ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન,
કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે,
તમે જો ન હો તો બધા કહી ઊઠે કે;
વિધાતાથી કોઇ કસર થૈ ગઇ છે.
ગની દહીંવાલા

શબ્દસુમન: હર્ષદ ચંદારાણા : ૦૨ : અંધાર આછો આછો

*

આછો આછો રે અંધાર
.              ખોલે બંધ રહેલાં દ્વાર

ઝણ–ઝણ ઝણકંતો એકધારો
.              ઝીણો વાગે છે એકતારો
તાણી તંગ કરીને તારો
.              અંધારાનો આ પીંજારો
.              પીંજે જીવને તારે તાર

આછું આછું રે અજવાળું
.              થોડું ગોરું ઝાઝું કાળું
કાબરચિતરું ને ભમરાળું
.              ગૂંથે ઝળઝળિયાંનું જાળું
.              પકડે પૂરવજનમની પાર

– હર્ષદ ચંદારાણા

હર્ષદ ચંદારાણાએ ગઝલની સરખામણીમાં ગીતો બહુ ઓછાં લખ્યાં છે, પણ એમનાં ગીતોમાં પણ વિષયવૈવિધ્ય અને ભાષાક્રીડા અછતા રહેતા નથી. જો કે આજે એમને શબ્દસુમન અર્પવાના ઉપક્રમ નિમિત્તે એવા કોઈ રમતિયાળ ગીત પર પસંદગીનો કળશ ઢોળવાના બદલે મને ગમતું એક ગીત રજૂ કરું છું.

મૃત્યુના કિનારે આવીને જીવનદર્શન પામતા મનુષ્યની અનુભૂતિની આ રચના છે. મૃત્યુ ઢૂકડું આવી ઊભું છે, પણ હજી આંખો બીડાવાને વાર હોવાથી અંધારું ગાઢું નહીં, આછું આછું છે. આ આછા આછા અંધકારંબા હાથે સમજણના કે મુક્તિના દ્વાર ખૂલી રહ્યાં છે. જીવનવાદ્ય એકધારું ઝણઝણ ઝણકી રહ્યું છે. તાર તાણીને તંગ કરીને અંધારાનો પીંજારો જીવને તારે તાર પીંજી રહ્યો છે, મતલબ અંત હવે નિકટમાં જ છે. શરૂમાં આછું આછું અંધારું વર્તાતું હતું, હવે આછું આછું અજવાળું વર્તાઈ રહ્યું છે. અજવાસ છે પણ અંધકારના વર્ચસ્વવાળો. આંખોમાં ઝળઝળિયાનું જાળું બાઝ્યું છે, જેના કારણે આછા અજવાળામાં અસ્પષ્ટપણે પૂર્વજન્મના સંસ્કાર પણ વર્તાય છે,

*

6 Comments »

  1. બાબુ સંગાડા said,

    June 21, 2024 @ 12:51 PM

    કવિ શ્રી હર્ષદ ચંદારાણાને તેમની જ કવિતામાં મુૂત્યુના રહ્સ્યની વાત આપને કરીને
    ખૂબ જ સુંદર રીતે શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે.કવિએ જીવનનું મહત્વ કેટલું છે તેની વાત પહેલા કવિતામાં સમજાવી શક્યા છે.

  2. નેહા પુરોહિત said,

    June 21, 2024 @ 2:01 PM

    હર્ષદભાઈની ગમતી કૃતિઓમાં આ પ્રથમ
    પાંચમાં આવે એવું ગીત છે.

    ઝણ–ઝણ ઝણકંતો એકધારો
    . ઝીણો વાગે છે એકતારો
    તાણી તંગ કરીને તારો
    . અંધારાનો આ પીંજારો
    . પીંજે જીવને તારે તાર.

    એકધારો ઝણઝણ ધ્વનિ ઝીણોઝીણો સંભળાય છે, એનાં બે
    સ્વરુપ કેવી સહજતાથી મૂકી આપ્યાં ! એક તરફ કવિ એકતારાની વાત કરી પારલોક તરફની ગતિનો ઈશારો
    કરે છે, ને સાથે જ અંધારાનો પીંજારો જીવને તારે તાર
    પીંજે છે એમ કહી કર્મબંધનમાથી મુક્તિ મળી રહી હોવાનો
    નિર્દેશ કરી દેય છે… આ છે નીવડેલી કલમનો કમાલ !
    કવિની દિવ્ય ચેતનાને વંદન..

  3. પીયૂષ ભટ્ટ said,

    June 21, 2024 @ 2:48 PM

    હર્ષદભાઈ ને શ્રદ્ધાંજલી સ્વરૂપે આપે પસંદ કરેલું ગીત ખૂબ જ સરસ રીતે અંતિમ વેળાની પળને ઉજાગર કરે છે. પણ અહીં રાવજી પટેલનાં ‘મારી આંખે કંકુ નાં સૂરજ આથમ્યા…’ જેવો વિષાદ નથી, પણ આવનારા મૃત્યુનાં એંધાણનો સ્વીકાર ભાસે છે. તટસ્થ રહીને મૃત્યુ સમયની ક્ષણોને નીરખી લેવાની સમય સૂચકતા છે.
    સમગ્ર ગીત આવનાર મૃત્યુને પોંખણા કરવાનાં mood નું છે. આછી આછી અંધારે પરમના દ્વાર ખૂલવાની વેળાએ જીવનને પણ ઝાંખું પાંખું નીરખતાં, લેખાજોખા કરતા રહીને અંધારાના રૂ ને પિંજવાનાં પ્રતિક રૂપે ઢાળી છે. સાથે આંખોમાં ઝળઝિળયાંનાં ઝાળા ઉલેચવાનો અવસર પ્રાપ્ત થયાનો અહેસાસ આછા આછા ઉજાસ નાં પ્રતિક દ્વારા ઉત્કટ રીતે વ્યક્ત થાય છે. અહી તેમના મિત્ર રમેશ પારેખનું ગીત પણ યાદ આવી જાય…
    ” આછી આછી રે મધરાતે જીવણ જોયો રે તને…

    સરસ ગીતનું સરળ રસદર્શન કરાવવા માટે અભિનંદન.

  4. પીયૂષ ભટ્ટ said,

    June 21, 2024 @ 2:49 PM

    હર્ષદભાઈ ને શ્રદ્ધાંજલી સ્વરૂપે આપે પસંદ કરેલું ગીત ખૂબ જ સરસ રીતે અંતિમ વેળાની પળને ઉજાગર કરે છે. પણ અહીં રાવજી પટેલનાં ‘મારી આંખે કંકુ નાં સૂરજ આથમ્યા…’ જેવો વિષાદ નથી, પણ આવનારા મૃત્યુનાં એંધાણનો સ્વીકાર ભાસે છે. તટસ્થ રહીને મૃત્યુ સમયની ક્ષણોને નીરખી લેવાની સમય સૂચકતા છે.
    સમગ્ર ગીત આવનાર મૃત્યુને પોંખણા કરવાનાં mood નું છે. આછી આછી અંધારે પરમના દ્વાર ખૂલવાની વેળાએ જીવનને પણ ઝાંખું પાંખું નીરખતાં, લેખાજોખા કરતા રહીને અંધારાના રૂ ને પિંજવાનાં પ્રતિક રૂપે ઢાળી છે. સાથે આંખોમાં ઝળઝિળયાંનાં ઝાળા ઉલેચવાનો અવસર પ્રાપ્ત થયાનો અહેસાસ આછા આછા ઉજાસ નાં પ્રતિક દ્વારા ઉત્કટ રીતે વ્યક્ત થાય છે. અહી તેમના મિત્ર રમેશ પારેખનું ગીત પણ યાદ આવી જાય…
    ” આછી આછી રે મધરાતે જીવણ જોયો રે તને…

    સરસ ગીતનું સરળ રસદર્શન કરાવવા માટે અભિનંદન. કવિશ્રી ની શબ્દ ચેતનાને પીયૂષ પ્રણામ.

  5. વિવેક said,

    June 22, 2024 @ 11:50 AM

    સરસ મજાનો પ્રતિભાવ પાઠવવા બદલ સહુ મિત્રોનો સહૃદય આભાર…

  6. Pinki said,

    June 27, 2024 @ 5:30 PM

    વિષય અને શૈલી સુંદર 🙏🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment