ભીતરે એકલા જવું પડશે,
બ્હાર બીજે અનેક લૈ જાશે !
સુધીર પટેલ

ઠાગા ઠૈયા – રાવજી પટેલ

ઠાગા ઠૈયા ભલે કરે રામ !
આપણે તો અલબત-શરબત ઊંચું મેલ્યું.
ભલે મારું નિર્વાણ ઊડી જાય !
ભલે મને મળે નહીં બ્રહ્મનું બટેરું ભરી છાશ.
દોમદામ પેઢીઓની ગીચતાને
મારે નથી શણગાર પ્હેરાવવા,
એની પર ખીજડા છો ઊગ્યાં કરે;
સુગરીઓ ભલે બાંધે ઘર, ભલે સેલ્યૂટ ભર્યા કરે !
આપણે શા ઠાઠ
કવિતાને ઘર શું ને કરવા શા ઘાટ !
કવિતાને મોગરાની ખપે બસ વાસ.
દોમદામ સાહ્યબી મારે મન ફફડતા પડદા –
ફફડતી ભીંત.
મારે મન હંમેશનાં હવડ કમાડ
ઘટમાળ-બટમાળ કશું નહીં,
સાહ્યબીનો ચ્હેરો હવે સૂર્ય નહીં –
સૂર્ય હવે છાણનું અડાયું મારે મન.
મારે મન કવિતાની સાહ્યબીના સૂરજ હજાર.
ઓરડામાં પડેલો આ અંધકાર ઊંચકું હું કેમ?
તમારે કહ્યે મારા નિજત્વને ફેંકી દઉં કેમ?
મને તો ઘણુંય થાય :
નજીક બેસાડી તારા ઘરને હું કવિતાની જેમ
કશો અર્થ દઉ;
તારી શય્યાને કવિતાની ગંધ દઉં.
કિંતુ વ્યર્થ
તમારે તો સાણસીનો કરવો છે અર્થ.
હું તો માત્ર કવિતાઈ રણનો પ્રલંબ પટ
કેવળ વેરાઈ જાણું પ્રણયની જેમ.
પણ તમારે તો દરિયાનો કરવો છે અર્થ.
હું તો માત્ર,
કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર,
હું તો માત્ર
કવિ,
હું તો માત્ર
ઓરડામાં સબડતું આદિ મમી,
હું તો માત્ર
ભૂખથી રિબાતું મારું વલ્લવપુરા ગામ.
હું તો માત્ર
ખાલીબખ નિઃસહાય ૐ
પણ તમારે તો ગણિતનાં મનોયત્ન ગણવાં છે.
મારી પાસે નથી એ ગણિત
મારી પાસે નથી એનો અર્થ
મારી પાસે કવિતાનો નથી કશો નર્થ.

– રાવજી પટેલ

રાવજીને કવિતા સામે બે તકલીફો હતી. એક, એ પૂર્વજોએ બાંધેલા એના ભવ્ય મહાલયોમાંથી બહાર આવતી નથી અને બે, અર્થ જાણે એનું અવિભાજ્ય અંગ ન હોય એમ આખી દુનિયા કવિતામાંથી અર્થ શોધતી રહે છે. એક તરફ રાવજી કવિતાના પરંપરાગત ઢાંચા -ઘાટ અને શૈલી- સામે વિદ્રોહ પોકારી મૌલિકતા ઉપર ભાર મૂકે છે તો બીજી તરફ કવિતામાંથી અર્થ શોધવાની વૃત્તિનો ત્યાગ કરીને અનુભૂતિ તરફ ધ્યાન આપવા એ કહે છે. કવિતાને એની અખિલાઈમાં આસ્વાદવાની છે. એનું અંગ-ગણિત નહીં, એને સંગ અગણિત માણવાનું છે. એની આબોહવામાં બેરોમીટર નહીં, ખાલી ફેફસાં લઈને પ્રવેશવાનું છે, તો જ શ્વાસમાં એનો પ્રાણવાયુ ભરાશે. તત્ત્વજ્ઞાનના પરંપરાગત વિચારો, મૃતઃપ્રાય સંસ્કૃતિના બીબાંઢાળ સંસ્કારો, વ્યવહારુ ભૌતિકવાદના સુનિશ્ચિત માળખાંમાં જે કેદ છે એ બીજું કંઈ પણ હોય, કવિતા નથી. કવિતા જ સાચો વૈભવ, કવિતા જ સાચો પ્રકાશ, કવિતા જ સાચું ઘર. શૈય્યા અને ભૂખના અંગત નિત્ય અનુભવોની અર્થધાત્રી એ કવિતા. ભવ્ય ભૂતકાળ નહીં, પણ પ્રવર્તમાન ઠોસ વાસ્તવ સાથેનું નિજત્વની સુગંધસભર અનુસંધાન એ જ જીવનનો સાચો અર્થ, એ જ સાચી કવિતા.

કવિતાનો વિશદ આસ્વાદ આપ અહીં માણી શકશો: http://tahuko.com/?p=18838

10 Comments »

  1. નેહા said,

    July 4, 2020 @ 2:50 AM

    કવિતાની કવિતાનો બળકટ આસ્વાદ.. ખુબ સરસ.

  2. Nehal Vaidya said,

    July 4, 2020 @ 3:00 AM

    વાહ, ખૂબ સરસ રચના અને આસ્વાદ.

  3. Dilip Chavda said,

    July 4, 2020 @ 4:05 AM

    Really Nice way of expression through poem
    મજા આવી

  4. સંજુ વાળા said,

    July 4, 2020 @ 6:10 AM

    કવિતા પાસે કવિતા સિવાયની અપેક્ષા રાખીએ તો આ આપણો પૂર્વજ નિરાશ થાય.

  5. Prahladbhai Prajapati said,

    July 4, 2020 @ 8:08 AM

    અદ્ભુત આલેખન સાય બિ નો ચહેરો હવે સુર્ય નહિ

  6. pragnajuvyas said,

    July 4, 2020 @ 9:22 AM

    ઠાગા ઠૈયા – રાવજી પટેલનુ સ રસ ઊર્મિકાવ્ય,
    હું તો માત્ર
    ખાલીબખ નિઃસહાય ૐ
    પણ તમારે તો ગણિતનાં મનોયત્ન ગણવાં છે.
    મારી પાસે નથી એ ગણિત
    મારી પાસે નથી એનો અર્થ
    મારી પાસે કવિતાનો નથી કશો નર્થ.
    અદભુત
    તેનો ડૉ વિવેક દ્વારા મનન કરવા જેવો આસ્વાદ તેમા
    ‘શૈય્યા અને ભૂખના અંગત નિત્ય અનુભવોની અર્થધાત્રી એ કવિતા. ભવ્ય ભૂતકાળ નહીં, પણ પ્રવર્તમાન ઠોસ વાસ્તવ સાથેનું નિજત્વની સુગંધસભર અનુસંધાન એ જ જીવનનો સાચો અર્થ, એ જ સાચી કવિતા.’
    ચિંતન કરવા જેવી વાત

  7. Poonam said,

    July 4, 2020 @ 10:28 AM

    ઓરડામાં પડેલો આ અંધકાર ઊંચકું હું કેમ?
    તમારે કહ્યે મારા નિજત્વને ફેંકી દઉં કેમ?

    હું તો માત્ર… kyaa Baat !!

    એની આબોહવામાં બેરોમીટર નહીં, ખાલી ફેફસાં લઈને પ્રવેશવાનું છે
    Kavita ne (Aa)Swaad… 👍🏻

  8. Kajal kanjiya said,

    July 5, 2020 @ 4:05 AM

    તમારા કહ્યે મારા નિજત્વને ફેંકી દઉ કેમ!

    વાહહહહ

  9. હરિહર શુક્લ said,

    July 5, 2020 @ 7:44 AM

    “સૂર્ય હવે છાણનું અડાયું મારે મન”
    નરી મોજ 👌💐

  10. Bharat Bhatt said,

    July 5, 2020 @ 11:59 AM

    મહાલયો ,ભવનો કે મહેલોમાં સાહ્યબી વચ્ચે એ સુખને ભોગવતાં આવડવું જોઈએ.મન અને શરીરમાં negativity ભરી હોય તો એમાંય ઉણપ દેખાય. પાણીનો પ્યાલો અડધો ભરેલાનો આનંદ કે અડધા ખાલીનો અફસોસ !! કવિનું નિજતત્વ શું? કવિતા.
    કુતરાની પુંછડીનો વાંકો વિસ્તાર અને એટલીજ ત્રિજયામાં માનસિકતા
    સરસ રચના
    વિવેકભાઈનો સુંદર રસાસ્વાદ કાવ્યને માનસિક માનોમંથન ઉંચાઈયો પર લઇ જાય છે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment