મોસમ આવી છે સવા લાખની,
હવે છત્રી સંકેલ તારા કામની…
– ઉષા ઉપાધ્યાય

શબ્દસુમન: હર્ષદ ચંદારાણા : ૦૪ : સરોવર-સ્તવન

*

બુંદ વિના જળ કિમ ભવતિ,
.               વણ મોતી કિમ હંસ
કમળ વિના સરોવર નવ જીવિ,
.               પુત્ર વિના નવ વંશ

વૃક્ષ વિના તટ કહિ પિરિ જીવિ,
.               પર્ણ વિના કિમ ડાળ
પવન વિના નૌકા નવ બઢતિ,
.               વણ પથ્થર નવ પાળ

વિહગ વિના માળો કિમ ભવતિ,
.               વણ કલરવ કિમ વાયુ
પંખ વિના ગગન કિમ કટતિ,
.               વણ પ્રિયજન કિમ આયુ

દેશ્ય વિના આંખો નવ ઠરતિ,
.               હાથ રહે નવ ચૂપ
લહર સંગ લેખન અબ ચલતિ,
.               આલેખું તવ રૂપ

– હર્ષદ ચંદારાણા

કવિના પુણ્યસમરણમાં આજે આ આખરી શબ્દસુમન…

કવિશ્રી હર્ષદ ચંદારાણાએ પ્રયોગો પણ ઘણા કર્યા છે. એક જ વિષય પર એકાધિક રચનાઓથી માંડીને ૧૦૮ શેરોની ગઝલમાળા પણ એમણે રચી છે. પ્રસ્તુત ગીતરચના પણ પ્રયોગની રૂએ અન્ય ગીતરચનાઓથી હટ કે છે. કવિએ પરંપરિત માત્રાગણ વાપરવાના બદલે દોહરા છંદનો વિનિયોગ કર્યો છે, પણ એમાંય ૧૩-૧૧ માત્રાના ચરણ પ્રયોજવાના સ્થાને મોટાભાગની કડીઓમાં ૧૫-૧૧ માત્રાના ચરણ રચ્યા છે. સરવાળે એમ જણાય છે કે દોહરાને મનમાં રાખીને કવિએ નિજ શ્રુતિલયને અનુસરીને આ કાવ્યરચના કરી હોવી જોઈએ. જે હોય તે, આપણને મમમમ સાથે કામ છે કે ટપટપ સાથે?

દોહાકથન કવિતાના કેન્દ્રસ્થાને હોવાથી કવિએ કાવ્યબાની અને કથન પણ એ જ રીતનાં રાખ્યાં છે. સરોરવ અંગેનું આ સ્તવન છે એટલે આઠેય ચરણમાં સરોવરને ધ્યાનમાં રાખીને કાવ્યવિહાર કરવાનો છે. જેમ બુંદ વિના જળ નહીં અને મોતી વિના હંસ નહીં, એમ કમળ વિના સરોવર નહીં અને પુત્ર વિના વંશ નહીં –આ જ પ્રાચીન ગુજરાતી શૈલીમાં આખી રચના હોવાથી એની નોખી ભાત અને અનૂઠો લય નિરવદ્યપણે આસ્વાદ્ય બને છે.

*

4 Comments »

  1. પીયૂષ ભટ્ટ said,

    June 23, 2024 @ 12:39 PM

    પ્રાચીન દોહરા શૈલીમાં સંસ્કૃત શબ્દો નો વિનિયોગ કરી પ્રસ્તુત રચનામાં કવિશ્રીએ નાવીન્ય સભર પ્રયોગ કર્યો છે. વળી આ સરોવર સ્તવન છે તો સાથે પરસ્પરના સંબંધનો સાયુજ્ય મહિમા પણ અહીં ગવાયો છે. આઠ ચરણમાં વિસ્તરેલું આ કાવ્ય એકમેક નાં સાનિધ્ય ને ઉજાગર કરે છે.
    કોઈ પૌરાણિક સંસ્કૃત નાટક કે કાવ્ય વાંચતા જે રસ માધુર્ય હૈયે છલકાય તેવી લાગણી પ્રસ્તુત કાવ્ય વાંચતા જ થાય.
    નજર સામેનાં દ્રશ્યને પાણીના ટીપાથી લઈને સંબંધિત તમામ બાબતોને આવરી લેવા કવિ ત્વરિત સજ્જ થાય છે અને આ
    મનોહર દ્રશ્યને પોતાની લેખિની દ્વારા આલેખવા તત્પર બને છે.
    અને જાણે કહે છે,
    એકમેકને સથવારે આવો, ઝળહળીએ.

  2. બાબુ સંગાડા said,

    June 23, 2024 @ 9:07 PM

    કવિની ભાષા પ્રત્યેની ઊંડી સૂઝ તેમા આપનો આસ્વાદ ખૂબ સુંદર રીતે રજુ થયેલ છે

  3. વિવેક said,

    June 24, 2024 @ 7:11 PM

    સુંદર મજાના પ્રતિભાવ બદલ બંને મિત્રોનો હૃદયપૂર્વક આભાર

  4. Varij Luhar said,

    June 27, 2024 @ 12:08 PM

    કવિશ્રી હર્ષદ ચંદારાણાની દિવ્ય ચેતનાને વંદન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment