તું આવ આ ક્ષણે જ બહુ એકલો છું હું,
લાંબો ન કર વિચાર હજી એકલો છું હું.
– ધર્મેશ ભટ્ટ

શબ્દોત્સવ – ૨: અછાંદસ: એક બપોરે – રાવજી પટેલ

મારા ખેતરના શેઢેથી
‘લ્યા ઊડી ગઈ સારસી !
મા,
ઢોચકીમાં છાશ પાછી રેડી દે.
રોટલાને બાંધી દે.
આ ચલમની તમાકુમાં કસ નથી;
ઠારી દે આ તાપણીમાં
ભારવેલો અગની
મને મહુડીની છાંય તળે
પડી રહેવા દે.
ભલે આખું આભ રેલી જાય,
ગળા સમું ઘાસ ઊગી જાય,
એલે એઈ
બળદને હળે હવે જોતરીશ નંઈ…
મારા ખેતરને શેઢેથી –

-રાવજી પટેલ

ખેડા જિલ્લાના વલ્લવપુરા ગામના વતની રાવજી પટેલ (જન્મ: 15-11-1939, મૃત્યુ: 10-08-1968) આયખાનો ત્રીસીનો આંકડો વતાવે એ પહેલા જ આ સારસીની પેઠે ઊડી નીકળ્યા. ક્ષયરોગની બિમારીમાં થયેલું અકાળ અવસાન આપણા સાહિત્યનો એક ગરવો અવાજ સમયથી પહેલાં છિનવી ગયું. કૃષિજીવન અને ગ્રામ્યપરિવેશ એમની કવિતાનો આત્મા. એ નિજત્વથી ભર્યો ભર્યો કવિ છે. એની સર્જકતાને કશું ગતાનુગતિક, કશું રૂઢ ખપતું નથી. અહીં આ કવિતામાં બહુ ઓછા વાક્યોમાં ગામડાના ખેતરનું ચિત્ર તાદ્દશ રચાય છે. ઉત્કટ પ્રેમના પ્રતીક રૂપ સારસીના એકાએક ઊડી ગયા બાદ નાયકની નકારાત્મક પદાવલિઓ ખેતર સમા જીવનના ખાલીપાના અર્થને અને એમાં કશું પણ ઉગાડી શકવાની ઈચ્છા અને શક્યતાઓને ઉજાગર કરે છે.

મરણોત્તર કાવ્યસંગ્રહ: ‘અંગત’.

5 Comments »

  1. પિનાકિન લેઉવા said,

    December 6, 2006 @ 12:57 AM

    વાહ ખુબજ મઝા આવી ગઇ. હુ ઘણાઁ વર્ષોથી આ કાવ્ય ને માણવા અધીરો હતો. આજે મારી આશા ફ્ળી આ કાવ્યને તેજ સમજી શકે કે જેના દિલે કારમો ઘા જીલ્યો હોય.

  2. Vihang Vyas said,

    December 6, 2006 @ 6:44 AM

    સારસીનું ખેતરનાં શેઢેથી ઊડી જવું , તે પછીનાં કવિના વિષાદસભર ઉદગારો હ્રદયને હચમચાવી જાય છે. રોટલાને બાંધી દે, ઢોચકીમાં છાશ પાછી રેડી દે, આ ચલમની તમાકુમાં કસ નથી…….અને તે પણ માત્ર પોતાનાં ખેતરમાંથી એક સારસીના ઊડી જવાથી !!!
    સારસી નો કવિએ વિનિયોગ કરીને કશુંક લાઘવયુક્ત રાખ્યું છે. અને તે જ કવિતાની ગરિમા છે. આભાર વિવેકભાઈ.

  3. ઊર્મિસાગર said,

    December 7, 2006 @ 9:15 PM

    ખરેખર ખુબ જ હ્રદયસ્પર્શી કાવ્ય છે…
    શબ્દોમાં જે વર્ણવ્યું નથી એવું પણ કેટલું દર્દ અહીં છતું થાય છે!

  4. Anonymous said,

    January 15, 2023 @ 8:03 PM

    અહીં સારસી એ એની બાલસખીનું પ્રતીક છે. ખેતર એકલતા, વ્યથા, વિષાદ, વતન ઝુરાપો અને કૃષિદગ્ધતાનું પ્રતિક છે. ત્રણ બિમારી ને પાંચ પાંચ સ્વપ્નાંઓ વચ્ચે હિજરાતો રાવજી ખેતર શરીર સંદર્ભે અને બપોરે એ એની યુવાવસ્થાની રુગ્ણતા રૂપે જોઈ શકાય, એવું મારું માનવું છે.

  5. Anonymous said,

    January 15, 2023 @ 9:37 PM

    પ્રો.રમેશ સાગઠીયા, જૂનાગઢ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment