(આંબા પર દીઠું ગુલાબ) – રાવજી પટેલ
સાંભળ તો સખી આંબા પર ફૂટ્યું ગુલાબ
મારી છલકઈ ગઈ આંખોની છાબ.
મેં તો આંબા પર દીઠું ગુલાબ…
સાંભળ તો સખી એક ઝીણેરી મોરલાની ડાળ
નરી ટહુકાની નવીસવી વાડ,
વચ્ચે છાયુંમાયું ચંદનતલાવ,
મેં તો આંબા પર દીઠું ગુલાબ…
સાંભળ તો એક કૂણા કૂણા કાંટાની વાત,
જાણે નાના ગુલાબ એમાં સાત.
મને વાગીને કરતો ઈલાજ.
મેં તો આંબા પર દીઠું ગુલાબ…
સાંભળ તો સખી મેં તો સમણામાં લંબાવ્યો હાથ,
મારી રોળઈ ગઈ રળીઢળી વાત.
મેં તો આંબા પર દીઠું ગુલાબ…
– રાવજી પટેલ
સહજ વિચારધારાથી વિપરિત ચાલીને અસહજને સહજ બનાવી શકે એ જ કવિતા. કવિતા અસંભવનો હાથ ઝાલીને ચાલે તો ખરી, પણ એનો જાદુ જ એવો કે ભલભલું અસંભવ પણ સંભવ લાગે… આંબા પર ગુલાબ ફૂટવાની વાત કવિએ એટલી સહજતાથી કરી છે કે જરા સભાનતા ઓછી હોય તો ભાવકને એવો વિચાર સુદ્ધાં ન આવે કે આંબા પર ગુલાબ ફૂટે? પણ રાવજી આપણને ‘સાંભળ તો સખી’ કહીને એટલો નજદીક લાવી દે છે કે આપણને આંબા પર ગુલાબ ફૂટવાની સહેજે નવાઈ લાગતી નથી. આંબો ઘટાટોપ સાસરાંને ગણીએ તો સાહ્યબો એટલે ગુલાબ એ સહજે સમજી શકાય. અને એને જોતાવેંત નાયિકાની આંખોની આખી છાબ છલકઈ જાય છે… જો જો હંઅઅ… છાબ છલકાઈ નથી જતી, છલકઈ જાય છે… આંખોમાં હરખના આંસુ એ રીતે ઊમટી આવ્યાં છે, કે છલકાઈમાંના કાનાને એ સાથે ઘસડી લઈ ગયાં… છે ને કવિકર્મ!
બહુ નાની વયે વિદાય લઈ જનારે રાવજીને વિદાયનો દિવસ ઢૂંકડો આવે એ પહેલેથી જ સમજાઈ ગયું હતું કે એનો દીવો ઝાઝું ચાલવાનો નથી. ઓલવાતો દીવો વધુ ભભકે એમ એની કવિતાઓમાં અતૃપ્ત રતિરાગ પણ અવારનવાર ઉછાળા મારતો નજરે ચડે છે. નવવધૂ એની સખીને અંતરંગ વાતો કરી રહી છે. મોરલો કદાચ બંને સંદર્ભમાં વપરાયો હોય –આંબાના ઝીણેરા મોર અને સાક્ષાત મોર! સાસરિયાંની ડાળ પર ટહુકાની સીમા વચ્ચે ચંદન સમી શીતળતા બક્ષતો સ્નેહ નાયિકા માણી રહી છે. વાગીને ઈલાજ કરતો કૂણો કૂણો કાંટો સંભોગશૃંગાર તરફ ઇંગિત કરતો જણાય છે, અને સપ્તપદીની પગલે પગલે નાનાં ગુલાબ ફોરી રહ્યાં છે. નાયિકા સુખી સંસારનું સપનું જોતાં-જોતાં અજાણતાં હાથ લંબાવી બેસે છે અને એની રળીઢળી વાત રોળઈ જાય છે… અહીં પણ રતિક્રીડાનો આવેગ ‘રોળાઈ’માંના કાનાને તાણી ગયો છે. રોળાઈ જવાના પણ બંને સંદર્ભ ખુલ્લા રાખીને કવિ વાત પૂરી કરે છે…
હરિહર શુક્લ said,
June 12, 2020 @ 1:09 AM
ઓહો, નકરી મોજ 👌
નેહા said,
June 12, 2020 @ 3:18 AM
ઢાંકી ઢબૂરીને શ્રુંગાર વર્ણન કેવું અદ્ભુત લાગે છે !! આંબાથી શરુ કરીને કાંટા સુધી લંબાતી કવિતા ભાવકનાં મનમાં કશે કોઈ ઉપદ્રવ કરતી નથી.. આ રાવજી મધ્યમ આયુ પામ્યા હોત તોય ગુજરાતી સાહિત્ય પર કોઈની આણ વર્તાઈ શકી ન હોત.. કદાચ રાવજીધારામાં આપણે સહુ તણાયા હોત…
વંદન રાવજી.
આભાર લયસ્તરો.
Kajal Kanjiya said,
June 12, 2020 @ 3:30 AM
વાહહહ 👌
shah Raxa said,
June 12, 2020 @ 8:44 AM
વાહ..આંખોની છાબનું છલકઈ જવું.કવિકર્મને વંદન..આસ્વાદથી વધારે હ્રદયસ્પર્શી
pragnajuvyas said,
June 12, 2020 @ 10:04 AM
આંબા પર દીઠું ગુલાબ…રાવજી પટેલના ગીતમા બુદ્ધિ કરતાં લાગણીનું વર્ચસ નોખું તરી આવે છે.અહીં નગરમાં આવી પડવાથી છિનવાઈ ગયેલા ગ્રામીણ અસબાબની ઝંખા છે. ક્ષયની શય્યાગ્રસ્ત રુગ્ણતા અને નિષ્ક્રયતા સાથે બહારના જગતના થયેલા વિયોગની વેદના છે તેમ જ મૃત્યુનું વૈયક્તિતક વેદન છે. ગીતમા શબ્દબળ સાથે રહેલું ઈન્દ્રિયબળ પણ નોંધપાત્ર છે.
ડૉ વિવેકના સ રસ આસ્વાદમા ‘રતિક્રીડાનો આવેગ ‘રોળાઈ’માંના કાનાને તાણી ગયો છે. રોળાઈ જવાના પણ બંને સંદર્ભ ખુલ્લા રાખીને કવિ વાત પૂરી કરે છે’ ફરીથી મધુર ગીત ગુંજન કરવા પ્રેરે છે
Nitin goswami said,
June 12, 2020 @ 12:15 PM
આંબા પર દિઠું ગુલાબ…વાહ શું કલ્પના છે.વાહ..
Harshad M Mistry said,
June 12, 2020 @ 4:03 PM
સુન્દર ક્રુતિ !!
લલિત ત્રિવેદી said,
June 18, 2020 @ 9:14 AM
સાચું ગીત