યાયાવરી કરીને આંસુ ઊડી ગયાં પણ
આંખોના કોરા કાંઠે સુરખાબ રહી ગયાં છે.
- વિવેક મનહર ટેલર

કવિતાનો પરિચય – બિલી કોલિન્સ (અનુ.: વિવેક મનહર ટેલર)

હું એમને કહું છું કે એક કવિતા લો
અને એને પ્રકાશ સામે ધરો
રંગીન કાચના ટુકડાની જેમ

અથવા એના છત્તા સાથે કાન માંડી જુઓ.

હું કહું છું કે એક ઉંદરને કવિતામાં નાંખી દો
અને એ કઈ રીતે બહાર આવે છે એ નિહાળતા રહો,

અથવા કવિતાના ઓરડામાં પ્રવેશ કરો
અને બત્તીની ચાંપ શોધવા માટે દીવાલોને ફંફોસો.

હું ઇચ્છું છું કે તેઓ કવિતાની સપાટી ઉપર
વોટર સ્કી કરતાં કરતાં
કિનારા પરના લેખકના નામ તરફ હાથ લહેરાવે.

પરંતુ તેઓ તો બસ આ જ ઇચ્છે છે
કે કવિતાને એક દોરી વડે ખુરશી સાથે બાંધી દેવામાં આવે
અને એને યાતના આપવામાં આવે કબૂલાત કઢાવવા માટે.

તેઓ એને ચાબુક વડે પીટવા માંડે છે
એ શોધવા માટે કે હકીકતમાં એનો અર્થ શો છે.

– બિલી કોલિન્સ
(અનુ.: વિવેક મનહર ટેલર)

કવિતામાંથી અર્થ કાઢવાની કવાયત તો પરાપૂર્વથી ચાલતી આવી છે અને ચાલુ જ રહેવાની છે. મારીમચડીને કવિતામાંથી અર્થ કાઢી તો લઈએ, પણ શું એ અર્થ જ કવિ કે કવિતાનું ખરું લક્ષ્ય હશે એમ કહી શકાય ખરું? કવિતા ઉપર બળાત્કાર કરવાના બદલે કવિતાનો વિશુદ્ધ આનંદ લેતા શીખીએ એ કદાચ વધુ યોગ્ય ન કહેવાય? હકીકતમાં, કવિતામાં અર્થ કરતાં અનુભૂતિનું મહત્ત્વ વધારે છે. ભાષા કરતાં ભાવ વધુ અગત્યનો છે. શબ્દ અર્થનું વાહન બની રહેવાના બદલે કવિહૃદયના સંવેદન ભાવક સાથે સહિયારવાનું ઉપાદાન બની રહે ત્યારે ખરો કાવ્યાનંદ પ્રાપ્ત થાય અને કવિકર્મ સાર્થક થયું ગણાય. બિલી કોલિન્સની આ કવિતા અદભુત પ્રતીકોની મદદથી આપણને આ વાત સફળતાપૂર્વક સમજાવે છે. આ સંદર્ભમાં આ સાથે રાવજી પટેલની “ઠાગા ઠૈયા” કવિતા પણ અવશ્ય વાંચવી જોઈએ.

Introduction to Poetry

I ask them to take a poem
and hold it up to the light
like a color slide

or press an ear against its hive.

I say drop a mouse into a poem
and watch him probe his way out,

or walk inside the poem’s room
and feel the walls for a light switch.

I want them to waterski
across the surface of a poem
waving at the author’s name on the shore.

But all they want to do
is tie the poem to a chair with rope
and torture a confession out of it.

They begin beating it with a hose
to find out what it really means.

– Billy Collins

8 Comments »

  1. કમલેશ ચૌધરી - "અમન" said,

    June 8, 2024 @ 12:17 PM

    વારંવાર વાંચશો તો જ સમજાય એવી રચના, મને લાગે છે કે કવિતાને આપણે જે અભિગમથી જોતાં આવ્યાં છીએ એ અભિગમથી અલગ દ્રષ્ટિકોણ તરફ લઈ જાય છે આ રચના. ખરેખર અદ્ભૂત રચના છે માણીને આનંદ થયો.

  2. Udayan Thakker said,

    June 8, 2024 @ 1:09 PM

    સારી કવિતા શોધી કાઢી. ઉંદરમાંથી ડુંગર.

  3. સંજુ વાળા said,

    June 8, 2024 @ 1:51 PM

    અરે વાહ
    સરસ કાવ્ય
    અનવાદ પણ ઘણો સાહજિક છે
    ધન્યવાદ

  4. નેહા પુરોહિત said,

    June 8, 2024 @ 2:55 PM

    ખૂબ મજાની કવિતા.. એમાંય ઉંદરનું
    કલ્પન કેવું સહજ વણાઈ ગયું છે!!
    સરસ કવિતા શેર કરવા બદલ ધન્યવાદ.

  5. બાબુ સંગાડા said,

    June 8, 2024 @ 5:33 PM

    ખૂબ મજાની કવિતા કવિતામાં કવિએ સહજ ભાવોને સુંદર રીતે અભિવ્યક્ત કર્યા છે.

  6. વિવેક said,

    June 8, 2024 @ 5:50 PM

    એકાધિક સિદ્ધહસ્ત કવિઓનો પ્રતિભાવ સાંપડે એ જ કવિતાની સાચી સફળતાની નિશાની છે…

    સહુનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર

  7. Pragna vashi said,

    June 9, 2024 @ 1:09 PM

    ખૂબ સરસ કવિતા અને ખૂબ સરસ અનુવાદ
    કાવ્યમાં કવિ સરસ એવું ઉંદરનું કલ્પન વાપરીને
    કહેવાનું સરળ કરી દે છે. વાહ અભિનંદન .

  8. યોગેશ ગઢવી said,

    June 9, 2024 @ 1:55 PM

    કવિતાને સમજીએ કે જાણીએ એના કરતાં માણીએ…
    ખૂબ સુંદર અનુવાદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment