને, ફરી ગાતો કરી દેવા,
    પવન, વરસાદ, વાદળ, વીજ, ચારેકોર આવ્યાં છે.

    અમે ઓવારણાં લીધાં, હૃદયમાં બેસણાં દીધાં,
    અમારે દ્વાર, જળનું રૂપ લઈ ઠાકોર આવ્યાં છે.

    – હર્ષદ ચંદારાણા

  2. Shah Raxa said,

    June 20, 2024 @ 11:51 AM

    વાહ..વાહ..હૃદયપૂર્વક સાદર વંદન….🙏💐

  3. kishor Barot said,

    June 20, 2024 @ 12:09 PM

    કવિની દિવ્ય ચેતનાને વંદન. 🙏

  4. Nehal said,

    June 20, 2024 @ 12:12 PM

    કવિશ્રીને સાદર શ્રધ્ધાંજલિ 🙏🏼🙏🏼

  5. Varsha L Prajapati said,

    June 20, 2024 @ 12:22 PM

    કવિની દિવ્યચેતનાને સાદર વંદન🙏💐💐💐

  6. જગદીપ નાણાવટી said,

    June 20, 2024 @ 12:35 PM

    પ્રતીક્ષા હતી એને અનુરૂપ જ ગઝલ મૂકી….ખરેખર સુંદર ગઝલ…

  7. Varij Luhar said,

    June 20, 2024 @ 1:02 PM

    કવિશ્રી હર્ષદ ચંદારાણાની દિવ્ય ચેતનાને વંદન

  8. ઉદાય મારુ said,

    June 20, 2024 @ 1:52 PM

    કવિને ચેતનાને પ્રણામ

    🙏🙏🙏

  9. kantilal sopariwala said,

    June 23, 2024 @ 10:01 AM

    મને આ ચૂપ ભાળીને, ફરી ગાતો કરી દેવા,
    પવન, વરસાદ, વાદળ, વીજ, ચારેકોર આવ્યાં છે.
    ભાઈ શ્રી હર્ષદ ચંદારાણા ને ભાવ વિભોર શ્રદ્ધા સુમન

  10. Pinki said,

    June 27, 2024 @ 5:29 PM

    સાદર વંદન 🙏🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment