મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
– રાવજી પટેલ
(જન્મ: ૧૫-૧૧-૧૯૩૯, મૃત્યુ: ૧૦-૦૮-૧૯૬૮)
‘લયસ્તરો’ પર પહેલીવાર ગયા અઠવાડિયે નવા પ્રયોગ તરીકે કવિતાનો આસ્વાદ તૈયાર આપવાના બદલે વાચકોને આ કાવ્યનો આસ્વાદ કરાવવા માટે ઇજન અપાયું હતું જેના સુંદર પ્રતિસાદ બદલ સહુ મિત્રોનો આભાર…
રાવજી પટેલનું આ અમર કાવ્ય અમરગઢમાં જીંથરીના રુગ્ણાલયના ખાટલે મૃત્યુને ઢૂંકડું આવી ઊભું જોઈને લખાયું છે. અહીં લય લોકગીતનો છે પણ ભાવ છે શોકગીતનો. મૃત્યુની સાક્ષાત્ અનુભૂતિ તો કદાચ અકળ છે પણ એ આંખ સામે આવીને ઊભું હોય ત્યારે જે સંવેદના થાય એનો મૃત્યુના સાક્ષાત્કાર સમો લવચિક છતાં બળકટ ચિતાર ચિત્કાર કર્યા વિના કવિએ અહીં આપ્યો છે. આ ગીતને રાવજીએ કોઈ શીર્ષક આપ્યું નથી પણ આપણે સહુ એને ‘આભાસી મૃત્યુના ગીત’ તરીકે ઓળખીએ છીએ. ઉમાશંકર જોશીએ આ રચનાને ‘રાવજીનું હંસગીત’ કહી વધાવ્યું હતું.
સુરેશ દલાલ, હરીન્દ્ર દવે જેવા ખ્યાતનામ કવિઓ અને થોડી મારી સમજણની ભેળસેળ કરીને આ ગીત ફરીથી માણીએ:
સમજાય એવું છે કે કાવ્યનાયક કવિ પોતે જ છે. એ ગૃહસ્થ છે, જુવાન છે અને આંખ સામે અડીખમ મૃત્યુ છે. આવા માણસના શ્વાસ સમેટાવાના હોય ત્યારે પહેલો વિચાર પત્નીનો, એના સૌભાગ્યનો જ આવે. સૌભાગ્ય સામે વૈધવ્ય જીતતું દેખાય ત્યારે સૌભાગ્યના પ્રતીક જેવો- કંકુના સૂરજ જેવો ચાંદલો પોતાની સગી આંખે- આથમતી આંખે દેખાય છે. ‘આથમ્યા…’ પછીનાં ત્રણ ટપકાં એ આંસુના ચિહ્ન હોઈ શકે છે અથવા કંઈક કહેવું છે અને કહેવાતું નથી એની વ્યથાના સંકેત પણ…
લગ્નગીતના લયમાં ફોરતું આ મૃત્યુગીત લગ્નની તૈયારીની જેમ જ પોતાના મૃત્યુના સામૈયાની તૈયારી કરે છે. વીરાને વે’લ શણગારવાનું અને રામણદીવડાની શગ (જ્યોત) સંકોરવાનું આહ્વાન આપી કવિ વેદનાને વલૂરે છે. લોકગીત કે લગ્નગીતમાં સામાન્યરીતે પંક્તિના અંતે આવતો ‘રે’ અહીં પદારંભે વપરાયો છે. દુઃખની વાત હોય ત્યારે આપણે ‘રે..રે… આ શું થઈ ગયું?’ કહીએ, શું એ અહીં કવિને અભિપ્રેત હશે? સૂરજ આથમે ત્યારે અંધારું થાય પણ દેહ આથમે ત્યારે શ્વાસ અજવાળાં પહેરીને ઊભા રહે છે. પાસે બળતા દીવાનું અજવાળું? ક્ષરલોકના અંધારેથી નીકળીને અક્ષરલોકના અજવાળાંની યાત્રા? तमसो मा ज्योतिर्गमय ?
પીળો રંગ રોગનો રંગ છે. પાનખરનો રંગ છે. લીલો રંગ તાજગીનો, વસંતનો, યૌવનનો રંગ છે. ઘોડો પ્રતીક છે શક્તિનો, તાકાતનો, સવીર્યતાનો. બેલગામ યૌવનના ઘોડા એક પીળા પાંદડામાં જ્યારે ડૂબી જાય છે ત્યારે માત્ર કવિ કે કાવ્યનાયક જ નહીં એની સાથે યૌવનના અગણિત સપનાંઓ, અલકાતાં-મલકાતાં રાજ-કાજ બધું જ ડૂબે છે. આનંદમાં હોઈએ ત્યારે આપણે ક્યારેક શબ્દોને બેવડાવીને બોલીએ છીએ.. અલક-મલકની વાતો… કવિ અહીં દુઃખના પ્રસંગે અલકાતાં સાથે મલકાતાં અને રાજ સાથે કાજનો માત્ર પ્રાસ નથી બેસાડતા, દુઃખની દ્વિરુક્તિ પણ કરે છે… હણહણતી સુવાસમાં ઘોડા સાથે હનહણવાનો સંદર્ભ તરત પકડાઈ જાય છે પણ જ્યાં ‘હણહણતી’ સુવાસને ‘સાંભળવા’ની વાત આવે છે ત્યાં દૃશ્ય, શ્રાવ્ય અને ઘ્રાણ સંસ્કારોનો ઇન્દ્રિયવ્યત્યય થયેલો અનુભવાય છે. સુવાસ નિરાકાર છે. હવે તો દેહનો પણ કોઈ આકાર રહેવાનો નથી… કરેલા કર્મ જ પ્રિયજનને સુવાસરૂપે સંભળાતા રહેશે !
દીકરીને વિદાય કરતી વખતે મા-બાપ કહે છે, ‘તારા પતિનો પડછાયો થઈ રહેજે સદાયે સાથે…’ યુવાન પતિને મરતાં અટકાવવા કોણ સહુથી વધુ ઝંખે? પત્ની જ સ્તો ! સત્યવાનની સાવિત્રી જ ને ! અને પત્ની કેવી રીતે રોકવા મથે છે ? ડૂમો ભરેલા ગળેથી અડધોપડધો બોલ માંડ નીકળે છે.. ડગલું ભરવા ઊંચકેલ પગ આગળ વધે એ પહેલાં આઘાતથી અટકી જાય છે એટલે ઝાંઝર પણ અડધું જ બોલે છે. ઘા જોરથી થાય તો એની વેદના ક્ષણજીવી રહે પણ હળવા ઘા ચિરંજીવી બની રહે છે. નાયક મૃત્યુનો સાક્ષાત્કાર કરવા તો જઈ રહ્યો છે પણ આવી સજીવ હળવાશ એને હજી પણ અટકાવી રહી છે… સ-જીવી હળવાશમાં કદાચ, બે જીવ-સોતી પત્નીના ભાવિમાં ઝળુંબતા વૈધવ્યની વેદનાનોય સંકેત હોય. રાવજીના મૃત્યુ સમયે, એમની પત્ની એવી અવસ્થામાં હતીય ખરી.
વ્યથાને હદમાં રહીને તો સૌ કોઈ શબ્દમાં કંડારે છે; ક્યારેક અનહદ વ્યથાનું પૂર શબ્દોના અર્થના સીમાડાને તોડીને ફેલાઈ જતું હોય છે. પાંપણ ભીની કર્યા વિના ક્યારેય વાંચી ન શકાય એવા આ કાવ્યમાં એવું બન્યું છે!